બ્લુ વ્હેલ ગેમ : આ ટેકનોલોજીનો પ્રભાવ કે પરિવાર જીવન સામે પડકાર ?

    ૦૮-સપ્ટેમ્બર-૨૦૧૭

રમત એટલે કે ગેમ. રમતનાં મેદાનમાંથી કૂદીને આ ગેમ કમ્પ્યુટર પર અને મોબાઈલની ટચૂકડી સ્ક્રીન પર પ્રવેશી ત્યારથી જ તેણે અનેક પ્રકારનાં જોખમો સર્જવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ છેલ્લા થોડાક સમયથી પ્રવેશેલી ‘બ્લુ વ્હેલ’ ગેમે તો મોતનું તાંડવ રચ્યું. વિકૃત માનસની પેદાશ જેવી આ ગેમે દુનિયાભરનાં બાળકો અને કિશોરોમાં એવો ભયાવહ માહોલ ખડો કર્યો કે ગેમ માટે તેઓ આત્મહત્યા કરવા માંડ્યા. બ્લુ વ્હેલ ગેમને કારણે માત્ર રશિયા અને યુરોપમાં ૧૪૦ અને દુનિયાભરમાંથી ૨૫૦થી વધુ બાળકો-કિશોરોએ આત્મહત્યા કરી છે.
ભારત સરકારે આ ગેમને પ્રતિબંધિત કરી હોવા છતાં આ ગેમનો તરખાટ શમ્યો નથી. હજુ આત્મહત્યાનો સીલસીલો ચાલુ જ છે. રશિયા, યુરોપ અને દુનિયાનાં અનેક સ્થાનો પર તરખાટ મચાવનાર અને કિશોરોને આત્મહત્યા માટે મજબૂર કરનાર આ ગેમ ભારતમાં પણ પહોંચી અને અનેક નિર્દોષોનાં જીવ લીધા. સરકાર દ્વારા પ્રતિબંધિત હોવા છતાં આ ગેમ ભારતમાં સૌથી વધુ સર્ચ કરાઈ રહી છે. ૩૦ ઑગસ્ટ સુધી ગુગલ સર્ચથી મળેલા ડેટા મુજબ કોચિમાં નેટ પર આ ગેમ દુનિયામાં સૌથી વધુ સર્ચ કરાઈ. વર્ષમાં અહીં ૧૦૦ ગણું સર્ચિંગ વધ્યું છે. દુનિયાનાં ટોચનાં ૧૦ શહેરોમાં ભારત ૭મા ક્રમે છે. તિરુવનંતપુરમ્ બીજા અને કોલકાતા ત્રીજા ક્રમે છે. બેંગ્લુરુ છઠ્ઠા ક્રમે છે. અન્ય ભારતીય શહેરોમાં ગુવાહાટી, મુંબઈ અને દિલ્હી સામેલ છે. અન્ય દેશોમાં ત્રણ શહેર સેન-એન્ટોનિયો, નૈરોબી અને પેરિસ સામેલ છે.
ભારતમાં બ્લુ વ્હેલનો ભોગ બનનાર પહેલો કિશોર...

ઓનલાઈન ગેમને કારણે આત્મહત્યા કરનાર પ્રથમ ભારતીય કિશોર તરીકે મુંબઈના અંધેરી પૂર્વની શેરે પંજાબ કોલોનીમાં રહેતા મનપ્રીતને લેખવામાં આવે છે. ૧૪ વર્ષના મનપ્રીત સિંહે ગેમનો અંતિમ ટાસ્ક પૂર્વ કરવા માટે પોતાના ફ્લેટના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હોવાનું કહેવાય છે.
‘જલદી હી આપકે પાસ સિર્ફ એક ચીજ રહ જાયેગી ઔર વહ હોગી મેરી ફોટો’ મુંબઈમાં રહેતા મનપ્રીત નામના ટીનએજરે પોતાના ફ્લેટના સાતમા માળેથી કૂદતા પહેલાં આ પ્રમાણેનો મેસેજ કર્યો હતો. કહેવાય છે કે તેણે આવું આત્મઘાતી પગલું બ્લૂ વ્હેલ ચેલેન્જ નામની ઓનલાઈન ગેમના છેલ્લા ટાસ્કને પૂર્ણ કરવા માટે ભર્યું હતું.
મનપ્રીતે મિત્રોને જણાવ્યું હતું કે તે આ ગેમના છેલ્લા પડાવ તરફ છે. છેલ્લે, બિલ્ડિંગ પરથી કૂદતા પહેલાં સોશિયલ મીડિયા પર તેણે લખ્યું પણ ખરું કે, ‘હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.’ છતાં કોઈને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ નહીં. બ્લુ વ્હેલનાં રક્તરંજિત પગલાં ભારતમાં પડ્યાં.
ત્યારબાદ દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં બે-ચાર દિવસ પહેલાં ૧૧મા ધોરણમાં ભણતા કુશે ઘરના ચોથા માળેથી છલાંગ લગાવી. કુશ મર્યો નહીં પણ સર ગંગારામ હૉસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. કુશ બ્લૂ વ્હેલ ગેમ રમતો હતો.
એવી જ રીતે ઇન્દોરમાં સાતમા ધોરણમાં ભણાતો છાત્ર સ્કૂલના ત્રીજા માળેથી મોતનો કૂદકો લગાવવાની તૈયારીમાં હતો ને વિદ્યાર્થીઓએ તેને બચાવી લીધો. એ કિશોરે ગેમના ૪૯ સ્ટેજ પૂરા કરી લીધા અને અંતિમ ૫૦મા તબક્કે હતો. આ ઘટના ગઈ ૧૦મી ઑગસ્ટે બની અને પાંચ દિવસમાં આ પ્રકારના છએક બનાવ બન્યા હતા.
આ લખાઈ રહ્યું છે ત્યારે ૨જી સપ્ટેમ્બરના રોજ પણ બે કિસ્સાઓ સામે આવ્યા છે. તમિલનાડુના મદુરાઈમાં રહેતા ૧૯ વર્ષીય વિગ્નેશે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વિગ્નેશ બી.કોમ સેકન્ડ યરમાં ભણતો હતો. પોલીસે જણાવ્યું કે તેના હાથ પર બ્લુ વ્હેલની ઈમેજ છે. તેના ‚મમાંથી સ્યુસાઈડ નોટ પણ મળી છે. તેમાં તેણે લખ્યું છે કે, ‘બ્લુ વ્હેલ કોઈ ગેમ નથી, પરંતુ ખતરો છે. એકવાર તેમાં પ્રવેશ્યા બાદ તમે તેમાંથી બહાર નહીં આવી શકો.’ વિગ્નેશની માતાએ કહ્યું કે અમે તેને હાથ પર મારેલાં નિશાનો વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તમે ચિંતા ન કરશો, મને કંઈ નહીં થાય. પોલીસે જણાવ્યું કે તે જે ગ્રુપમાં રમી રહ્યો હતો તેની સાથે ૭૫ ટીનેજર જોડાયેલા હતા.
ત્યારબાદ ગુવાહાટીના શશિકુમાર બોરાએ પણ આ જ રીતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેનો મોબાઈલ તપાસતાં અંતિમ સમયે તે બ્લુ વ્હેલ ગેમના અંતિમ પડાવ પર હોવાનું જાણવા મળ્યું.

