ગુજરાતમાં પૂરપ્રકોપ : બનાસકાંઠામાં ભારે તારાજી સમગ્ર સમાજ પૂરપીડિતોની વ્હારે

    ૧૮-ઓગસ્ટ-૨૦૧૭


ઉત્તર ગુજરાતમાં ૨૨ જુલાઈના રોજથી ભારે વરસાદની શરૂઆત થઈ. પરિણામે ૨૩ જુલાઈની સવારથી જ સમગ્ર ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિના ભણકારા વાગવા માંડ્યા હતા. હવામાન ખાતું હજુ અતિભારે વરસાદની આગાહી કરી રહ્યું હતું. મેઘરાજા ઉપરવાસ રાજસ્થાનને પણ ઘરમરોળી રહ્યા હતા. રાજસ્થાનના માઉન્ટ આબુમાં માત્ર ત્રણ જ દિવસમાં ૬૪ ઇંચ અને અન્ય ભાગમાં ૪૦થી ૫૦ ઇંચ વરસાદ ખાબકતાં ઉત્તર ગુજરાતવાસીઓનો અતિવૃષ્ટિનો ડર સાચો ઠર્યો. એક સાથે ૩૦થી ૪૦ ઇંચ વરસાદ તૂટી પડતાં પહેલેથી જ અહીં ઠેર-ઠેર પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી. ત્યાં ઉપરવાસમાં જેતપુરા ડેમ તૂટ્યો પરિણામે ધાનેરા જળમગ્ન બન્યું. તો સીમુ ડેમમાંથી છોડાતા અવિરત જળપ્રવાહે કાંકરેજ અને રાધનપુર વિસ્તારને ઘમરોળ્યા.

ધાનેરા વિસ્તાર અગાઉ પણ જળદેવતાના પ્રકોપનો ભોગ બની ચૂક્યો છે. ૧૯૭૭માં પણ આ જ પ્રકારનું પૂર અહીં આવ્યું હતું. આ વિસ્તારે ૧૯૯૧, ૧૯૯૪માં પણ પૂર જોયું હતું, પરંતુ ૨૦૧૭નું આ પૂર એ તમામમાં વધુ વિનાશક સાબિત થયું.

આ વખતના પૂરનાં પાણીની ગતિ એટલી તીવ્ર હતી કે, જોત-જોતામાં જ પાણી બેથી ત્રણ ફૂટ જેટલું વધી જતું હતું. ધાનેરાના મુખ્ય બજારમાં દસથી ૧૨ ફૂટ તો ક્યાંક ૧૫ ફૂટ જેટલાં પાણી વહી રહ્યાં હતાં. બનાસ નદી જાણે સમગ્ર વિસ્તારને ભરખી જવાના ઘુઘવાટા કરી રહી હતી. પૂરનાં આ પાણી જોઈ વૃદ્ધો અને વડીલો પણ કહેતા, છેલ્લાં ૬૦-૭૦ વર્ષોમાં તો શું છેલ્લા ૧૦૦ વર્ષોમાં આવા પાણી નથી જોયાં.

પ્રકૃતિના આ પ્રકોપે ધાનેરામાં ૨૨ લોકો, કાંકરેજમાં ૪૦, પાટણ વિસ્તારના રાધનપુર સમીમાં ૫ લોકોનો જીવ લીધો. તો ૮૦૦૦થી ૧૦,૦૦૦ જેટલાં અબોલ પશુઓ પણ કાળનો કોળિયો બની ગયાં.

આ સ્થિતિ સર્જાતાં જ ગુજરાતનો સમગ્ર સમાજ પૂરપીડિતોની વહારે આવી ગયો હતો. અનેક સંસ્થાઓ, સ્વયંસેવી સંગઠનો, વિવિધ સંકુલોથી માંડીને વ્યક્તિગત રીતે આગળ આવ્યાં હતાં અને પૂરમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરી, રાહત કામગીરી તથા ભોજન આદિની વ્યવસ્થા કરી હતી.

ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો તાત્કાલિક ધોરણે ટીમ બનાવીને પીડિતોની મદદે દોડી આવ્યા હતા. બનાસકાંઠામાં સ્થિતિ વધારે કપરી હતી તેથી વિસ્તારમાં પૂરની પરિસ્થિતિને પારખી જઈ ધાનેરામાં સંઘ સ્વયંસેવકો તત્કાળ મદદમાં આવી ગયા હતા. ૨૩ જુલાઈના બપોરે કાર્યકર્તાઓની બેઠક યોજી સંભવિત પૂરના સંદર્ભે તમામને તેમની જવાબદારી સોંપી દેવામાં આવી હતી. ૨૩ જુલાઈના દિવસથી જ અહીંના નીચાણવાળા વિસ્તારના લોકોને તથા ખેતરોમાં છૂટાછવાયા રહેતા લોકોનું સ્થળાંતર કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. સ્વયંસેવકોએ તાત્કાલિક ધોરણે ૮૦૦ જેટલાં ફૂડ પેકેટ તૈયાર કરી પ્રભાવિત લોકો સુધી પહોચાડ્યાં હતા. ત્યાર બાદ ભોજન-કીટ-કપડાં અને સફાઈની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.

સ્વયંસેવકોએ એનડીઆરએફની ટીમો અને સૈન્ય સાથે મળીને થરા, રાધનપુર અને સમી સહિતનાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ૪૦૦થી ૫૦૦ લોકોને બચાવ્યાં હતાં. તાત્કાલિક ધોરણે ૭ કેન્દ્રોમાં બચાવ કેન્દ્ર, સેવા કેન્દ્રો શરૂ કરી દેવામાં આવ્યાં હતાં. સ્વયંસેવકો માટે સૌથી મોટો પડકાર ચારેય તરફ પાણીમાં ખેતરોમાં ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢી સલામત સ્થળે ખસેડવાનો હતો, પરંતુ સ્વયંસેવકો એક-એક કિલોમીટર જેટલા લાંબા જાડા દોરડા બાંધી લોકોને બહાર કાઢતા હતા.

આ રીતે સમગ્ર સમાજે એકજૂથ થઈ અસરગ્રસ્ત લોકોને મદદ પણ કરી હતી અને સાંત્વના પણ આપી હતી.