અહીં ૧૦૦ કરતા વધુ કોલેજિયન યુવાનો ઝૂપડપટ્ટીના બાળકોને ભણાવે છે

    ૧૨-સપ્ટેમ્બર-૨૦૧૭

ઘણી વાર ફરિયાદ થાય છે કે આજના યુવાનો ગુમરાહ થઈ ગયા છે. મોબાઈલ મચડવામાંથી, મોજ-મસ્તી કરવામાંથી, મોલમાં ફરવામાંથી, ફિલ્મો જોવામાંથી ઊંચા આવતા નથી. બધા યુવાનો માટે આ વાત સાચી હોતી નથી. કેટલાક યુવાનો ખરેખર ખૂબ જ સુંદર સમાજઉપયોગી પ્રવૃત્તિ કરતા હોય છે. અમદાવાદ શહેરમાં વિદ્યાદાન નામના નેજા હેઠળ ઝૂંપડપટ્ટીનાં ગરીબ બાળકોને ભણાવવાનો શિક્ષણયજ્ઞ ચાલી રહ્યો છે. શહેરના ૧૦૦થી વધુ યુવાનો ૫૦૦થી વધુ બાળકોને છેલ્લાં ચાર વર્ષથી ભણાવી રહ્યા છે.


 

અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા વાસણા કૉમ્યુનિટી હૉલની બાજુમાં પતરાંનો એક કામચલાઉ શમિયાણો બાંધીને કૉલેજના એકસોથી વધુ વિદ્યાર્થીઓ અહીં નિયમિત રીતે ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવે છે. મેં આ સ્થળની મુલાકાત લીધી. મેં જોયું કે જુદાં જુદાં ગ્રુપમાં બાળકોની વચ્ચે ‘સર’ અને ‘ટીચર’ ઘેરાયેલાં હતાં. ગઈકાલે બધાંની પરીક્ષા લેવામાં આવી હતી. શિક્ષકો વિદ્યાર્થીઓને તેમના ઉત્તરો બતાવીને સમજાવતા હતા. ખરેખર આ બધાં રળિયામણાં દૃશ્યો હતાં.

આ પ્રવૃત્તિના વિચારક અને સ્થાપક છે ઋતુ શાહ. ૧૯ વર્ષની વયે આ સમાજસેવી અને પ્રતિબદ્ધ યુવતીએ વિદ્યાદાનની સ્થાપના કરી હતી. વિદ્યાદાન નામ આપ્યું તેમનાં મમ્મી ફાલ્ગુનીબહેને. વાસણા વિસ્તારમાં પ્રવીણનગર, ગુપ્તાનગર, ઓમનગર, વગેરે ઝૂંપડપટ્ટીમાં આશરે ૮,૦૦૦ પરિવારો વસે છે. ૧૬મી ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ ઋતુએ આ ઝૂંપડપટ્ટીના એક ઘરની બહારની કપડાં ધોવાની ચોકડીમાં બેસીને બાળકોને ભણાવવાનું શરુ કર્યું હતું. એ પછી તેમણે એક ધાબું ભાડે લીધું. ઋતુ દર મહિને ૫૦૦ રૂપિયા ભાડું ચૂકવતાં. રોજ સાંજે બાળકો અહીં ભણવા આવતાં. ઋતુ સાથે પ્રારંભમાં આદેય શાહ જોડાયા. એ પછી તો કાફલો વધતો ગયો. દસ સ્વયંસેવકો થયા અને વિદ્યાર્થીઓ થયા ૩૫.

