દેશની સમૃદ્ધિ માટે સદ્ગુરુ જગ્ગી વાસુદેવનું ‘નદી બચાવો અભિયાન’

    ૧૮-સપ્ટેમ્બર-૨૦૧૭


વર્તમાન સમયમાં ભારતની નદીઓ જબરજસ્ત બદલાવમાંથી પસાર થઈ રહી છે. આબાદી અને આડેધડ વિકાસના દબાણને કારણે ભારતની બારમાસી નદીઓ હવે સૂકી થઈ રહી છે, અથવા તો માત્ર મોસમ મુજબ વહે છે. આ તો જે એક સમયે પૂરપાટ વહેતી હતી તેવી વિશાળ નદીઓની વાત છે. બંને કાંઠે ધસમસતી નદીઓની જ આવી હાલત હોય તો નાની નદીઓની શું હાલત હશે એ પણ વિચારવું રહ્યું. હકીકતમાં તો નાની નદીઓનું અસ્તિત્વ જ નથી રહ્યું. ક્ધયાકુમારીથી કાશ્મીર સુધી વહેતી અનેક નાની નદીઓ અત્યારે ગાયબ થઈ ગઈ છે. સ્થિતિ એવી છે કે ચોમાસા દરમિયાન નદીઓ બેકાબૂ બની જાય છે અને ચોમાસું જતાં જ ગાયબ થઈ જાય છે. તેના કારણે દેશવાસીઓએ પૂર અને દુષ્કાળની સ્થિતિઓનો સામનો કરવો પડે છે.
ગંગા, કૃષ્ણા, નર્મદા, કાવેરી જેવી કેટલીયે મહાન નદીઓ સુકાઈ રહી છે. જો આપણે અત્યારે યોગ્ય પગલાં નહીં ભરીએ તો જે વિરાસત આપણે આપણી આગલી પેઢીને સોંપીશું એ સંઘર્ષ અને અભાવથી ભરાયેલી હશે. આ નદીઓએ આપણને હજારો વર્ષો સુધી પોષિત કર્યા છે, હવે સમય આવી ગયો છે કે આપણે આ નદીઓને પોષિત કરીએ.
સદ્ગુરુ જાતે ડ્રાઇવ કરીને ક્ધયાકુમારીથી હિમાલય સુધી યાત્રાએ નીકળ્યા...
નદીઓની આ હાલતને કારણે પદ્મ વિભૂષણથી સન્માનિત સદ્ગુરુ શ્રી જગ્ગી વાસુદેવે નદીઓ બચાવવાનું બીડું ઝડપ્યું છે. સમાજના તમામ વર્ગોમાં નદીઓ પ્રત્યે જાગરુકતા ઉત્પન્ન થાય તે માટે સદ્ગુરુ જગ્ગી વાસુદેવ નદી બચાવો અભિયાનનો નવતર વિચાર લઈને આવ્યા છે. આ અનોખા અભિયાન અંતર્ગત પ્રજાને અને સરકારને નદીઓ પ્રત્યે જાગૃત કરવા સદ્ગુરુ ૧લી સપ્ટેમ્બરથી ૨જી ઑક્ટોબર - ૨૦૧૭ સુધી પોતે ગાડી ચલાવીને કન્યાકુમારીથી હિમાલય સુધી યાત્રા કરી રહ્યા છે. આગામી ૨૦મી સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ પધારવાના છે. આપણી સંસ્કૃતિ‚પી નદીને બચાવવા નીકળેલા આ અનોખા સંતને સૌએ હોંશેં હોંશે આવકાર્યા છે.
આ અભિયાન ભારતની નદીઓને ફરી વહેતી કરતું, તેમા જાન ફૂંકતું એક રાષ્ટ્રવ્યાપી અભિયાન છે. સદ્ગુરુ જગ્ગી વાસુદેવે વિચારેલું અને અમલી બનાવેલું. આ અભિયાન દેશભરનાં વર્તમાન પત્રોમાં તથા દેશના એક એક નાગરિક સુધી, શહેર, નગર, ગામ, ગલીના એક એક ખૂણા સુધી પહોંચી ચૂક્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા વિશાળ સંગઠને પણ આ અભિયાનને આવકાર્યું અને બિરદાવ્યું છે. ભારત સરકાર દ્વારા પણ આ અભિયાનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ભારતના બધા જ નાગરિકો - યુવકો, ગૃહિણીઓ, વ્યવસાયીઓ, મશહૂર હસ્તીઓ અને સામાજિક અને સરકારી નેતાઓ પણ ભારતની સુકાતી નદીઓને પુનર્જીવિત કરવાના આ શુભ કાર્યમાં જોડાઈ રહ્યાં છે. દેશવાસીઓ સદ્ગુરુના આ અભિયાનને આવકારી રહ્યાં છે. નદી બચાવો યાત્રા જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં નગરજનો દ્વારા તેમનાં પોંખણાં થાય છે, તેમના અભિયાનની પ્રશંસા થાય છે અને તેમને સાથ અને સહકારના વચનો અપાય છે. પણ એટલાં માત્રથી આ અભિયાન સફળ નથી થઈ જવાનું. આ અભિયાન ત્યારે જ સફળ બને જ્યારે દેશની યુવા પેઢી આગળ આવીને આ અભિયાનની આગેવાની લે. માત્ર પ્રશંસા કે પોંખણાંથી અભિયાન સફળ નહીં થાય, સદ્ગુરુ જે કહી રહ્યા છે તેને સમજી વિચારીને અનુસરવું જ પડશે. યુવાનો આગેવાની લે અને દેશના આબાલ-વૃદ્ધ સૌને સમજાવે, તેઓ પણ યુવાનોને સહકાર આપે. આ પ્રકારે સમગ્ર દેશમાં નદીઓને બચાવવાનો એક અનોખો માહોલ ઊભો થાય તો આપણી સંસ્કૃતિ સમાન નદીઓ ફરી ધસમસતી થાય, ફરી નદીકિનારો છલકાઈ ઊઠે અને ફરીવાર દેશના વાતાવરણમાં ખરો જાન આવે.

