ચીની માલ-સામાનના બહિષ્કાર મુદ્દે ઊઠતા પ્રશ્ર્નો અને તેના જવાબ

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૭


આપણે ત્યાં છાશવારે ચીની માલસામાનના બહિષ્કાર કરવાની અપીલો થાય છે. ચીની બનાવટો સામે સ્વદેશી અભિયાનો ચલાવાય છે, ત્યારે સ્વાભાવિક રીતે જ આ પ્રકારની અપીલો અને અભિયાનોને લઈને પ્રત્યેકના મનમાં સવાલ ઊઠે જ, ત્યારે આવા જ કેટલાક સવાલો અને તેના જવાબો પર એક નજર...

પ્રશ્ર્ન : વૈશ્ર્વિક પરિદૃશ્યમાં જ્યારે ભૂમંડલીકરણ અને મુક્ત વેપારને અપનાવવામાં આવી રહ્યો છે તો એવામાં આપણે ચીનના સામાનનો વિરોધ કેમ કરી રહ્યા છીએ ?

કોઈ પણ ભૂમંડલીકરણ કે મુક્ત વ્યાપાર આપણને આપણા દેશની ઉન્નતિ અને રાષ્ટ્રભક્તિથી રોકી શકે નહીં. આપણા દેશની ઉન્નતિ અહીંના યુવાનોને રોજગારયુક્ત કરવા તથા ઘરેલું નાના-નાના વ્યવસાયના વિકાસથી જ સંભવ છે. ચીનના સસ્તા સામાનથી આપણું ઔદ્યોગિક માળખું ખતમ થવા જઈ રહ્યું છે, એને કારણે નાના ઉદ્યોગો સમાપ્ત થઈને ટ્રેડીંગ યુનિટનું રૂપ લઈ રહ્યા છે અને તેમાં કામ કરનારા ભારતીય યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે. અમેરિકા જેવું મજબૂત રાષ્ટ્ર જે ગ્લોબલાઈઝેશન અને મુક્ત વ્યાપારનું સમર્થક છે તે પણ હવે ‘બી અમેરિકન’ અને ‘હાયર અમેરિકન’ જેવા નારાઓ આપવા માંડ્યા છે અને એનાથીય આગળ વધીને ‘બાય અમેરિકન’ નારા સાથે અમેરિકન કંપનીઓની સેવાઓ અને ઉત્પાદનોને પોતાના દેશમાં વધારે લેવાનું અભિયાન ચલાવી રહ્યા છે. એટલા માટે ચીનના સામાનનો વિરોધ આપણા દેશની ઉન્નતિ, વિકાસ અને નોકરીઓ માટે અત્યંત આવશ્યક છે.

પ્રશ્ર્ન : સરકાર પૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં છે, આ સંજોગોમાં જો સરકાર જ કોઈ નિયમ કે કાયદો બનાવીને ચાઈનીઝ સામાન પર પ્રતિબંધ લગાવી દે તો ઉપલબ્ધ ન હોવાને કારણે ચીની સામાન બજારોમાં વેચાશે નહીં, તો કોઈ ખરીદશે પણ નહીં. એટલે લોકોના બદલે સરકાર પર જ નિયમ બનાવવા માટે દબાણ કેમ નથી કરતા ?