આત્મહત્યાઓને બ્લુ વ્હેલનાં નામે ખપાવવાનો પેંતરો

બ્લુ વ્હેલ ગેમને કારણે આત્મહત્યા કરી હોય તેવા દાખલાં ઘણા છે, પરંતુ ખાસ કરીને સોશિયલ મીડિયા અને અન્ય કેટલાંક લોકો દ્વારા અન્ય કારણોસર આત્મહત્યા કરનારાઓને પણ ‘બ્લુ વ્હેલ’ના નામે ચડાવી દઈને સનસની ઊભી કરવામાં આવી રહી છે. દાખલા તરીકે પાલનપુરનાં માલણ ગામનાં અશોક માલુણાએ કેન્સરનાં કારણે આત્મહત્યા કરી તેને બ્લુ વ્હેલના નામે ખપાવી દીધી. તેણે મરતાં પહેલા શૂટ કરેલા વીડિયોમાં પોતાની જિંદગીથી કંટાળી ગયો હોવાનું કહ્યું છે. અંતમાં બ્લુ વ્હેલ ગેમનું કારણ પણ આપે છે. પરંતુ તેની વાત સાંભળતા કોઈ કાળે માની શકાય નહીં કે એને કોઈ સામાન્ય ગેમ પણ રમતા આવડતી હશે. આ પ્રકારે બ્લુ વ્હેલનાં નામે આત્મહત્યાઓ ખપાવીને સમાજનાં ભય ઉત્પન્ન કરવામાં આવે છે. તેનાથી લોકોએ બચવું જોઈએ.
આવો જ એક શંકાસ્પદ કિસ્સો પાલિતાણાનો પણ છે. મૂળ પાલિતાણા તાલુકાના દુઢાળા ગામે રહેતો ૨૦ વર્ષીય યુવાન દિપક વિશાલ ઝાલાવાડિયા અમરેલી જિલ્લામાં રહેતા તેના મામા રમેશભાઈ બાબુભાઈ ભાલાળાના ઘરે જન્માષ્ટમીનો તહેવાર ઊજવવા માટે આવ્યો હતો. ત્યારે આ યુવાને સંભવત: બ્લુ વ્હેલનો ટાસ્ક પૂરો કરવા માટે હાથમાં બ્લેડ મારીને ઈજાઓ પહોંચાડી હતી અને બાદમાં જાતે જ ટાંકા લીધા હતા.
ત્યાર બાદ પૂછતાં પતરું વાગ્યું હોવાનું તેણે જણાવ્યું હતું. લીલીયાથી હાલમાં પોતાના ઘરે સુરત ગયા બાદ તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ યુવાન સતત મોબાઈલમાં ગેમ રમવાની ટેવ ધરાવતો હતો, જેથી યુવાને બ્લુ વ્હેલ ગેમના કારણે આપઘાત કર્યો હોવાની શક્યતાઓ વહેતી થતાં ખળભળાટ મચી ગયો છે. જો કે સત્તાવાર રીતે હજુ સુધી આ યુવાને બ્લુ વ્હેલ ગેમના કારણે જ આપઘાત કર્યો છે કે કેમ તે હજી સાબિત થઈ શક્યું નથી. સુરત પોલીસ દ્વારા પણ બ્લુ વ્હેલ ગેમ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને મૃતકનો મોબાઈલ જપ્ત કરીને તેમાંથી ડીલિટ થયેલો ડેટા રીકવર કરવા માટે નિર્માતા કંપનીની મદદ લેવામાં આવી રહી છે.
શું છે બ્લુ વ્હેલ ચેલેન્જ ? કોણ છે તેનો સર્જક ?
ઘાતકી રમત બ્લુ વ્હેલનો જનક રશિયાનો બુડઈકીન નામનો વ્યક્તિ છે. ૨૦૧૬માં રશિયાના મનોવિકૃત અને નિર્દોષોની હત્યા કરાવી આનંદ મેળવનાર બુડઈકીને રશિયાની ૧૬ ટીન્સ બાળકીઓની હત્યા કરાવી હતી. ત્યાર બાદ ચીન દેશ તથા અન્ય દેશોમાં પણ આ ‘બ્લુ વ્હેલ’એ તેનો ઘાતકી પંજો ફેલાવ્યો છે. આજે રશિયન સરકારે આ બ્લુ વ્હેલના જનક રશિયન બુડઈકીનને જેલ ભેગો કર્યો છે. ભારતે આગોતરું આયોજન કરી આ ‘બ્લુ વ્હેલ’ પર પ્રતિબંધ લગાવવા ઇલેક્ટ્રોનિક માધ્યમને સૂચનો કર્યાં છે.
આ ગેમની વધુ વિગતો જાણીએ તે પહેલાં વાલીઓને, મા-બાપને ચેતવણી. તમારું સંતાન આખો દિવસ મોબાઈલ કે કોમ્પ્યુટર પર ચીપકેલું રહે છે ? જો તેમ હોય તો પરિસ્થિતિ સંભાળી લ્યો. ઈન્ટરનેટ ગેમનું કલ્ચર મેટ્રોસિટીમાં વધુ છે એ ખરું, પરંતુ એવું માનીને ગાફેલ ન રહી શકાય. યુવાની જીવનના બારણે ટકોરા મારતી હોય એ વય ખતરનાક છે. મનમાં એક નશો હોય છે. બેફિકરાઈ હોય છે. પોતે કોઈથી ડરતો નથી કે ડરતી નથી એવું મિત્રવર્તુળમાં બતાવી આપવા માટે ગમે તેવો પડકાર ઝીલી લેતા હોય છે. મોટાભાગે આપણે કોઈ ગેમ રમવા માટેની એપ્લિકેશન હોય છે, પણ બ્લુ વ્હેલ ચેલેન્જમાં એવું કશું નથી. સોશિયલ મીડિયા પર તેનાં ગ્રુપ સક્રિય હોય છે, જે સામેથી નબળા મનનાં બાળકોને તેમની પોસ્ટ, કમેન્ટ, ટ્વિટ વગેરેના આધારે ગેમ રમવા આમંત્રણ આપે છે. બ્લૂ વ્હેલ ગેમમાં આ પ્રકારે ૫૦ ટાસ્ક આપવામાં આવે છે. ગેમ રમવા તમે લલચાઈ જાવ એટલે ચેલેન્જર્સ (ખેલાડી) અને એડ્મિન (જે ગેમ રમાડે) વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થાય છે. ખેલાડીના દિલોદિમાગનો કબજો એડમિન લઈ લે છે. એક પછી એક ૫૦ ટાસ્ક અપાય છે, જે રોજના એકના ધોરણે પૂર્ણ કરવાના હોય છે. તેમાં પરોઢે ૪.૨૦ કલાકે જાગવું, આખો દિવસ ડરામણી વીડિયો ફિલ્મ જોવી, ક્રેન પર ચડવું, ક્યુરેટરે મોકલેલું સંગીત સાંભળવું, ઘરની છત પર ચડવું, સાવ ધાર પર જઈને ઊભવું, હાથ કે પગમાં સોય ભોંકવી, પુલ પર ખતરનાક રીતે ઊભવું, એક પછી એક સોંપાયેલા ધ્યેય પૂર્ણ કરવા સાથે શરીર પરા કાપા મૂકવાના હોય છે જે વ્હેલનો આકાર ધારણ કરે છે અને અંતિમ ૫૦મા દિવસે આત્મહત્યા કરીને વિજેતા બનવાનું હોય છે. ખેલાડીનો સ્માર્ટ ફોન અને ડેટા એડમિને હેક કરી લીધો હોવાથી આ ગેમ અધવચ્ચે છોડી શકાતી નથી. અહીં વિજેતા તે જ બને છે જે આત્મહત્યા કરે છે.

