ઇજિપ્તની રાજધાની કાહિરાના રેલવે સ્ટેશન પર ફતવાની દુકાન

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૭

નાનાં-મોટાં રેલવે સ્ટેશનો પર જનતાના ઉપયોગમાં લેવાતી વસ્તુઓની દુકાનો જોવા મળવી સામાન્ય વાત છે. મુસાફરી દરમિયાન યાત્રિકોને ખાવા-પીવાથી માંડી દૈનિક કામમાં ઉપયોગમાં આવતી વસ્તુઓની જરૂર પડે છે. એટલા માટે રેલ મંત્રાલય મુસાફરોની જરૂરિયાત મુજબ રેલવે પ્લેટફોર્મ પર તેની વ્યવસ્થા કરતું હોય છે.
ખાવા-પીવાથી માંડી દૈનિક કામકાજની જરૂ‚રિયાત હોય એ સ્વાભાવિક છે, પરંતુ સ્ટેશનો પર દૈનિક ધર્મ-કર્મના વિદ્વાનોની સહાયતાની જ‚રિયાત પડે એ આશ્ર્ચર્ય પમાડે તેવી બાબત છે. પરંતુ આ માત્ર કોરી વાત નથી, હકીકત છે. આ વાતમાં જરાઅમથી પણ શંકા હોય તે ઇજિપ્તના પ્રસિદ્ધ શહેર ને તેની રાજધાની કાહિરામાં જઈ જોઈ આવે. અહીં વિશ્ર્વવિખ્યાત અલ-અઝહર વિશ્ર્વ વિદ્યાલય આવેલું છે, જેના ઇસ્લામિક જ્ઞાનને લઈને વિશ્ર્વ આખામાં તેનું નામ માનભેર લેવાય છે. ત્યાંના ધાર્મિક ફતવાઓ વિશ્ર્વમાં અજોડ અને સર્વમાન્ય હોય છે.
ગત ૬ ઑગસ્ટ, ૨૦૧૭ના રોજ બેંગ્લોરમાં પ્રકાશિત સાપ્તાહિક ‘નશેમન’એ પોતાના સાતમા પાના પર એક સમાચાર પ્રકાશિત કરી હલચલ મચાવી દીધી હતી. સમાચારનું શીર્ષક હતું, ‘કાહિરાના રેલવે સ્ટેશનો પર હરતા-ફરતા ફતવા લઈ લો.’ નશેમન લખે છે કે મિશ્રની પ્રસિદ્ધ યુનિવર્સિટી અલ અઝહરે જનતાને ધાર્મિક માર્ગદર્શન અને આતંકવાદીઓના વધતા પ્રભાવને ખાળવા કાહિરાના રેલવે સ્ટેશનો પર જામેઆના ઈમામોની દુકાનો ઊભી કરી છે. આ દુકાનો પર લોકો રેલવે સ્ટેશન પર હાલતા-ચાલતા ધર્મ સંબંધી ફતવાઓ લઈ શકે છે. અહીં દુકાન લગાવી ઈમામ સૈયદ ઉમર નામના મૌલવી કહે છે કે, ‘અમે અહીં ધર્મ સંબંધિત લોકોની શંકાઓનું સમાધાન કરવા અને રસ્તો ભટકેલા યુવાઓને સાચો માર્ગ બતાવવા આવ્યા છીએ.’
કાહિરાનાં રેલવે સ્ટેશનો પર અનેક નાની-નાની આવી ધાર્મિક દુકાનો ઊભી કરવામાં આવી છે. અહીં ઇસ્લામ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવે છે. જામેઆ અલઅઝહર યુનિવર્સિટીના ઈમામો મુજબ આ પ્રકારની દુકાનો શરૂ કરવાનો મૂળભૂત ઉદ્દેશ્ય આતંકવાદની નિંદા અને ઇસ્લામની સાચી વ્યાખ્યા કરવાનો છે. આ અભિયાન અહીંનાં સિનાઈ વિસ્તારમાં દાઈસ (આઈએસ) વિરુદ્ધ મિશ્રના સૈન્ય અભિયાનની કાર્યવાહીના એક ભાગરૂપે ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરના દિવસોમાં અહીંના લઘુમતી ઈસાઈઓ વિરુદ્ધની હિંસામાં ૧૦૦થી વધુ લોકોના જીવ ગયા છે અને ઑગસ્ટ મહિનામાં જ મિશ્રની સુરક્ષામાં તહેનાત ૨૮થી વધુ અધિકારીઓની હત્યા થઈ હતી. ઇજિપ્તમાં ચાલતા આ જેહાદી સંઘર્ષને ધ્યાનમાં રાખી અલઅઝહર વિશ્ર્વવિદ્યાલયે આ પ્રકારની દુકાનો થકી મિશ્રના નાગરિકો સુધી સાચા ઇસ્લામને પહોંચાડવાનું અભિયાન છેડ્યું છે.
સૈયદ ઉંમર કહે છે કે, લોકો એવા અશાસકીય ફતવાનું અનુસરણ કરતા હોય છે કે જેઓ દ્વારા એ ફતવા પાડવામાં આવતા હોય છે. તેઓ ફતવા પાડવાની યોગ્યતા જ ધરાવતા નથી હોતા, માટે અમે અહીં યુવાઓના પ્રશ્ર્નોના જવાબ કુરાનની આયાતોને આધારે આપીએ છીએ. અમારા દ્વારા વિશેષ રીતે યુવાઓના મનમાં જે ભ્રમ અને અતાર્કિક વાતો ઠસાવવામાં આવી છે તેને દૂર કરી સાચી પરિસ્થિતિ સાથે પરિચય કરાવવા પર ભાર મૂકવામાં આવે છે. અહીં યુવાઓને કહેવામાં આવે છે કે, ઇસ્લામ એ શાંતિ અને ભાઈચારાનો ધર્મ છે. અહીં ન તો કોઈનાથી કોઈ વાત છુપાવવામાં આવે છે કે ન તો કોઈ સંદર્ભને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે.
જામેઆ અલ અઝહર વિશ્ર્વવિખ્યાત ઇસ્લામિક સંસ્થા છે. આના દ્વારા જે વાત મૂકવામાં આવે છે તે પૂરી સાબિતીઓ સહિત મૂકવામાં આવે છે. સૈયદ ઉમર કહે છે કે અમે અમારું કંઈ જ નથી કહેતા, માત્ર કુરાનની આયાતોને જ ટાંકીએ છીએ અને આ વાતો એવા લોકો દ્વારા જ કહેવામાં આવે છે જેઓને અરબી કુરાન અને સુન્નત અને ઇસ્લામિક સાહિત્યનો ઊંડો અભ્યાસ હોય છે. અહીં કોઈ વર્ગ કે વિશેષ વિચારધારાની લેશમાત્ર પણ દખલ હોતી નથી.
પરંતુ કમનસીબે કેટલાક મુસ્લિમો આ વાતો માનવા તૈયાર થતા નથી. આ બાબતે એક જનમત સંગ્રહ પણ કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક લોકોએ આ અભિયાનને વખાણ્યું હતું. તો કેટલાકના મતે આનો હેતુ તો સારો છે, પરંતુ જે રીતે થઈ રહ્યું છે. તે યોગ્ય નથી. કારણ કે આ એક સસ્તી અને ભદ્દી રીત છે. જો કે આવી ટીકાઓ છતાં પણ અહીં આ પ્રકારની ફતવાઓની દુકાન ચાલુ છે.