ભારતમાં અશાંતિ ફેલાવવા ચીનની નવી ચાલ

    ૦૮-સપ્ટેમ્બર-૨૦૧૭


ડોકલામ મુદ્દે અનેક ગીધડ ભભકીઓ છતાં ભારત ટસનું મસ ન થતાં ચીન ડોકલામમાંથી પોતાનું સૈન્ય પાછું ખેંચવા મજબુર બન્યું છે. કૂટનૈતિક રીતે ભારતે ચીનની સામે મેળવેલી સૌથી મોટી જીત છે. પરંતુ આ વિવાદ ચાલતો હતો ત્યારે જે અહેવાલો મળી રહ્યાં હતાં તે ચીનના ઈરાદાને સમજવા પૂરતાં છે. અહેવાલો મુજબ ચીન હવે ભારતને અસ્થિર કરવા પાકિસ્તાનની રણનીતિ અપનાવી રહ્યું છે. ચીન ભારતને આંતરિક રીતે અસ્થિર કરવા માટે નક્સલીઓનો પ્યાદા તરીકે ઉપયોગ કરવાની રણનીતિને નવો ઓપ આપી રહ્યું હોવાના અહેવાલો છે. ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ની ઇન્ટેલિજન્સ પાંખે આ બ્લૂ પ્રિન્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
નક્સલી સંગઠનના શીર્ષસ્થ નેતાઓનાં વિશ્ર્વસનીય સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ચીની સૈન્ય અધિકારી અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલી સરહદો પર સક્રિય એવા પ્રતિબંધિત અલગાવવાદી નાગા ઉગ્રવાદી સંગઠન એનએસસીએન (ખાપલાંગ) સાથે સતત સંપર્કમાં છે અને આ સંગઠનને દરેક પ્રકારની મદદ પૂરી પાડી રહ્યું છે. આ સંગઠનના હાલ ૪ હજારથી પણ વધુ ગેરિલા સદસ્યો છે. જેમાં અનેકને તો ચીની સેનાના અધિકારીઓએ પ્રશિક્ષિત કર્યા છે, નાગા ઉગ્રવાદી સંગઠનને ચીનના ષડયંત્રને આગળ ધપાવવા માટે અને ભારતમાં આંતરિક હાહાકાર મચાવવા બંગાળ, ઝારખંડ, ઓરિસ્સા અને છત્તિસગઢ સહિત દેશનાં અન્ય રાજ્યો જ્યાં ઓછા-વત્તા પ્રમાણમાં નક્સલવાદ છે ત્યાંના નક્સલીઓને આર્થિક તેમજ હથિયારોની દૃષ્ટિએ શક્તિશાળી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.
નાગા સંગઠનને ચીની સેનાની ઇન્ટેલિજન્સ પાંખ થકી તસ્કરી થકી ભરપૂર સામરિક અને આર્થિક મદદ પહોંચાડાઈ રહી છે. ચીની સૈન્યના જે જે ભારતમાં સક્રિય ઉગ્રવાદી સંગઠનો સાથેના સંબંધોની વાત બહાર આવી છે તેમાં એનએસસીએન (ખાપલાંગ) કાંગલેઈપાક કમ્યુનિટી પાર્ટી, પીપુલ્સ રિવ્યૂલિશનરી પાર્ટી ઑફ કાંગલેઈપાક, ભાકયા (માઓવાદી), કાંગલેઈ ઇયાઉલ કાનવાલૂપ, પીપલ્સ લિબરેશન ફ્રન્ટ, લિબરેશન ફ્રન્ટ, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ અસમ, મણિપુર પીપલ્સ લિબરેશન ફ્રન્ટ વગેરે છે.
અરુણાચલના અંતરિયાળ ગામમાં પ્રશિક્ષણ કેન્દ્ર
સૂત્રો મુજબ ચીની સેનાની ઇન્ટેલિજન્સ પાંખના ઑફિસરો દ્વારા અરુણાચલ પ્રદેશના એક અંતરિયાળ ગામ લાંગામાં એક પ્રશિક્ષણ કેન્દ્ર પણ ચલાવાઈ રહ્યું છે. જ્યાં આ સંગઠોનાના સદસ્યોને ગેરિલ્લા યુદ્ધની તાલીમ અપાઈ રહી છે. અહીંના ચાંગલાના જિલ્લાનું આ અંતરિયાળ ગામ હાલ ચીનના ષડયંત્રનું જાણે કે મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આ ગામની ઉત્તરમાં લોહિત જિલ્લો, પૂર્વમાં મ્યામાંર, પશ્ર્ચિમમાં અસમ અને દક્ષિણમાં ટિરાપ જિલ્લો આવેલો છે. આ વિસ્તારમાં નામયોંગ તાલુકો આવેલો છે. ત્યાં આ નાનકડું ગામ આવેલું છે. મ્યાંમારની સરહદ પર આવેલું હોવાથી આ ગામમાં નાગા પોતાની સમાંતર સરકાર ચલાવે છે.
