ગુજરાતમાં બુદ્ધિસ્ટ યાત્રાધામોનો વિકાસ

    ૨૩-સપ્ટેમ્બર-૨૦૧૭

ભગવાન બુદ્ધ દ્રારા સ્થપાયેલ બૌદ્ધધર્મ ભારતની શ્રમણ પરંપરામાંથી નીકળતો ધર્મ છે. વિશ્ર્વભરમાં આ ધર્મમાં  માનનારા લોકોની સંખ્યા ૧૬૦ કરોડ કરતાં પણ વધારે છે. ગૌતમ બુદ્ધે આ ધર્મની સ્થાપના કરી.

વર્ષ ૨૦૧૫માં બોધગયાની મુલાકાત વેળા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાબોધિ-વૃક્ષની પ્રદક્ષિણા કરીને કહ્યુ હતું કે, ‘ભારતે ભગવાન બુદ્ધના ગુણો, મુલ્યો અને શિક્ષણ અપનાવ્યા છે.’

પં. જવાહરલાલ નહેરુના મતે ‘વિશ્ર્વએ યુદ્ધ અને બુદ્ધમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.’ કેટલી વ્યાપક અને સર્જનાત્મક વાત ? યુદ્ધના સંહારને બદલે, શુદ્ધ સમાજના સર્જનની ક્ષમતા ધરાવતો આ ધર્મ છે. આ ધર્મના વિસ્તાર અને વ્યાપની એક ગૌરવશાળી ઘટના એટલે ગુજરાત-ગાંધીનગરનું આ બોધી સપ્તાહ. ગાંધીનગરમાં યોજાયેલ બુદ્ધિસ્ટ કોન્ફરન્સમાં ૧૭થી વધુ દેશોમાંથી પધારેલા ૩૦૦ જેટલાં બૌદ્ધધર્મના અનુયાયીઓ અને પ્રતિનિધીઓએ બૌદ્ધ અને ભારતીયોના સંબંધોનું સ્મરણ કર્યું. ગુજરાતમાં બુદ્ધિસ્ટ પ્રવાસનનો વ્યાપ વધે તે ઇચ્છનીય. કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે, ઓલ ઇન્ડિયા ભીક્ષુ સંઘના પ્રેસિડેન્ટ સદાનંદ મહાથેરો, બૌદ્ધ લામા જેવા મહાનુભાવોના વિચારોમાં ગુજરાતમાં વિશાળ બૌદ્ધ મંદિર હોય, જે બૌદ્ધ સેન્ટર તરીકે પણ કાર્ય કરે. તેના દ્વારા જ બૌદ્ધ પ્રવાસનનો વિકાસ અને વિદેશના પર્યટકોને આકર્ષણ.

બૌદ્ધ ધર્મની સંપન્ન વિરાસત-ધરોહર ગુજરાતમાં ઠેર ઠેર સચવાયેલી છે. ગુજરાતની વલ્લભી વિશ્ર્વ વિદ્યાલયમાં બૌદ્ધ ધર્મની હીનયાન શાખાનું જ્ઞાન પ્રાપ્ત થતું હતું. વલ્લભી ખાતે ૬૦૦૦ જેટલાં ભિક્ષુઓ રહેતા અને ૨૦ જેટલાં બૌદ્ધ વિહારો હતા. વડનગરમાં ૧૦ બૌદ્ધ વિહારો અને ૧૦૦ જેટલાં ભિક્ષુઓ રહેતા. દેવની મોરી ખાતેથી ઉત્ખનનમાં પૂર્ણ બૌદ્ધ સંઘના અવશેષો પ્રાપ્ત થયાં હતા. બૌદ્ધધર્મમાં માનનારાઓની સંખ્યા પણ હાલ ગુજરાતમાં ૧૫ લાખથી પણ વધુ છે. બુદ્ધિસ્ટ સર્કિટ નામની સંકલ્પના હેઠળ, રાજ્યભરના આશરે ૧૧થી પણ વધારે સ્થળોનો પ્રવાસનની દૃષ્ટિથી વિકાસ કરવામાં આવે તે ઉત્તમ વ્યવસ્થા. બુદ્ધિસ્ટ સર્કિટ એટલે કે ગુજરાતમાં બૌદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સ્થાળોની ઓળખ. જુનાગઢમાં અશોકના શિલાલેખો, ભ‚ચ-કડિયા ડુંગર, તળાજાના ડુંગર, ખંભાળિયા સહિત અન્ય સ્થાનો પર આવેલી પ્રાચીન બૌદ્ધ ગુફાઓ, વડનગરમાં મળી આવેલા પ્રાચીન બૌદ્ધ અવશેષો, તારંગા હિલ-મહેસાણા, કચ્છની સિયોટ ગુફાઓ, રાજકોટ વડોદરાના કેટલાંક સ્થાનો સહિત અનેક સ્થાનોનો એમાં સમાવેશ છે.

