સ્વદેશી : આર્થિક આઝાદીનો સાર્થક વિકલ્પ

    ૨૫-ઓગસ્ટ-૨૦૧૭

હિન્દુસ્તાની સ્વદેશી આંદોલન : અંગ્રેજોથી લઈને ચીનાઓ સુધી...

દેશના ઇન્ટરનેટ જગતમાં હાલ ચીની વસ્તુઓનો ‘બહિષ્કાર અને સ્વદેશી વસ્તુઓનો સ્વીકારનાં સૂત્ર થકી એક વર્ચ્યુઅલ ‘સ્વદેશી આંદોલન’ ચાલી રહ્યું છે. આઝાદીનાં ૭૦ વર્ષ પછી પણ આપણે આર્થિક આઝાદી મેળવવા સ્વદેશી અપનાવોની અપીલ કરવી પડે છે ત્યારે આવો, આઝાદી પહેલાંથી આ દેશમાં ચર્ચાતો સ્વદેશી વિચાર અને આંદોલનને સમજવાની કોશિશ કરીએ.
સ્વદેશી કોઈ વસ્તુ નહીં પણ ચિંતન છે, સ્વદેશી ક્રાંતિ છે, સ્વદેશી બેરોજગારીનું સમાધાન છે. સ્વદેશી શોષણ અટકાવનારું કવચ છે. સ્વદેશી પર્યાવરણનનું સંરક્ષક છે, સ્વદેશી સાદગી છે. સ્વદેશી કોઈ પણ દેશ માટે સ્વાવલંબન તરફ લઈ જનારું વાહન છે. દેશના વિદેશમંત્રી સુષમા સ્વરાજે તાજેતરમાં જ રાજ્યસભામાં કહ્યું હતું કે દેશને સામરિકી નહીં પણ આર્થિક ક્ષમતા વધારવાની જરૂર છે. એટલે એમ કહી શકાય કે વિશ્ર્વના કોઈ પણ દેશને આર્થિક રીતે, સામાજિક રીતે ટેક્‌નિકલી કે સુરક્ષાની દૃષ્ટિએ મહાશક્તિ બનવું હશે તો સ્વદેશીનો મંત્ર તેને જપવો જ પડશે. ભારતમાં આજે ચીન જ્યારે અવળચંડાઈ કરે કે દિવાળી, નવરાત્રી આવે ત્યારે જ સ્વદેશીનો ભાવ લોકોમાં જગાડવાની કોશિશ થાય છે પણ વિશ્ર્વના અનેક શક્તિશાળી દેશો છે જે સ્વદેશીના મંત્ર દ્વારા સમૃદ્ધ થયા છે. પહેલાં જુઓ કેટલાંક ઉદાહરણ....
- અમેરિકાને આજે જગતજમાદાર કહેવાય છે. જરા વિચારો, ભારતની જેમ અમેરિકા પણ ખૂબ લાંબા સમય સુધી અંગ્રેજોનું ગુલામ રહ્યું, પણ પછી જોર્જ વોશિંગ્ટને અહીં ક્રાંતિ કરી લોકોને સ્વદેશીનો મંત્ર આપ્યો. તેણે સ્વદેશી ઉત્પાદન પર જોર આપ્યું અને વિશ્ર્વમાંથી વસ્તુ ખરીદવાને બદલે વેચવાનું શરૂ કર્યું. આજે દુનિયાના બજારમાં અમેરિકાનો સામાન ખૂબ મોટા પાયે વેચાઈ રહ્યો છે, જેના કારણે અમેરિકા આર્થિક રીતે સધ્ધર બન્યું છે.
- દુનિયાભરમાં પોતાની વસ્તુ વેચતો ચીન પણ સ્વદેશીનો આગ્રહી છે. ચીન પણ અંગ્રેજોનું ગુલામ હતું. અંગ્રેજોએ ચીનના લોકોને અફીણના નશામાં પૂરા કરી દીધા હતા. ૧૯૪૯ સુધી ચીન કંગાળ દેશ હતો. પછી ત્યાં એક સ્વદેશી ક્રાંતિકારી નેતા માચોજેજીંગે ચીનની સ્થિતિ બદલી.

