વિદેશની ધરતી પર ક્રાંતિની આહ્‌લેક જગાવનારા ક્રાંતિકારીઓ

    ૧૧-ઓગસ્ટ-૨૦૧૭

 ‘દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ ’ આ પંક્તિ અર્ધસત્ય છે. વિદેશોની ધરતી પર રહીને તેમના જ ઘરમાં તેમની સામે ક્રાંતિની પ્રવૃત્તિ કરીને અનેક ક્રાંતિકારીઓએ અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો અને અન્ય દેશોને પણ ભારતને સ્વતંત્ર કરવાનું મહત્ત્વ સમજાવ્યું. આ બહુ મોટી વાત છે.

આપણને વિવિધ માધ્યમોથી સતત એવું જ ઠસાવવામાં આવે છે કે ભારતની સ્વતંત્રતા અહિંસક માર્ગે જ મળી અને તેમાંય મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુનો જ ફાળો છે, પરંતુ આ વાસ્તવિકતા નથી. ૧૮૫૭થી લઈને ૧૯૪૭ સુધી અનેક લોકો પોતપોતાની રીતે અહિંસક અને હિંસક રીતે લડતા રહ્યા. ભારતમાં અને ભારતની બહાર પણ લડતા રહ્યા. આમાંય ભારતની બહાર લડવાનું વિશેષ મહત્ત્વ હતું. ભારતની બહાર ઇંગ્લેન્ડ, પેરિસ વગેરેમાં લડત આપવી, ત્યાંના સમાચારપત્રોમાં લખવું, તેઓ સમજે તે અંગ્રેજીમાં પોતાની વાત પહોંચાડવી વગેરેના કારણે બ્રિટિશરો પર આંતરરાષ્ટ્રીય દબાણ પણ ઊભું થયું હતું. આ રીતે ભારતની બહાર રહીને લડનારા અમર ક્રાંતિકારીઓની વાત કરીએ.

સૌથી પહેલું નામ યાદ આવે શ્યામજી કૃષ્ણ વર્માનું. કચ્છના માંડવીમાં તેમનો જન્મ ૪ ઑક્ટોબર ૧૮૫૭ના રોજ થયો હતો. એ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનું વર્ષ હતું અને ખાસ તો સશસ્ત્ર ક્રાંતિ કરવા પ્રયાસ થયો હતો. આની અસર સચેત-અચેત મન પર ગર્ભાવસ્થાથી જ શ્યામજી પર પડી હશે કે કેમ તે તો ભગવાન જાણે, પરંતુ તેમણે ઇંગ્લેન્ડમાં એટલે કે બ્રિટિશરોના પોતાના ઘરમાં રહીને જે ક્રાંતિની આહલેક જગાવી તે અજોડ છે. તેઓ સ્વામી દયાનંદ સરસ્વતી અને લોકમાન્ય તિલકથી પ્રભાવિત હતા. તેમને કોંગ્રેસના ગરમ દળની નીતિ પસંદ હતી. તેઓ પહેલા અ-બ્રાહ્મણ વ્યક્તિ હતા જેમને કાશીના પંડિતોએ કાશીમાં તેમનું પ્રવચન સાંભળી તેમને પંડિતની ઉપાધિ આપી હતી. ૧૯૦૦માં લંડનના શ્રીમંત વિસ્તારમાં તેમણે એક મોંઘું મકાન ખરીદ્યું અને તેનું નામ ઇન્ડિયા હાઉસ રાખ્યું. આ મકાન વિદેશમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ તેમજ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું ધમધમતું કેન્દ્ર બની ગયું. ભારતથી ત્યાં ભણવા આવતા વિદ્યાર્થીઓને શ્યામજી તે સમયે રૂ. ૨૦૦૦ (આજના તો કરોડો રૂપિયા થયા)ની શિષ્યવૃત્તિ આપતા હતા. આ શિષ્યવૃત્તિમાંથી જ એક મોટા ક્રાંતિકારી મળ્યા જેમનું નામ હતું- વિનાયક દામોદર સાવરકર એટલે કે વીર સાવરકર !

