રાષ્ટ્રીય સ્વદેશી સુરક્ષા અભિયાન

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૭

સ્વદેશી જાગરણ મંચ દ્વારા ભારત સ્વાવલંબી બને આર્થિક રીતે સધ્ધર બને અને દેશની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી સ્વદેશી ચીજવસ્તુઓનો સ્વીકાર અને વપરાશ સર્વગ્રાહી બને તે પ્રકારના પ્રયત્નો વર્ષોથી કરવામાં આવી રહેલ છે. વિદેશી ચીજવસ્તુઓનું ભારતના બજાર પર થઈ રહેલ અને દિન-પ્રતિદિન વધી રહેલ આક્રમણ દેશની આર્થિક આઝાદી અને દેશની સુરક્ષા માટે ચિંતાનો વિષય બની રહેલ છે. વિદેશી ચીજવસ્તુઓનું જે આક્રમણ છે તેનાં ૬૦%થી વધુ હિસ્સો ચીનનો રહેલ છે. જે આપણી આર્થિક આઝાદી તથા દેશની સુરક્ષા માટે ખતરો છે અને તે બાબત ચિંતાજનક હોઈ સ્વદેશી જાગરણ મંચ દ્વારા વિદેશી માલસામાન બહિષ્કારનું આંદોલન અને ખાસ કરીને ચીનના માલ-સામાન તથા ચીની સેવાઓના બહિષ્કારનું આંદોલન તેજ કરવાનો નિર્ણય લીધેલ છે. અને આ નિર્ણયના ભાગરૂપે ૨૦૧૭નું સમગ્ર વર્ષ ચીની ચીજવસ્તુઓ તથા સેવાના બહિષ્કારનું વર્ષ નક્કી કરેલ જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન સમગ્ર વર્ષ માટે નક્કી કરેલ. વર્ષ દરમ્યાન કરવાના થતા મુખ્ય કાર્યક્રમોમાં પ્રથમ તબક્કામાં ચીની વસ્તુઓનો - સેવાઓનો ઉપયોગ નહીં કરવાના સંકલ્પ પત્રમાં હસ્તાક્ષર અભિયાન, થયેલ હસ્તાક્ષર માનનીય વડાપ્રધાન મહોદયને પાઠવવાનું તથા તે અંગેનું આવેદન જિલ્લા કલેકટરશ્રીને પાઠવવા તથા દ્વિતીય તબક્કામાં સમગ્ર ભારતભરમાં જિલ્લા સહસંમેલન કરવા અને તેમાં ચીની વસ્તુઓના આક્રમણથી દેશ ઉપર ઊભો થઈ રહેલ ખતરો તથા ચીનની ભારત સાથેની આડોડાઈ સમગ્ર દેશવાસીઓના ધ્યાન ઉપર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ સંમેલનમાં ચીન દ્વારા ભારત સાથેના સંબંધો, સરહદ ઉપર ચીન દ્વારા કરવામાં આવી રહેલ અતિક્રમણ તથા ભારતમાં આતંકવાદ ફેલાવતા દેશ પાકિસ્તાનને ચીન દ્વારા કરવામાં આવી રહેલ આર્થિક મદદ તથા ચીની ચીજવસ્તુઓના વપરાશથી ભારતને થઈ રહેલ આર્થિક નુકસાન અને દેશની સુરક્ષા સંદર્ભે થઈ રહેલ નુકસાન અંગેની ચર્ચા વ્યાપક અને વિસ્તૃત રૂપે કરવામાં આવી.
સ્વદેશી જાગરણ મંચ આ અભિયાનને દેશના ખૂણે ખૂણે પહોંચાડવા તથા ચીની વસ્તુઓ અને સેવાઓના બહિષ્કારની વાત દરેક દેશવાસી સુધી પહોંચડાવાના પ્રયાસરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પણ આ વિષયમાં વ્યાપક જનજાગરણના ભાગરૂપે અભિયાન હાથ ધરવા સંઘની અખિલ ભારતીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયના અમલીકરણના ભાગ‚પે દરેક પ્રાંત દ્વારા અભિયાનની સિદ્ધિઓ નક્કી કરવામાં આવી છે. ગુજરાત પ્રાંત દ્વારા પણ દિનાંક ૨૫ ઑગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધી આ વિષયનો વ્યાપક જન જાગરણ કરવામાં આવનાર છે. જન જાગરણ અભિયાનમાં ચીનના માલ-સામાનનો બહિષ્કાર શા માટે ? તે બાબતની વિસ્તૃત સમજ આપવા સાથે પત્રિકા વિતરણ, શાળા-મહાવિદ્યાલયોમાં વક્તવ્ય, સ્ટીકર વિતરણ, નાની મોટી સભાઓ કરવામાં આવનાર છે.
આ અભિયાનના અંતિમ ચરણમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા ‘ચાલો દિલ્હી’ કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં દેશના ખૂણે ખૂણેથી કાર્યકર્તાઓ ૨૯ ઑક્ટોબરના રોજ દિલ્હી ખાતે રામલીલા મેદાન ખાતે એકત્ર થઈ ચીની વસ્તુઓના બહિષ્કારનો સંકલ્પ દોહરાવશે તથા સર્વે દેશવાસીઓ પ્રદર્શન કરશે. આ કાર્યક્રમમાં દેશના ખૂણે ખૂણેથી સ્વદેશીપ્રેમી સૌ કાર્યકર્તા ઊમટી પડશે અને આવનાર કાર્યકર્તા સવારે ૯.૦૦થી સાંજના ૫.૦૦ સુધી રામલીલા મેદાન ઉપર ભાષણ ધરણા પ્રદર્શન વિગેરે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી ચીનના માલ-સામાનના બહિષ્કારનો સંકલ્પ દોહરાવશે અને ભારતને ચીની માલસામાનથી મુક્ત બનાવવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કરશે.

