કર્નલ પુરોહિતના જામીન પર સેક્યુલર રાજનીતિ

    ૦૧-સપ્ટેમ્બર-૨૦૧૭

માલેગાંવ વિસ્ફોટ કાંડના કથિત આરોપી લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિતને સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલી જમાનત પર કથિત સેક્યુલર રાજકીય પક્ષો દ્વારા જે રાજનીતિ થઈ રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. એનાથી મોટું દુર્ભાગ્ય આ આખી ઘટનાને હિન્દુ-મુસ્લિમ આતંકવાદ સાથે જોડાઈ રહી છે. તે છે. આ એ જ લોકો છે જ્યારે કોઈ ધર્મવિશેષની વાત આવે ત્યારે આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો જેવી સૂફિયાણી વાતો કરે છે. જ્યારે સાધ્વી પ્રજ્ઞા સિંહ, કર્નલ પુરોહિત અસિમાનંદ કે જેઓ પર આતંકવાદના આરોપો પણ સાબિત નથી થયા તેમની વાત આવે ત્યારે આખેઆખા હિન્દુ સમુદાયને આતંકવાદના કઠેરામાં ઊભો કરી દે છે. ઇતિહાસ ગવાહ છે કે, ભારતના નાગરિક હંમેશાથી આતંકવાદ અને ઉગ્રવાદના વિરોધી રહ્યા છે. આઝાદી પહેલાં કેટલાંક સંગઠનો દ્વારા રાજનીતિનું હિન્દુકરણ અને હિન્દુઓનું સૈન્યકરણ કરવાની વાત કરી હતી, પરંતુ શું થયું ? દેશના હિન્દુઓએ તેના બદલે મહાત્મા ગાંધી પ્રેરિત અહિંસાનો માર્ગ સ્વીકાર્યો અને અંગ્રેજોની ગોળીઓ અને લાકડીઓ ખાધી.

અને રહી વાત મુસ્લિમ આતંકવાદની તો જગત આખું જાણે છે કે, તેનું જનક પડોશી દેશ પાકિસ્તાન છે, કારણ કે તે અહીં રહેનારા તેના દેશ કરતાં પણ વધુ મુસ્લિમોમાં અસુરક્ષાની ભાવના પેદા કરી અહીંનાં હિન્દુ સંગઠનો વિરુદ્ધ તેમને ભડકાવવા માગે છે. કમભાગ્યે સીમી જેવાં આતંકવાદી સંગઠનો થકી તે તેના મલિન ઇરાદાઓમાં કેટલેક અંશે સફળ પણ રહ્યું છે. પરંતુ ભારતમાં બહુમતી મુસ્લિમો આતંકવાદ અને હિંસાની વિરુદ્ધ છે.

અફસોસ એ વાતનો છે કે, ભારતની અગાઉની યુપીએ સરકાર દરમિયાન મતબેન્કની લાલચમાં હિન્દુ અને ભગવો આતંકવાદ શબ્દોને ઉછાળવામાં આવ્યો, જેના પરિણામે ભારતના બે ધર્મો વચ્ચે અવિશ્ર્વાસનું વાતાવરણ ઊભું થયું. સપ્ટેમ્બર ૨૦૦૮માં માલેગાવ બોમ્બ વિસ્ફોટ મામલે સાધ્વી પ્રજ્ઞા નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય અને લેફ્ટ. કર્નલ શ્રીકાંત પુરોહિતની ધરપકડ કરવામાં આવી અને મહારાષ્ટ્રની વિશેષ પોલીસ એટીએસ દ્વારા તેમના પર કેસ ચલાવવામાં આવ્યો. તે સમયે કર્નલ પુરોહિત ભારતીય સેનાની સેવામાં હતો અને સેનાના જાસૂસી ખાતામાં હતા અને તેમને નિવૃત્ત મેજર ઉપાધ્યાય દ્વારા સ્થાપિત ‘અભિનવ ભારત’ સંસ્થાની ગતિવિધિઓ પર નજર રાખવાનું કામ સોંપવામાં આવ્યૂં હતું, પરંતુ અચાનક તેમની ઉપર આરોપ લગાવવામાં આવ્યા કે, તેઓએ આ સંસ્થા સાથે મળી માલેગાંવ વિસ્ફોટને અંજામ આપ્યો. આ માટે તેઓએ સંસ્થાને સેના દ્વારા પ્રયોગ કરાતા ૬૦ કિલો આરડીએક્સનો જથ્થો પણ પૂરો પાડ્યો હતો. કર્નલ પુરોહિત શરૂ‚આતથી જ આ આરોપ નકારતા આવ્યા છે અને કહેતા આવ્યા છે કે આ આરોપ મારી વિરુદ્ધનું એક ષડયંત્ર માત્ર છે. હું તો ‘અભિનવ ભારત’ની ગતિવિધિઓ પર નજર રાખવાનું મારું કામ કરી રહ્યો હતો અને રહી વાત આરડીએક્સની તો સેના તો વિસ્ફોટ માટે આરડીએક્સનો ઉપયોગ જ નથી કરતી અને આ આરડીએક્સ તેમને ફસાવવા માટે દબાણવશ એટીએસ પાસે તેમના ઘરે મુકાવવામાં આવ્યું હતું.