જે વ્યક્તિ પાણી પીવે છે એ તમામનું સ્વાગત છે

સદ્ગુરુને એક વ્યક્તિએ પ્રશ્ર્ન પૂછ્યો હતો કે, ‘આ અભિયાનમાં કોણ કોણ ભાગ લઈ શકે ?’
હૃદયને ઝણઝણાટી આવી જાય તેવો ઉત્તર આપતાં સદ્ગુરુએ કહ્યું, ‘જે વ્યક્તિ પાણી પીવે છે એ તમામ નાના, મોટા, સ્ત્રી, પુરુષો આ અભિયાનમાં ભાગ લઈ શકે છે.
આ માર્મિક જવાબ આપણને સૌને નદી બચાવવાના ભગીરથ કાર્યમાં જોડાઈને સદ્કાર્ય કરવાની અપીલ કરે છે. ઉપરાંત અભિયાનને જન જન સુધી પહોંચાડવા માટે અનેક પ્રકારનાં આયોજનો પણ થયાં છે. ખૂબ જ ઝીણવટપૂર્વક તેનું આયોજન કર્યું છે. તેઓ કહે છે કે, ‘નદીઓને નવું જીવન આપવા માટે તેના સંવર્ધન અને સુરક્ષા સાથે સાથે નદીની બંને તરફ કમ-સે-કમ એક કિલોમીટર લંબાઈ અને પહોળાઈના વિસ્તારમાં વૃક્ષો વાવવાં પણ અત્યંત જરૂરી છે. સરકારી જમીન પર જંગલ લગાવી શકાય છે અને ખેડૂતોની જમીન પર ફળ કે બીજા કોઈ પ્રકારનાં વૃક્ષો વાવી શકાય છે. વૃક્ષો વાવવાને કારણે, માટીની ભીનાશને કારણે નદીઓ વરસો સુધી પોષિત બની રહેશે. પૂર, દુષ્કાળ અને માટીનું વહી જવું પણ બંધ થશે અને પર્યાવરણ જળવાશે.
શાળાના બાળકોને આ અભિયાન સાથે જોડવા માટે નિબંધ પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે, સોશિયલ મીડિયાનો સદ્ઉપયોગ કર્યો છે અને નિર્માતાઓ માટે નદીઓના વિષયમાં શોર્ટ ફિલ્મની સ્પર્ધા, વિડિયોગ્રાફીની સ્પર્ધા પણ યોજી છે. સદ્ગુરુ સૌને કહે છે કે, તમે તમારા સ્થાન પર રહીને પણ આ અભિયાનને ટેકો આપી શકો છો. ૮થી ૧૧ વાગ્યા વચ્ચે કોઈ પણ સમયે આપના શહેરમાં, આપની પસંદગીની જગાએ નદી બચાવો અભિયાનનું બેનર કે અભિયાન સાથે જોડાયેલી કોઈ વસ્તુ પહેરીને, હાથમાં લઈને ઓછામાં ઓછા એક કલાક સુધી ત્યાં ઉપસ્થિત રહો. તેની સાથે જેટલા બને તેટલા તમારા મિત્રો, સહકર્મચારીઓ, પાડોશીઓ, સગા-સ્નેહીઓને પણ જોડો. આવું કરવાથી રસ્તા પરથી આવતા જતા લોકો પણ તમને જોશે અને આ અભિયાન સાથે માનસિક રીતે જોડાશે. આવું કરવાથી લોકોની માનસિકતામાં ખૂબ જ ફેરફાર થતો હોય છે.
નદીઓ વિશે આટલી ગંભીરતાથી વિચારવાની જરૂર શા માટે છે ?
