એક સારુ કાર્ય....

    ૧૮-ઓગસ્ટ-૨૦૧૭


તાજેતરમાં ગુજરાતમાં આવેલા ભારે પૂર બાદ પૂરપીડિતોની સહાય અર્થે સમગ્ર ગુજરાતમાં રા.સ્વ.સંઘના સ્વયંસેવકો દ્વારા નિધિ એકત્રીકરણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. ભાવનગરના કેટલાક સ્વયંસેવકો એક ઉપાશ્રયમાં ગયા અને જૈનાચાર્યને વિનંતી કરી કે નિધિ એકત્રીકરણ માટેનું દાનપાત્ર ઉપાશ્રયમાં મૂકવાની પરવાનગી આપે, જેથી ત્યાં આવતા શ્રાવકો તેમાં દાન નાખી શકે. જૈનાચાર્યએ હસતા મુખે તે પરવાનગી આપી. ત્યાં આવતા શ્રાવકો યથાશક્તિ દ્રવ્યદાન કરતા હતા. એક વખત એક શ્રાવક ત્યાં આવ્યા. પૂરપીડિતો માટે દાન એકઠું કરવાની વાત જાણી રાજી થયા અને કહ્યું ‘આ દાનપાત્રમાં કુલ જેટલા ‚પિયા થશે તેટલા રૂપિયા હું એકલો મારા તરફથી દાન કરીશ.’

અંતિમ દિવસે દાનપાત્ર ખોલતાં તેમાંથી ૩૬ હજાર રૂપિયાની રકમ પ્રાપ્ત થઈ. શ્રાવકને બોલાવી જાણ કરવામાં આવી. તેઓએ કહ્યું, ‘હું મારા ઘરે જઈ બીજા ૩૬ હજાર રૂપિયા લઈને આવું છું.’ તેઓ ઘરે જઈને આવ્યા ત્યારે ૩૬ હજારના બદલે ૭૨ હજાર રૂપિયા લઈને આવ્યા હતા. જૈનાચાર્યએ ૩૬ હજારના બદલે ૭૨ હજાર રૂપિયા લાવવાનું કારણ પૂછતાં શ્રાવકે કહ્યું, ‘હું મારા ઘરેથી ૩૬ હજાર રૂપિયા લઈને નીકળતો હતો ત્યાં જ મારા એક મિત્ર આવ્યા. તેમણે મને કારણ પૂછ્યું, મેં પૂરપીડિતો માટે દાનની વાત કરતાં તેમણે તેમના તરફથી બીજા ૩૬ હજાર રૂપિયાનું દાન આપ્યું છે.’ શ્રાવકની વાત જાણી સહુને સાનંદાશ્ર્ચર્ય થયું.

આ પ્રસંગ ‘દીપ સે દીપ જલે’ની ભાવના સાર્થક કરે છે. જ્યારે કોઈ માણસ સારું કાર્ય કરવા માટે પ્રેરાય છે ત્યારે તેને ઈશ્ર્વરીય સંકેતથી તેના જેવા અનેક માણસો મળી રહે છે. આમ દાન, સેવા, ધર્મ, સ્નેહ, પ્રેમ, સહાય અને મદદની સરિતાઓ સતત વહેતી રહે છે.