વર્ષના ૮ મહિના પાણીમાં ડૂબેલું રહે છે ભારતનું આ મંદિર

    ૦૮-સપ્ટેમ્બર-૨૦૧૭

આમ તો આપણે ઘણાં મંદિરો જોયાં હશે. કદાચ જ કોઈકે પાણીમાં ડૂબેલા મંદિર વિશે સાંભળ્યું હશે. આ અદ્ભુત મંદિર હિમાચલ પ્રદેશના તહસીલવ જ્વાલાથી ૮ કિ.મી. દૂર પોંગ ડેમની ઝરણાની વચ્ચે બનેલું છે. ચાલો, તો જાણીએ આ મંદિરની ખાસિયત.
આ મંદિર લગભગ ૫૦૦૦ વર્ષ જૂનું છે અને ૩૦ વર્ષ પહેલાં આ મંદિરની પાસે ઝીલ પર એક બાંધ બાંધવામાં આવ્યો હતો. આ બાંધના કારણે આ મંદિર વર્ષના ૮ મહિના પાણીમાં ડૂબેલું રહે છે અને માત્ર માર્ચથી લઈને જૂન સુધી જ જોવા મળે છે. આ મંદિર ખૂબ જ મજબૂત પથ્થરોથી બનેલું છે. ત્યારે તો ૩૦ વર્ષ પાણીમાં ડૂબ્યા બાદ પણ એની ઈમારત એવી ને એવી જ છે. આ મંદિર પાસે એક ખૂબ મોટો પિલ્લર છે જેમાં ૨૦૦ સીડીઓ છે. જ્યારે મંદિર ઝીલના પાણીમાં ડૂબી જાય છે તો આ પિલ્લરનો ઉપરનો જ ભાગ જોવા મળે છે. આ મંદિરની સાથે ૮ બીજાં મંદિરોની ઈમારતો પણ છે જે બાથૂ નામના પથ્થરથી બનેલી છે. આ મંદિરની અંદર ભગવાન શિવનું પવિત્ર શિવલિંગ છે. આ મંદિરનું નિર્માણ જે પથ્થરોથી થયેલું છે એની પર ભગવાન ગણેશ અને માતા કાલીનો ફોટો બનેલો છે. શિવરાત્રીએ અહીં ભગવાન શિવની પૂજા થાય છે અને લોકો દૂર દૂરથી આવે છે. મંદિરની આસપાસ એક ટાપુ જેવી જગ્યા છે જેને રેનસર કહેવાય છે.

 

મૃત મહિલાએ ૧૨૩ દિવસ પછી જોડિયા બાળકોને જન્મ આપ્યો

આ આશ્ર્ચર્ય પમાડે તેવો કિસ્સો સાઉથ બ્રાઝિલનો છે. જ્યાં એક મહિલાએ મૃત્યુ બાદ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. સિલ્વા પેડિલ્હા નામની આ મહિલા ગત વર્ષે ગર્ભવતી બની હતી, પરંતુ બ્રેન સ્ટોકની બીમારીને કારણે તેને ઑક્ટોબર ૨૦૧૬માં બ્રેનડેડ જાહેર કરવામાં આવી હતી ત્યારે તેના ગર્ભમાં ૯ અઠવાડિયાંનો ગર્ભ હતો. ડૉક્ટરોએ કહી દીધું હતું કે, ગર્ભ વધુ દિવસ જીવતો નહીં રહી શકે, પરંતુ કુદરતને કંઈક ઓર જ મંજૂર હતું. સિલ્વા ૧૨૩ દિવસ વેન્ટિલેટર પર રહી, તેવામાં તેને ‘૯’ મહિના પૂરા થયા અને તબીબોએ ઓપરેશન દ્વારા પ્રસૂતિ કરાવી અને તેણે જોડિયા બાળકોને જન્મ આપ્યો. મેડિકલ જગત માટે પણ આ ઘટના એક ચમત્કારથી ઓછી નથી.

યુપીમાં મરઘાંને લીધે થઈ બબાલ !

કાનપુરના કર્નલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુધૌરા શેરીમાં એક અજીબ મામલો સામે આવ્યો. એક મરઘાંને કારણે બે પક્ષો વચ્ચે મારામારી અને પથ્થરમારો થયો હતો. પોલીસે આરોપી મરઘાંની તપાસ શ‚ કરી અને ખૂબ જ મુશ્કેલી બાદ મરઘાંની ધરપકડ કરી હતી. બનાવ એવો બન્યો હતો કે પાડોશમાં રામના મરઘાએ પાડોશીને ચાંચ મારી હતી. આથી પાડોશીએ પગથી મરઘાને લાત મારી હતી. મરઘાને મારવાને લઈ રામના પુત્ર શેરાએ એના પાડોશીને બે-ચાર લાફા મારી દીધા હતા, જેના લીધે પાડોશી અને શેરા વચ્ચે બોલાચાલી થઈ ગઈ. વાત એટલી વણસી કે બન્ને વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ. પાડોશી અને શેરાના પરિવારની મહિલાઓ બહાર આવી ગઈ. બન્ને પક્ષો વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો. મહોલ્લામાં અફરાતફરીનો માહોલ થઈ ગયો.