સ્વદેશી વિશે મહાનુભાવોના વિચારો


સ્વદેશી તો શાશ્ર્વત ધર્મ છે. તેનો વ્યવહાર પ્રત્યેક યુગમાં બદલાતો જ રહેશે અને બદલાવો પણ જોઈએ. સ્વદેશી આત્મા છે અને ભારતમાં આ યુગમાં ખાદી તેનું શરીર છે. યોગ્ય સમયે તેના આ દેહનો નાશ થાય તો ભલે થાય. તે બીજો નવીન દેહ ધારણ કરી લેશે, પરંતુ અંતરમાં સ્થિત આત્મા તો એ જ રહેશે. સ્વદેશી એક સેવાધર્મ છે. આ સેવાધર્મને આપણે પૂરેપૂરો સમજી લઈએ તો આપણું, આપણા પરિવારનું, દેશનું અને સમગ્ર સંસારનું કલ્યાણ થશે. સ્વદેશીમાં સ્વાર્થ નહીં, શુદ્ધ પરમાર્થ છે, તેથી હું તેને યજ્ઞ માનું છું.
વિદેશી સોય આપણે અવશ્ય લઈએ કારણ કે આપણે તેને પચાવી શકીએ છીએ. તેનો સ્વીકાર કરીને આપણે દેશના કોઈ ઉદ્યોગને હાનિ પહોંચાડતા નથી. તેનો સ્વીકાર કરવાથી દેશમાં બેકારી વધતી નથી, પરંતુ તે સોય તો સેંકડોને ધંધો આપે છે અને તે ધંધો આપણા માટે ઉપયોગી પણ છે. વિદેશી કાપડ ભલે સારું હોય, સસ્તું હોય, કદાચ તેના માટે આપણે એક કોડી પણ આપવી ન પડે, છતાંય તે ત્યજવા યોગ્ય છે, કારણ કે તેનો સ્વીકાર કરવાથી કરોડો લોકો પાયમાલ થઈ ગયા છે. કાપડ તો આપણે આપણાં ગામોમાં જ બનાવતા આવ્યા છીએ.
- મહાત્મા ગાંધીજી (નવજીવન, ૧૯-૦૬-૨૭)

 

વિદેશી સહાય દ્વારા આર્થિક વિકાસની વાત કરવી એ કાચી માટીના કૃત્રિમ પગ લગાડી પોતાની વિકલાંગતા દૂર થવાનો સંતોષ મેળવવાની અથવા સમૃદ્ધ થઈ જવાની આત્મવંચના કરવા જેવું છે. દેશને જે આર્થિક સામ્રાજ્યવાદની જાળમાં ફસાવવામાં આવી રહ્યો છે, અમેરિકા તથા અન્ય દેશો જે રીતે પોતાની આર્થિક સમૃદ્ધિ માટે ભારત અને બીજા વિકાસશીલ દેશોનું પ્રત્યક્ષ અને પરોક્ષ શોષણ કરવાની ચાલાકી કરી રહ્યા છે. તેને જો સમયસર સમજવામાં નહીં આવે તો એક દિવસ દેશની રાજકીય આઝાદી પણ ખતરામાં પડી શકે છે. આપણે ત્યારે પશુઓની જેમ માત્ર વપરાશકાર હોઈશું અને વિદેશીઓના ગુલામ તથા બંધનગ્રસ્ત મજૂર બનીને રહેવાનું જ આપણા ભાગ્યમાં હશે. વિદેશી આર્થિક સામ્રાજ્યવાદના આ આક્રમણથી દેશને બીજું કોઈ નહીં, માત્ર ‘સ્વદેશી’નું કવચ જ બચાવી શકે છે.
- દત્તોપંત ઠેંગડી (૧૯ ડિસેમ્બર, ૧૯૯૩)