જગતની શ્રેષ્ઠ મોટિવેશનની મંત્રદિક્ષા એટલે કૃષ્ણ-અર્જુન સંવાદ

    ૦૧-સપ્ટેમ્બર-૨૦૧૭

મોટિવેશન એ શબ્દ ગુજરાતી બની ગયો એનું કારણ પ્રજા તરીકે કોર્પોરેટ ક્ષેત્રે ગુજરાતીઓની ભારે સફળતા છે. મુકેશ પટેલ નવનિર્માણકાળથી એક અદકેરું નામ છે. એક ટેક્સ કન્સલ્ટન્ટ ટેક્ષ્ટ કન્સલ્ટન્ટ બને તે અમદાવાદના તંદુરસ્ત બૌદ્ધિક જીવનની પ્રજાભિમુખતાનું પરિણામ છે. એમણે મને કહ્યું, ‘અસીમિત સુખની ઉપાસના માટે આવશ્યક જાદુઈ મંત્રો...’ની શ્રેણીમાં મોટિવેશન વિશે પ્રવચન આપો. મજા આવી. આધ્યાત્મિક સપ્તાહની શબ્દસાધના હતી, અમદાવાદ મેનેજમેન્ટની નાવીન્યશોધની મથામણનું વાતાવરણ હતું. વિચારસમૃદ્ધ શ્રોતાઓની સ્નેહભીની ઉપસ્થિતિ હતી. મારે માટે આ સ્વ-શોધની ક્ષણ હતી. અનુભવ અને અક્ષરના રસાયણને રસીલું બનાવવાની મહેફિલ હતી. ગીતાની ગુંજથી ગર્ભાયેલા મનમાંથી ભાષાના પિંડને પ્રગટાવવાનો હતો.

અસીમિત સુખ એટલે અમૃતતત્ત્વથી અભિમંત્રિત સુખ. ક્ષણિક સુખ કરતાં જુદી પરિપાટી પરથી મનને ભીંજવી નાખતી ખુશીનો ખજાનો. શબ્દને મંત્રનો દરજ્જો ક્યારે મળે ? શ્ર્લોકને શાશ્ર્વતને સ્પર્શ ક્યારે થાય ? આવા પ્રશ્ર્નોથી યાત્રા આરંભાઈ.

શબ્દમાં ઉચ્ચારનારના સત્ત્વનો અર્ક ભળે, શબ્દને અગમ્ય શક્તિઓનો સાથ મળે, પુન: પુન: ઉચ્ચારાયા પછી ઋષિઓની ઓળખ અને ઉષ્મા મળે ત્યારે શબ્દને મંત્રત્વ મળે છે. શબ્દની સ્ફોટક શક્તિઓનો વિધાયક વિનિયોગ એક વિશિષ્ટ સ્થિતિ સર્જે છે.

બારાખડીના શબ્દો અચાનક જ એમનું લૌકિક રૂપ છોડીને શાશ્ર્વતના પ્રતિનિધિ શબ્દ બની ઊઠે છે. શબ્દનું આમ ‘મંત્ર’ થવું એ પણ એક મોટિવેશનની પ્રક્રિયા છે.