શ્યામજીના આ નિવાસસ્થાનમાં વીર સાવરકર ઉપરાંત ભીકાજી કામા, લાલા હરદયાલ, વી.એન. ચેટર્જી, શહીદ ભગતસિંહ, લાલા લાજપતરાય, તિલક રોકાયા હતા. વકીલ હોવા ઉપરાંત પત્રકાર પણ હતા તેવા શ્યામજી ‘ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’ નામનું છાપું પણ પ્રસિદ્ધ કરતા હતા. આ સમાચારપત્રમાં બ્રિટિશરો વિશે આકરા લેખો બદલ શ્યામજીને લંડનના બાર કાઉન્સિલ જેને ઇનર ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે, તેમાંથી બહાર કઢાયા. શ્યામજી પર બ્રિટિશ જાસૂસો સતત નજર રાખતા હતા. છેવટે તેમણે તેમનું કાર્યકેન્દ્ર પેરિસ ખસેડ્યું અને ‘ઇન્ડિયા હાઉસ’ વીર સાવરકરને સોંપ્યું હતું. પરંતુ બ્રિટિશ સરકારે તેમને ફ્રાન્સથી પ્રત્યાર્પણ કરીને લાવવાના પ્રયાસ કર્યા કારણકે તેમને ફ્રાન્સના રાજકારણીઓનું સમર્થન મળવા લાગ્યું હતું. પેરિસમાં શ્યામજીના કાર્યના કારણે યુરોપીય દેશોમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામને ટેકો મળવા લાગ્યો હતો. તે પછી ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ ફ્રાન્સમાં આવવાના હતા તેથી ફ્રાન્સ પોતાની હાજરીના કારણે મૂંઝવણમાં ન મુકાય તે માટે તેમણે જીનેવા જવાનું પસંદ કર્યું.

તેમનું અવસાન જીનેવામાં થયું. તેમણે સ્વિત્ઝર્લેન્ડની સરકાર સાથે ગોઠવણ કરી હતી કે તેમના અને તેમનાં પત્નીનાં મૃત્યુ પછી તેમના અસ્થિ સ્વતંત્રતા પછી ભારત મોકલવામાં આવે. પરંતુ ભારત સ્વતંત્ર થયાનાં ૫૬ વર્ષ સુધી ભારતની કોઈ સરકારને આ અસ્થિ મેળવવાનું યાદ ન આવ્યું ! ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ ઑગસ્ટ ૨૦૦૩ના રોજ આ અસ્થિ ભારત લાવ્યા. તેની યાત્રા પણ કાઢી હતી જેથી આ વિસરાઈ ગયેલા મહાન ક્રાંતિકારીની ભારતીયોને ફરીથી યાદ આવે. વડા પ્રધાન તરીકે મોદી વર્ષ ૨૦૧૫માં ઇંગ્લેન્ડ પહોંચે તે પહેલાં બ્રિટિશ બારે તેમને મૃત્યુ ઉપરાંત ફરીથી સભ્યપદે સ્થાપિત કરી તેમના ગૌરવનું પુન:સ્થાપન કર્યું હતું.

વીર સાવરકર પણ ‘ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’ અને બર્લિનથી નીકળતા ‘તલવાર’માં બ્રિટિશરો વિરુદ્ધ આકરા લેખો લખતા હતા. ૧૯૦૭માં તેમણે ઇન્ડિયા હાઉસમાં ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની સુવર્ણ જયંતી મનાવી. આપણે બધા નિશાળમાં જે ઇતિહાસ ભણીએ છીએ, જે મોટા મોટા લોકો પ્રવચન આપે છે તેઓ પણ ૧૮૫૭ની લડતને વિપ્લવ, બળવો, ગદર કહે છે, પરંતુ હકીકતે તે સ્વતંત્રતા સંગ્રામ હતો. બળવો તો તેને કહેવાય જે પોતાની જ સરકાર સામે થાય. અંગ્રેજોએ જ તેને વિપ્લવ તરીકે ઘોષિત કરેલો. અને આપણી અંગ્રેજ માનસિકતાવાળી સરકારોએ એ શબ્દ ચાલુ રાખ્યો. વીર સાવરકરે એ સમયે કહેલું કે ૧૮૫૭ની લડત એ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. અંગ્રેજો ઇચ્છતા હતા કે ભારતીયોમાં આ સત્ય ન પહોંચે.

તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓના કારણે તેમની ધરપકડ કરાઈ. તેમને બે-બે વાર કાળા પાણીની આકરી સજા થઈ હતી. તેઓ પહેલી વખત તેમને પકડીને લાવવામાં આવી રહ્યા હતા ત્યારે જહાજમાંથી કૂદકો મારી નાસી છૂટ્યા હતા. પરંતુ ત્યારે તેમની ધરપકડ થઈ ગઈ. બીજી વાર તેઓ આંદામાનની જેલમાં રહ્યા. ત્યાંથી પછી તેમને મુંબઈ લઈ જવાયા હતા અને છેવટે પ્રચંડ લોકલાગણી જોઈને કેટલીક શરતો સાથે તેમની મુક્તિ કરાઈ હતી.