આપણે શું કરવું ?

બાળકો - યુવાનોમાં મોબાઈલ ઇન્ટરનેટની ઘેલછાએ ગંભીર ચિંતાનો વિષય છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. ખેહરે બ્લૂ વ્હેલ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની તપાસનો આદેશ આપ્યો હતો. મહિલા અને બાળવિકાસ મંત્રી મેનકા ગાંધીએ ગૃહમંત્રાલય સમક્ષ આ મામલો ઉઠાવીને માવીતરો તેમના બાળકોની ગતિવિધિ પર નજર રાખે એવી અપીલ કરી.
કેન્દ્ર સરકારે તુરંત જ સક્રિય બનીને ફેસબૂક, ગુગલ, વ્હોટ્સએપ, ઇન્સ્ટ્રાગ્રામ, માઈક્રોસોફ્ટ, યાહુને પત્ર લખીને આ ગેમ તથા તેને સંબંધી લિંક પ્લેટફોર્મ પરથી દૂર કરી દેવા તાકીદ કરી છે.
ઈન્ટરનેટ સારા-નરસાનો અફાટ સમુદ્ર છે. શું ગ્રહણ કરવું અને શું ન કરવું એ યુઝર્સ એટલે કે આપણા હાથની વાત છે. બ્લૂ વ્હેલ મોત સાથે ભેટો કરાવે છે, પરંતુ બાળકોના મગજ ખરાબ કરતી હજારો ગેમ ઉપલબ્ધ છે, જે હિંસાને ઉત્તેજન આપે છે. શહેરમાં ઘૂસી અંધાધૂંધ ગોળીબાર કરીને નગરને બાનમાં લેવું, પોલીસ સામે ઝીંક ઝીલવી અથવા તો ગુંડાઓને વીણી વીણીને ખતમ કરવા, પ્રાણીઓનો શિકાર કરવો એ બધું આજની વીડિયોગેમ કે ઓનલાઈન ગેમ શીખવે છે અને બાળકો જે ઉંમરે મિયાં ફુસકી, અકબર-બીરબલ, પંચતંત્રની વાર્તાઓ વાંચીને જીવનનો બોધ ગ્રહણ કરવાનો હોય તેને બદલે દુરાચાર, હિંસા, વિકૃતિ મગજમાં ભરે છે. શરૂઆત કુતૂહલથી થાય. મા-બાપ એમ કહેતાં ઢીલું મૂકે કે થોડીવાર ફ્રેશ થઈને મૂકી દેશે.. આવી નાની છૂટ ધીરે ધીરે આદતમાં પરિવર્તિત થઈ જાય અને ક્યારેક ઘણું મોડું થઈ જતું હોય છે.
હિંસક ગેમ્સ સમસ્યા તો છે જ. ત્યારે છેલ્લે વાત તેના સમાધાનની આવે છે. કેવી રીતે બચવું તેના કેટલાક જવાબો વિવિધ નિષ્ણાતોએ આપ્યા છે. બ્લૂ વ્હેલ ગેમ્સને ટેક્નિકલી અટકાવી શકાય તેમ નથી, કેમ કે તેની કોઈ ચોક્કસ વેબસાઈટ અથવા યુઆરએલ નથી. એન્ડ્રોઈડ કે એપલના પ્લે સ્ટોર પર પણ તે ઉપલબ્ધ નથી. જો હોય તો ત્યાંથી અટકાવી શકાય. આ આત્મઘાતી રમત કેટલાક સોશિયલ મીડિયા ગ્રુપ પર ચાલે છે. ફેસબુક, ટ્વિટર, ગૂગલ પ્લસ જેવા સોશિયલ મીડિયા પર તેમનું ઓફિશિયલ કોઈ એકાઉન્ટ હોય તો તેને બેન કરી શકાય. પણ આ લોકો જેને ટાર્ગેટ કરે તેની સાથે મેસેજ અને ચેટિંગ દ્વારા સંપર્ક સાધે છે જેને વચ્ચેથી ટ્રેસ કરી શકાતો નથી. હવે તો ટોર જેવી ટેક્નોલોજી આવી ગઈ છે, જેમાં ડેટા એટલી અટપટી રીતે પસાર થાય છે કે ભલભલા એક્સપર્ટ્સ પણ તેનું મૂળ પકડી ન શકે. ડાર્ક વેબ શબ્દ આખો આવી ટેક્નિક પરથી જ આવ્યો છે. ઇન્ટરનેટનો આપણે જે ઉપયોગ કરીએ છીએ તે હિમશિલાની ટોચ જેટલો છે. તેની નીચે આખું જાળું પથરાયેલું છે જેનો ઉપયોગ મોટાભાગે ગેરકાયદેસર કામોમાં થતો હોય છે. હિંસક ગેમ એક વળગણ જેવી હોય છે. તેના વમળમાં જે ફસાયા તે ઝડપથી બહાર આવી શકતા નથી. બ્લુ વ્હેલ તેનું સૌથી ઘાતકી સ્વરૂપ છે. આવી સ્થિતિમાં એકમાત્ર ઉપાય એ છે કે વ્યક્તિ પોતે સમજીને જ આવી ગેમ સાથે અખતરા કરવાથી દૂર રહે.
માતા-પિતા, શિક્ષકો, ઘરના વડીલો સહિત સૌ કોઈએ સજાગ રહી બાળકો અને કિશોરોનું ધ્યાન રાખવાની જરૂર છે. મોબાઈલનું અતિશય વળગણ વિનાશ નોતરે છે તે વાત સાચી પરંતુ બાળકોને આ બધાથી દૂર કરવા માટે આખરે તો માતા-પિતાએ જ આવાં વળગણો છોડી મેદાને પડવાની જરૂર છે. પ્રસ્તુત અંકમાં વિવિધ ક્ષેત્રના તજ્જ્ઞો દ્વારા આવા પ્રકારની ગેમથી બાળકોને બચાવવાના ઉપાયોની સવિસ્તર નોંધ છે. આપણે સૌ સાથે મળી દેશના બાળપણને બચાવીએ.


