આસ્થાનાં નામે કાયદો હાથમાં લેવાનો કોઈનેય અધિકાર નથી : પ્રધાનમંત્રી

    ૦૧-સપ્ટેમ્બર-૨૦૧૭


એક તરફ દેશ ઉત્સવોમાં ડૂબેલો છે તો બીજી તરફ હિન્દુસ્તાનના કોઈપણ ખૂણામાંથી જ્યારે હિંસાની ખબર આવે છે તો દેશને ચિંતા થવી સ્વાભાવિક છે. આ આપણો દેશ બુદ્ધ અને ગાંધીનો દેશ છે, દેશની એકતા માટે પૂરી શક્તિ લગાવી દેનાર સરદાર પટેલનો દેશ છે. સદીઓથી આપણા પૂર્વજોએ સાર્વજનિક જીવન મૂલ્યોને, અહિંસાને, સરખા આદરને સ્વીકાર કર્યો છે, મેં લાલ કિલ્લા પરથી પણ કહ્યું હતું કે આસ્થાના નામે હિંસા સહી લેવાશે નહીં, ભલે એ સાંપ્રદાયિક આસ્થા હોય, ભલે એ રાજનીતિક વિચારધારાઓ પ્રત્યે આસ્થા હોય, ભલે એ વ્યક્તિ પ્રત્યે આસ્થા હોય, ભલે એ પરંપરા પ્રત્યે આસ્થા હોય. આસ્થાના નામે, કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. ડો. બાબાસાહેબ આંબેડકરે આપણને જે બંધારણ આપ્યું છે તેમાં દરેક વ્યક્તિને ન્યાય મેળવવાની દરેક પ્રકારની વ્યવસ્થા છે. હું દેશવાસીઓને વિશ્ર્વાસ અપાવવા માગું છું, કાયદો હાથમાં લેનારા, હિંસાની રાહ પર દમન ગુજારનારા કોઈને પણ, ભલે એ વ્યક્તિ હોય કે સમૂહ હોય, ન આ દેશ ક્યારેય સહન કરશે અને ન કોઈ સરકાર સહન કરશે. દરેકે કાયદા સામે ઝૂકવું પડશે, કાયદો જવાબદારી નક્કી કરશે અને દોષીઓને સજા આપીને જ રહેશે.

મારા પ્રિય દેશવાસીઓ, આપણો દેશ વિવિધતાઓથી ભરેલો છે જીવનના દરેક વ્યવહારમાં આપણને વિવિધતા જોવા મળે છે. આપણા તહેવારો પણ વિવિધતાઓથી ભરેલા છે તથા હજારો વર્ષ જૂનો આપણો સાંસ્કૃતિક વારસો હોવાને કારણે સાંસ્કૃતિક પરંપરાઓ જોઈએ, સામાજિક પરંપરાઓ જોઈએ, ઐતિહાસિક પરંપરાઓ જોઈએ તો ૩૬૫ દિવસમાંથી કદાચ જ કોઈ દિવસ બચતો હશે, જે આપણે ત્યાં કોઈ તહેવાર સાથે જોડાયેલો ન હોય. હવે આપે એ પણ નોંધ્યું હશે કે આપણા દરેક તહેવાર, પ્રકૃતિના સમયપત્રક મુજબ ચાલતા હોય છે. પ્રકૃતિ સાથે સીધેસીધો સંબંધ ધરાવે છે.

આજે હું તહેવારોની વાત કરી રહ્યો છું તો સૌથી પહેલા હું આપ સૌને મિચ્છામી દુક્કડમ કહેવા માંગુ છું. જૈન સમાજમાં સંવત્સરીનું પર્વ મનાવવામાં આવ્યું. જૈન સમાજમાં ભાદરવા માસમાં પર્યુષણ પર્વ મનાવવામાં આવે છે. પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ સંવત્સરીનો દિવસ હોય છે. આ સાચે જ એક અદભુત પરંપરા છે. સંવત્સરીનું પર્વ ક્ષમા, અહિંસા તથા મૈત્રીનું પ્રતિક છે. તેને એક પ્રકારે ક્ષમા-વાણી પર્વ પણ કહેવામાં આવે છે અને આ દિવસે એકબીજાને મિચ્છામી દુક્કડમ કહેવાની પરંપરા છે. આમ પણ આપણા શાસ્ત્રો મુજબ ક્ષમા વિરસ્ય ભૂષણમ્ એટલે કે ક્ષમા વીરોનું આભૂષણ છે. ક્ષમા કરવાવાળો વીર હોય છે. એ ચર્ચા તો આપણે સાંભળતા જ આવ્યા છીએ.