સુરક્ષા દળો સાથે આ ગામ નજીક ઉગ્રવાદીઓને અનેક વખત સંઘર્ષ પણ થાય છે. ૨૦ ઘરો અને ૯૩ લોકોની આબાદીવાળા આ ગામમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનના ૫૦૦થી વધુ ઉગ્રવાદીઓ ઘૂસી પ્રશિક્ષણ લઈ રહ્યા હોવાના અહેવાલ છે. હવે અહેવાલો એવા મળી રહ્યા છે કે, ચીની સેનાની જાસૂસી પાંખના આદેશથી ગત જુલાઈ મહિનામાં આ ગામમાં ઉગ્રવાદી સંગઠનોના નેતાઓની એક બેઠક મળી હતી, જેમાં બંગાળ, ઝારખંડના નક્સલી નેતાઓ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં ચીની અધિકારીઓએ તેઓને ભારત વિરુદ્ધ હિંસા ફેલાવવાના પ્લાનની ટીપ્સ આપી હતી.
નક્સલી સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બેઠકમાં ચીની મિલિટ્રી ઇન્ટેલિજન્સના મેજર વાઓઈએ જુયંગા અને કેટલાક અન્ય અધિકારીઓએ બેઠકમાં સામેલ એનએસસીએનના ચેરમેન ખાંગો ક્ધયાક, એન કાટોવઈ, જીમોમી અકાહો અસુમઈ ભાકયા (માઓવાદી) કેન્દ્રીય સમિતિના સદસ્ય રામકૃષ્ણ રાવ અને પોલીસ બ્યુરો સદસ્ય વેણુગોપાલ રાવને સાવ નજીવી કિંમતે ચીની હથિયાર અને ભારત સામે સંઘર્ષ કરવાનો તમામ સામાન પૂરો પાડવાની તૈયારી બતાવવામાં આવી હતી.
અરુણાચલ પ્રદેશની આ બેઠક બાદ નક્સલી નેતાઓએ ઝારખંડના બોકારો પાસેના ઝૂમરી પહાડી વિસ્તારમાં ગત સાત ઑગસ્ટના રોજ બેઠક કરી સંગઠનના સદસ્યોને ચીનની આ યોજના અંગે વિસ્તારથી જાણકારી આપવામાં આવી હતી. બેઠકમાં નક્સલવાદી સંગઠનના સેન્ટ્રલ મિલિટ્રી કમિશનનો સદસ્ય અરવિંદસિંહ ઉર્ફે નિશાંત પણ સામેલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે માઓવાદ સાથે ચીનની સાંઠગાંઠ થકી ભારતમાં અશાંતિ ફેલાવવાની વાત નવી નથી. અગાઉ પણ અનેક વખત ભારતમાં નક્સલવાદી આંદોલનમાં ચીનથી દોરી સંચાર થઈ રહ્યો હોવાના આરોપો લાગ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારત સરકારની સક્રિયતાપૂર્વકની સખત કાર્યવાહીને કારણે નક્સલવાદીઓની લગભગ કમર ભાંગી ગઈ હતી અને આ આખું આંદોલન મૃત:પ્રાય બની ગયું હતું. ત્યારે ચીન દ્વારા આ મૃત:પ્રાય આંદોલનને ફરી પુન:જીવિત કરવાના અહેવાલો ચિંતા ઉપજાવે તેવા છે. એક તરફ ભારત-ચીનનાં સૈન્ય સરહદ પર આમનેસામને છે અને યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે રખેને ભારત-ચીન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ચીન તેના પાલતું નક્સલવાદીઓનો ઉપયોગ ભારતમાં મોટાપાયે ભાંગફોડ કરાવી અશાંતિ સર્જવા કરી શકે છે. ચીને ભારતનાં કેટલાક અસંતુષ્ટ સંગઠનોને ઉશ્કેરી પોતાની પ્રથમ ચાલ ચાલી દીધી છે. હવે વારો ભારતનો છે. જોવાનું એ રહ્યું કે, ડોકલામ મુદ્દે સરહદો અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચીન સામે ઐતિહાસિક ઝીંક ઝીલી આંખથી આંખ મીલાવી વાત કરનાર વર્તમાન સરકાર ચીનના આ દાવનો જવાબ કેવી રીતે આપે છે.

