એક ભ્રમ... "શું વિદેશી ઉત્પાદનો સ્વદેશીથી ચડિયાતાં છે ?

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૭


આપણે ત્યાં ઘણા સમયથી એક પ્રશ્ર્ન રજૂ થતો આવ્યો છે. વિદેશી ઉત્પાદનો ગુણવત્તામાં સ્વદેશી કરતાં ચડિયાતાં છે, તો હલકી વસ્તુઓ શા માટે વાપરવી ? આમાં પણ ઘણા મુદ્દાઓ વિચારવા પાત્ર છે. સૌથી પહેલી વાત એ છે કે ગુણવત્તા ચડિયાતી છે, એવું ઘણીખરી વસ્તુઓ બાબતમાં આપણા મન ઉપર જાહેરાતો દ્વારા જ ઠસાવી દેવાયું છે. રોજ રોજ વાપરવાની વસ્તુઓ બાબતમાં તો આવું વિશેષ કરીને થયું છે. ટૂથપેસ્ટ, સાબુ, હજામતની બ્લેડ, શેમ્પુ, ગળી આ બધાં તેનાં ઉદાહરણો છે. એક ચોક્કસ દાખલો લઈએ. પચીસ ‚પિયાની વિદેશી બ્લેડ લો. એટલા જ ‚પિયાની સ્વદેશી બ્લેડ લો. કઈ બ્લેડો વધારે દિવસ ચાલે છે? અજમાવી જોવાથી ખાતરી થઈ છે કે સ્વદેશી જ સસ્તું પડે છે, એટલે કે વધુ કામ આપે છે. એવું જ લગભગ બધી બાબતમાં થાય છે.
અલબત્ત, ૪૦-૪૫ વર્ષ સુધી દેશમાં લાઇસન્સ, પરમિટ, ક્વૉટા રાજ ચાલતું રહ્યું. એટલે આંતરિક સ્પર્ધા ન થઈ. હવે શ‚આત થઈ છે. અમેરિકાનું જાસૂસીતંત્ર અંધારામાં રહ્યું તેમ આપણે પોખરણમાં અણુપ્રયોગ કર્યો. રશિયા ક્રાયોજેનિક એન્જિન ન આપે તેવી અમેરિકાએ સાજીશ કરી, તો આપણે પોતાની શક્તિથી એવાં એન્જિન બનાવ્યાં. સુપર કમ્પ્યુટર વેચાતાં આપવાની ના પાડી તો આપણે પોતે બનાવી લીધાં. તે એટલાં સસ્તાં બન્યાં કે દુનિયાના દેશોમાંથી તે ખરીદવાના ઑર્ડર મળવા માંડ્યાં. આપણા ઉપગ્રહો દુનિયાના દેશો ભાડે વાપરે છે. આ બધું ગુણવત્તા વગર થયું ? આપણા ઉત્પાદકોને ૨૫-૩૦ વર્ષ તક આપીએ તો કશુંય નબળું પેદા ના થાય.
વિદેશી કંપનીઓ આજેય વસ્તુઓ મોંઘી વેચે છે. જો સ્વદેશી ઉદ્યોગો બંધ થશે તો પછી વિદેશીઓ એ વસ્તુઓની કિંમત બેહદ વધારી દેશે, લોકોને નાછૂટકે વધારે કિંમત આપવી પડશે. આપણે લાચાર થઈ જશું.
સ્વદેશી કંપનીઓને બંધ કરાવવા કેટલીય વિદેશી કંપનીઓ શ‚આતમાં મોટી ખોટ ખાઈને પણ માલ સસ્તો વેચે છે. પાછળથી સ્વદેશી કંપનીઓ બંધ થતાં પ્રજાને ભાવવધારાથી ખંખેરી શકાશે એવી ચોખ્ખી ગણતરી હોય છે. આ ભારે ખંધાઈ છે. નેસ્લે કંપની નેસ કોફીનો કેટલો ઊંચો ભાવ લેતી હતી ? તાતા કોફી બજારમાં આવ્યા પછી ભાવ કેમ ઘટાડવા પડ્યા ? બધું ઊંડી વિચારણા માગી લે તેવું છે. એટલું ગુણવત્તા-ગુણવત્તાની માળા જપતાં પહેલાં, બૂમો પાડતાં પહેલાં વિચાર કરીએ.
આ રીતે વિદેશી આક્રમણ વધી રહ્યું છે. આપણો અનુભવ છે કે વિદેશી આક્રમણકારો પહેલાં તો શોધી કાઢે છે આપણામાં રહેલા સ્વાર્થીઓને. એમને લોભ આપે છે. લાલચ આપે છે. શ‚આતમાં થોડો લાભ પણ આપે છે અને કુહાડાના હાથા બનાવે છે. આપણા દેશમાં જયચંદો, અમીચંદોની કાંઈ ખોટ નથી. તેઓ પોતાના નાનકડા સ્વાર્થ માટે આમાં જોડાય છે. મદદરૂપ થાય છે, અને કિલ્લાના દરવાજા ખોલી આપે છે. ગઢરક્ષક પોતે જ સાથે રહીને ગઢ તોડાવે છે.