આવા એક બીજા ક્રાંતિકારી એટલે સરદારસિંહ રાણા. તેઓ ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાના દાદા થાય. તેમનો જન્મ સુરેન્દ્રનગર પાસેના લીંબડી ગામે થયો. ૧૯૦૦માં લંડનમાં બાર-એટ-લોના અભ્યાસ દરમિયાન તેઓ શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા. ૧૮ ઑગસ્ટ ૧૯૦૭ના રોજ તેમણે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદના બીજા અધિવેશનમાં મેડમ ભીકાજી કામા સાથે ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવેલો. સરદારસિંહ માનતા કે સશસ્ત્ર ક્રાંતિ માટે લશ્કરી પ્રશિક્ષણ જ‚રી છે. તેઓ બોમ્બ બનાવતાં પણ શીખ્યા. પેરિસમાં સેનાપતિ બાપટને બોમ્બ બનાવવાનો અભ્યાસ કરવા મોસ્કો જવા માટે મદદ કરી. તેમણે સુભાષચંદ્ર બોઝને જર્મન રેડિયો પર પ્રવચન આપવામાં પણ મદદ કરી હતી. તેઓ પણ ‘તલવાર’ તથા પેરિસથી કામા દ્વારા પ્રસિદ્ધ ‘વંદે માતરમ્’માં લેખો લખતા. મદનલાલ ધીંગરાને કર્નલ વાયલીની હત્યા કરવા માટે રિવોલ્વર સરદારસિંહે આપી હતી. સરદારસિંહ ભારત આવ્યા ત્યારે તેમની પાસે બે રાષ્ટ્રધ્વજ હતા, જેમાંનો એક રાજેન્દ્રસિંહ રાણા પાસે છે અને બીજો તેમણે જવાહરલાલ નહેરુને ભેટ આપ્યો હતો.

ભારતની સ્વતંત્રતા લડાઈમાં હિન્દુ-મુસ્લિમો જ નહીં, પરંતુ મૂળત: વિદેશથી આવેલા એવા પારસીઓએ પણ યોગદાન આપ્યું હતું, જેમાં મેડમ ભીકાજી કામાનું નામ મોખરે છે. ૨૪ સપ્ટેમ્બર ૧૮૬૧ના રોજ ધનવાન પરિવારમાં જન્મેલાં કામાજીના મનમાં દેશભક્તિ ભરપૂર હતી અને સાહસવૃત્તિ પણ અદમ્ય હતી. તેમણે લંડન, જર્મની અને અમેરિકાનો પ્રવાસ કરીને ભારતની સ્વતંત્રતા માટે વાતાવરણ નિર્માણ કર્યું હતું. તેઓ અગાઉ કહ્યું તેમ પેરિસથી ‘વંદે માતરમ્’ નામનું સમાચારપત્ર પ્રકાશિત કરતાં હતા. (મહિલા પત્રકારોના આદ્ય કાળમાં તેમનું નામ મોખરે આવે !) તેઓ ‘તલવાર’માં પણ લખતાં હતાં. ૧૯૦૭માં જર્મનીમાં મળેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં તેમણે દુનિયાને જાણ કરી કે ભારતમાં બ્રિટિશ શાસન ચાલુ રહે તે માનવતાના નામે કલંક છે. તેમણે લોકોને ભારતને બ્રિટિશરોની દાસતાંમાંથી મુક્તિ અપાવવા અનુરોધ કર્યો. ભારતની સ્વતંત્રતા માટે લાંબો સમય તેઓ ભારત બહાર રહ્યાં. ભીકાજી કામા પારસી હોવા છતાં તેમણે અને સરદારસિંહે જે ધ્વજ ફરકાવેલો તેમાં અલગ-અલગ પંથોનું પ્રતિનિધિત્વ તો હતું જ પરંતુ તેમાં દેવનાગરી લિપિમાં વંદે માતરમ્ પણ લખેલું હતું. જાન્યુઆરી ૧૯૧૦માં વીર સાવરકરનું સ્વાસ્થ્ય બગડ્યું ત્યારે તેઓ ભીકાજી કામાને ત્યાં આવેલા. કામા તેમનાં બીજી મા જેવાં બની ગયાં. તેમણે બે માસ સુધી સાવરકરજીની સેવા કરી. જ્યારે સાવરકરજીને પકડી લેવામાં આવ્યા ત્યારે તેમને મુક્ત કરાવવા પણ કામાજીએ સઘન પ્રયત્નો કર્યા. માર્સેલિસના મહાપૌર (મેયર)ને તેમણે આ બાબતે વિનંતી કરી હતી. બ્રિટિશરો દ્વારા સાવરકરજીને ફ્રાન્સની ભૂમિ પર પકડવા એ ફ્રાન્સના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે તેમ પણ તેમણે કહ્યું. આ વૃત્તાંત

