પશ્ર્ચિમ બંગાળમાં વિદ્યાભારતીની શાળાઓ પર મમતાદીની ક્રૂરતા

    ૧૩-સપ્ટેમ્બર-૨૦૧૭
 

 
 
અનાદિકાળથી દુર્ગાપૂજા, કાલીપૂજા તથા સરસ્વતીપૂજાની જાહેર ઉજવણીની ચાલતી આવેલી બંગાળી પરંપરા ઉપર પ્રતિબંધ લાદીને પશ્ર્ચિમ બંગાળનાં સર્વેસર્વા મમતાદીએ તેમના હિન્દુદ્વેષનાં પ્રમાણ આપ્યાં છે. સર્વ હિન્દુ પર્વોની પરંપરાગત ઉજવણીઓ ઉપર પ્રતિબંધ લાદવાના મમતાદીનાં હિન્દુદ્વેષી પગલાંઓની શ્રુંખલામાં શ્રીરામનવમીની ઉજવણી ઉપર પ્રતિબંધ લાદીને વધુ એક રાષ્ટ્રવિરોધી પગલું લીધું હતું. આટલું ઓછું હોય તેમ મમતા સરકારે સ્થાનિક કટ્ટરવાદીઓને ખુશ કરવા માટે પ્રથમ તો હનુમાન જયંતીની રેલીને મંજૂરી આપવાની સ્પષ્ટ ના પાડી. અને કારણ બતાવતા કહ્યું કે, આ રેલીથી મુસ્લિમોની લાગણીઓ દુભાઈ શકે છે. બાદમાં જ્યારે સ્થાનિક હિન્દુઓએ અમારા ભગવાનની જયંતી ઉજવવી એ અમારો ધાર્મિક અધિકાર છે કહી રેલી કાઢી તો તેમના પર મમતાની સેક્યુલર પોલીશ રાક્ષસોની માફક તૂટી પડી. જેમાં સેંકડો હનુમાન ભક્તોના માથા ફૂટ્યા તો અનેકોના પગ ભાંગ્યા.
 
પંડિત નહેરુના કાળથી ચાલતી આવેલી મુસ્લિમ તુષ્ટીકરણની કોમવાદી રાજનીતિને જાગૃત બનેલી ભારતીય મતદારોએ કચરાપેટીમાં પધરાવી દીધી છે. તે છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે ત્યારે મમતાદી હજી મુસ્લિમ તુષ્ટીકરણની વિભાજનકારી કોમવાદી રમત રમીને પશ્ર્ચિમ બંગાળમાં હિન્દુ સમાજને ભારોભાર અન્યાય કરી રહ્યાં છે. તેમણે વધુ એક કોમવાદી પગલું ભરીને રાજ્યમાં ગેરકાયદે ચાલતી ૧૦,૦૦૦ જેટલી મદરેસાઓને માન્યતા આપી દીધી છે, તો રાજ્યમાં દાયકાઓથી કાયદેસર રીતે ચાલતી વિદ્યાભારતી સાથે સંલગ્ન સેંકડો વિદ્યાલયો ઉપર અંકુશો લાદવાનું હિન્દુદ્વેષી પગલું ભર્યું છે.
 
