પાકિસ્તાની વિશેષજ્ઞો જ કહે છે : પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો ગુરુદ્વારા ખતરામાં

    ૨૪-ઓગસ્ટ-૨૦૧૭

પાકિસ્તાનમાં મંદિરો અને ગુરુદ્વારા ખતરામાં છે. પાકિસ્તાનની કટ્ટરપંથી જમાત દ્વારા અહીં વારંવાર મંદિરો અને ગુરુદ્વારાઓને નિશાન બનાવી હુમલા થઈ રહ્યા છે. પાકિસ્તાનનાં હિન્દુ મંદિર અને ગુરુદ્વારાની સુરક્ષા ભગવાન ભરોસે છે. અહીંનાં માધ્યમોમાં પણ ક્યારેક ક્યારેક આ મુદ્દે ચર્ચાઓ થતી રહે છે. આવી જ એક ચર્ચામાં એક પત્રકારે સ્વીકાર્યું છે કે, ભારત દ્વારા પાકિસ્તાન પર અહીંના લઘુમતીઓ પર થતા અત્યાચારના આરોપોનું સમર્થન કર્યું હતું.
એક ટીવી કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન રાઉફ ક્લાસરા નામના પાકિસ્તાની પત્રકારે કહ્યું હતું કે, અહીંના હિન્દુઓ અને શીખોની જમીનો વેચી ગુરુદ્વારા-મંદિરો પણ વેચાઈ રહ્યાં છે, જેને લઈને ભારતીય સંસદમાં પણ સવાલો ઊઠ્યા છે અને આ મુદ્દો ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સમક્ષ ઉઠાવવો સંપૂર્ણપણે વ્યાજબી છે. જો આપણે અહીંનાં મંદિરો-ગુરુદ્વારાને સુરક્ષા આપી શકતા નથી, તો ભારતને પૂરો હક્ક છે આ મુદ્દાને પાકિસ્તાન સમક્ષ ઉઠાવવાનો. આપણે આપણું ઘર સંભાળવાની અને જોવાની જરૂર છે. લલકાનામાં હિન્દુઓનાં મંદિરો બાળી મુકાયાં. હિન્દુઓની દીકરીઓ સાથે બળજબરીપૂર્વક નિકાહ પઢવામાં આવે છે. તેમનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવે છે. આજે સિંધમાં જે થઈ રહ્યું છે તેને નજર અંદાજ કરી શકાય તેમ નથી. છતાં આ બાબત પર ક્યાંય ચર્ચા થતી નથી.

પાકિસ્તાનમાં હિન્દુ-ખ્રિસ્તીઓની સ્થિતિ વેઠીયા મજૂર જેવી

પાકિસ્તાનમાં ધાર્મિક સ્વતંત્રતા ખતરાની હદ પર પહોંચી ગઈ છે. અલ્પસંખ્યકો પર સતત હુમલા વધી રહ્યા છે. અમેરિકા દ્વારા જાહેર કરાયેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં શીખ, ઈસાઈ અને હિન્દુ અલ્પસંખ્યકો જબરજસ્તી ધર્માંતરણના ભયમાં જીવે છે. તેમજ આ અલ્પસંખ્યકોને એવી પણ ચિંતા છે કે પાકિસ્તાન સરકાર આ ધર્માંતરણ રોકવા માટે જરૂરી તમામ પગલાં ભરી નથી રહી. અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ રેક્સ ટિલરસને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટ ૨૦૧૬ને જાહેર કરતાં કહ્યું કે, ‘પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકોનું કહેવું છે કે તેમના પર ઇસ્લામ અપનાવવા માટે જબરજસ્તી કરવામાં આવે છે અને તેને અટકાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવતાં પગલાં પૂરતાં નથી.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘પાકિસ્તાનમાં ધાર્મિક સ્વતંત્રતા પર ખતરો છે. ત્યાં બે ડઝન જેટલા લોકો ઈશનિંદા હેઠળ ફાંસી અથવા ઉમરકેદની સજા મેળવી ચૂક્યા છે.’
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર અલ્પસંખ્યકોને ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા જેવા વેઠિયા મજૂરીના કામમાંથી બચાવી શકી નથી. ખેતી અને ઈંટો બનાવવા જેવા ધંધામાં હિન્દુ અને ખ્રિસ્તી અલ્પસંખ્યકોનો વેઠિયા મજૂરની જેમ ઉપયોગ થઈ રહ્યો છે, તો બીજી બાજુ અલ્પસંખ્યકોને તેમનાં લગ્ન રજિસ્ટર કરાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.