‘મોટિવેશન’ કે ઉત્પ્રેરણા એ મૂળમાં સંપર્કમાં આવનાર વ્યક્તિ કે કર્મચારીને કશુંક કરવા કે ના કરવા માટે પ્રેરણા આપવાની પ્રભાવ પ્રક્રિયાને મોટિવેશન કહેવાય છે. આવી વ્યક્તિની મોટિવેશનલ જરૂરિયાત મુજબ આ પ્રકારના શબ્દ કે આચરણ અસર કરતા હોય છે. અબ્રાહમ મેસ્લો જેવા મેનેજમેન્ટના ગુરુએ આવી જ‚રિયાતોનું વિભાગીકરણ કર્યું છે. ભૌતિક જ‚રિયાતો જેવી કે ભૂખ, ઘર કે સેક્સ જેવી બાબતો માણસને એક પ્રકારની ઉત્પ્રેરણા પૂરી પાડે છે, ત્યાર પછી ‘સુરક્ષા’, ‘ઓળખ’ અને છેલ્લે સ્વમાન જેવી આંતરિક જરૂરિયાતો માણસના વાણી-વર્તનને પ્રભાવિત કરતી હોય છે. જો કે મોટીવેશનનો સૌથી અસરકારક દાખલો એ ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલી પ્રેરણા છે. અનેક રીતે અર્જુન આપણો પ્રતિનિધિ છે. એના તણાવમાં એ આપણા જેવો લાગે છે, એની યુદ્ધ ‘ન કરવાની’ દલીલોમાં આપણી બુદ્ધિ પેદા કરી શકે તેવી ભાષાનો પ્રતિઘોષ છે. કૃષ્ણ સાવ અમદાવાદી રીતે કહે છે, ‘બકા, યુદ્ધ તો કરવું જ પડશે.’ અહીં બકા એટલે (b=be sthithpragy) (સ્થિતપ્રજ્ઞ) a=awaken to reality, K = karmyog is the answer. a= attitude should be upgraded to bhakti) અહીં અર્જુનના મનુષ્યના અસ્તિત્વના મૂળ પ્રશ્ર્નો છે. કર્મ સાથે જોડાતી આસક્તિનાં દુષ્પરિણામોની ચર્ચાને લીધે જગતને એક અનોખી ભેટ મળે છે તે ‘નિષ્કામ કર્મયોગ’ની. બધા ઉપાયો બતાવે છે. ખાસ કરીને કર્મમાં પ્રવૃત્ત રહીને પણ કેવી રીતે અનાસક્ત બનીને કામ કરવું, ફળ તરફની આવી કેળવેલી ‘બેફિકરાઈ’ માણસને અનોખી મસ્તી આપે છે. જો કે આ બેકાળજી અથવા તો ક્ષમતામાં કોઈ ઘટાડાને ક્યાંય દૂરનો પણ સંબંધ નથી.

જ્ઞાન એટલે માહિતીનું સંપાદન કે સ્મૃતિસંવનન નહીં પણ આજુબાજુની સૃષ્ટિને એની દેખીતી સપાટીઓને ઓળંગીને જોવી.

જીવન પ્રત્યેના અભિગમને ભક્તિથી સંપૃક્ત કરીએ તો કેવી સુવાસિત શ્ર્વાસલીલા થઈ ઊઠે, તેના સંવાદો આપણને વાતવાતમાં ડિપ્રેશનમાં લઈ જતા લાગણીના ચઢાવ-ઉતારમાંથી મુક્તિ અપાવે છે.

કૃષ્ણ-અર્જુનનો સંવાદ એ શાશ્ર્વતના સ્પર્શવાળો સંવાદ છે એટલે એની પાસે જાદુઈ થવાની શક્યતા છે. એની સામગ્રી સમગ્રને સંબોધે છે. તેને કારણે યુદ્ધને બદલે જીવનનાં રહસ્યો અને ચિંતાઓનું સમાધાન સંભળાય છે. શબ્દને કૃષ્ણના સુદર્શનની

(સુ-દર્શનની) ગત્યાત્મકતા અને ધર્મના અર્કના અર્થગંભીરતા અડેલી છે. મનુષ્યને મોટિવેશન કોઈ કામ માટે નહીં પણ એ પણ એનામાં રહેલા ઈશ્ર્વરને જોઈ શકે એટલા માટે કરવું જોઈએ. આ આખરી અને સર્વશ્રેષ્ઠ મોટિવેશન એટલે કે વ્યક્તિમાં ‘મોતી-અન્વેષણ’ છે. અહીં કર્મ નિષ્કામ થવાનું સૌંદર્ય પામે છે તો લાગણી અને વ્યવહારમાં ભક્તિનું સંગીત ભળે છે. ગીતા એક એવું સીમ-કાર્ડ છે જે આપણને અસીમ સાથે જોડે છે.