દેશમાં હિન્દુ-મુસ્લિમ આતંકવાદની રાજનીતિ માટે આ એક માત્ર જ ઘટના જવાબદાર નથી, પરંતુ તત્કાલીન યુપીએ સરકારે સમજોતા એક્સપ્રેસની ઘટના બાદ પાકિસ્તાનના જૂઠાણા સામે અતિ સક્રિયતા દાખવી. આ મામલે કેટલાક હિન્દુઓની ધરપકડ કરી. આ ઘટના બાદ બેશક તેની પરંપરાગત મતબેન્કની રાજનીતિનો ફાયદો જ‚ર થયો, પરંતુ તે મતબેન્કની આ લાલચમાં સૌથી મોટું નુકસાન ભારતને થયું. કારણ કે પાકિસ્તાનનાં હિન્દુ આતંકવાદના સૂરમાં સૂર પુરાવાને કારણે ભારતના સામાજિક તાણાવાણામાં તિરાડો પડવાની શરૂ થઈ ગઈ. સવાલ અહીં હિન્દુ-મુસ્લિમ આતંકવાદનો નથી કે નથી જે તે વિસ્ફોટોના આરોપસર ધરપકડ કરાયેલા ધર્મ વિશેષના કથિત આરોપીઓની પેરવી કરવાનો, પરંતુ કોંગ્રેસ પક્ષના દિગ્વિજયસિંહ, પી. ચિદમ્બરમ્ જેવા નેતાઓ અને તત્કાલીન કેન્દ્ર સરકારની મૂર્ખામીને કારણે આજે સમગ્ર દેશમાં આતંકવાદ કેટલો હિન્દુ, કેટલો મુસ્લિમ એ મુદ્દે માનસિક દ્વંદ્વ ચાલી રહ્યું છે, જેનો ફાયદો આ દેશના કથિત સેક્યુલર પક્ષોને મળી રહ્યો છે. તેના કરતાં વધુ ભારતને અસ્થિર કરવા મથતી પાકિસ્તાન જેવી બહારની તાકાતોને થઈ રહ્યો છે.

આમ છતાં પણ આ દેશનું કમભાગ્ય જુઓ, હજુ પણ દિગ્વિજયસિંહ જેવા નેતાઓ આવા સંવેદનશીલ મુદ્દે મતબેન્કની રાજનીતિ રમવાનું બંધ કરતા નથી. તે આરોપ લગાવે છે કે, કેન્દ્રની ભાજપ સરકાર હિન્દુઓ વિરુદ્ધ આતંકવાદના કેસો ઢીલા કરી રહી છે. આવા લોકો આવું કરી એક કોંગ્રેસીના મસ્તિષ્કમાં છુપાયેલી મુસ્લિમ લીગ પરત્વેની માનસિકતા જ છતી કરી રહ્યા છે. આ પ્રકારના આરોપ લગાવી તેઓ દેશની ન્યાયિક વ્યવસ્થા સામે વાહિયાત પ્રશ્ર્નો ઊભા કરી રહ્યા છે. ભારતની ન્યાયાલયના દરેક ચુકાદાને ધર્મ અને રાજનીતિના ચશ્માથી જોવાની તેમની મુસ્લિમ લીગી આ પરંપરાથી દેશને કેટલું નુકસાન થઈ રહ્યું છે તેનો અંદાજ દિગ્વિજયસિંહ જેવા નેતાઓને છે ખરો ?

કર્નલ પુરોહિત પાછલાં નવ-નવ વર્ષથી સુધી જેલમાં આતંકવાદીના ધબ્બા સાથે યાતનાઓ વેઠી. તેમના વિરુદ્ધ એનઆઈએ અને એટીએસે અલગ અલગ આરોપનામું દાખલ કર્યંુ છે. તેમના પર એટીએસ દ્વારા મકોકા મુજબ આરોપ પણ લગાવ્યા હતા, જેને પણ ગત વર્ષે કોર્ટે રસ કરી દીધા હતા. યાકુબ મેમણ કે જેની વિરુદ્ધ તમામ સબૂતો હોવા છતાં તેને બચાવવા સવારે ૪ વાગે સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલાવવામાં આવે છે ત્યારે કર્નલ પુરોહિત જેમના પર લગાવાયેલા એક પછી એક આરોપો ખારીજ થઈ રહ્યા છે તે કર્નલ પુરોહિતને જમાનત માંગવાનો અધિકાર પણ નથી ?

અને હજી તો સુપ્રીમ કોર્ટે તો તેમને માત્ર જમાનત આપી છે. તેમને દોષમુક્ત કર્યા જ નથી. નીચલી અદાલતમાં તેમની સામે કાયદેસરનો કેસ ચાલશે. તેવામાં જો તેમના પર લગાવેલા આરોપો સિદ્ધ નહીં થાય તો તેમણે જેલમાં વિતાવેલાં ૯ વર્ષ તેમને કોણ પાછાં આપશે ? ભારતમાં કોઈ ન્યાયાલયમાંથી મુસ્લિમ આતંકવાદના આરોપોનો સામનો કર્યા બાદ પછી તે ભલે સબૂતોના અભાવે છૂટી જાય છે, ત્યારે બની બેઠેલા સેક્યુલર પક્ષો, માનવ અધિકારવાદીઓ અને માધ્યમોની આખી ફોજ તેમનાં જેલમાં બરબાદ થયેલાં જિંદગીનાં વર્ષોનો હિસાબ માગી તેમના સમર્થનમાં ઊતરી આવે છે. કર્નલ પુરોહિત જ્યારે દોષમુક્ત જાહેર થશે ત્યારે આ લોકોનું વલણ એવું જ હશે ? જવાબ ‘ના’ છે. તો એ લોકોને કર્નલ પુરોહિતને મળેલી જમાનત પર આંગળી ઉઠાવવાનો પણ કોઈ અધિકાર નથી.