રાષ્ટ્રીય સ્વદેશી-સુરક્ષા અભિયાન વ્યાપાર યુદ્ધમાં ચીનથી સાવધ રહેવા-કરવા માટે પાંચેય મુખ્ય અંગો પર દબાવ બનાવવાનું કામ કરે છે. આ મુખ્ય અંગો છે : (૧) સરકાર, (૨) નીતિ નિર્ધારક સંસ્થાન, (૩) ઉદ્યોગ જગત, (૪) અન્વેષક, (૫) ગ્રાહક-અર્થાત્ સામાન્ય જનતા.
આ પાંચેય અંગોને ચીનના આ વ્યાપાર યુદ્ધ માટે જાગૃત કરવાનું મહત્ત્વનું છે. અમે ગ્રાહક-ઉપભોક્તા-સામાન્ય જનતાને એમના ભાગનું કાર્ય ચીનના સામાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાના હેતુ માટે જાગૃત કરી રહ્યા છીએ આથી આપણે પોતે જાગૃત થઈને (જેમાં સરકાર પણ સામેલ છે.) દેશને જાગૃત કરવાના અભિયાનનો ભાગ બનવાનું છે. આપણાં ઉત્પાદનો સારાં અને સસ્તાં હોય એના માટે આપણા ઉદ્યોગપતિઓએ મહેનત કરવી પડશે. વિભિન્ન ક્ષેત્રો માટે જરૂરી નવી ટેક્નોલોજી આપણા વૈજ્ઞાનિકો, સંશોધકો વિકસિત કરે એ પણ જરૂરી છે. આપણે સૌથી સસ્તા અને ઉત્તમ રોકેટ-સેટેલાઈટ બનાવી શકીએ છીએ તો મોબાઈલ કે અન્ય વસ્તુઓ તો શું ચીજ છે ? આ અભિયાનનો ઉદ્દેશ્ય બધાને પોતાનો કર્તવ્યબોધ કરાવવાનો છે. અહીં એ કહેવું પણ જરાય અયોગ્ય નહીં લાગે કે વૈશ્ર્વિક સંબંધો અને નેશનલ પૉલિસી તથા વૈશ્ર્વિક સંગઠનો પણ ભાગીદાર હોવાથી કોઈ સરકાર પૂરી રીતે સીધો પ્રતિબંધ નથી લગાવી શકતી. (જો કે સરકારે સ્ટીલ, પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ, ફટાકડા વગેરે પર ઘણા પ્રતિબંધો લગાવ્યા પણ છે.) પરંતુ જબરદસ્ત જનદબાવને કારણે સરકારો અનેક વાર ઝૂકતી જોવામાં આવી છે.

પ્રશ્ર્ન : મંચ વિભિન્ન મુદ્દાઓ પર લડતું આવ્યું છે. વર્તમાનમાં મુખ્ય મુદ્દાઓને બાજુ પર મૂકી ચીનના મુદ્દે આટલી વધારે તાકાત કેમ લગાવવામાં આવી રહી છે ?

સ્વદેશી જાગરણ મંચ એના પ્રાદુર્ભાવ સમયથી જ દેશના આર્થિક ચિંતનમાં સક્રિય છે. એફડીઆઈ મુજબ ખેતી, ઉદ્યોગ, વ્યાપાર, વિત્તીય સેવાઓ સમેત તમામ ક્ષેત્ર વિદેશી કંપનીઓને હવાલે કરવામાં આવી રહ્યા છે. જી.એમ.પાકના નામે આપણી ખેતી પર વિદેશી કંપનીઓ કબજો કરી આપણી જૈવ વિવિધતાનો નાશ કરવા અને વિદેશી કંપનીઓનો એકાધિકાર સ્થાપિત કરવાનું વૈશ્ર્વિક ષડયંત્ર ચાલી રહ્યું છે. સ્વદેશી જાગરણ મંચ જન, જંગલ, જમીન સાથે જોડાયેલા રાષ્ટ્રહિતના બધા જ આર્થિક મુદ્દાઓ/મોરચા પર આગળની હરોળમાં ઊભું છે, ચાહે સરકાર કોઈપણ પક્ષની હોય. આ પ્રયાસ આજે પણ ચાલુ છે. પાછલા દિવસોમાં બિલ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની ગતિવિધિઓને રોકવાનો મામલો હોય કે સ્ટેન્ટની કિંમતો ઓછી કરવાનો, આ મંચની મોટી ભૂમિકા રહી છે. બે વર્ષ પહેલાં જ્યારે ભૂમિ અધિગ્રહણનો વિષય ચાલ્યો તો મંચે રોડ પર ઉતરવામાં સંકોચ નહોતો કર્યો પરંતુ આજે ચીને આપણા બજારોના એક મોટા ભાગ પર કબજો કરી લીધો છે, જેના કારણે આપણા મોટાભાગના લઘુ-કુટીર ઉદ્યોગો બંધ પડી રહ્યા છે. આપણી નોકરીઓ મોટી સંખ્યામાં ચીન છીનવીને લઈ જઈ રહ્યું છે. એવામાં સૌ પહેલી મોટી લડાઈ વર્તમાન સમયમાં ચીન જેવા અહિતૈષી સામે લડવી આવશ્યક છે. આ માટે રાષ્ટ્રીય સ્વદેશી-સુરક્ષા અભિયાનની આવશ્યકતા છે. આ આર્થિક સ્વતંત્રતા, સમૃદ્ધિની એ જ કડીમાં નવું અભિયાન છે જેમાં આપણા સૌનું એક સાથે ઊતરવું રાષ્ટ્રહિતમાં પરમ આવશ્યક છે.