કેટલાંક શહેરોમાં મોટા ભાગે સરળતાથી પાણી મળે છે. આધુનિક બંગલાઓ અને ફ્લેટોમાં ચોવીસ કલાક પાણીની સુવિધા હોય છે. પણ દેશમાંથી પાણી ઘટી રહ્યું છે એ એક સત્ય હકીકત છે. ત્રીજું વિશ્ર્વયુદ્ધ પાણી માટે લડાશે તેવી આગાહીઓ પણ થઈ છે. પાણી બચાવવા માટે અનેક પ્રકારની ઝુંબેશો ચાલે છે. પણ આ છે નદી બચાવવાની ઝુંબેશ, જેથી પાણી ભરપૂર મળતું રહે. આ અભિયાન એટલા માટે થઈ રહ્યું છે કે ભારતમાં દિવસે ને દિવસે પાણીની તંગી વધી રહી છે. જો નદીઓ જ નહીં બચે તો તમારી પાસેનું પાણી બચાવી બચાવીને પણ ક્યાં સુધી બચાવશો ? એટલે પાણી બચાવવાની સાથે સાથે નદીઓ બચાવવી પણ અત્યંત જ‚રી છે. તેનાથી નવું પાણી મળતું રહેશે, વરસાદી પાણીનો કુદરતી સંગ્રહ થશે.
એક સંશોધન એવું કહે છે કે ભારતનો ૨૫ ટકા ભાગ રેગિસ્તાન બની ગયો છે અને ગંગા દુનિયાની એવી પાંચ નદીઓમાંની એક છે જેનું ભવિષ્ય ખતરામાં છે. ગોદાવરી જેવી વિશાળ નદીનો કેટલોક ભાગ કેટલાક પ્રાંતોમાં સાવ સુકાઈ ગયો છે. કાવેરી પોતાનો ૪૦ ટકા જળપ્રવાહ ખોઈ ચૂકી છે. કેરલમાં ભરતપૂજા, કર્ણાટકમાં કાબીની, તમિલનાડુમાં કાવેરી, પલાર અને વૈગાઈ, ઓરિસ્સામાં મુસલ, મધ્યપ્રદેશમાં ક્ષિપ્રા જેવી કેટલીયે નદીઓ તો સાવ ગાયબ જ થઈ ગઈ છે.
સામાન્ય જનનો વિચાર કરીએ તો આપણી જે જીવનજ‚રી ક્રિયાઓ છે તેમાંની ૬૫ ટકા જ‚રિયાતો નદીઓને કારણે જ પૂર્ણ થાય છે. એક વ્યક્તિને સરેરાશ વરસે ૧૧ લાખ લિટર પાણીની જરૂર પડે છે. પાણીનો વપરાશ માત્ર ઘરેલુ ઉપયોગ માટે નથી થતો, પરંતુ ખેતી કરવા માટે, અન્ન ઉગાડવા માટે પણ ખૂબ પાણીની જરૂર છે. અનેક ગામડાંઓ અને શહેરો પણ આજે પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે, અને જે શહેરોમાં પાણી મળે છે ત્યાં લોકોએ એક કેન પાણી માટે સામાન્યથી દસ ગણો વધારે ખર્ચ કરવો પડે છે. પાણી માટે દસ-દસ કિલોમીટર દૂર જવું પડે તેવી સ્થિતિ પણ દેશમાં નિર્માણ થઈ રહી છે. આવનારાં ૨૫ વર્ષોમાં તો સ્થિતિ આના કરતાં પણ ખરાબ થઈ શકે છે. પૂર અને દુષ્કાળની બેવડી અસરોથી તબાહી ના મચે તે માટે અત્યારથી જ નદીઓ બચાવીને ભવિષ્ય સુરક્ષિત કરવાની જરૂર છે.