 

માણસો જ નહીં શ્ર્વાન પણ રક્તદાન કરે છે

પ્રાણી હોય કે માણસ, જીવ તો બન્નેનો કીમતી હોય છે. કોઈ દુર્ઘટના કે બીમારીને કારણે જેમ માણસોને લોહીની જરૂર પડે તો બીજા માણસોનું લોહી મદદરૂપ થાય છે એમ શ્ર્વાનમાં પણ જરૂર પડે તો બીજા શ્ર્વાનનું લોહી ચડાવી શકાય છે. બ્લડ-ટ્રાન્સફ્યુઝનની પદ્ધતિ શ્ર્વાનમાં પણ શક્ય છે અને એ માટે અન્ય હેલ્ધી શ્ર્વાન રક્તદાન પણ કરે છે. એનીમિયા, સર્જરી, ટ્રોમા કે ખૂબ લોહી વહી જવાને કારણે શરીરમાં લોહી ઘટી ગયું હોય ત્યારે બ્લડ-ટ્રાન્સફ્યુઝન દ્વારા એની પૂર્તિ કરવામાં આવે છે. જેમ માણસોમાં બ્લડ-ડોનેશનના ક્રાઈટેરિયા હોય છે એમ દરેક ડોગ્સમાં પણ બ્લડ-ડોનેશન માટેના કાનૂન હોય છે.

માત્ર સ્પર્શથી ઘાનો ઉપચાર થઈ શકે એવી ટેક્નોલોજી શોધાઈ

ક્યાંક વાગ્યું હોય અને ઘા કે ઘસરકો પડ્યો તો એ રુઝાવામાં મદદ થાય એવી નવી ટેક્નોલોજી શોધાઈ છે. ભારતીય મૂળના વૈજ્ઞાનિકો સહિત અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ ખાસ ઉપકરણ તૈયાર કર્યું છે, જે ત્વચાની કોશિકાઓને માત્ર સ્પર્શ કરાવવાથી એને સાજી કરી નાખી શકે છે. રક્તવાહિનીઓ અને નસો પર પણ આ ટેક્નિક વાપરી શકાશે એવો દાવો થઈ રહ્યો છે. ઝગઝ નામની આ નવી ટેક્નોલોજીનું પરીક્ષણ ઉંદરો અને ભૂંડ પર સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે. ખૂબ ખરાબ રીતે ઘસરકા પામેલા પગના ટિશ્યુ અને ડેમેજ થયેલી રક્તવાહિનીઓ પર આ ટેક્નિક વાપરવામાં આવી હતી.

અહીંયા મૃતકો સાથે રહે છે લોકો, ખવડાવે છે ખાવાનું

મોટાભાગે માણસના મૃત્યુ બાદ જલદીથી એનો અંતિમ સંસ્કાર કરી દેવાતો હોય છે, પરંતુ ઇન્ડોનેશિયામાં એક સમુદાય એવો પણ છે જે મરેલા માણસો સાથે રહે છે, એટલું જ નહીં, પરંતુ એ લોકો મરેલા માણસોને ખાવાનું પણ ખવડાવે છે.
જણાવી દઈએ કે ઇન્ડોનેશિયાના ટોરાઝ સંપ્રદાયના લોકો મોત બાદ જિંદગી માને છે. એ લોકો મરેલા માણસોને કબરમાંથી નીકાળીને ખાવાનું ખવડાવે છે અને એમની સાથે સમય પસાર કરે છે. એમનું માનવું છે કે મોત બાદ જિંદગીનો આગળનો તબક્કો શરૂ થાય છે. આ પરંપરાને ઇન્ડોનેશિયાની લગભગ લાખ જેટલી જનસંખ્યા માને છે.
આ સંપ્રદાયના લોકો માણસના મર્યા બાદ એનો અંતિમ સંસ્કાર પણ કંઈક અલગ રીતે કરે છે. અંતિમ ક્રિયામાં બહારથી ફરવા આવેલા લોકોને ફોટો પાડવા દેવામાં આવે છે અને ચા-નાસ્તો કરાવવામાં આવે છે. એમાં મૃત વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સમ્માન તરીકે ભેંસનો બલી ચઢાવવામાં આવે છે. બલી બાદ મૃત શરીરને ઘરે લઈ જવામાં આવે છે. ત્યારબાદ એને અનાજઘર બાદમાં સ્મશાન લઈ જવામાં આવે છે. ત્યાં ઐતિહાસિક ક્રિયા બાદ એક વધારે અંતિમ ક્રિયા કરવામાં આવે છે. જેમાં મૃતકને પૈતૃક દુર્ગમાં ખાવાના સામાન અને સીગરેટ સાથે રાખે છે.

