વીર વિનોદ કિનારીવાલાને વીરાંજલિ...

    ૨૪-ઓગસ્ટ-૨૦૧૭

૧૦ ઑગસ્ટ, ૨૦૧૭ : ગુરુવારને દિવસે - ૧૯૪૨ની ‘અંગ્રેજો હિંદ છોડો’ લોકક્રાંતિની હીરક-જયંતીએ, અમર શહીદ વીર વિનોદ કિનારીવાલાની ગુજરાત કૉલેજના પ્રાંગણમાં આવેલી આરસ-ખાંભી ઉપર, ગુજરાત કોમર્સ કૉલેજ દ્વારા પ્રેરક વીરાંજલિ-સમારંભનું સુચારુ આયોજન થયું. સમારંભના મુખ્ય વક્તા પદ્મશ્રી ડૉ. ગુણવંતભાઈ શાહે આ પ્રસંગે કૉલેજછાત્રોને તેમની આગવી શૈલીથી ઉદ્બોધન કરતાં ઉચ્ચાર્યું કે : ‘આવી પ્રતિષ્ઠિત અને સ્વરાજયજ્ઞ સાથે જોડાયેલી કૉલેજમાં આવીને બે શબ્દો કહેવાની તક મળી તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું. ‘શહીદ’ શબ્દ સાથે શહાદત જોડાયેલી હોય છે. શહાદત એટલે ‘સાક્ષી થવું તે’. ‘શહીદ’ તે છે, જે પોતાના મૃત્યુને સાક્ષીભાવે જુએ છે. એક વીર મનુષ્યનું બલિદાન કદી એળે નથી જતું. એના સ્મારક પાસે થોડીક ક્ષણો માટે ઊભા રહેવાથી વૃત્તી બદલાઈ જાય છે. વિનોદ કિનારીવાલા આજે નથી, પરંતુ એમની ખાંભી આપણી વૃત્તી બદલી શકે.’
‘સ્વરાજના સાત દાયકાઓ પછી પણ, શું આપણી વૃત્તિઓમાં કોઈ જ ફરક નહીં પડે ? શું આપણે બધી રીતે ખલેલમુક્ત નાગરિકો બની ગયા છીએ ? આજનો રાષ્ટ્રધર્મ નવી વૃત્તીનો નાગરિક માગે છે. આચાર્ય વિનોબા ભાવેએ ‘સ્વરાજધર્મ’ શબ્દ આપ્યો છે. ગુજરાત કૉલેજમાં જે સ્વરાજભાવનાનું પર્યાવરણ રચાયું હતું, તેનું આપણે સહુએ સાથે મળીને સંરક્ષણ-સંવર્ધન કરવાનું છે. આજે તમારા જેવા સુજ્ઞ શ્રોતાઓ સમક્ષ હૈયુ ખોલવાનો જે અવસર પ્રાપ્ત થયો તે મારે મન મૂલ્યવાન છે. એ માટે કૉલેજના આચાર્યશ્રી ડૉ. પ્રવીણભાઈ પટેલ અને તેમની ટીમનો ઉપકૃત છું. આપણી વૃત્તિ ન બદલાય ત્યાં સુધી ‘સ્વરાજધર્મ’નો સાક્ષાત્કાર થાય તેમ નથી. સ્વરાજતીર્થરૂપ બની રહેલ આ ગુજરાત કૉલેજ પરિસર - વીર વિનોદ કિનારીવાલાની પ્રેરક સ્મૃતિ આપણને હંમેશા પ્રેરણાં આપ્યા જ કરશે...’