કેવી રીતે બચાવાશે નદીને... તેનાથી સમાજને શું ફાયદો થશે ?

જે દેશની નદીઓ બારેય માસ બેય કાંઠે વહેતી હોય, સ્વચ્છ હોય, નિર્મળ હોય એ દેશનું ભવિષ્ય ઉચ્ચતમ હોય છે. સદાય વહેતી નદીઓ ભાવી પેઢી માટે જળ અને અન્નને સુરક્ષિત કરે છે. વ્યક્તિગત પ્રગતિ, ખુશહાલી અને ભારતના ઉદ્યોગો તથા વાણિજ્ય માટે સુરક્ષિત જળ સંસાધન ખૂબ જ જરૂરી છે. જૈવિક ખેતી કરવાથી ખેડૂતોની આવક ઓછામાં ઓછી ત્રણથી ચાર ગણી વધી શકે છે. ખેડૂત ભારતની કાર્યશક્તિનો ખૂબ મોટો હિસ્સો છે. કૃષિ માટેના પાણીના અભાવે તેણે આત્મહત્યા કરવી પડે એ દુર્ભાગ્યપૂર્ણ છે. જો જગતના તાત સમાન ખેડૂતને અને ખેતીને બચાવવા હોય તો નદીઓને વહેતી રાખવી એ જ એક ઉપાય છે. આ રીતે આ અભિયાન એ ખેડૂત અને ખેતી થકી સમગ્ર દેશને જીવનદાન આપતું અનોખું અભિયાન છે.
એટલું જ નહીં નદીઓ દ્વારા ભારતની અર્થ વ્યવસ્થાને પણ સશક્ત બનાવી શકાય છે. આ અભિયાન ખૂબ મોટું અભિયાન છે. સમાજ સાથે સાથે સરકારનો સાથ પણ એટલો જ જરૂરી છે. ક્ધયાકુમારીથી લઈને હિમાલય સુધી જન-જનમાં જાગૃતિ ફેલાવીને સરકારને જગાડીને તે કંઈક નક્કર પગલાં ભરે તે માટે ઉત્સાહ જગાડવાનો પણ આ અનોખો અવસર છે. આપણે સૌ આ અભિયાને આવકારીએ... તેનાં સહભાગી બનીએ અને નદીઓ થકી આપણી આવનારી પેઢીને બચાવીએ. જય નદી માતા...


સદ્ગુરુ જગ્ગી વાસુદેવ માત્ર સંત, વિચારક, દૃષ્ટા કે પથપ્રદર્શક જ નથી, પણ વર્તમાન સમયની સમસ્યાઓ સમજવા અને તેના પડકારો સામે ઝઝૂમવાના હિમાયતી પણ છે. દેશની નદીઓની રક્ષા માટે તેઓએ મહાઅભિયાન ‘રેલી ફોર રિવર્સ’નો આરંભ કર્યો છે. પ્રસ્તુત છે તેમની સાથે એક વાર્તાલાપ...