વાત ભારતની...

એક વાત તો સ્પષ્ટ છે કે ભારતની આઝાદીની લડાઈમાં સ્વદેશી આંદોલને મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. ભારતમાં સ્વદેશી આંદોલનની શરૂઆત વર્ષ ૧૯૦૫થી જ થઈ ગઈ હતી, પણ એમ કહી શકાય કે સ્વદેશીનો વિચાર દેશમાં આ પહેલાં પણ અનેક મહાનુભાવોએ લોકો સમક્ષ મૂક્યો હતો. ભારતમાં સ્વદેશીનો ઐતિહાસિક સંદર્ભ જોવામાં આવે તો સ્વાતંત્ર્ય આંદોલનની એક પ્રવૃત્તિ રૂપે સ્વદેશીનો ઉલ્લેખ ૧૮૪૯માં પૂણેથી પ્રકાશિત થતી ‘પ્રભાકર’ પત્રિકામાં મળે છે, જેમાં ગોપાલરાવ દેશમુખે દેશવાસીઓ સમક્ષ સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાની વાત કરી હતી. ૧૮૫૦માં કૂકા આંદોલનમાં પણ બ્રિટિશ વ્યવસ્થાનો બહિષ્કાર કરી સ્વદેશી વ્યવસ્થાઓ ઊભી કરવાની શરૂઆત થઈ હતી.. ૧૮૬૭માં નવગોપાલ મિત્ર અને ઋષિ રાજનારાયણના પ્રયત્નોથી દેશમાં ‘હિન્દુ મેળા’નું આયોજન થયું. આ મેળાઓમાં ભારતીય વસ્તુઓ જેવી કે શિલ્પ, વસ્ત્ર, આભૂષણનું પ્રદર્શન થતું. મેળામાં સંચાલનની ભાષા અને વેશભૂષા પણ ભારતીય જ રાખવામાં આવતી. ૧૮૭૦માં વિશ્ર્વનાથ નારાયણે નેટિવ ઓપિનિયન પત્ર થકી લોકોને મોંઘી હોવા છતાં સ્વદેશી વસ્તુ ખરીદવાની વાત મૂકી હતી. ૧૮૭૨માં મહાદેવ ગોવિંદ રાનડેએ પૂણેમાં આર્થિક સ્વતંત્રતા પર એક જાહેર વક્તવ્ય આપ્યું અને દેશને વાસુદેવ બળવંત ફડકે અને ગણેશ વાસુદેવ જોશી જેવા બે ક્રાંતિકારી મળ્યા, જેમણે સ્વયં સ્વદેશી વિચાર અપનાવી લોકો સુધી સ્વદેશી ક્રાંતિનો વિચાર પહોંચાડ્યો. આઝાદી પહેલાં સ્વતંત્રતાની લડાઈ લડતા અનેક પત્ર-પત્રિકાઓમાં અનેક ક્રાંતિવીર લેખકોએ સ્વદેશી અપનાવવાનું આહ્વાન લોકો સમક્ષ મૂક્યું હતું. રવીન્દ્રનાથ ઠાકુરે સામાન્ય માણસ સુધી સ્વદેશી ઉત્પાદન સરળતાથી પહોંચાડવા સ્વદેશી ભંડાર પણ ખોલ્યો હતો.