આ દિવસોમાં હિન્દુસ્તાનના દરેક ખૂણામાં ગણેશ ચતુર્થીની ધૂમ મચી છે અને જ્યારે ગણેશચતુર્થીની વાત આવે છે તો સાર્વજનિક ગણેશોત્સવની વાત સ્વાભાવિક છે. બાળગંગાધર લોકમાન્ય તિલકે ૧૨૫ વર્ષ પૂર્વે આ પરંપરાને જન્મ આપ્યો હતો અને ૧૨૫ વર્ષ, પહેલા આઝાદીની પહેલા તેઓ આઝાદીના આંદોલનના પ્રતિક બની ગયા હતા. તેમજ આઝાદી પછીથી તેઓ સમાજ-શિક્ષણ, સામાજિક ચેતના જગાડવાના પ્રતિક બની ગયા હતા. દરેક દેશવાસીઓને ગણેશચતુર્થીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

 

હમણાં કેરળમાં ઓણમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભારતના રંગબેરંગી તહેવારોમાંનો એક ઓણમ, કેરળનો મુખ્ય તહેવાર છે. આ પર્વ તેના સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતો છે. હવે તો આપણા આ તહેવારો પણ ટુરીઝમના આકર્ષણનું પણ કારણ બનતા જઈ રહ્યા છે. અને હું તો દેશવાસીઓને કહેવા માંગીશ કે જેવી રીતે ગુજરાતમાં નવરાત્રીનો ઉત્સવ અથવા બંગાળમાં દુર્ગા ઉત્સવ એક રીતે ટુરીઝમનું આકર્ષણ બની ગયા છે. આપણા અન્ય તહેવારો પણ, વિદેશીઓને આકર્ષિત કરવા માટે એક અવસર છે. આ દિશામાં આપણે શું કરી શકીએ તે વિચારવું જોઈએ.

 