એ તો સર્વવિદિત છે કે મમતાદીએ સાડા ત્રણ દાયકાના જે સામ્યવાદી શાસનને ધૂળ ચાટતું કર્યંુ હતું તે સામ્યવાદીઓએ પણ મુસ્લિમ તુષ્ટીકરણના જોરે જ સત્તા ટકાવી રાખી હતી. મમતાદીએ વોટબેન્કની આગળ ગાજર લટકાવી દીધું તેથી સામ્યવાદીઓના હાથમાંથી એ વોટબેન્ક ફસકીને તૃણમૂલ કોંગ્રેસના ખોળામાં આવી ગઈ. આ ગુમાવેલી વોટબેન્ક પાછી મેળવવાના એક કોમવાદી પ્રપંચમાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના માનસ મુખર્જી નામના એક ધારાસભ્યે વિધાનસભામાં રજૂઆત કરી કે રાજ્યમાં સંઘ વિચારધારાને અનુસરીને ચાલતી ૩૫૦ જેટલી શાળાઓ સમાજમાં સામાજિક અસહિષ્ણુતાનું વાતાવરણ સર્જી રહી છે. કેવળ મુસ્લિમ વર્ગને પ્રસન્ન કરવાના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે એ સામ્યવાદી સભ્યે કરેલી વાહિયાત રજૂઆતના સમર્થનમાં એક પણ પ્રમાણ આપી શક્યા નહોતા. ગર્દભ અને ઊંટ એકબીજાના રૂપ અને સૂરનાં ગુણગાન ‘અહો રૂપં, અહો ધ્વનિ’ કહીને કરે તેમ એ સામ્યવાદી સભ્યની રજૂઆતને સ્વીકારી લઈને રાજ્યના શિક્ષણમંત્રીશ્રી પાર્થ ચેટરજીએ ઘોષણા કરી કે ‘અમે શાળાઓ દ્વારા પ્રસારવામાં આવતી આ પ્રકારની (કેવા પ્રકારની ?) અસહિષ્ણુતાની ભાવનાને કદાપિ સહન કરીશું નહીં !!’
 
આવી ઘોષણા કરીને પાર્થબાબુ અટક્યા નહીં. રાજ્યમાં ઠેરઠેર થતા બોમ્બ-વિસ્ફોટોની ઘટનાઓને દબાવી દેવા માટે જાણીતી બનેલી મમતાદીની સરકારના એ મંત્રીએ ૧૦ માર્ચના દિવસે પત્રકાર પરિષદ રા. સ્વ. સંઘની વિચારધારાને અનુસરીને ચાલતા ૧૨૫ જેટલા વિદ્યાલયોને નોટિસ મોકલી છે !! હિન્દુદ્વેષ અને મુસ્લિમ તુષ્ટીકરણના અતિરેકમાં આવી ગયેલા એ મંત્રીશ્રીએ ઘોષણા કરતાં તો કરી દીધી, પરંતુ તેનું સૌથી વધુ આશ્ર્ચર્ય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીઓને થયું કેમ કે મંત્રી મહોદયે જે નોટિસ પાઠવ્યાની સૂચિમાં જે શાળાઓનાં નામોની ઘોષણા કરી હતી તે શાળાઓ તો જે-તે જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓમાં ગણાતી હતી !
 
સામ્યવાદી-તૃણમૂલનું આ કોમવાદી પ્રપંચ એટલું અધ્ધરતાલ હતું કે મંત્રીશ્રીની ઘોષણા પછીનાં લગભગ બે સપ્તાહ વીતી ગયાં હોવા છતાં આ ૧૨૫ પૈકી એક પણ વિદ્યાલયને કોઈપણ પ્રકારની ‘નોટિસ’ પ્રાપ્ત થઈ ન હતી !! એનો એકમાત્ર અર્થ એ થાય છે કે સામ્યવાદી-તૃણમૂલના ‘અહો રૂપં, અહો ધ્વનિ’ના ઘાંટા માત્ર એક વોટબેન્કને પ્રસન્ન કરવા માટેના જ હતા. નવાઈની વાત તો એ છે કે સામાન્ય રીતે બધા જ મુદ્દાઓ ઉપર પરસ્પર બાખડતા આ બે પક્ષોએ સંઘ પ્રેરિત શૈક્ષણિક સંસ્થાઓને ભાંડવાના મુદ્દે ગર્દભ-ઉષ્ટ્રની ભૂમિકા ભજવી, અરે, નોટબંધી જેવા મુદ્દા ઉપર પણ તૃણમૂલ કોંગ્રેસે સામ્યવાદી પ્રેરિત બંધનું સમર્થન કર્યું ન હતું તે સૌ જાણે છે.
 