બંગ-ભંગ વિરોધી જનજાગરણ અને સ્વદેશી આંદોલન

સ્વદેશી આંદોલનની શરૂઆત ભારતમાં ૧૯૦૫થી થઈ. જે આંદોલને ભારતની આઝાદીનો પાયો મજબૂત કર્યો. વર્ષ ૧૯૦૩માં બંગાળ વિભાજન વખતે જે બંગ-ભંગ વિરોધી જનજાગરણ થયું તેનાથી ભારતમાં સ્વદેશી આંદોલનને બળ પ્રદાન થયું. ગાંધીજીનું આ દેશમાં આગમન થયું તે પહેલાં જ અરવિન્દ ઘોષ, રવીન્દ્રનાથ ઠાકુર, વીર સાવરકર, લોકમાન્ય તિલક, લાલા લજપતરાય, વિપિનચંદ્ર પાલ જેવા મહાન વ્યક્તિઓ સ્વદેશી આંદોલનના ઉદ્‌ઘોષક બન્યા. સ્વદેશી આંદોલનના નેતા તે સમયે બાળ ગંગાધર તિલક હતા, જે પુનાના હતા. તેમણે જ સૌપ્રથમ પૂનાથી આ આંદોલનની શરૂઆત કરી હતી અને પછી આખા દેશમાં આ આંદોલનને વધાવી લેવાયું, જે વર્ષ ૧૯૧૧ સુધી ચાલ્યું. આંદોલનનો મુખ્ય ઉદ્દેશ અંગ્રેજો દ્વારા બનાવેલી વસ્તુનો બહિષ્કાર કરી અંગ્રેજોને આર્થિક રીતે તોડી પાડવાનો હતો. આખા દેશમાં ઢગલો વિદેશી કપડાંની હોળી સળગાવવામાં આવી. લાલા લજપતરાય, તિલક જેવા કાર્યકર્તાઓ તો વિદેશી વસ્તુઓને શોધી-શોધી સળગાવતા અને લોકોને પોતાના ખર્ચે સ્વદેશી વસ્તુ લઈ આપતા. એવું કહેવાય છે કે તે સમયે ૫૦ કરતાં વધુ વિદેશી વસ્તુઓ ભારતમાં વેચાવા આવતી, જેનો સ્વદેશી આંદોલનમાં જોડાયેલા ૧ કરોડ કરતાં વધારે કાર્યકર્તાઓએ બહિષ્કાર કર્યો હતો.

વિદેશી કપડાંની હોળી :

આંદોલન દરમિયાન સમગ્ર દેશમાં વિદેશી કપડાની હોળી સળગાવવામાં આવી. અહીં વીર સાવરકરને યાદ કરવા પડે. ૧ ઑક્ટોબર, ૧૯૦૫માં તેમણે પૂનાના એક છાત્રાલયમાં વિદ્યાર્થીઓ સામે વિદેશી વસ્ત્રોની હોળી સળગાવવાનો પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસ્તાવની પરવાનગી માગવા વીર સાવરકર જ્યારે બાળગંગાધર તિલકને મળ્યા તો તેમણે કહ્યું કે દસ-વીસ કપડાં સળગાવવાથી શું થશે ? જો વિદેશી કપડાંની હોળી જ કરવી હોય તો ઢગલો કપડાં સળગાવવાં પડે. વીર સાવરકરે આ બીડું ઝડપી લીધું અને ૭ ઑક્ટોબર, ૧૯૦૫ના રોજ દસ-વીસ નહીં ઢગલો વિદેશી કપડાંની હોળી સળગાવી, જેની ઊંડી છાપ તે સમયે જનતા પર પડી. અનેક લોકો સ્વદેશી તરફ વળ્યા. આ છાપ એટલી રહી કે ગાંધીજીએ પણ ત્યાર પછી ૯ ઑક્ટોબર, ૧૯૨૧ના રોજ મુંબઈમાં વિદેશી કપડાંની હોળી સળગાવી હતી. વર્ષ ૧૯૨૦માં લોકમાન્ય તિલકનું અવસાન થયું અને સ્વદેશી આંદોલનનું નેતૃત્વ ગાંધીજીએ સંભાળ્યું. દેશના નામી લોકો, ઉદ્યોગપતિઓ આ આંદોલનમાં જોડાયા અને દેશમાં ચારે તરફ સ્વદેશીની લહેર ચાલી. આ આંદોલનના કારણે પણ અંગ્રેજોને ખૂબ નુકસાન થયું અને ૧૯૪૨માં તેમને ભારત છોડવા મજબૂર થવું પડ્યું.