અમદાવાદના ખ્યાતનામ સાયકોલોજિસ્ટ શ્રી ડૉ. પ્રશાંત ભીમાણી :

આવી જોખમી રમતો અને બાળકોની માનસિકતા વિશે વાત કરે છે


બ્લુ વ્હેલ ગેમનાં તરખાટ પછી સવાલ એ થાય કે કોઈ બાળક આવી ગેમનું બંધાણી છે તે સામાન્ય નજરે કેવી રીતે ખ્યાલ આવે ? અમદાવાદના જાણીતા સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી આ સવાલનો બહુ વિસ્તૃત જવાબ આપે છે, જે દરેક માતાપિતાએ ગોખી રાખવા જેવો છે. તેમના મતે, ગેમના બંધાણી થઈ ચૂકેલાં બાળકોનાં કેટલાંક ચોક્કસ લક્ષણો હોય છે જે તેના વર્તન પરથી પકડી શકાય છે, જેમ કે, (૧) બોલવાનું ઓછું કરી દે અને સતત એકલો રહેવા માંડે. (૨) મોટાભાગનો સમય મોબાઈલ કે કમ્પ્યુટર પર ઓનલાઈન રહે. રાત્રે મોડે સુધી જાગીને પણ ગેમ રમ્યા કરે. (૩) ભૂખ ઓછી થઈ જાય અથવા જમે જ નહીં. જો ખાય તો પણ ગેમ રમતાં રમતાં. (૪) ઉશ્કેરાટ કે ચીડિયાપણું સતત જોવા મળે. અભ્યાસનાં પરિણામ સતત બગડતાં જાય. (૫) મિત્રો પણ એવા અને એટલા જ રહે જે આવી ગેમ રમતા હોય. આ સિવાયના મિત્રોથી દૂર જતો જાય. (૬) માતાપિતાનું કહ્યું માને નહીં તેથી તેમની સાથે ઝઘડા થાય. (૭) તમારી વાતમાં બહુ રસ ન પડે. તેનું ચિત્ત સતત ગેમમાં જ ચોંટેલું રહેતું હોય. એટલે એ વિચારતો હોય કે, ક્યારે આ લોકોની વાત પતે અને હું ઘરે જઈને ગેમ રમવા માંડું. ટૂંકમાં દારૂ, ડ્રગ્સના બંધાણી જેવી તેમની હાલત હોય છે.
હિંસક રમતોની સૌથી વધુ અસર ૧૨થી લઈને ૧૭ વર્ષ કે જેને આપણે ટીનએજ કહીએ છીએ તેમના પર પડતી હોય છે. આ સમય તેમના માટે કુટુંબમાંથી બહાર નીકળી સમાજમાં ઓળખ ઊભી કરવાનો હોય છે. આ સમયગાળામાં તેમને જે વાતાવરણ મળે છે તેની અસર લાંબા સમય સુધી રહેતી હોય છે. કિશોરાવસ્થાના અસમંજસભર્યા આવેગો વચ્ચે જો તે હિંસક ગેમ્સની લતે ચડી જાય તો નુકસાન થાય. એ ત્યાં સુધી કે, ક્યારે તે વ્યક્તિગત તર્કશક્તિ ગુમાવી ગેમ એડ્મિશનના આદેશને અનુસરવા માંડે તેનો પણ તેને ખ્યાલ ન રહે. એડમિન તેને આત્મહત્યા કરવાનું કહે તો પણ તેને એમાં કશું અજુગતું ન લાગે.
ડૉ. પ્રશાંત ભીમાણીની સલાહ છે કે, બાળકો આવી ગેમના સકંજામાં ન સપડાય એટલા માટે પહેલાં તો માતા-પિતાએ બાળકની નજીક રહેવું જોઈએ. ત્યારબાદ તેમની લાગણીઓને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. ફાજલ સમયમાં તે કોઈ ક્રિએટિવ આઉટડોર ગેમ રમે તેના માટે પ્રોત્સાહિત કરો. તેના ગ્રુપના મિત્રો કેવા છે, શું કરે છે તેની જાણકારી પણ માતાપિતાએ રાખવી જ‚રી છે. મોટામાં મોટી ભૂલ એ છે કે, બાળક માગે ત્યારે તેને સ્માર્ટફોન આપી દેવામાં આવે છે. આજે માતા-પિતા પાસે બાળક પાસે બેસીને રમવાનો ટાઈમ નથી. તેની વાત સાંભળવા તૈયાર નથી એટલે તેને મોબાઈલ ફોન આપી દે છે. તેને પ્રેમ જોઈએ ત્યારે પૈસાથી ખરીદેલી કોઈ વસ્તુ ન અપાય, પ્રેમ જ અપાય. એને કોઈ વાત કરવી હોય ત્યારે કોઈ ગેજેટ્સ ન અપાય, વાત કરી લેવાય. તમારી ગેરહાજરીમાં મોબાઈલ જ તેનું સર્વસ્વ બની જાય છે. આભાસી દુનિયામાં પ્રવેશની શરૂઆત જ આનાથી થાય છે. તેનાથી બચવું જોઈએ.