મારા પ્રિય દેશવાસી, આધુનિક થવાની પરિભાષાઓ બદલાઈ રહી છે. હમણાં જ એક નવું dimension એક નવો parameter આપ કેટલા સંસ્કારી છો, કેટલા આધુનિક છો, તમારી thought process કેટલી મોડર્ન છે એ બધું જાણવા એક ત્રાજવું પણ કામ આવી રહ્યું છે અને તે છે પર્યાવરણ પ્રત્યે આપ કેટલા સજાગ છો. તમારી ગતિવિધીઓમાં તમારો વ્યવહાર eco friendly, environment friendly છે કે તેની વિ‚દ્ધ છે. જો તેની વિ‚દ્ધ હોય, તો સમાજમાં આજે તેને ખરાબ માનવામાં આવે છે. અને તેનું જ પરિણામ આજે હું જોઈ રહ્યો છું કે આ દિવસોમાં ગણેશોત્સવમાં પણ eco friendly ગણપતિ, જાણે કે કોઈ એક મોટું અભિયાન ઉભું થયું ગયું હોય. જો તમે youtube પર જઈને જોશો તો દરેક ઘરમાં બાળકો ગણેશજી બનાવી રહ્યા છે. માટી લાવીને ગણેશજી બનાવી રહ્યા છે. તેને રંગ કરી રહ્યા છે. કોઈ vegetableના કલર લગાવી રહ્યું છે તો કોઈ કાગળના ટુકડા ચોંટાડી રહ્યું છે. વિવિધ પ્રકારના પ્રયોગો દરેક પરિવારમાં થઈ રહ્યા છે. એક રીતે Environment consciousnessનું આટલું વ્યાપક પ્રશિક્ષણ આ ગણેશોત્સવમાં જોવા મળ્યું જે ભાગ્યે  જ પહેલા ક્યારેય જોવા મળ્યું હોય. Media house પણ બહુ મોટા સંખ્યામાં eco-friendly ગણેશની મૂર્તિઓ માટે લોકોને પ્રશિક્ષિત કરી રહ્યા છે, પ્રેરિત કરી રહ્યા છે, લીશમય કરી રહ્યા છે. જુઓ કેટલો મોટો બદલાવ આવ્યો છે અને આ સુખદ બદલાવ છે. અને જેમ મેં કહ્યું કે આપણો દેશ કરોડો-કરોડો તેજસ્વી મગજથી ભરેલો છે. અને બહુ સારું લાગે છે જ્યારે કોઈ નવા-નવા innovations જાણવા મળે છે. મને કોઈએ કહ્યું કે કોઈ એક સજ્જન છે જે પોતે engineer છે, તેમણે એક વિશિષ્ટ પ્રકારે માટી ભેગી કરી, તેનું combination કરી ગણેશજી બનાવવાની ટ્રેનિંગ લોકોને આપે છે. અને પાણીમાં ગણેશ વિસર્જન થાય છે તો તે એક ડોલમાં પાણી લઈ તેમાં જ રાખે છે જેથી તે પાણીમાં તરત ઓગળી જાય. અને તેઓ અહીં જ અટકી નથી જતા, તેમાં તુલસીનો એક છોડ કે અન્ય છોડ વાવી દે છે. ત્રણ વર્ષ પહેલા જ્યારે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો હતો, ૨ ઓક્ટોબરે તેને ત્રણ વર્ષ પૂરા થશે. અને તેના સકારાત્મક પરિણામો નજરે પડી રહ્યા છે. શૌચાલયોનું coverage ૩૯% થી લગભગ ૬૭% સુધી પહોંચ્યું છે. ૨ લાખ ૩૦ હજારથી પણ વધુ ગામડાંઓ, ખૂલ્લામાં શૌચથી પોતાને મુક્ત જાહેર કરી ચૂક્યા છે.

મારા પ્રિય દેશવાસીઓ, હું આપ સૌને એક આહ્વાન કરું છું કે એકવાર ફરીથી ૨ ઑક્ટોબર ગાંધી જયંતીના ૧૫-૨૦ દિવસ અગાઉ થી જ સ્વચ્છતા જ સેવા - જેવી રીતે પહેલા કહેતા હતા જલ સેવા એ જ પ્રભુ સેવા, તેમ   સ્વચ્છતા એ જ સેવાની એક ચળવળ ચલાવો. આખા દેશમાં સ્વચ્છતા માટેનું વાતાવરણ તૈયાર કરો. જેવો અવસર મળે, જ્યાં પણ અવસર મળે, આપણે અવસર શોધીએ. પરંતુ આપણે બધા જોડાઈએ. આને એક રીતે દિવાળીની તૈયારી માની લઈએ, આને એક પ્રકારે નવરાત્રીની તૈયારી માની લઈએ, દુર્ગા પૂજાની તૈયારી માની લઈએ. શ્રમદાન કરો. રજાના દિવસે કે રવિવારે ભેગા થઈને એક સાથે કામ કરો. આડોશ-પાડોશની વસ્તીમાં જાઓ, નજીકના ગામમાં જાઓ, પરંતુ એક આંદોલનના રૂપમાં કરો. હું દરેક એનજીઓને, સ્કૂલોને, કોલેજોને, સામાજિક, સાંસ્કૃતિક, રાજનીતિક નેતૃત્વને, સરકારના અધિકારીઓને, કલેક્ટરોને, સરપંચોને, દરેકને આગ્રહ કરું છું કે ૨ ઑક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ-જયંતી પહેલા જ ૧૫ દિવસ આપણે સ્વચ્છતાનું એક એવું વાતાવરણ બનાવીએ, એવી સ્વચ્છતા ઉભી કરીએ કે ૨ ઓક્ટોબર સાચે જ ગાંધીજીના સ્વપ્નોવાળી ૨ ઑક્ટોબર બની જાય.