આમેય વર્ષોથી પશ્ર્ચિમ બંગાળમાં સરકારી પ્રાથમિક શાળાઓનું એકંદરે સ્તર સાવ ખાડે ગયેલું છે. સર્વસામાન્ય રીતે છ વર્ગો ધરાવતી એક પ્રાથમિક શાળામાં માત્ર ત્રણ શિક્ષકો (કાગળ ઉપર ?) હોય છે. આ બધી જ સરકારી શાળાઓ મધ્યાહ્ન ભોજન માટે જ ચાલતી હોય તેવી સ્થિતિ જોવા મળે છે ! આ શાળાઓમાં પેયજળ કે શૌચાલયો તો ‘દુર્લભ સુવિધાઓ’ ગણાય છે. માત્ર ભાગ્યશાળીઓને જ આ બે પૈકીની કોઈ સુવિધાવાળી શાળાઓમાં નોકરી કરવાનું મળે છે. અધૂરામાં પૂરું, આ શાળાઓને મળતી મધ્યાહ્ન ભોજનની આર્થિક સહાય ઉપર પણ સ્થાનિક તૃણમૂલ ગુંડાઓનો અલિખિત અબાધિત અધિકાર હોય છે તેથી નિર્ધન પરિવારના બાળકોના ભાગના કોળિયામાંથી પણ આ અસામાજિક તત્ત્વો ભાગ પડાવતા હોય છે. વળી આ મધ્યાહ્ન ભોજનાલયો સમાન સરકારી વિદ્યાલયોમાં અભ્યાસ છોડી દેનારા છાત્રોની સંખ્યા પણ ખૂબ ઊંચી હોય છે ! જે પૈકી મોટાભાગના છાત્રો પછાત વર્ગોમાંથી આવતા હોય છે. જો કે NGOના પગારદાર સમાજશાસ્ત્રીઓ કે શિક્ષણકારોને આ વિશે બોલવાનું ઉચિત નથી લાગતું, જાણે કે અહીં તેમને મૌન રહેવાના માટે પણ ‘નોટો’ મળતી હોય ! વાસ્તવિકતા તો એ પણ છે કે સામ્યવાદી કુશાસનને કારણે વારસામાં મળેલી આ વ્યવસ્થાને સુધારવામાં પણ વર્તમાન શાસનને લેશમાત્ર રુચિ હોય તેવું લાગતું નથી ! રાજ્યમાં સરકારી શાળાઓમાં પ્રવર્તતી આવી અરાજકતા પૈકી એક પણ વાત વિદ્યાભારતી પ્રેરિત શાળાઓમાં જોવા મળતી નથી. સ્વાભાવિક રીતે જ સંઘ વિચારધારા પ્રેરિત શાળાઓમાં છાત્રને અનુશાસન અને દેશપ્રેમ જેવા સંસ્કારો પ્રાપ્ત થાય છે, જે ટીએમસી તથા સામ્યવાદીઓને આંખમાં કણાની જેમ ખૂંચે છે. તેથી જ તેઓએ ‘અસહિષ્ણુતા’ જેવા વાહિયાત આરોપો લગાવ્યા છે.
 