વ્યક્તિ પોતે જ અખતરા કરવાનું માંડી વાળે

સાયબર એક્સપર્ટ હિમાંશુ કિકાણીના મતે, ખરેખર આમાં ગેમ જેવું કશું નથી. બ્લુ વ્હેલ ચેલેન્જ તેનું નકારાત્મક સ્વરૂપ છે. તેની કોઈ એપ્લિકેશન નથી, વેબસાઈટ નથી. ઇન્ટરનેટ પર જેમ સારી-ખરાબ બંને માહિતી ઉપલબ્ધ છે. તેમ વિકૃત મગજ ધરાવતા લોકો પણ છે. જે નબળાં મનનાં, હતાશ, અંતર્મુખી કિશોરોને શોધી આતંકવાદીઓની જેમ વિવિધ લાલચો આપી તેમને આત્મહત્યા સુધી દોરી જાય છે. આ કેટલાક વિકૃત મગજ ધરાવતા લોકોની અવળચંડાઈ છે. ઇન્ટરનેટમાં ડાર્ક વેબ શબ્દ છે જે આ પ્રકારની ગેમ્સ માટે વાપરી શકાય. હિંસક ગેમથી બચવાનો એકમાત્ર ઉપાય એ છે કે વ્યક્તિ પોતે સમજીને જ અખતરા કરવાનું માંડી વાળે.

- હિમાંશુ કિકાણી (સાયબર એક્સપર્ટ, અમદાવાદ)