જે બાળકો ભણવા જતાં હતાં, પરંતુ ભણવામાં નબળાં હતાં તેમને વિદ્યાદાનની ટીમ ભણાવવા લાગી. કૉલેજના યુવાનો ધીમે ધીમે આ પ્રવૃત્તિમાં જોડાતા ગયા. તેઓ પોતાનો સમય પણ આપતા અને પૉકેટ મનીની બચત પણ આ પ્રવૃત્તિમાં ખર્ચતા. આજે તો આ પ્રવૃત્તિ ખૂબ વિકસી છે. ૧૦૦થી વધુ યુવક-યુવતીઓ નિયમિત રીતે બાળકોને ભણાવે છે. ઝૂંપડપટ્ટીનાં જુદાં જુદાં ધાબાં કે અન્ય સ્થળે તો બાળકોને ભણાવાય જ છે. સાથે-સાથે આ પ્રવૃત્તિ માટે એક ખાસ જગ્યા પણ ઊભી કરવામાં આવી છે. થયું હતું એવું કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી તેમને વાસણા કૉમ્યુનિટી હૉલમાં બાળકોને ભણાવવાની સંમતિ અપાઈ હતી. જો કે જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે બાળકોને અહીં ભણાવી શકાતાં નહીં. કૉમ્યુનિટી હૉલની બાજુમાં જ ખુલ્લી જગ્યા પડી હતી. એ વખતનાં મેયર મીનાક્ષીબહેન પટેલને વિદ્યાદાનની ટીમે વિનંતી કરી એટલે તેમને ૨,૪૦૦ સ્ક્વેર ફૂટની જગ્યા મળી ગઈ. જગ્યા તો મળી, પરંતુ શેડ કરવા માટે પૈસા ક્યાંથી લાવવા ? સમાજ તૈયાર જ હોય છે સારી પ્રવૃત્તિને સહયોગ આપવા માટે. દરેક સ્વયંસેવકે પોતપોતાનાં માતા-પિતા અને મિત્ર-વર્તુળમાં વાત કરી અને જરૂરી ત્રણેક લાખ ‚પિયા ભેગા થઈ ગયા. શેડ થયો એટલે છાંયો થયો અને તડકો ગયો. પાથરણાં, પુસ્તકો, સ્ટેશનરી વગેરે રાખવા માટે વિદ્યાદાનની ટીમે ૧૦ બાય ૧૦નો એક રૂમ પણ કર્યો.

દર રવિવારે સ્વયંસેવકો અહીં આવી જાય છે. દરેકનું ઑરિએન્ટેશન થાય છે. દરેક સ્વયંસેવક બાળકોને અલગ-અલગ વિષય ભણાવે છે. જે બાળકોને ભણવામાં રુચિ નહોતી તેવાં બાળકો હવે અહીંથી જવાનું નામ લેતાં નથી. ગાળા-ગાળી કરતાં કે ધૂમ્રપાન કરતાં બાળકો સુધરી ગયાં છે અને સરસ રીતે ભણી રહ્યાં છે. ૨૦% બાળકો શાળાએ જતાં હતાં ત્યાં હવે ૧૦૦% બાળકો શાળાએ જાય છે. અહીં બાળકોને સરસ રીતે ભણાવવા ઉપરાંત સિલાઈકામ, નૃત્ય, મહેંદી, ચિત્રકામ, અભિનય વગેરે જેવી કલાઓ પણ શીખવવામાં આવે છે. બાળકોને જુદી જુદી જગ્યાએ પિકનિક પર પણ લઈ જવામાં આવે છે. જે બાળકો તેજસ્વી હોય તેને સંસ્થા દત્તક લે છે અને તેને ભણાવવાનો તમામ ખર્ચ ચૂકવવામાં આવે છે. અત્યાર સુધી ૧૦ બાળકો દત્તક લેવાયાં છે અને ૧૮ બાળકો આવતા વર્ષે તેમાં ઉમેરાવાનાં છે. દત્તક લીધેલા એક બાળક પાછળ વર્ષે ૨૦થી ૨૫ હજારનો ખર્ચ થાય છે. દાતાઓ ઉપરાંત કૉર્પોરેટ હાઉસો બાળકોને દત્તક લે છે.