 

બે વર્ષની બાળકીનો એક હાથ ૩ કિલોનો

બાંગલા દેશમાં બે વર્ષની શાકિબા નામની બાળકી બાકી બધી જ રીતે સ્વસ્થ છે, પરંતુ તેના ત્રણ કિલોના હાથે તેનું બાળપણ છીનવી લીધું છે. તે જ્યારે જન્મી ત્યારે તેની જમણી બગલમાં નાનો ગઠ્ઠો હતો. આ ગઠ્ઠો મોટો થઈને આજુબાજુમાં ફેલાયો અને આખા હાથને ભરડામાં લઈ લીધો. શાકિબાનું શરીર વધે એના કરતાં બમણી ઝડપે આ હાથનો ગ્રોથ વધવા લાગ્યો અને જોતજોતામાં એક હાથનું વજન ત્રણ કિલો જેટલું થઈ ગયું છે. શરીર નોર્મલ અને હાથ હદપાર વિનાનો જાડો હોવાથી તે ચાલતાં શીખી ગઈ હોવા છતાં ચાલી કે દોડી શકતી નથી. આટલો વજનદાર હાથ ઊંચો કરવામાં તે થાકી જાય છે. તેને હીમેન્જિઓમા નામની સમસ્યા હોવાનું પ્રાથમિક નિદાન સ્થાનિક ડૉક્ટરોએ કર્યું છે.

બોલો ! હૈદરાબાદમાં એક રેસ્ટોરન્ટે વધારાના મીઠા માટે રૂ. ૧ વસૂલ્યો !

મહાત્મા ગાંધીએ બ્રિટિશરોના જમાનામાં જે મીઠાને કરમુક્ત બનાવવા માટે આંદોલન કર્યું હતું, તે મીઠું હૈદરાબાદની એક હોટેલમાં ચાર્જેબલ છે. એક ચપટી મીઠું લેવા માટે આ રેસ્ટોરન્ટ એક રૂપિયો વસૂલે છે. જમવા સાથે વધારાનું મીઠું માગશો તો ચાર્જ થશે. જો કે, આ ગોટાળો થયો હોવાનું જણાતાં તેણે માફી માગીને પૈસા પાછા આપવાની ઓફર કરી હતી. અવિનાશ સેઠી પરિવાર સાથે રેસ્ટોરન્ટ કમ બારમાં જમવા માટે ગયા હતા. પરંતુ તેમને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે તેઓ જમતી વખતે જે એકસ્ટ્રા મીઠાની માગણી કરી રહ્યા છે, તેના પૈસા ચૂકવવા પડશે. બિલમાં મીઠા પેટે વધારાનો રૂપિયો ઉમેરાયેલો જોઈને તેમને આશ્ર્ચર્ય થયું હતું. તાજેતરમાં ખોલવામાં આવેલી આ રેસ્ટોરન્ટ આ કારણે ચર્ચામાં આવી ગઈ છે. કાયદામાં રેસ્ટોરન્ટને કઈ ચીજો ચાર્જેબલ છે તે નક્કી કરવાની મંજૂરી છે. જો કે આ ગોટાળાને કારણે રેસ્ટોરન્ટને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જવું પડ્યું છે.

 

ભંગારમાંથી મળ્યો સિક્કો, મિનિટોમાં ગરીબ દુકાનદાર બની ગયો કરોડપતિ

હરિયાણા સિરસા જિલ્લાના ડબવાલીના એક દુકાનદાર ગોરીશંકર ઉર્ફે અક્કી પાસે લગભગ ૫૬૭ વર્ષ જૂનો એક ઇસ્લામિક સિક્કો છે. દુબઈના એક વ્યક્તિએ આ ઐતિહાસિક સિક્કાની કિંમત ૧.૫ કરોડ રૂપિયાની આંકી છે. જો કે દુકાનદાર તેને ૩.૫ કરોડ રૂપિયામાં વેચવા માંગે છે.
બઠિંડાના ગામ ડૂમવાલી નિવાસી ગોરીશંકર સિરસા રોડ પર સીટ બનાવવાનું કામ કરે છે. દુકાનદારીમાં કમાણી ઓછી થવાને કારણે તેણે ઘરમાં પડેલા ભંગારને વેચીને પૈસા ભેગા કરવાનો વિચાર કર્યો. આ વખતે ઘરમાં પડેલી એક જૂની પેટીમાંથી તેને એક સિક્કો મળ્યો. જ્યારે તેણે આ સિક્કાને સાફ કર્યો તો તેણે જોયું કે સિક્કા પર ઉર્દૂમાં કંઈક લખેલું છે. તેને લાગ્યું કે આ સિક્કાનું ઐતિહાસિક મહત્ત્વ ઘણું હશે, પણ તે વાંચી નહોતો શકતો.
દુકાનદાર મસ્જિદનાં ઈમામ પાસે પહોંચ્યા અને ઈમામ સિક્કો જોઈને ચોંકી ગયા. સિક્કો વર્ષ ૧૪૫૦નો છે, જેના પર મદીના શહેર લખ્યું છે. લગભગ ૫૬૭ વર્ષ જૂના આ સિક્કાનો ફોટો દુબઈ સુધી પહોંચાડ્યો તો ત્યાંની એક વ્યક્તિએ આ સિક્કાની કિંમત ૧.૫ કરોડ રૂપિયા આંકી છે.