આપણું સ્વસ્થ પરિવાર જીવન આ પડકારને ચોક્કસ ઝીલી શકે

શિક્ષણ સાથે સંકળાયેલા વિચારક ડૉ. કનુભાઈ જોશી જોખમી રમતો અને બાળકોની માનસિક્તા વિશે છણાવટ કરતાં જણાવે છે કે, વીડિયો ગેમ અને શાળાકીય અભ્યાસમાં ઉપયોગી ઈલેક્ટ્રોનિક ઉપકરણો તથા મોબાઈલના વિવેકહીન ઉપયોગોએ પણ બાળકોની માનસિક તથા શારીરિક વર્તન-વ્યવહારની ભૂમિકાને દાવ પર લગાડી તેમનામાં મનોવિકૃતિ સર્જી છે. ટીન્સ એટલે ૧૩થી ૧૯ વર્ષના બાળકોમાં આ મનોવિકૃતિ વિશેષ જોવા મળે છે. બાળક તેના મૂળભૂત પ્રાકૃતિક સ્વ‚પમાં જોવા મળતું નથી. તે માતા-પિતાથી કંઈક છૂપાતું ફરે છે. ચિંતામાં રહે છે. એકાકી બનતું જાય છે. માતા-પિતા કે વડીલોની આજ્ઞાનું પાલન કરવામાં હિચકિચાટ કરે છે. આઉટડોર ગેમ રમવામાં રસ દાખવતું નથી. તેને ભૂખ ઓછી લાગે છે, વિકૃત માનસિકતા કે પરપીડનવૃત્તિ ધરાવનાર કો’કના શિકાર બને છે. વિચાર કરવાની પોતાની સ્વતંત્ર બુદ્ધિ ખોઈ બેસે છે. કાનમાં ભૂંગળાં ભરાવી સતત સંગીત સાંભળ્યા કરે છે. ટગર-ટગર મોબાઈલમાં કાંઈક જોયા કરે છે. આવી અનેક મનોવિકૃતિવાળું તેનાં વર્તન-વ્યવહાર આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. પ્રાકૃતિક નિર્દોષ બાળકધન અવળા રવાળે ચઢે તે પોષાય તેમ નથી. તો શું કરવું ? એક સમસ્યા છે. આ સમસ્યાનો ઉદ્ભવ તથા મૂળ જાણવાં રહ્યાં. આ સમસ્યાનાં કેટલાંક કારણો અને તેના ઉપાયો આ મુજબ છે.
કારણો
- ઘરની બહાર શાળામાં કે ઇતર સ્થળે મિત્રોનો કુસંગ બાળકને વીડિયો ગેમ તથા મોબાઈલના વિવેકહીન ઉપયોગ તરફ દોરી જાય છે.
- માતા-પિતા કે પરિવારના સૌ કોઈ બાળકના પ્રાકૃતિક ઉછેરમાં ધ્યાન આપતાં નથી. સવારથી સાંજ સુધી બાળકની દિનચર્યા તથા તેની શાળાકીય પ્રવૃત્તિઓ ઉપર પૂરતું ધ્યાન અપાતું નથી. પોતાના આર્થિક-ઉપાર્જન કે સામાજિક જીવનમાં મશગૂલ રહેનાર માતા-પિતા બાળકનું પૂરતું ધ્યાન રાખતાં નથી. બાળક કેવા મિત્રો રાખે છે? તેના સંપર્કમાં કોણ રહે છે ? તેના પર હાવી થતાં બહારનાં પ્રલોભનો કયાં છે? વગેરે અંગે પૂરતું ધ્યાન અપાતું નથી.
- બાળકોને ઇતર પ્રવૃત્તિઓ જેવી કે સંગીત, નૃત્ય-નાટ્ય, ક્વીઝ, ખેલકુંભ, ચિત્રકામ વગેરેમાં પ્રવૃત્ત કરવાને બદલે તેને એકલું છોડી દેવાય છે. તેની સાથે આત્મીય સંબંધો વિકસાવાતા નથી.
- બાળકોમાં મનોવિકૃતિ ઉપજાવે તેવા સહેલાઈથી ઉપલબ્ધ આકર્ષક વીડિયો ગેમ તથા તેવા જ અન્ય ઈલેક્ટ્રોન ઉપકરણો હાથ-વગાં તથા ચાઈનીઝ બનાવટનાં સસ્તાં ઉપકરણો ઉપલબ્ધ હોય છે. નાનપણથી વાલીઓ પોતાના બાળકને આવી વીડિયોગેમ પકડાવી, ટી.વી. આગળ મૂકી દે છે. બાળકોમાં ટીવી જોવાની તથા વીડિયો ગેમ જોવાની લત લાગી જાય છે. તે પછી મોટું થતાં છોડી શકતું નથી. તેનાં વર્તન-વ્યવહાર વિકૃત થતાં જાય છે.
- ઘરમાં બાળઉછેર માટે જ‚રી મૂલ્યશિક્ષણ અપાતું નથી. ઘરમાં સવાર-સાંજ થતી પૂજા-આરતી સાવ ભૂલાઈ ગયાં છે. સાથે બેસી જમવું. એકબીજાને સાંભળવા વગેરે બાબતો તો આપણી કુટુંબ-વ્યવસ્થામાં ભાગ્યે જ જોવા મળે છે.
- પ્રિન્ટ મીડિયામાં બાળકોની મનોવિકૃતિઓ માટેની વિગતો, કિસ્સાઓ પાનાં ભરી-ભરીને આવે છે પણ માતા-પિતા કે બાળકોને આ વાંચવાનો કે સમજવાનો સમય ક્યાં છે ?
- આપણે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસી જઈએ છીએ પણ નાનપણથી જ બાળકમાં પગપેસારો કરતી મનોવિકૃતિઓ લાવનારી ગતિવિધિઓને ઓળખતાં નથી.
ઉપાયો
બાળકોની મનોવિકૃતિ અને તેમના વર્તન-વ્યવહારની આ સમસ્યા માટે અનેક કારણો હોઈ શકે છે. આ સમસ્યાઓનો ઉપાય ખૂબ સીધોસાદો છે. બાળકને ઓળખો. તેમનામાં રહેલ ઈશ્ર્વરદત્ત શક્તિને બહાર લાવો. તેને સતત પ્રવૃત્તિમાં રાખો. ઘર તથા ઘરની બહાર માનસિક રીતે સતત તેની સાથે જોડાયેલા રહો. તેને મેદાની રમતોમાં ઉતારો. બાળકોને સંગીત, ચિત્ર તથા કલાજગતની અનેક સ્પર્ધાત્મક પ્રવૃત્તિમાં ભાગ લેતી વખતે બાળકને જોડે રાખો. તેનામાં સમાજસેવાના ગુણ વિકસાવો. બાળકની ઉંમર પ્રમાણે તેને ઈલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરતાં શીખવો. ઉપકરણોના ઉપયોગનો વિવેક બતાવો. નાની ઉંમરે ટુ-વ્હિલર કે ફોર વ્હિલર ચલાવવા આપવું નહીં. આનંદ-ઉલ્લાસની પળોમાં માનસિકતા ન ગુમાવે તથા ન કરવાનું કરી બેસે નહીં તેવી સમજણ બાળકોમાં વિકસાવવાથી બાળકોમાં ઉદ્ભવતી મનોવિકૃતિ ટાળી શકાશે.
0 0 0
ડૉ. કનુભાઈ જોશી
(ચૌધરી એમ.એડ્. કોલેજ - ગાંધીનગરના સંશોધન રીસર્સ મેથડોલોજીના પૂર્વપ્રાધ્યાપક)