‘બુદ્ધ સમાન પ્રતિષ્ઠિત, આધ્યાત્મિક આત્માઓનું ગુજરાત સાક્ષી છે. બૌદ્ધ-હિન્દુ સૌ સાથે મળીને આધ્યાત્મિકતાના માર્ગે જ શાંતિ-વિકાસ અપનાવી શકાશે.

વિશ્ર્વ પ્રવાસીઓને આકર્ષવા અમદાવાદથી બેંગકોક અને ટોકિયો સુધીની વિમાની સેવા શરૂ કરવાના અનોખા સુચનો થકી પ્રવાસનને પવનવેગે આગળ ધપાવવાના મુદ્દાઓ પર વિચાર એટલે સોનામાં સુગંધ ભળે. પાર્ટનર દેશોમાં જાપાન, ચીન, હોંગકોંગ, સિંગાપૂર, સાઉથ કારિયા, તાઈવાન, થાઈલેન્ડ અને શ્રીલંકા સહિતના દેશોના પ્રવાસીઓની અને પ્રવાસન સ્થાનો સાથે બુદ્ધિસ્ટ પ્રવાસન જોડી શકાય.

ગુજરાત અને વિદેશના બુદ્ધિસ્ટ પ્રવાસનો જેટલું જ દેશભરના બુદ્ધિસ્ટ પ્રવાસનોનું મહત્વ છે. ધર્મશાલા ઉપરાંત બિહારમાં બોધગયા, સારનાથ, ઉત્તર પ્રદેશમાં કુશીનગર, વૈશાલી, જમ્મુ-કાશ્મીર રાજ્યમાં લદ્દાખ, હરવાન, પંજાબના સંઘો, હરિયાણામાં જિંદ, યમુનાનગર, મધ્યપ્રદેશમાં સાંચી, સત્તધારા, સોનારી, મુરુલકુર્દ, છત્તીસગઢમાં સિરપૂર, સિક્કિમમાં ‚મટેક, અ‚ણાંચલ પ્રદેશમાં તવાંગ, બોમડીલા, નાસિકની ત્રિરશ્મી પાંડવ ગુફા, મુંબઈ વસઈ-વિરાર ખાતેના પ્રાચીન સ્તૂપો, ભંડારા જિલ્લાની ગુફાઓ સાથે મહારાષ્ટ્રના ૨૭ સ્થાનો સહિત દેશના અનેક સ્થાનો બુદ્ધિસ્ટ હેરીટેજ પ્રવાસન માટે મનમોહક છે. તે સકિર્ટનો વિકાસ કેન્દ્ર સરકારના નેતૃત્વમાં થાય ત્યારે હજારો નવા પર્યટકો ઉભા થશે.

વર્ષ ૨૦૧૬માં બુદ્ધિસ્ટ ટુરિઝમ માટે જ્યાં ૯૫ ટકા બુદ્ધિસ્ટ નાગરિકો વસે છે તેવા થાઇલેન્ડ સાથે મળીને કેન્દ્ર સરકારનાં ટુરિઝમ વિભાગે એક વિશેષ પ્રવાસન પાર પાડવાની નેમ કરી હતી. આવી યોજનાઓ થકી સમગ્ર વિશ્ર્વમાં એક નોંખુ અને અનોખું પ્રવાસન આરંભાય તેથી તો વિશ્ર્વ સમક્ષ બૌદ્ધ-હિન્દુ સમન્વયનું એક નવું જ પરિદૃશ્ય ઉઘડે. ભારતનાં ૯ કરોડ સહિત વિશ્ર્વભરમાં ૧૬૦ કરોડથી વધારે બૌદ્ધ ધર્મનાં લોકો છે. આમાંથી અનેક લોકો બુદ્ધિસ્ટ ટુરિઝમનાં પ્રવાસીઓ બની શકે છે.

બુદ્ધિસ્ટ પ્રવાસન થકી ગુજરાત અને સમગ્ર ભારત દેશ એક ગૌરવશાળી અને અજોડ પ્રવાસનના વિકાસ થકી વિશ્ર્વને શાંતિનો સંદેશ આપવામાં ગૌરવશાળી બને તે અભ્યર્થના.