એક ક્રાંતિકારીની ઇચ્છા

    ૧૧-ઓગસ્ટ-૨૦૧૭

વાત એ દિવસોની છે જ્યારે દેશનાં હજારો યુવા ક્રાંતિકારીઓ માતૃભૂમિની આઝાદી માટે કફન બાંધીને નીકળ્યા હતા. મહાન ક્રાંતિકારી કરતારસિંહ સરાભાએ પોતાના સાથી સાથે મળી ભારતને એક જ દિવસમાં આઝાદ કરવાની યોજના બનાવી હતી. ક્રાંતિ માટે બેઠકો યોજાઈ રહી હતી, હથિયારો ભેગા કરાઈ રહ્યા હતા. કમનસીબે આ યોજનાની ગંધ અંગ્રેજ સરકારને આવી ગઈ. કરતારસિંહની ધરપકડ થઈ. કેસ ચાલ્યો. તેઓએ કોઈપણ ડર રાખ્યા વિના ક્રાંતિની યોજના બનાવવાનું કબુલ્યું. ન્યાયાધીશે તેઓને વિચારીને નિવેદન આપવાની ચેતવણી આપતા કહ્યું, ‘તુ જાણે છે કે અહીં તુ જે વાત સ્વીકારી રહ્યો છું. તેનું પરિણામ શું આવી શકે છે ?’ કરતારસિંહનો જવાબ હતો, ‘વધુ તો શું થશે ? મને ફાંસી જ થશે ને ! મારી તો ઇચ્છા એ જ છે કે, મને ફાંસી મળે. જેથી હું ફરી જન્મ લઈ ભારત માતા માટે મારા જીવનનું બલિદાન આપી શકું. મારી ઇચ્છા છે કે જ્યાં સુધી મારો દેશ આઝાદ ન થાય ત્યાં સુધી વારંવાર જન્મ લઈ અંગ્રેજો સામે ક્રાંતિ કરુ અને ફાંસી પર લટકતો રહું.’ ભારતની આઝાદી આવા અનેક વીરલાઓની દેન છે. આઝાદીને જાળવવી એ જ આઝાદ દિનની ખરી ઉજવણી બની રહે.