૧૯૯૦ - સ્વદેશી આંદોલનનો ફરી જન્મ થયો

આઝાદી મળ્યા પછી સ્વદેશી આંદોલન મંદ પડી ગયું. લોકો સ્વદેશી વિચાર પાછા ભૂલી ગયા, પણ ૧૯૯૦માં દેશમાં ઉદારીકરણની નીતિ અપનાવાઈ, એટલે કેટલાક લોકોને લાગ્યું કે દેશની આર્થિક સ્થિતિ હવે વિદેશીઓના હાથમાં જતી રહેશે એટલે સ્વદેશી આંદોલનનો ફરી એકવાર જન્મ થયો અને ૧૯૯૦ પછી ‘આઝાદી બચાવો આંદોલન શરૂ થયું. અહીં મહત્ત્વની વાત એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તથા તેની સાથે જોડાયેલી અનેક સંસ્થાઓએ હંમેશા સ્વદેશી વિચાર માટે લડત આપી છે જે વર્તમાનમાં પણ ચાલુ જ છે. આજે આ લડાઈ ચીન વિરુદ્ધ લડવામાં આવી રહી છે. ચીન સામેની આ લડાઈ સમજતા પહેલાં ચીનની આપણા જીવનમાં થયેલી ઘૂસણખોરી વિશે થોડું સમજી લઈએ...

ચીનની આપણી જીવનશૈલીમાં ઘૂસણખોરી

આપણી જિંદગીના મોટા ભાગ પર ચીની વસ્તુઓએ ઘૂસણખોરી કરી દીધી છે. આપણા ઘરથી લઈને ઑફિસ સુધી જ્યાં જુઓ ત્યાં ચીન જ ચીન છે. ચીન આપણી સાથે સવારથી લઈ સાંજ સુધી રહે છે. આપણા બેડ‚મ અને બાથ‚મ સુધી ચીન ઘૂસણખોરી કરી ચૂક્યું છે. સવારે જે એલાર્મની ઘંટડીએ આપણે ઊઠીએ છીએ એમાંથી મોટાભાગની ચીની બનાવટની હોય છે. જ્યારે આપણે સવારે ઊઠી નહાવા જઈએ છીએ તો બાથ‚મમાં લાગેલી ટાઈલ્સ, શેવિંગ કિટ અને બ્રશ પણ મેઈડ ઈન ચાઈનાનાં હોય છે. ત્યાર બાદ આપણે ભગવાનની પૂજા કરી પરિવાર અને દેશની સમૃદ્ધિની પ્રાર્થના કરીએ છીએ ત્યારે ભલું તો ચીનનું જ થયું હોય છે, કારણ કે હવે તો ભગવાનની પ્રતિમાઓ પણ મેઈડ ઈન ચાઈના આવવા લાગી છે. ત્યાર બાદ જ્યારે આપણે નાસ્તો કરીએ છીએ ત્યારે તે માટેનો કટલરી સામાન એટલે કે ગેસ, સ્ટવ, ડીસ, પ્યાલા સુધીનો સામાન ચીનની બનાવટનો આવવા લાગ્યો છે. આપણે જ્યારે ઑફિસ જવા નીકળીએ છીએ ત્યારે કાર એસેસરિઝ, તેની અંદરનાં સ્પીકર, ત્યાં સુધી કે આપણી કાર બાઈકની ચાવીના કિચેઈન પર પણ મેઈડ ઈન ચાઈનાનો સિક્કો હોય છે. આપણે જ્યારે ઑફિસ પહોંચીએ છીએ ત્યારે કમ્પ્યુટર, લેપટોપ સ્કેનર અને સ્ટેશનરીનો મોટા ભાગનો સામાન મેઈડ ઈન ચાઈનાનો હોય છે. આપણે જે મોબાઈલ ફોન્સ, ટેબ્લેટ, પ્રોજેક્ટ કેમેરા અને હેડ ફોનનો ઉપયોગ કરીએ છીએ, તેમાં પણ ચીને ઘૂસણખોરી કરી છે. જ્યારે તમે ઑફિસથી ઘરે જઈ જીમ જાઓ છો, ત્યાં પણ ચીની બનાવટનાં કસરતનાં સાધનો તમારી રાહ જોતાં હોય છે. આપણા ઘરની સાજસજાવટનો મોટાભાગનો સામાન પણ મેઈડ ઈન ચાઈનાનો જ હોય છે. ઘરની લાઈટ્સ, દીવાલ ઘડિયાળ, ડિજિટલ ફોટો ફ્રેમ પણ ચીની બનાવટની વાપરીએ છીએ. આપણે આપણાં બાળકોને જે ડાઈપર પહેરાવી છીએ, જે રમકડાં રમવા માટે આપીએ છીએ તે પણ ચીની બનાવટનાં જ હોય છે. જ્યારે આપણે સૂવા માટે આપણા બેડ‚મમાં જઈએ છીએ ત્યારે એયર પ્યોરિફાયર, રૂમ ફ્રેશનર, બ્લોઅર હિટરથી માંડી નાઇટ લેમ્પ સુધી ચીને મોટા પાયે ઘૂસણખોરી કરી છે.
આ સિવાય ખેતીમાં આપણે જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, બીમારીઓથી બચવા માટે વપરાતી અનેક દવાઓ અને મકાન બનાવવા માટે વપરાતું સ્ટીલ પણ મેઈડ ઈન ચાઈનાનું હોય છે.
આ પરથી એટલું ચોક્કસ છે કે જો આપણે ચીનને સબક શીખવાડવો હશે તો આપણે આપણી સમગ્ર જીવનશૈલીને ધરમૂળથી બદલવી પડશે અને આ માત્ર આપણા પૂરતું જ નથી, ચીન હવે વિશ્ર્વના લગભગ તમામ દેશોની જીવનશૈલી બની ગયું છે. હવે વિચારો ચીન સામે કઈ રીતે લડાય ?