મારા પ્રિય યુવા મિત્રો, ૨૯ ઑગસ્ટના દિવસને સમગ્ર દેશ રાષ્ટ્રીય રમત-ગમત દિવસના ‚પમાં ઉજવે છે. આ દિવસ મહાન હોકી-પ્લેયર અને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીનો જન્મદિવસ છે. હોકી માટે તેમનું યોગદાન અજોડ છે. હું આ વાતને એટલા માટે યાદ કરી રહ્યો છું કેમકે હું ઇચ્છું છું કે આપણા દેશની નવી પેઢી, રમત-ગમત સાથે જોડાય. રમત-ગમત આપણા જીવનનો ભાગ છે. જો આપણે દુનિયાના યુવા દેશોમાં ગણાતા હોઇએ તો આપણી આ યુવાવસ્થા રમતના મેદાનમાં પણ નજર આવવી જોઇએ. સ્પોર્ટ્સ એટલે ફિઝીકલ ફિટનેસ, મેન્ટલ એલર્ટનેસ, પર્સનાલિટી એન્હાન્સમેન્ટ, હું સમજું છું કે આનાથી વધારે શું જોઇએ ? આપણા દેશની યુવાપેઢી રમત-ગમતમાં આગળ વધે. અને આજે કોમ્પ્યુટર યુગમાં તો હું ચેતવવા પણ માંગુ છું કે, પ્લેઇંગ ફિલ્ડ એ પ્લે-સ્ટેશનથી પણ વધારે મહત્વપૂર્ણ છે. કોમ્પ્યુટર પર ફિફા રમો પરંન્તુ બહાર મેદાનમાં પણ ક્યારેક ફૂટબોલ સાથે કરામત કરીને બતાવો. કોમ્પ્યુટર પર ક્રિકેટ રમતાં હશો પરંતુ ખુલ્લા મેદાનમાં આકાશ નીચે ક્રિકેટ રમવાનો આનંદ કંઇક વિશેષ હોય છે. એક સમય હતો જ્યારે કુટુંબના બાળકો બહાર જતા હતા, તો માં સૌ-પહેલા પૂછતી હતી કે પાછા ક્યારે આવશો ? આજે પરિસ્થિતિ એવી છે કે, બાળકો ઘરમાં આવતાની સાથે જ એક ખૂણામાં કાર્ટૂન ફિલ્મ જોવા લાગે છે અથવા તો મોબાઇલ ગેમ પર ચિપકી જાય છે અને ત્યારે માંએ ખિજાઇને કહેવું પડે છે કે  તું બહાર ક્યારે જઇશ? સમય-સમયની વાત છે, તે પણ એક સમય હતો જ્યારે માં બાળકને કહેતી હતી કે તું ક્યારે આવીશ અને આજે એ સ્થિતિ છે કે માંએ કહેવું પડે છે કે- બેટા, તું બહાર ક્યારે જઇશ ?

મારા વ્હાલા દેશવાસીઓ, ૫ સપ્ટેમ્બરે આપણે બધા શિક્ષક દિવસ ઉજવીએ છે. આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનજીનો જન્મદિવસ છે. તેઓ રાષ્ટ્રપતિ હતા પરંતુ આજીવન પોતાને એક શિક્ષકના ‚પમાં જ પ્રસ્તુત કરતાં હતાં. તે હંમેશા શિક્ષકના ‚પમાં જ જીવવાનું પસંદ કરતાં હતાં. તેઓ શિક્ષા પ્રત્યે સમર્પિત હતા. એક અભ્યાસુ, એક રાજદ્વારી, ભારતના રાષ્ટ્રપતિ પરંતુ દરેક ક્ષણ એક જીવતા જાગતા શિક્ષક. હું તેમને વંદન કરું છું. ફરી એક વખત તમને મિચ્છામી દુક્કડમ. ખૂબ-ખૂબ ધન્યવાદ.