આપણે નદીઓને બચાવવી પડશે : સદ્ગુરુ જગ્ગી વાસુદેવ

‘રેલી ફોર રિવર્સ’ એક અનોખો વિચાર છે. આપને આની પ્રેરણા ક્યાંથી મળી ?
નદીઓ, પર્વતો અને વનો સાથે બાળપણથી જ સંબંધ રહ્યો છે. મને યાદ છે. હું ૧૨થી ૧૭ વર્ષનો હતો ત્યાં સુધી દરરોજ કાવેરી નદીમાં તરવા જતો, પરંતુ આજે એ સ્થળે તમે પગે ચાલી એક કિનારાથી સામેના કિનારા સુધી જઈ શકો છો. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે, મેં ૧૭ વર્ષની ઉમરે કાવેરી પર ૧૬૩ કિલોમીટર બાગમંડલાથી મૈસૂર સુધી રાફિંટગ કર્યું હતું અને એ પણ માત્ર ટ્રકની ચાર ટ્યૂબ અને વાંસોના સહારે. એ માત્ર મારું સાહસિક સંભારણું જ નથી. તે નદીઓ સાથેના મારા ઊંડા લગાવને દર્શાવે છે.
તમે જ્યારે નદીઓ સાથે લાગણી સભર રીતે જોડાઈ જાવ છો, તો તમે મહેસૂસ કરી શકો છો કે નદીઓ સજીવ પ્રાણી જેવી જ હોય છે. નદીઓ જીવનથી પરિપૂર્ણ હોય છે. તેને પોતાનું ચરિત્ર હોય છે, પરંતુ વર્તમાન સમયમાં નદીઓ દયનીય હાલતમાં છે. મને ખબર નથી પડી રહી કે, નદીઓની આ દુર્દશા વિષે આપણુ ધ્યાન કેમ નથી જઈ રહ્યું ? તમે જાણો છો કે ગત ૧૨ વર્ષમાં લગભગ લાખો ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે.

વરસાદને કારણે ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ વિશે આપનું શું કહેવું છે ?

આપણે ખેડૂતોની આત્મહત્યાનાં મૂળ કારણોને સમજવાં પડશે. મુખ્ય કારણ છે માટીનું અફળદ્રુપ બનવું અને પાણીનો અભાવ જળસ્રોતો અને કૃષિયોગ્ય ભૂમિમાં ફળદ્રુપતાના ઘટતા પ્રમાણને કારણે હાલ ખેતી ખૂબ જ કપરી બની ગઈ છે. એક અરબથી વધુ જનસંખ્યાવાળા દેશમાં લોકો માટે અનાજ પેદા કરવું એ આપણા દેશના ખેડૂતોની મોટી ઉપલબ્ધિ છે. આઝાદી બાદ દેશમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. આપણે મંગળ ગ્રહ સુધી પહોંચી ગયા અને આ બધું થવું જ જોઈએ, પરંતુ તેની સામે આજે પણ આ દેશનો ખેડૂત કોઈ મોટા આધારભૂત માળખા વગર, કોઈપણ પ્રકારની આધુનિક ટેક્નોલોજી વગર માત્ર પારંપરિક જાણકારીઓ અને પદ્ધતિથી ખેતી કરવા મજબૂર છે. પરિણામે ખેડૂતનાં પણ નીચેથી જમીન સરકી રહી છે. આ જ કારણ છે કે અમે પ્રોજેક્ટ ગ્રીનની શરૂઆત કરી છે અમારા સંસ્થાન થકી. તમિલનાડુમાં લગભગ ત્રણ કરોડ ૨૦ લાખ ઝાડ રોપવાનું કાર્ય પૂર્ણ થયું છે. પરંતુ આટલા માત્રથી જ આ સમસ્યાનું નિરાકરણ આવી જવાનું નથી. સ્થિતિમાં સુધાર માટે સરકારી સ્તરે કડક પગલાં લઈ પ્રભાવશાળી નીતિ બનાવવાની જરૂર છે. પાણીની સમસ્યા ખૂબ જ ગંભીર છે. ૧૯૪૭માં આપણી પાસે જેટલું પાણી હતું, આજે તેનો માત્ર ૨૨ ટકા ભાગ જ આપણી પાસે બચ્યો છે અને ૨૦૨૦-૨૫ સુધી આ આંકડો ઘટી માત્ર ૭ ટકા જ રહી જશે. જો આ અંગે જ‚રી કદમો ઉઠાવાયાં નહીં તો ૨૦૨૫-૩૦ સુધી આપણી પાણીની પ્રાથમિક જ‚રિયાતના માત્ર ૫૦ ટકા પાણી જ આપણી પાસે હશે.