બ્લુ વ્હેલના રાક્ષસી અવતાર સામે આવી ગયો છે પિન્ક વ્હેલનો દેવતાઈ અવતાર

જીવલેણ બ્લુ વ્હેલ ગેમ પછી હવે એના પર્યાય સ્વરૂપે પ્રેમ અને પ્રસન્નતા ફેલાવવા પિન્ક વ્હેલ નામની ગેમ વાંસો પંપાળવા આવી પહોંચી છે.
હાહાકાર મચાવનારી, કાળજું કંપાવી દેનારી અને નઠારી તેમ જ ખેલ ખતરનાક જેવા વિશેષણથી નવાજવામાં આવેલી કમ્પ્યુટર પર રમાતી ઓનલાઈન ગેમ બ્લુ વ્હેલની કાતિલ જાળમાં હજી પણ બાળકો સપડાવાના એકલદોકલ બનાવો બની રહ્યા છે, ત્યારે દાઝ્યા પર મલમ જેવા સમાચાર આવ્યા છે. કોઈ છાને ખૂણેથી પિંક વ્હેલ નામની ગેમ ડોકિયું કાઢીને લોકપ્રિયતાની સીડી ચડવાના પ્રયાસો કરી રહી છે. કમ્પ્યુટર પર રમાતી આ ઓનલાઈન ગેમ બ્લુ વ્હેલનો બીજો છેડો છે. બ્લુ વ્હેલ કાતિલ છે, બાળકોને જીવ દેવા ઉશ્કેરે છે, જ્યારે પિંક વ્હેલ પ્રેમ અને પ્રસન્નતાનો ફેલાવો કરવાના નેક ઇરાદા સાથે આવી છે. જાણે પોતાના નામને (પિંક એટલે ગુલાબી જે સૌમ્ય ભાવનો નિર્દેશ કરે છે) સાર્થક ન કરતી હોય ! બ્લુ વ્હેલ રમીને બાળકિશોરો જીવન ગુમાવી બેસે છે, જ્યારે પિંક વ્હેલ પ્રસન્ન વાતાવરણમાં જીવવાના પાઠ શીખવાડે છે. બ્લુ વ્હેલના રાક્ષસી અવતારે રશિયામાં માથું ઊંચક્યું જ્યારે પ્રેમાળ અને વાંસો પંપાળતી પિન્ક વ્હેલ ગેમે દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલમાં અવતાર લીધો છે. બ્લુ વ્હેલ વિલન છે તો પિંક વ્હેલ વિલન પર હુમલો કરવા આવેલો હીરો છે.
સ્યુસાઈડ ગેમનું લેબલ મેળવનાર બ્લુ વ્હેલના પ્રભાવને દૂર કરીને એને ડામી દેવાના આશય સાથે આવેલી પિંક વ્હેલને સાગમટે વધાવી લેવાઈ છે. એનાં ઓવારણાં લેવામાં આવ્યાં છે. ઇન્ટરનેટના ઓનલાઈન પ્લેટફોર્મ પર લોકપ્રિય થઈ ગયેલી આ રમતને ફેસબુક પર ત્રણ લાખથી વધુ અને ઇન્સ્ટાગ્રામ પર પચાસ હજારથી વધુ ફોલોઅર મળી ચૂક્યા છે અને એમાં સતત ઉમેરો થઈ રહ્યો છે. ગેમની સત્તાવાર વેબસાઈટ baleiarosa.com.br. (baleiarosa પોર્તુગીઝ શબ્દ છે જેનો અર્થ પિંક વ્હેલ થાય છે.) પર દાવો કરવામાં અને આ આશયમાંથી જ પિંક વ્હેલ નામની ગેમે આકાર લઈને જન્મ લીધો છે.’ આ ગેમની ધારી અસર થઈ રહી છે અને લોકો સોશ્યલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું છે કે ‘તમે આવો પ્રયાસ કર્યો છે એટલે તમે સારા માણસોમાંના જ એક હશો. તમારું એ ધોરણ જળવાઈ રહે એ માટે તમે સતત પ્રયત્નશીલ રહેજો.’ અન્ય એક વ્યક્તિ જણાવે છે કે ‘તમે બહુ ઉમદા કાર્ય કરી રહ્યા છો. એમાં આગળ વધાય એટલું વધજો.’ મળેલી માહિતી પ્રમાણે પિંક વ્હેલ ગેમના સર્જકોને બ્રાઝિલ સરકારનું પીઠબળ મળ્યું છે અને આજની તારીખમાં તેમની વેબસાઈટ ત્રણ ભાષામાં કાર્યરત છે : પોર્તુગીઝ, ઇંગ્લિશ અને સ્પેનિશ. વળી ઓનલાઈન પર આ ગેમ સહેલાઈથી ઉપલબ્ધ છે અને એનું એપ વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે.
આ ગેમમાં ભાગ લેનારાઓએ પણ બ્લુ વ્હેલની જેમ કેટલાક ટાસ્ક પૂરા કરવાના હોય છે. જો કે, અહીં જે પડકાર ઝીલવાના છે એ બ્લુ વ્હેલના આત્મઘાતી વલણ કરતાં એકદમ વિપરીત છે. પિંક વ્હેલ ચેલેન્જ પોઝિટિવ અને ઉમદા કાર્યો કરવા પ્રેરે છે. સાથે સહભાગી થનારી વ્યક્તિના દૈનિક જીવનમાં પ્રસન્નતા રેલાય એવા પ્રયત્નો કરે છે. તમે ગેમની વેબસાઈટ પર જઈને સાઈન ઈન કરો એટલે પહેલો જ મેસેજ આવે છે કે ‘હેલો પ્લેયર, બ્લુ વ્હેલના બદલે આનંદદાયક વિકલ્પ તરીકે વિકસાવાયેલી પિંક વ્હેલમાં તમારું સ્વાગત છે. હવે પછીના સાત દિવસ તમને જુદા જુદા ટાસ્ક (કામ) આપવામાં આવશે, જે પૂરા કરીને તમે અને તમારા મિત્રોના ચહેરા પર સ્મિત રેલાઈ જશે. તમારે ગેમમાં સહભાગી થવા માટે નથી કોઈ પુરાવા મોકલવાની જરૂર કે આને સિક્રેટ રાખવાની સુધ્ધાં જરૂર નથી. ગેમ રમીને આનંદ માણો અને તમને જો મજા પડી હોય તો તમારા મિત્રોને પણ જણાવો. જો ગેમના કોઈ પણ તબક્કે તમને એમ લાગે કે તમારે હવે આગળ નથી રમવું તો તમે ગેમ છોડીને જઈ શકો છો.’ માત્ર તમારે તમારું ઈ-મેઈલ એડ્રેસ ક્ધફર્મ કરવાનું હોય છે. આ ઉપરાંત કોઈ અડચણ આવે તો એ માટે કોનો કયા નંબર પર સંપર્ક કરવો એની વિગતો પણ આપવામાં આવી છે. જીવલેણ ગેમ બ્લુ વ્હેલમાં તો ઘણી વિગતો આપવી પડે છે તેમજ એ અધવચ્ચેથી છોડી જવાની છૂટ નથી.
