રાષ્ટ્ર સેવિકા સમિતિનાં તૃતીય પ્રમુખ સંચાલિકા વં. ઉષાતાઈજી ચાટીનું દુ:ખદ નિધન

    ૨૪-ઓગસ્ટ-૨૦૧૭

વર્ષ ૧૯૯૪થી ૨૦૦૬ સુધીનાં લગભગ ૧૩ વર્ષો સુધી વિશ્ર્વના સૌથી મોટા મહિલા સંગઠન રાષ્ટ્ર સેવિકા સમિતિનાં પ્રમુખ સંચાલિકા તરીકે માર્ગદર્શન કરનારાં વં. ઉષાતાઈજી ચાટીનું દિ. ૧૭ ઑગસ્ટ, ૨૦૧૭ના દિવસે ૯૧ વર્ષની વયે નાગપુરમાં દુ:ખદ નિધન થયું છે.
મહારાષ્ટ્રના ભંડારામાં ફણસે પરિવારમાં જન્મેલા વં. ઉષાતાઈજીએ બી.એ.બી.ટી. સુધીનો અભ્યાસ કરીને તે વર્ષોમાં ડબલ ગ્રેજ્યુએટ બન્યાં હતાં. લગભગ ૪ દાયકાઓ સુધી ‘હિન્દુ મુલીંચી શાળા’ (હિન્દુ ક્ધયા વિદ્યાલય)માં શિક્ષિકા તરીકે યશસ્વી સેવાઓ આપી હતી. શાળાની ‘વાગ્મિતા વિકાસ સમિતિ’નાં અધ્યક્ષ તરીકે ૩૬ વર્ષો સુધી સતત કાર્ય કરીને વિદ્યાર્થિનીઓમાં વાંચન-વકતૃત્વ કૌશલ્યો ખીલવ્યાં હતાં. તેમણે પ્રશિક્ષિત કરેલી સેંકડો વિદ્યાર્થિનીઓ સરકારી તથા કોર્પોરેટ ક્ષેત્રે આજે પણ ઉચ્ચસ્થાને બિરાજમાન છે. નિવૃત્તિ પછી પણ શિક્ષણ અને શિક્ષકો સાથે વર્ષો સુધી જીવંત સંપર્ક રહ્યો હતો. સમિતિનું કાર્ય સરળતાથી થઈ શકે તે માટે સૂરીલા કંઠનાં ધની એવાં વં. ઉષાતાઈજીએ ‘આકાશવાણી’ના સુવર્ણકાળમાં આકાશવાણીના કલાકાર તરીકે મળેલી નોકરીને ઠુકરાવી દીધી હતી.
નિવૃત્તિ પછી તેમણે તેમનું સમગ્ર જીવન રા.સે.સમિતિને સમર્પિત કરી દીધું હતું. વર્ષ ૧૯૮૪થી તેમણે સમિતિના મુખ્યાલય ‘દેવી અહલ્યા મંદિર’ને જ નિવાસસ્થાન બનાવ્યું હતું. ‘દેવી અહલ્યાબાઈ સ્મારક સમિતિ’નાં કાર્યવાહિકા તરીકેનું દાયિત્વ સ્વીકારીને તેમણે સઘન પ્રયત્નો કરીને ‘વનવાસી કન્યા છાત્રાવાસ’ એ સેવા પ્રકલ્પનો આરંભ કર્યો. વર્ષોથી પૂર્વોત્તર ભારતનાં સાત રાજ્યોની વનવાસી બાળાઓ નાગપુર સ્થિત આ છાત્રાલયમાં રહીને વિદ્યાપ્રાપ્તિ કરી રહી છે.
ઉત્તરપ્રદેશના પાલક અધિકારી તરીકે વં. ઉષાતાઈજી ઉત્તરપ્રદેશનો ખૂણેખૂણો ખૂંદી વળ્યાં હતાં. જ્યાં મહિલાઓને ઘરની બહાર નીકળવાની જ સમસ્યા રહેતી તેવા ઉત્તરપ્રદેશમાં તેમણે સમિતિના કાર્યનો સુદૃઢ પાયો નાંખ્યો હતો.
વર્ષ ૧૯૯૪માં વં. ઉષાતાઈજી રાષ્ટ્ર સેવિકા સમિતિનાં તૃતીય પ્રમુખ સંચાલિકા તરીકે નિયુક્ત થયાં. વર્ષ ૧૯૯૪થી ૨૦૦૬ સુધી આ મહત્ત્વપૂર્ણ દાયિત્વ સંભાળનારાં વં. ઉષાતાઈજીએ દેશના સર્વ પ્રાંતોનો અનેકવાર પ્રવાસ કરીને સેવિકાઓનું માર્ગદર્શન કર્યંુ હતું. તેમના જ માર્ગદર્શનમાં વર્ષ ૨૦૦૫માં નાગપુર પાસેના ખાપરીમાં સમિતિનું ઐતિહાસિક સંમેલન યોજાયું હતું. આ ભવ્ય સંમેલનમાં દેશભરમાંથી દસ હજારથીયે વધુ સેવિકાઓએ ભાગ લીધો હતો.
વં. ઉષાતાઈજીને મુંબઈ સ્થિત ‘આર. બી. જોશી ફાઉન્ડેશન’ તથા લખનૌ સ્થિત ‘ભાઉરાવ દેવરસ ન્યાસ’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ભોપાળની ‘ઓજસ્વિની’ સંસ્થા દ્વારા તેમને ‘ઓજસ્વિની અલંકરણ’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
અજા એકાદશી દિ. ૧૮ ઑગસ્ટને ગુરુવારે નાગપુર સ્થિત સમિતિના મુખ્ય કેન્દ્ર દેવી અહલ્યા મંદિરથી નીકળેલી
વં. ઉષાતાઈજી ચાટીની અંતિમ યાત્રામાં હજારો સેવિકાઓ, સંઘ તથા ભગિની સંસ્થાઓના હજારો કાર્યકર્તાઓ તથા વરિષ્ઠ અધિકારીઓએ આ સમર્પિત સેવિકાને અશ્રુભીની અંજલિ અર્પી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસ, રા.સ્વ.સંઘના પ.પૂ. સરસંઘચાલક મા. ડૉ. મોહનજી ભાગવત સહિત દેશભરના અગ્રગણ્ય મહાનુભાવોએ વં. ઉષાતાઈજીના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.