એક બાજુએ સંઘ પ્રેરિત શાળાઓને તાળાં મારવાનું ષડયંત્ર તૃણમૂલ-સામ્યવાદી જેવા હિન્દુદ્વેષી પક્ષો કરી રહ્યા છે તો બીજી બાજુએ રાજ્યની દસ હજાર જેટલી ગેરકાયદે ચાલતી મદરેસાઓને સરકારે માન્યતા આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ પૈકીની મોટાભાગની મદરેસાઓના આર્થિક સ્રોત તથા પ્રવૃત્તિઓ વિશે આજ પર્યન્ત રહસ્ય રહ્યું છે. સ્થાનિકો પણ તેમાં ચાલતી ‘પ્રવૃત્તિઓ’ વિશે ભયભીત રહેતા હોય છે. આમ છતાં મમતાદીએ આવી ગેરકાયદે ચાલતી સંસ્થાઓને, સામ્યવાદીઓના સમર્થનથી માન્યતા આપી દીધી છે. ભારતમાં રાજ્ય મદરેસા બોર્ડની સ્થાપના કરીને કોમવાદી રાજકારણ ખેલવાનું દુષ્કૃત્ય ૧૯૯૪માં તત્કાલીન માર્ક્સવાદી સરકારે કર્યું હતું. તે પછી ગામેગામ ગેરકાયદેસર મદરેસાઓ ખૂલવા માંડી હતી. અરે જ્યાં સરકારી પ્રાથ. શાળા ન હોય તે ગામોમાં પણ ગેરકાયદેસરની મદરેસા ધમધમતી હતી! આપણા દેશના બંધારણના ઘડવૈયાઓએ તો શિક્ષણના કોમવાદીકરણની વાત તો કરી ન હતી ! પરંતુ સામ્યવાદીઓએ તે પણ કરી બતાવ્યું ! એનું પ્રમાણ એ છે કે મદરેસાઓના ઇતિહાસના ૧૦૦ ગુણના પ્રશ્ર્ન પત્રમાં ૩૬ ગુણ ઇસ્લામ વિશેના હોય છે, જેમાં તે છાત્રોને પૂરેપૂરા મળી જાય છે. એટલે તેને ભારતના ઇતિહાસને જોવાની જરૂર જ જણાતી નથી! બોલો બિનસાંપ્રદાયિકતાની જય !!
 
રાજ્યમાં શિક્ષણના થઈ રહેલા ઇસ્લામીકરણનાં માઠાં પરિણામો સામે આવ્યા પછી રાજ્યના સંવેદનશીલ વિચારકોએ શિક્ષણ દ્વારા રાષ્ટ્રીયતાના સંસ્કાર મળે તે હેતુથી ‘વિવેકાનંદ વિદ્યાવિકાસ પરિષદ’ની સ્થાપના કરી. આ શૈક્ષણિક સંસ્થા દ્વારા રાજ્યભરમાં અનેક વિદ્યાલયો ખોલવામાં આવ્યાં. રાજ્યમાં ૧૦ જેટલા મુસ્લિમ બહુલ જિલ્લાઓમાં ચાલતાં વિદ્યાલયોમાં સ્વાભાવિક રીતે જ અનેક મુસ્લિમ છાત્રો પણ ગૌરવભેર અભ્યાસ કરી રહ્યા છે. આ પૈકીના જ એક મુસ્લિમ છાત્રે ગત વર્ષે લેવાયેલી બોર્ડની પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સમાચાર દેશભરના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક (અંગ્રેજી સુધ્ધાં)માં આપવામાં આવ્યા હતા. અહીં જ તૃણમૂલ-સામ્યવાદીઓની ‘ગર્દભ-ઉષ્ટ્ર’ની જોડીને અસહિષ્ણુતા દેખાઈ હોય તે શક્ય છે !
સંઘ વિચારધારા પ્રેરિત સંસ્થાઓને ત્રાસ આપવાના ષડયંત્રમાં સામ્યવાદીઓ તો તૃણમૂલ કરતાં પણ આગળ છે. સાડા ત્રણ દાયકાના તેમના કુશાસનમાં તેમણે ૧૯૯૦ પછીનાં વર્ષોમાં અનેકવાર ‘વિદ્યાભારતી’ કે ‘વિવેકાનંદ વિદ્યાવિકાસ પરિષદ’ સાથે સંલગ્ન શાળાઓને ત્રાસ આપવામાં કશું જ બાકી રાખ્યું ન હતું. આ ષડયંત્રમાં જ્યોતિ બાસુ તથા બુદ્ધદેવ દાસગુપ્તની પ્રમુખ ભૂમિકા રહી હોવાનું જગજાહેર હતું. અનેક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે કામ કરતી સંઘ વિચાર પ્રેરિત આ સંસ્થાઓને તાળાં મરાવીને આતંકી પ્રવૃત્તિને પૂરક બનતી સંસ્થાઓને પ્રોત્સાહન મમતાદી જાણે કે દેશને ડૉ. કલામ નહીં પરંતુ બગદાદી કે લાદેન આપવા માગતાં હોય તેવું રાજ્યની જનતાને લાગી રહ્યું છે.