વંચી આયર(પોંડિચેરી - મદ્રાસ)

    ૧૧-ઓગસ્ટ-૨૦૧૭

 


ઈ.સ. ૧૯૦૯ની આસપાસનો સમય છે. મદ્રાસ રાજ્યમાં બિપીનચંદ્ર પાલના ભાષણથી અજબની જાગૃતિ અને ખુમારી આવી ગઈ છે. બોમ્બ બનાવવા માટેની તાલીમ લેવા, ગોરા અમલદારોનાં ખૂન કરવા અનેક જુવાનો ઉત્સાહથી નાચી રહ્યા છે.

સુબ્રમણ્યમ શિવ, ચિદમ્બરમ્ પિલ્લે જેવા મદ્રાસના આગેવાનો અંગ્રેજો વિરુદ્ધ ખૂબ ઉશ્કેરી મૂકે તેવાં ભાષણો કરવા બદલ કારાવાસને પામ્યા છે.

શંકરકૃષ્ણ આયર અને નીલકંઠ બ્રહ્મચારી આખા મદ્રાસ રાજ્યમાં ઘૂમે છે. સ્વદેશીનો મહિમા સમજાવે છે. આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે જંગે ચડવા લોકોમાં ધરખમ પ્રચાર કરે છે.

એક દિવસ કૃષ્ણસ્વામીને વંચી આયર નામનો એક નવલોહિયો યુવાન મળે છે. અંગ્રેજોની ઉપર એના મનમાં જબરી નફરત જાગી છે.

માભોમની આઝાદી માટે એ પોતાના જીવનની કુરબાની આપવા થનગની રહ્યો છે. કૃષ્ણસ્વામી નીલકંઠ બ્રહ્મચારીને આ શૂરાતનથી ભરેલા દેશભક્ત વંચીનો ભેટો કરાવે છે.

વંચીએ એના મનમાં એક વાત સાફ નક્કી કરી લીધી છે. ખૂબ મોટા પાયા ઉપર અંગ્રેજોની કતલ કરવાથી જ આઝાદી સહેલાઈથી મળી શકે તેમ છે.

એ જમાનામાં પોંડિચેરી ફ્રેન્ચોના કબજામાં હતું. અનેક ભારતીય ક્રાંતિકારીઓ અવારનવાર ત્યાં જતા.

પરદેશથી આવેલાં શસ્ત્રો, રિવોલ્વરો, કારતૂસો વગેરે મેળવતા.

અંગ્રેજોને ફૂંકી મારવાની ઇચ્છા ધરાવતા વંચીને કમનસીબે રિવોલ્વર ચલાવતાં આવડતી ન હતી. અંગ્રેજો પર વેર લેવાના ઝનૂનથી લગભગ ગાંડાતૂર બનેલા વંચીથી એ કેમ સહી શકાય ?

આથી એ તો સીધો પોંડિચેરી ઊપડ્યો.

એણે પોતાના કામ પરથી ત્રણ મહિનાની રજા લીધી.

આ ત્રણ મહિનાના ગાળા દરમ્યાન પોંડિચેરીમાં એણે પિસ્તોલ ચલાવવાની આકરી તાલીમ લીધી. જોતજોતામાં એ જબરો નિશાનબાજ બની ગયો.

પોંડિચેરીમાં અવારનવાર આવતા ક્રાંતિકારીઓને વંચી હંમેશાં પોતાની યોજના સમજાવતો.

મદ્રાસમાં તિન્નીવલીમાં એ વખતે એશ નામનો એક ગોરો જિલ્લા મેજિસ્ટ્રેટ રહેતો હતો. વંચીએ અંગ્રેજોની કતલના કાર્યક્રમના શુભ શુકન એશના ખૂનથી કરવાનું નક્કી કર્યંુ હતું.

પોંડિચેરીથી પાછા ફર્યા બાદ એનું બધું જ ધ્યાન એશના ખૂન પાછળ લાગેલું હતું. છેવટે ઈ.સ. ૧૯૧૨ના જૂન માસની ૧૭મી તારીખે વંચીને જોઈતી તક મળી ગઈ.

મેજિસ્ટ્રેટ એશ તે દિવસે એક રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો હતો.

ધન...ધન...ધન... કરતી વંચીએ ગોળી છોડી. એશ તરત જ ઘવાઈને મરણ પામ્યો. આ વખતે વંચીને આ પ્રવૃત્તિમાં ઉત્સાહ આપનાર શંકરકૃષ્ણ પણ અગાઉથી નક્કી કર્યાં પ્રમાણે નજીકમાં જ છૂપી રીતે હાજર રહ્યા હતા.

વંચીને તરત પોલીસે ગિરફ્તાર કરી લીધો. એનાં ખીસાં તપાસવામાં આવ્યાં.

ખીસામાંથી એક પત્રિકા નીકળી. પત્રિકામાં અંગ્રેજોની વિરુદ્ધ આગઝરતું લખાણ છાપેલું હતું. તામિલ ભાષામાં એ પ્રકટ થયેલી હતી.

એમાં લખ્યું હતું કે, ભારતને આઝાદ કરવા માટે અને ધર્મની ફરીથી સ્થાપના કરવા માટે અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢો. જે દેશ પર રામ, કૃષ્ણ, અર્જુન, ગુરુ ગોવિંદસિંહ, શિવાજી મહારાજ જેવા રાજવીઓ રાજ્ય કરી ગયા, એ દેશ ઉપર અંગ્રેજો રાજ્ય કરે એ ભારે શરમજનક છે.

વંચી આયર પર સરકારે કામ ચલાવ્યું. માભોમની આઝાદીને માટે ધાર્મિક વૃત્તિવાળા એ દેશભક્તે હસતે મુખે પોતાની જીવનની આહુતિ આપી.