બ્લુ વ્હેલના વધી રહેલા ફેલાવાથી ચિંતિત થયેલા એક પબ્લિસિસ્ટ અને ગ્રાફિક ડિઝાઈનરે શરૂ કરેલી આ ગેમની બીજી એક મહત્ત્વની વાત એ છે કે ગેમ રમનારે સોંપેલા ટાસ્ક પૂરા કરીને એના પુરાવા રજૂ કરવા બંધનકર્તા નથી. હા, તમારી ઇચ્છા હોય ને જો તમે ટાસ્ક પૂરો કર્યાના ફોટોગ્રાફ્સ શેર કરો તો એ તસવીરો વેબસાઈટના ‘વ્હેલ પપીઝ’ યાને કે વ્હેલના બચ્ચા નામના વિભાગમાં રાખવામાં આવે છે. આ જગ્યાએ માહિતી શેર થવાથી ભાગ લેનારાઓના દિલમાં એક પોઝિટિવ વાતાવરણ તૈયાર થાય છે. આ ગેમમાં પણ ૫૦ ચેલેન્જ રાખવામાં આવી છે અને રોજની એક ચેલેન્જ પૂરી કરવાની છે. એક ઉત્સાહી વ્યક્તિએ ૨૪ ચેલેન્જ પૂરી કર્યા પછી એની વિગતો અન્ય લોકો જાણી શકે એ હેતુથી ઓનલાઈન શેર કરી છે. એની સામે મૂકવામાં આવેલી ચેલેન્જો આ પ્રમાણે હતી : (૧) પેનથી કોઈના હાથ પર લખો એ વ્યક્તિ તમને કેટલી પ્રિય છે. (૨) પેનથી પિંક વ્હેલનું ચિત્ર દોરો અને ઉત્સાહ વધારનારા શબ્દો કે વાક્યો લખીને એ તમે વાપરતા હો એ સોશ્યલ નેટવર્ક પર એને રજૂ કરો. (૩) જો અન્ય સારાં વાક્યો તમે તૈયાર કર્યાર્ં હોય તો કમેન્ટમાં યસ લખો અને ન હોય તો તમારી નજીક જે અરીસો હોય એમાં જોઈને ખુદની પ્રશંસા પાંચ મિનિટ સુધી કરો. (૪) લાંબા સમય સુધી જેની સાથે વાત ન કરી હોય એ વ્યક્તિ સાથે વાત કરો. (૫) સોશ્યલ સાઈટ પર ‘હું એક સારી વ્યક્તિ છું’ એવું લખો. (૬) જીવનની આનંદદાયક ક્ષણોને યાદ કરીને ફરી એની મજા માણો. (૭) તમને જે કપડાં પહેરવામાં આનંદ આવતો હોય એ પહેરીને એનો એક ફોટો પાડીને પોસ્ટ કરો. (૮) કોઈ એવું સારું કામ કરો જેનાથી કોઈના ઉદાસ ચહેરા પર સ્મિત ફરકી ઊઠે. (૯) નવો મિત્ર બનાવો. (૧૦) હવે અમને થોડી મદદ કરો. આ ગેમની જાણકારી અને તમારો અનુભવ ત્રણ વ્યક્તિને જણાવો. આ સિવાય કોઈ અણબનાવ વિશે માફી માગવાની કે માફી આપવાની ચેલેન્જ, પરિવાર પ્રત્યે સ્નેહ વ્યક્ત કરવાની વાત અને સોશ્યલ સાઈટ પર કોઈ કારણસર મિત્રને બ્લોક કર્યો હોય તો એને અનબ્લોક કરીને ફરી એના સંપર્કમાં રહેવા જેવી ચેલેન્જો પણ હોય છે. આ ટાસ્ક કે ચેલેન્જીસ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ કોઈપણ પ્રકારની આંટીઘૂંટી વિનાની એકદમ સરળ ગેમ છે. અલબત્ત ગેમ બનાવનારાઓના કોઈ મોટા દાવા પણ નથી, પણ બ્લુ વ્હેલે ઊભા કરેલા મોટા હાઉનો સફાયો બોલાવી દેવાની તેની પ્રાથમિકતા છે.
દરેક બાબતને બે બાજુ હોય છે, સારી તેમજ નઠારી. બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં કે ગ્રાઉન્ડમાં જઈને વિવિધ રમતો રમવામાં કંટાળો અથવા સૂગ અનુભવતા તરુણો આજની તારીખમાં સ્માર્ટ ફોન કે કમ્પ્યુટર પર ગેમ રમવાની મજા માણતા જોવા મળે છે. જો કે, બે ઘડીનો આનંદ હવે લત બની રહી છે. જેમ એક સમયે યુવાનો નશીલા પદાર્થોના બંધાણી બની રહ્યા હતા એ જ રીતે આજના યુવકો ઇન્ટરનેટની મદદથી રમાતી ગેમના બંધાણી બની રહ્યા છે. અલબત્ત ક્યારેક બ્લુ વ્હેલ જેવી નઠારી ગેમના સકંજામાં તેઓ ફસાઈ જતા હોય છે. રશિયામાં જન્મેલી આ ગેમ વધુ હાહાકાર મચાવે એ પહેલાં સિક્કાની બીજી બાજુ જેવી પિંક વ્હેલ નામની ગેમ અસ્તિત્વમાં આવી છે. બ્લુ ગેમ તરુણોની લાગણીઓ સાથે રમત રમીને તેમને ગૂંચવીને કરુણ અંજામને નોતરું આપે છે. તો પિંક વ્હેલ મૂંઝવણ અનુભવતા આ તરુણોને માથે હાથ ફેરવીને વહાલસોયું વર્તન કરી રહી છે. એના ટાસ્ક અથવા ચેલેન્જીસ આ વાત ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્યા છે. કેટલાક ટાસ્ક આસાન નથી, પણ કોઈ રીતે નુકસાન પહોંચાડનારા નથી એ એની જમા બાજુ છે.
કોઈ પણ વાર્તા કે ગેમનો એક ક્લાઈમેક્સ હોય છે, જેના વિશે સૌથી વધુ ઉત્સુકતા દરેકના મનમાં હોય એ સ્વાભાવિક છે. બ્લુ વ્હેલ ગેમમાં ટેરેસ પરથી છલાંગ લગાવવાનો આદેશ અપાતો હોવાની વાત છે. આ તો પિંક વ્હેલ છે. એટલે અહીં તો અંતમાં કોઈ જ‚રિયાતમંદને મદદરૂપ થવા માટે તમને કહેવામાં આવે છે. મજા એ વાતની છે કે એ જરૂરિયાતમંદ કોઈ માનવી હોઈ શકે છે અથવા પ્રાણી પણ હોઈ શકે છે. હવે એક રસપ્રદ વાત. જો તમે આ ગેમ રમો, તમારા હાથના કાંડા સહિતના શરીરના બધા અવયવો તો સલામત રહે જ છે, પણ કોઈને મદદરૂપ થયા હોવાનો આનંદ મનને પ્રફુલ્લિત બનાવી દે છે. જો ગેમ રમીને તમે કેટલાક લોકોને આનંદ આપી શક્યા હો તો શું આ ઇન્ટરનેટનો બહેતર ઉપયોગ નથી ? જવાબ જાતે જ નક્કી કરી લો. અને હા, એવી આશા રાખીએ અને પ્રાર્થના પણ કરીએ કે પિંક વ્હેલ દુષ્ટ બ્લુ વ્હેલનો ઇન્ટરનેટ પર ખાતમો બોલાવી દેવામાં સફળ રહે.