‘લતાં’ સમાચારપત્રમાં પણ મોકલ્યું અને સાવરકરજી સામે મુંબઈમાં વિધિગત કાર્યવાહી ચાલશે તેમ અનુમાન કરીને મુંબઈના ઍડ્વોકેટ જોસેફ બેપ્ટિસ્ટાને તાર મોકલીને સાવરકરજીને મદદ કરવા પણ કહ્યું.

તેમની ભારતમાં રહેલી સંપત્તિ બ્રિટિશરોએ જપ્ત કરી લીધી હતી. તેમને એક દેશમાંથી બીજા દેશમાં સતત ભાગવું પડ્યું હતું. વૃદ્ધાવસ્થામાં તેઓ ભારત પાછા ફર્યા હતા અને ૧૩ ઑગસ્ટ ૧૯૩૬ના રોજ ભીકાજી કામાનું મૃત્યુ થયેલું.

શ્યામજી કૃષ્ણ વર્મા અને સાવરકર વગેરેના જૂથના સંપર્કમાં આવેલા એક ક્રાંતિકારી મદનલાલ ધિંગરાનો ઉલ્લેખ અનિવાર્ય છે. સાવરકરજીએ તેમને અભિનવ ભારત સંસ્થાના સભ્ય બનાવ્યા હતા અને હથિયાર ચલાવવાનું પ્રશિક્ષણ આપ્યું હતું. આ બધા ક્રાંતિકારીઓ તે સમયે ભારતમાં ખુદીરામ બોઝ, ક્ધહાઈલાલ દત્ત, સતીન્દર પાલ અને કાશીરામ જેવા ક્રાંતિકારીઓને ફાંસીની સજા આપવાના કારણે બહુ જ રોષિત અને દુ:ખી હતા. ૧ જુલાઈ ૧૯૦૯ની સાંજે ઇન્ડિયન નેશનલ ઍસોસિયેશનના વાર્ષિકોત્સવમાં ભાગ લેવા આવેલા કર્ઝન વાયલી પર ધિંગરાએ પાંચ ગોળી સીધી તેમના ચહેરાને નિશાન બનાવીને દાગી દીધી. તેમાંથી ચાર સાચા નિશાન પર વાગી. ધિંગરા પોતાને પણ ગોળી મારવા ગયા પરંતુ તેમને પકડી લેવામાં આવ્યા.

તે પછી ન્યાયાલયમાં તેમણે જે નિવેદન આપ્યું તે મહત્ત્વનું છે: તેમણે પોતાના કાર્ય બદલ ગર્વ લેતાં કહ્યું કે જો અંગ્રેજો તેમની ભૂમિ હડપવા આવતા જર્મનીઓ સામે લડે તે દેશભક્તિ હોય તો હું અંગ્રેજો સામે લડું તે પણ દેશભક્તિ જ છે. બ્રિટિશરો દર વર્ષે ભારતમાંથી ૧૦ કરોડ પાઉન્ડ બ્રિટન ઉસેડી જાય છે. હું તેમને મારા દેશભક્ત બાંધવોને ફાંસી અને દેશનિકાલ માટે જવાબદાર ઠરાવું છું. તેઓ મારી પવિત્ર ભૂમિને પ્રદૂષિત કરી રહ્યા છે. તેઓ કોંગો અને રશિયાના લોકો માટે તો માનવતાની સૂફિયાણી વાતો કરે છે પરંતુ બીજી તરફ ભારતમાં દર વર્ષે ૨૦ લાખ લોકોને મારે છે, મહિલા પર અત્યાચારો કરે છે. મદનલાલને દોઢ મહિનાની અંદર ફાંસી અપાઈ.