તો પછી આપણે કરવું શું ? આટલું કરીએ -

૧. ઉત્પાદન પુષ્કળ વધારીએ. આપણે જે કાંઈ પેદા કરતા હોઈએ તે મબલખ પેદા થાય તે વિચારીએ અને તે માટે પ્રયત્નો કરીએ.
૨. વપરાશ ઘટાડીએ. આપણે તો કરકસરથી રહેવા ટેવાયેલા છીએ. જેને આપણે પૂજીએ છીએ તે ઋષિઓની જ‚રિયાતો કેટલી ઓછી હતી ! વધારે વસ્તુઓ વાપરે, વધારે પૈસા ઉડાડે તેનાથી અંજાઈ ન જઈએ. ઊલટાનું શક્ય હોય તો તેમને ટપારીએ.
૩. મોજશોખને પ્રતિષ્ઠા ન આપીએ. મોંઘું મોંઘું બિનજ‚રી વાપરે તેને ઊંચા ન માનીએ.
૪. બને ત્યાં સુધી જૂની ટેવો ચાલુ રાખીએ. બાવળ-લીમડાનું દાતણ કરીએ. છાશ, દૂધ, શરબત જેવાં ઘરનાં પીણાં વાપરીએ. ચા-કૉફી પણ ઓછાં પીએ.
૫. કહેવાતા સુધરેલા દેશો પણ હવે સુતરાઉ કપડાંનું મહત્ત્વ સમજતા થયા છે, અને એની જ (કોટન ફેબ્રિક્સની) આયાત કરે છે. પહેરે છે. આપણે પણ સુતરાઉ કાપડ પહેરીએ. ગરમ દેશોમાં તો તે ઉત્તમ છે. તેમાં પણ ખાદીનાં વસ્ત્રોની તોલે કોઈના ગુણ ન આવે.
૬. છાપાંની કે ટીવી પરની જાહેરાતથી ન દોરવાઈએ. આપણી બુદ્ધિથી વિચારીએ અને એ આધારે જ ખરીદી કરીએ.
૭. બને તેટલી વસ્તુઓ ઘરે બનાવી લઈએ તે ઉત્તમ છે. બજારમાં તૈયાર મળતી વસ્તુ ન લેવાય તેટલું સારું.
૮. હોટલમાં નાસ્તો કરવા, ખાવા જવાની ફેશનમાં ન ખેંચાઈએ. મહેમાનોને હોટલમાં ખવડાવવાથી દૂર રહીએ. ઘરે બધી વાનગીઓ બનાવી શકાય છે. એ માટે પુસ્તકો લખાયાં છે, તે વાંચી તે પ્રમાણે બનાવી લઈએ. જો કે એની પાછળ ગાંડા થવાની જરૂર નથી. હોટેલમાં દસ ‚પિયે મળતી વસ્તુ ઘરે બે-અઢી ‚પિયામાં બને છે, અને તે પણ હોટલથી ચડિયાતી, ગુણમાં અને સ્વાદમાં. એકબીજાને આવી વસ્તુ બનાવતાં શીખવીએ.
૯. વિદેશી કંપનીઓએ બનાવેલી વસ્તુ કદી ન વાપરીએ. તેના વિના ચલાવી લઈએ. તે આપણા પૈસા વિદેશ ખેંચી જાય છે. સ્વદેશી વસ્તુ થોડી મોંઘી લાગે, થોડી હલકી લાગે, તો પણ તે જ વાપરીએ. રોજબરોજની વસ્તુઓ - ટૂથપેસ્થ, બ્રશ, દંતમંજન, શેવિંગ બ્રશ, શેવિંગ ક્રીમ કે સાબુ, બ્લેડ, નહાવાનો અને ધોવાનો સાબુ, માથું ધોવાનું શેમ્પુ, કપડાં, કેસેટ, બેટરી સેલ (પાવર), બોલપેન, વીજળીના ગોળા કે ટ્યૂબલાઇટ, વાસણો, બૂટ, ચંપલ વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીની બનાવેલી ન જ વાપરીએ. ક્યારેક જ ખરીદવા પડતાં ઘડિયાળ, ટેપ રેકોર્ડર, ટીવી વોશિંગ મશીન, રેફ્રિજેટર જેવાં સાધનો પણ મળી શકતાં હોય તો સ્વદેશી જ વાપરીએ.
૧૦. કપાસની સાંઠી, રાયડાના ડોડા, એરંડાના છોડ, મરચીના છોડ, લાકડાનો વહેર, કોલસા આ બધાનો બળતણ તરીકે ઉપયોગ કરીએ. કેરોસીન કે ગેસ બચાવીએ. તે આપણે પરદેશથી મંગાવવાં પડે છે.
૧૧. પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો થાય તેવા ઉપાયો વિચારીએ.
૧૨. આપણા ગામમાં બનતી કે આસપાસના પ્રદેશમાં બનતી વસ્તુ મળે તો તેને પહેલી ખરીદીએ.