વિદેશી વસ્તુને ટક્કર આપે તેવી સ્વદેશી વસ્તુ બનાવવી પડશે !

સ્થિતિ આવી છે તો પછી ચીનની આ ઘૂસણખોરીને ડામવાનો ઉપાય શો ? જવાબ છે ભારતે વિશ્ર્વનું સૌથી મોટું બજાર બનવાની સાથે સાથે વિશ્ર્વનું સૌથી મોટું ઉત્પાદક પણ બનવું પડશે. એટલે કે આપણે આપણી ઉત્પાદનક્ષમતા વધારવી પડશે. બાબા રામદેવ જે કરી રહ્યા છે તે દેશની દરેક ઉત્પાદન કંપનીએ કરવું પડે. એવી સ્વદેશી વસ્તુ બનાવવી પડે જે વિદેશી વસ્તુને પણ ટક્કર આપે. બીજી આપણે એક ભૂલ કરીએ છીએ કે આપણે પેપ્સી, કોકાકોલાના ઓપ્શનમાં છાશ, નાળિયેર પાણી, લીંબુ પાણી આપવાની વાત કરીએ છીએ. જે આજના યુવાનોને ગમે તેવી નથી. આપણે પેપ્સી, કોકાકોલાના ઓપ્શનમાં તેવું જ સ્વદેશી પીણું બનાવીને આપવું જોઈએ. લોકો સ્વદેશી વસ્તુ ખરીદવા તૈયાર જ છે. બસ શરત એ કે એ સારી ગુણવત્તાયુક્ત હોવી જોઈએ. આજે સ્વદેશી વસ્તુનું બ્રાન્ડિંગ કરી તેનું ઉત્પાદન વધારવાની જરૂર છે. વર્તમાન સરકારે મેઈક ઇન ઇન્ડિયા થકી જ આવું અભિયાન શરૂ કર્યું છે. વર્તમાન સરકાર ભારતમાં રોકાણ લાયક વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો કરી રહી છે. ટેક્સ સિસ્ટમને ઉદાર બનાવાઈ છે. પરંતુ આ માટેની સૌથી મોટી સમસ્યા ભ્રષ્ટાચારની છે. આપણે વહેલામાં વહેલી તકે ભ્રષ્ટાચારના આ રાક્ષસને નાથવો પડશે. બીજું જનતાએ રાષ્ટ્ર્ભાવના રાખી સ્વદેશી વસ્તુ જ ખરીદવાનો આગ્રહ રાખવો પડશે. જો આમ થશે તો આપણને ગ્લોબલ મેન્યુફેક્ચરીંગ હબ બનતાં કોઈ જ રોકી નહીં શકે, ચીન પણ નહિ.