સરદાર ઉધમસિંહે જલિયાંવાલા બાગના નૃશંસ હત્યાકાંડના દોષી માઇકલ ડાયરને લંડનમાં જઈ ગોળી મારી હતી. ૧૩ માર્ચ ૧૯૪૦ના રોજ રોયલ સેન્ટ્રલ એશિયન સોસાયટીની લંડનમાં બેઠક હતી ત્યાં ડાયર પણ હાજર હતો. તેમણે પુસ્તકમાં છુપાવેલી રિવોલ્વરથી ડાયર પર ગોળીઓ દાગી દીધી. ડાયરનું તત્કાળ મૃત્યુ થયું. બહાદુર ઉધમસિંહે ભાગવાનો સહેજ પણ પ્રયાસ ન કર્યો. તેમણે ધરપકડ વહોરી અને અંતે તેમને ૩૧ જુલાઈ ૧૯૪૦ના રોજ ફાંસી થઈ.

આ બધા ઉપરાંત, તારકનાથ દાસે કેનેડા અને પછી અમેરિકામાં ‘ફ્રી હિન્દુસ્તાન’ કાઢ્યું, ગુરુદત્ત કુમારે કેનેડામાં ‘યુનાઇટેડ ઇન્ડિયા લીગ’ બનાવી. ‘સ્વદેશ સેવક’ સામયિક પણ કાઢ્યું. જર્મનીમાં વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય અને ચંપક રમણ પિલ્લાઈ સક્રિય રહ્યા. સ્વામી વિવેકાનંદના નાના ભાઈ ડૉ. ભૂપેન્દ્રનાથ દત્ત પણ સક્રિય હતા. ઉત્તર પ્રદેશના અંબાપ્રસાદ ભટનાગરે પંજાબમાં પેશવા સમાચારપત્ર કાઢ્યું અને પછી બે વાર ફાંસીની સજાથી બચીને તેઓ સૂફી મોહમ્મદ હુસૈન નામ રાખીને ઈરાન ભાગી ગયા. ત્યાં તેઓ ગદર પક્ષના અગ્રણી રહ્યા. તેમની સમાધિ ઈરાનમાં છે. ભારતમાં બ્રિટનના જાસૂસ હોપક્ધિસનના ઇશારે બેલાસિંહ નામના ગદ્દારે કેનેડામાં એક ગુરુદ્વારામાં ભાઈ ભાગસિંહ અને ભાઈ બટ્ટનસિંહની હત્યા કરી હતી. શહીદ ભાઈ મેવાસિંહને હોપક્ધિસને બેલાસિંહની તરફેણમાં જુબાની આપવા કહ્યું પરંતુ મેવાસિંહે ન્યાયાલયમાં હિંમતપૂર્વક નિવેદન આપ્યું અને તે પછી ન્યાયાલયમાં જ્યારે ઇન્સ્પેક્ટર હોપક્ધિસન આવ્યો ત્યારે તેને ઠાર માર્યો. અમૃતસરના બાબા જ્વાલાસિંહે અમેરિકામાં શ્યામજી કૃષ્ણ વર્માની જેમ ભારતથી ભણવા આવતા વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે શિષ્યવૃત્તિ આપી.  કર્તારસિંહ સરાબા અમેરિકામાં ગદર પક્ષના અધ્યક્ષ હતા. આ પક્ષ ભારતને સ્વતંત્ર બનાવવા રચાયો હતો. ગદર પક્ષનું વિચારપત્ર ગદર પંજાબી, હિન્દી, ઉર્દૂ અને ગુજરાતી એમ ચાર ભાષામાં નીકળતું હતું. જાણીતા ઇતિહાસ સંશોધક વિષ્ણુ પંડ્યા મુજબ, કેનેડાની ગદર ચળવળમાં પોરબંદરના છગન ખેરાજ વર્માએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને ગદર છાપાની ગુજરાતી આવૃત્તિના તંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. છગનભાઈએ પોતાનાં અનેક નામો રાખેલાં જેમાં ખેમરાજ દામજી અને હુસૈન રહીમનો સમાવેશ થાય છે. આવા તો અનેક ક્રાંતિકારીઓ હતા જેમણે વિદેશની ધરતી પર રહીને અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો હતો અને વિદેશોને પણ ભારતની સ્વતંત્રતાનું મહત્ત્વ સમજાવ્યું હતું. આમ, દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ પંક્તિ અર્ધસત્ય છે.