પ્રશ્ર્ન : ચીનનો માલ આટલો સસ્તો કેમ છે ? આપણા ઉદ્યોગો કેમ એટલી કિંમત પર ઉત્પાદન નથી કરી શકતા ? આખરે કેટલા દિવસ આ ભાવાત્મક અપીલ કામ કરાશે ?

આપણે એ જોવું જોઈએ કે ચીનમાં એકાધિકારવાદી સરકાર છે. ચીનમાં લોકશાહી નથી. ત્યાં કોઈપણ કાયદો એક દિવસ સાંજે કેબિનેટમાં, દિવસે પાર્લમેન્ટમાં પાસ થઈ જાય છે. પછીના દિવસે લાગુય પડી જાય છે. ભારતમાં નોટબંધી હોય, જી.એસ.ટી. બિલ હોય કે કોઈ અન્ય નિયમ-નિયુક્તિ, રાજકીય પક્ષ (વિશેષત: વિપક્ષ) વિષયને વધવા જ નથી દેતા. (લોકશાહીના ફાયદા ઘણા છે તો થોડું નુકસાન પણ છે.) ચીને ખેડૂતો પાસેથી બહુ સસ્તા ભાવે જમીન છીનવીને ઉદ્યોગોને સસ્તા ભાવે આપી દીધી. બહુ જ સસ્તા ૪.૪૫ ટકાના દરે બેંક લોન ઉપલબ્ધ કરાવી. સબસિડીવાળી સસ્તી વીજળી આપી. મજૂરી તો ભારત કરતાંય સસ્તી પહેલીથી જ ત્યાં હતી. ચીને પર્યાવરણની કોઈ ખાસ પરવા નહોતી કરી. ઉત્પાદનોની કિંમતો ઓછી રાખવા માટે બધા જ પ્રકારના (હાનિકારક) તરીકાઓ અપનાવ્યા છે. આજે વિશ્ર્વના પ્રદૂષણમાં ૨૪ ટકા ભાગ એકલા ચીનનો છે. રમકડાંઓમાં પણ ઝેરી રસાયણ કે ગંધની પણ પરવા એમણે નથી કરી. ઉત્પાદનની માત્રા પણ વધારે રાખે છે, જેનાથી પણ કિંમત ઘટે છે. નિશ્ર્ચિતરૂપે આપણા ઉદ્યોગ સાહસિકોએ ઓછી કિંમતે ઉત્પાદન કરવાની રીતો શોધવી જોઈએ. આ અભિયાનમાં એમનેય જાગૃત કરવાના છે. પરંતુ સહુથી પહેલાં લોકો છે. આ ભાવાત્મક અપીલ નથી, બલકે આપણા રાષ્ટ્રીય ચારિત્ર્યના સ્થાયી જાગરણનો વિષય છે. એને આર્થિક રાષ્ટ્રવાદ કહી શકીએ. જાપાનમાં Be Japanese, Buy Japanese એના સ્વભાવમાં છે. અમેરિકા પણ આજે એવા જ પ્રયાસ કરી રહ્યું છે. આ દેશભક્તિ અને સ્વદેશી ભાવના જાગરણનું અભિયાન છે. આ નિરંતર ચાલતું રહેવું જોઈએ.

પ્રશ્ર્ન : આ અભિયાનમાં હું કેવી રીતે સહયોગ કરી શકું ?

રાષ્ટ્રીય સ્વદેશી-સુરક્ષા અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે. આ અભિયાન મુજબ ચીનનો સામાન ન ખરીદવા માટે જનતાને જાગૃત કરી શકો છો. વિભિન્ન સંસ્થાઓ, બિરાદરીઓ, મંચ, વેપાર-સંગઠન, બજાર, સ્કૂલ, કૉલેજ પોત-પોતાના પ્રસ્તાવ પાસ કરે. આ માટે સંપર્ક અભિયાન કરી શકે છે. પોતાના પરિવાર સાથે અન્ય લોકોની વચ્ચે ચીનથી થતા નુકસાનની જાણકારી પહોંચાડવી, હસ્તાક્ષર કરાવી અભિયાનમાં સહયોગ કરી શકો છો. વિભિન્ન સંસ્થાઓ, જાહેર આયોજનો, વિદ્યાર્થીઓ, યુવાઓ અને મહિલાઓ સાથે બધા લોકો ચીનના સામાન અને સેવાઓના બહિષ્કારનું આહ્વાન કરી આ અભિયાનમાં સહયોગ કરી શકે છે. સ્વદેશી જાગરણ મંચના સ્થાનિક એકમના કાર્યકર્તાઓ સાથે મળીને અભિયાનમાં સહયોગી બની શકાય છે.