જ્યારે આપણે પ્રદૂષિત ગંગાને જોઈએ છીએ ત્યારે ખૂબ જ દુ:ખ થાય છે. આપણે સાંસ્કૃતિક અને પરંપરાગત રીતે નદીઓ સાથે જોડાયેલા છીએ એક એવો દેશ જેની સંસ્કૃતિ જ નદીઓ પર નિર્ભર હોય ત્યાં નદીઓની આવી દુર્દશા કેમ થઈ ?
આમ થવાનું એક મુખ્ય કારણ એ છે કે, નદીઓને લઈને આપણા મનમાં ભલે ગમે તેટલી ગહેરી સંવેદનાઓ અને આસ્થા હોય, પરંતુ દુ:ખ એ વાતનું છે કે એ ભાવનાઓ મનમાં ને મનમાં જ રહી જાય છે. લોકો તેમની એ ભાવનાઓને સકારાત્મક રીતે બહાર લાવવાનો પ્રયાસ જ નથી કરતા. હું આમાં કોઈને દોષ નથી આપતો. આપણું સરકારી તંત્ર જે યોજનાઓ બનાવે છે અને જવાબદાર પદો પર બેઠેલા આપણા એન્જિનિયરો માત્ર એ વિચારે છે કે, આપણે નદીઓનું દોહન કેવી રીતે કરી શકીએ ? નદીઓના પોષણની દિશામાં અત્યાર સુધી કાંઈ વિચારાયું જ નથી. લોકો માત્ર એ જ વિચારે છે કે નદીઓ આપણને કેવી રીતે ઉપયોગી બની શકે છે ? વિશાળકાય હાથીથી માંડી પરમાણુ બાબતે પણ લોકો એવું જ વિચારે છે કે તેનો વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે કરી શકીએ. આપણે સંસાધનોનું માત્ર દોહન જ કરતા આવ્યા છીએ. તેના પોષણના મુદ્દે ક્યારેય વિચાર્યું જ નથી. તેને સમૃદ્ધ બનાવવા અંગે પણ કંઈ વિચારતા નથી.