સમારંભના મુખ્ય મહેમાન તરીકે પધારેલા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચૂડાસમાએ વિદ્યાર્થીઓને ઉદ્બોધન કરતાં જણાવ્યું કે : "ગુજરાત કૉલેજનો ઇતિહાસ આઝાદી આંદોલનમાં ગૌરવભર્યો રહ્યો છે. આ કૉલેજના વિદ્યાર્થી તરીકે અત્રે આવતાં, મને ગૌરવની અનુભૂતિ થઈ આવે છે. આજે આપણા યુવાનોએ દેશદાઝ સાથે જીવવાની જરૂર છે. નવી પેઢીએ ઈમાનદારી, જવાબદારી, વિશ્ર્વસનીયતાનાં મૂલ્યો અને શિસ્તને જીવનમાં અપનાવવાની જરૂર છે. વીર વિનોદ કિનારીવાલાની શહાદત, એ માટે આપણને નિરંતર પ્રેર્યા કરશે...
સમારંભમાં ઉપસ્થિત રહેલા પૂર્વસાંસદ શ્રી રાજેન્દ્રસિંહજી રાણાએ, ભારતીય સ્વાતંત્ર્ય-સંગ્રામનાં પ્રેરક સંસ્મરણો સાથે, વિદેશની ધરતી ઉપર ખેલાયેલ ભારતમાતાની મુક્તિ માટેના રોમાંચક સંગ્રામની ગૌરવગાથા વર્ણવતાં, મહાન ક્રાંતિકારીઓ શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહજી રાણા, મેડમ કામા, સ્વાતંત્ર્યવીર સાવરકરજીને ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરી. ૨૨ ઑગસ્ટ, ૧૯૦૭માં જર્મનીના સ્ટુટગાર્ડ ખાતે યોજાયેલા આંતર્રાષ્ટ્રિય સંમેલનમાં, તેમના પ્રપિતામહ શ્રી સરદારસિંહજી રાણા અને મેડમ કામાએ ફરકાવેલ ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રધ્વજનું અત્યંત પ્રેરક-નિદર્શન વિદ્યાર્થીઓ સમક્ષ જ્યારે કરવામાં આવ્યું ત્યારે; ગુજરાત કૉલેજનો ‘ગાંધી હૉલ’ ભારતભક્તિની ભાવ-ભરતીથી ઊભરાઈ રહ્યો !
ગુજરાત કોમર્સ કૉલેજના આચાર્યશ્રી ડૉ. પ્રવીણભાઈ પટેલે, પ્રારંભમાં તેમના સ્વાગત-પ્રવચનમાં ગુજરાત કૉલેજના ગૌરવરૂપ વિદ્યાર્થી વીર વિનોદ કિનારીવાલાની અમર શહાદતનું પ્રેરક વર્ણન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત કિનારીવાલા-પરિવારના સુશ્રી કોકિલાબહેન અને સુશ્રી કાનનબહેનનું વિશેષ સન્માન કરાયું. એ સાથે સમારંભની આયોજન-ટીમ પૈકીના અગ્રણી - ‘સાધના’ સાપ્તાહિકના વરિષ્ઠ લેખક પ્રા. શ્રી હર્ષદભાઈ યાજ્ઞિકને પણ આ જ દિવસે - તેમની ૭૫મી વર્ષગાંઠે, શિક્ષણમંત્રીશ્રી ચૂડાસમાજીએ પુસ્તક અર્પણ કરી, સન્માનપૂર્વક શુભેચ્છાઓ પાઠવી. ગુજરાત કોમર્સ કૉલેજના પ્રાધ્યાપક ડૉ. જયેંદ્રસિંહ જાદવે સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોની પરિચયવિધિ સાથે કાર્યક્રમનું સુચારુ સંચાલન કર્યું.
રાષ્ટ્રગીતના સમૂહગાન સાથે આ ઐતિહાસિક-પ્રેરક સમારંભ સંપન્ન થયો ત્યારે ગુજરાત કૉલેજ-પરિસર, વીર વિનોદ કિનારાવાલાની પ્રેરક સ્મૃતિની ભાવભરતીથી ભીંજાઈ ઊઠ્યું.... !
વંદે માતરમ્ !