અહીં ત્રણથી બાર ધોરણ સુધીના બાળકોને ભણાવવામાં આવે છે. વિદ્યાદાનને કારણે સ્કૂલ ડ્રૉપ આઉટનો રેશિયો શૂન્ય પર આવી ગયો છે. તમે બાળકોને મળો અને તેમનો આત્મવિશ્ર્વાસ જુઓ તો દંગ થઈ જાવ. સત્યમ્ વિદ્યાલયમાં છઠ્ઠા ધોરણમાં ભણતો રાજુ પ્રજાપતિ મોટો થઈને ‘સર’ બનવા માંગે છે. તે જે ઠસ્સા અને ઉત્સાહથી બોલે છે તે સાંભળીને લાગે કે તે જ્યારે સર બનશે ત્યારે ભલભલા સરનું આવી બનશે. છઠ્ઠા ધોરણમાં ભણતી આયુષીને ડૉક્ટર બનવું છે. રાજુના પિતા શાકભાજી વેચવાનો ધંધો કરે છે જ્યારે આયુષીના પિતા મિસ્ત્રીકામ કરે છે. જિગીષા નામની એક કિશોરી ભણવામાં હોંશિયાર. તેનાં માતા-પિતા તેનાં લગ્ન કરાવી દેતાં હતાં, પરંતુ તેને તો ભણવું હતું. વિદ્યાદાનની ટીમે તેનાં માતા-પિતાને સમજાવ્યાં અને તે માની ગયાં. (આમેય ગરીબો ઝડપથી માની જતાં હોય છે.) આયુષી આનંદથી ભણી રહી છે. વિદ્યાદાન દ્વારા જે સામાજિક સુધારણાનું સૂક્ષ્મ અને ગંભીર કામ થઈ રહ્યું છે તે નોંધપાત્ર છે.

વિદ્યાદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વાસણા-મણિનગર-ઈસનપુરના એકસો યુવાનો સમાજને વરેલા છે. તેમને જેટલી સલામ કરીએ તેટલી ઓછી છે. રવિવારની સવારે તેઓ અચૂક અહીં આવી જાય છે. હવે તો બાળકો સાથે તેમનો ખૂબ મજબૂત અને ધબકતો સંબંધ બંધાયો છે.

વિદ્યાદાનની આખી પ્રવૃત્તિ ખરેખર સમાજને બેઠો કરવાની પ્રવૃત્તિ છે. ભણેલા-ગણેલા અને આગળ વધી ગયેલા મોટા ભાગના લોકોમાં ગરીબો અને વંચિતો માટે સંવેદના નથી રહી. આ મોટી ચિંતાનો વિષય છે ત્યારે આ યુવાનો સમાજને નવી અને સાચી દિશા તરફ આંગળી ચીંધી રહ્યા છે.

ઋતુ શાહ કહે છે કે અમારી આ આખી પ્રવૃત્તિ ટીમવર્ક છે. જ્યારે પાંચેય આંગળીઓ ભેગી થાય છે ત્યારે મુઠ્ઠી બને છે. જુદા જુદા વિષયમાં ભણતા યુવાનો આ પ્રવૃત્તિમાં જોડાયા છે અને ખૂબ જ ઉત્સાહ, સંપૂર્ણ નિસબત અને પાકી પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે.

પહેલી મે થી સાતમી મે, ૨૦૧૭ સુધી અમદાવાદમાં રાષ્ટ્રીય પુસ્તકમેળો ભરાયો હતો. આ સંસ્થાનો લાભ લેતાં બાળકો અહીં આવ્યાં હતાં અને તેમણે ખૂબ જ સુંદર રીતે વાર્તાકથન અને કાવ્યપઠન કરીને મહેમાનોનાં દિલ જીતી લીધાં હતાં.

દિલ જીતી લે તેવી પ્રવૃત્તિ કરતી વિદ્યાદાનની આખી ટીમને અગિયાર દરિયા ભરીને અભિનંદન અને એટલા જ દરિયા ભરીને શુભકામનાઓ.