ખરીદનારા નહિ, વેચનારા બનવું પડશે...

હાલ આપણે ૧૩૨ કરોડથી વધુ છીએ છતાં વિશ્ર્વ આપણને સામાન ખરીદનાર દેશ તરીકે જ ઓળખે છે. આપણે આપણી આ ઓળખને બદલી સામાન વેચનાર દેશ તરીકેની કરવી પડશે. આગળ જણાવ્યું તેમ મેઈક ઈન ઇન્ડિયાની સફળતા આપણને ન માત્ર ચીન પરથી નિર્ભરતામાંથી મુક્તિ અપાવશે, સાથે સાથે વિશ્ર્વભરમાં સામાન ઉત્પાદક દેશ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. કેટલાક લોકો મેઈડ ઈન ચાઈનાની ઘૂસણખોરીને બહાને વર્તમાન સરકારને નિશાન બનાવી કહી રહ્યા છે કે, સરકાર મેઈડ ઈન ચાઈના મુદ્દે કેમ મૌન છે ? શું કામ દેશમાં ચીની બનાવટની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતો નથી ? એક તરફ દેશમાં ચીની માલના બહિષ્કારની હવા ચાલી રહી છે ત્યારે સરકાર ચીન વાઈબ્રન્ટ મહોત્સવમાં આમંત્રણ આપી નિવેશ માટે લાલ લાજમ પાથરી રહી છે, વગેરે વગેરે.. એમાં શંકાને સ્થાન નથી કે જે લોકો આ પ્રકારનાં નિવેદનો કરી રહ્યા છે તેઓ દેશમાં ચાલતા ચીન વિરોધી વાતાવરણનો લાભ લઈ સરકાર વિરુદ્ધ જનભાવના ભડકાવવાની રાજનીતિ માત્ર જ છે, કારણ કે આ સરકારને ભીંસમાં લેવા મથતા એ લોકોને પણ ખબર છે કે આપણે ચીનના માલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકીએ નહીં, કારણ કે આપણે વિશ્ર્વવ્યાપાર સંગઠન (WTO)ના સદસ્ય છીએ અને તેના નિયમ મુજબ કોઈપણ દેશ કોઈપણ દેશના વ્યાપાર ઉપર પ્રતિબંધ ન લગાવી શકે, સિવાય કે તે દેશ આતંકવાદી દેશ તરીકે જાહેર ન થાય, પરંતુ ભારતને ચીનમાં બનેલા ખરાબ માલસામાન પર પ્રતિબંધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ચીન નિર્મિત વસ્તુઓ પર એન્ટીડમ્પીંગ ડ્યુટી લગાવી આપણા બજારમાં આવતાં જરૂર રોકી શકીએ છીએ. હોંગકોંગ ટ્રેડ ડેવલપમેન્ટ કોર્પોરેશન મુજબ ભારત દુનિયાભરની કંપનીઓ માટે પ્રથમ પસંદગી બનવાની ક્ષમતા ધરાવે છે. સમગ્ર એશિયાખંડમાં ભારત જ એકમાત્ર એવો દેશ છે જ્યાં બજાર પણ છે અને વ્યવસાય કરવાનું વાતાવરણ પણ છે.