શું નદીઓને એકબીજા સાથે જોડવાની સરકારી યોજનાથી કંઈ લાભ થશે ?
આપણે એ જોવાનું છે કે, આપણે નદીઓનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ. આપણી મોટા ભાગની નદીઓ હવે બારમાસી રહી નથી. પાછલાં ૧૫ વર્ષોમાં જ દેશની અનેક નદીઓનું અસ્તિત્વ મૌસમ આધારિત રહી ગયું છે. કાવેરી નદી વર્ષમાં લગભગ ત્રણથી સાડા ત્રણ મહિના તો સમુદ્ર સુધી પહોંચી જ શકતી નથી. તેનો વિસ્તાર તમિલનાડુમાં ૪૩૦ કિ.મી. સુધીનો જ છે. કૃષ્ણા વર્ષમાં ૪ મહિના નાની નાની નદીઓ સુધી પહોંચી શકતી નથી. નર્મદાનું પણ આવું જ છે.
છેલ્લાં ત્રણ વર્ષથી તો ગંગાજળ પણ ક્યાંક ક્યાંક અદૃશ્ય થઈ જાય છે. આપણે એ સમજવું પડશે કે નદીઓમાં પણ જીવ હોય છે જેના માટે તેનું સંરક્ષણ જ‚રી છે. હિન્દુસ્તાનમાં અનેક જીવજંતુઓની પ્રજાતિ જોવા મળે છે. તેઓમાં લગભગ તમામ પાણી પર આધારિત છે. માછલીઓની હજારો પ્રજાતિઓ માત્ર સ્વચ્છ પાણીમાં જ જીવી શકે તેવી છે. તેનો આંકડો કોઈની પાસે નથી કે પાછલાં ૨૦ વર્ષમાં પ્રાણી આધારિત પ્રજાતિઓમાંથી કેટલી નામશેષ થઈ ચૂકી છે. ડોલ્ફિનના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થયું છે. મગરોની પ્રજાતિ પણ સંકટમાં છે. આ તમામ જળચરોના જીવન માટે નદીઓ બારેમાસ વહેતી રહેવી જ‚રી છે. ત્યારે આપણે એ સમજવું પડશે કે આપણે નદીઓનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છીએ અને કેટલી હદે તેનું દોહન કરવું એ પણ નક્કી કરવું પડશે. સાથે સાથે તેના સ્રોતોમાં વધારો કરવા પણ પ્રયાસો કરવા પડશે. ભારતની નદીઓમાં જોવા મળતા જળચરોમાંથી માત્ર ૪ ટકા જ ગ્લેશિયરોમાંથી આવે છે. બાકી તમામ નદીઓ, વનો પર આધારિત છે. ભારતમાં ૪૦થી ૪૫ દિવસ સુધી વરસાદ આવે છે માટે જરૂર છે કે વરસાદનું એ પાણી જમીનમાં ઊતરે એ માટે પૂરતો વન્ય વિસ્તાર હોય. જંગલો ન હોવાને કારણે વરસાદનું પાણી જમીનમાં ઊતરવાને બદલે જમીનની ઉપર જ વહેવા લાગે છે, જેને પરિણામે પૂર આવે છે. ‘ઇન્ટરલિકિગ ઑફ રિવર્સ’ આ બાબતે એક સારી યોજના છે.

ન્યૂયોર્કની હડસન નદીની હાલત ખૂબ જ ખરાબ થઈ ચૂકી હતી. તેની સામે ત્યાંનો સમાજ ઊભો થઈ ગયો. તેના માટે ગીતો ગાવા લાગ્યો. આજે એ નદી એકદમ સ્વચ્છ બની ગઈ છે. તમને લાગે છે કે આપણે ત્યાં પણ આ આંદોલન થઈ શકે ?
આપણે ત્યાં નદીઓને લઈને શક્તિશાળી મંત્રો તો ખૂબ જ લખાયા છે, પરંતુ ગીત ગાવું અને મંત્રોનું ઉચ્ચારણ જ પૂરતું નથી. આપણે આ દિશામાં કંઈક કરી છૂટવું પડશે. ન્યૂયોર્કમાં એક સ્થળે ૧૯૯૭માં જળસંસાધન યંત્ર લગાવવાની યોજના બની. આ યોજના પર ૮૦થી ૯૦ લાખ ડૉલર ખર્ચાઈ રહ્યા હતા, પરંતુ તેને સ્થાને માત્ર ૧૫ લાખ ડૉલર ખર્ચાઈ વૃક્ષો ઉગાડવામાં આવ્યાં. આજે પણ ન્યૂયોર્કનું એ એક માત્ર એવું સ્થળ છે. જ્યાંના લોકો ફિલ્ટર કર્યા વગરનું પાણી પી શકે છે. મને યાદ છે કે, અમે જ્યારે નાના હતા ત્યારે કોઈપણ ખચકાટ વગર નદીઓનું પાણી પી શકતા હતા, પરંતુ આજે આપણી મજબૂરી જુઓ, ગંદા પાણીને શુદ્ધ કરી પીવા લાયક બનાવવું પડી રહ્યું છે. જે પ્રદૂષણને કારણે ગંગાજળ પીતાં પણ ડર લાગે છે. જો કે આ પ્રદૂષણથી છુટકારો મેળવવો અઘરું નથી. બસ તેના માટે માત્ર સમજપૂર્વક તૈયાર કરાયેલી નીતિઓનો ઈમાનદારીપૂર્વક અમલ કરવાની જરૂર છે.