રાજ્યસભામાં ગુજરાતના નવનિર્વાચિત પ્રતિનિધિઓને અભિનંદન અને આવકાર

    ૧૮-ઓગસ્ટ-૨૦૧૭


શ્રી અમિતભાઈ શાહ

૮ ઑગસ્ટ, ૨૦૧૭ના રોજ ગુજરાતમાં યોજાયેલી રાજ્યસભાની ત્રણ બેઠકોની ભારે ઉત્તેજક બનેલી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ ચૂંટાઈ આવ્યા છે. ‘સાધના’ પરિવાર શ્રી અમિતભાઈ શાહની સંસદીય કારકિર્દીના શ્રીગણેશ પ્રસંગ નિમિત્તે હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે. રાજ્યસભામાં ગુજરાત વિધાનસભાના સદસ્યો દ્વારા ચૂંટાયેલા શ્રી અમિતભાઈ શાહના રાજ્યસભામાં પ્રવેશથી ગુજરાતની જનતાની આશા-આકાંક્ષા સંસદ ભવનમાં બુલંદીથી પડઘાશે. રાષ્ટ્રીય રાજનીતિમાં શ્રી અમિતભાઈ શાહની સક્ષમ-દૃષ્ટિવંત ભૂમિકાની પાર્શ્ર્વભૂમિકાને જોતાં સંસદમાં પણ શ્રી અમિતભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિના પ્રવાહમાં પણ અત્યંત નિર્ણાયક બની રહેશે. આશરે ત્રણ દાયકાઓ પહેલા ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર તરીકે રાજકીય કારકિર્દીનો પ્રારંભ કરનાર શ્રી અમિતભાઈએ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તરીકે પણ તેમની વિચક્ષણ રાજકીય સુઝબુઝ સાથે ગુજરાતની જનતાની યશસ્વી સેવા કરી છે. ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહીને પક્ષના કાર્યવિસ્તાર અને પ્રભાવક્ષેત્ર વિસ્તરણમાં પણ શ્રી અમિતભાઈનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તથા ત્યારપછી મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, આસામ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર જેવા રાજ્યોમાં ભાજપાને મળેલી જ્વલંત સફળતામાં શ્રી મોદીજી સંમોહક નેતૃત્વ સાથે શ્રી અમિતભાઈની અત્યંત સફળ રણનીતિકાર તરીકેની પ્રતિષ્ઠામાં નવા કીર્તિમાન પ્રસ્થાપિત થયેલ છે. શ્રી અમિતભાઈને ‘સાધના’ પરિવારના હાર્દિક અભિનંદન-અનંત શુભકામનાઓ !

 


સુશ્રી સ્મૃતિ ઇરાની

ગુજરાતમાં યોજાયેલી રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણીમાં સુશ્રી સ્મૃતિ ઇરાનીજી ચૂંટાઈ આવ્યા તે બદલ તેમને સાધના પરિવારની હાર્દિક શુભેચ્છાઓ. સુશ્રી સ્મૃતિજીનાં નેતૃત્વમાં હવે રાજ્યસભામાં નવું જોમ-જુસ્સો આવશે તેવી આશાઓ છે. સુશ્રી સ્મૃતિ ઇરાનીજીએ તેમની રાજકીય કારકિર્દીનો પ્રારંભ ૨૦૦૩માં ભાજપાના અદના કાર્યકર તરીકે કર્યો. ૨૦૦૪માં મહારાષ્ટ્રની ભાજપા યુથ-વીંગના ઉપાધ્યક્ષપદથી પ્રારંભ કરી, પક્ષના વિવિધ હોદ્દાઓ પર પ્રશંસનીય કામગીરી કરનાર સ્મૃતિજીએ ૨૦૧૦માં ભાજપા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા તરીકે પણ યશસ્વી ભૂમિકા નિભાવી છે. ભાજપાના ઉમેદવાર તરીકે સ્મૃતિજીએ કેટલીક ચૂંટણીઓ પણ લડી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં અમેઠી સંસદીય ક્ષેત્રમાં ભાજપાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આપેલી ટક્કરથી સ્મૃતિજી નામ રાજકારણ ક્ષેત્રે ઊભરી આવ્યા.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપાને મળેલા જ્વલંત વિજય પછી રચાયેલી મોદીજીની એન.ડી.એ. સરકારમાં સ્મૃતિજીએ માનવ સંસાધન વિકાસ મંત્રી પદ પર રહીને તેમની પ્રતિભા પ્રસ્થાપિત કરી છે. હાલ કેન્દ્રીય ટેક્સટાઈલ અને માહિતી પ્રસારણ મંત્રી તરીકે પણ સ્મૃતિજી યશસ્વી કામગીરી સંભાળી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ત્રણ બેઠકો પૈકીની બેઠક ઉપરથી સ્મૃતિજી બીજી વખત ચૂંટાઈ આવ્યા છે. બુદ્ધિપ્રતિભાથી છલકતા કરિશ્માઈ વ્યક્તિત્વ-કર્તૃત્વવાન સ્મૃતિજીને આ વિજયી ક્ષણોમાં ‘સાધના’ પરિવારના હાર્દિક અભિનંદન-અનંત શુભકામનાઓ !


શ્રી અહેમદભાઈ પટેલ

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયાજીના રાજકીય સલાહકાર શ્રી અહેમદભાઈ પટેલ પુન: ચૂંટાઈ આવ્યા તે બદલ તેમને અભિનંદન. અહેમદભાઈ છેલ્લી ચાર ટર્મથી રાજ્યસભાના સભ્ય છે તે પહેલાં લોકસભા પણ હાર્યા - જીત્યા છે. આ વખતે ૪૪ હિન્દુઓ બેંગ્લોર બંધક બની રહ્યા અને ચૂંટણી સમયે પ્રકટ થઈ, દિવસભરના ઉત્તેજક વોટીંગ કાર્યક્રમમાં હારતા - હારતા માંડ જીતી ગયા. અત્યંત વિવેકી છતાં, હારનો સામનો કરી રહેલ અહેમદભાઈને તે અચાનક ‘મુસ્લિમ’ છે માટે તેમનો વિરોધ છે તેવું પણ ૪૪ હિન્દુઓએ વોટ આપવા છતાં પ્રતીત થયું !