ચીનના મિનિસ્ટ્રી ઑફ સ્ટેટ સિક્યોરિટી અધીન ‘ગૂયાનબૂ’ની સ્થાપના ૧૯૮૩માં થઈ હતી. તેનું મુખ્યાલય થિયાનમેન સ્કવોયર એટ ડોગચાંગણેન એવન્યુ (બીજીંગ)માં આવેલું છે. અમેરિકન જાસૂસી એજન્સી સીઆઈએ મુજબ ચીનની આ જાસૂસી સંસ્થા માટે કુલ એક લાખ લોકો કામ કરી રહ્યા છે. એના ૪૦ હજાર ચીનની અંદર, બાકી ૬૦ હજાર વિશ્ર્વના અલગ અલગ દેશોમાં સક્રિય છે.

પરમાણુ પરિયોજનાની જાસૂસી માટે ચીને પોતાના જાસૂસ ભારત મોકલ્યા ?

ચીનની સૈન્ય જાસૂસી સંસ્થા ગુઓજિયા એકુઅન બૂમસ (ગૂયાનબૂ)ની નજર ભારતીય પરમાણુ પરિયોજના પર હોવાના અહેવાલો પણ સાંપડી રહ્યા છે. દૈનિક જાગરણ નામની પત્રિકાના અહેવાલોનું માનીએ તો ચીનના પાંચ જાસૂસો ભારતની પરિયોજનાઓની માહિતીની ચોરી કરવા માટે રાજસ્થાન સહિત ભારતનાં અલગ અલગ રાજ્યોમાં ફરી રહ્યા છે. પત્રિકાએ દાવો કર્યો છે કે, આ જાસૂસોની પ્રાથમિકતા ‘ડીઆરડીઓ’ એટલે કે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનની ખાનગી માહિતી મેળવવાની છે.
સૂત્રો મુજબ આ મિશનની જવાબદારી ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સેકંડ બ્યૂરોની થર્ડ ઑફિસ રેજિમેન્ટની યુનિટ નંબર ૬૧૩૯૮ના કેપ્ટન સનકોઈ લાઈંગ ઉર્ફે જેક્સન ઉર્ફ સનકાઈ લાઇગ, પીએસએના સેન્ટ્રલ સિક્યોરીટી રેજિમેન્ટની ૮૩૪૧ યુનિટના કર્નલ વાંગડાંગ ઉર્ફે જૈકવાંગ ઉર્ફે ગ્લાઈ કોરિલાં સેકંડ બ્યૂરોની થર્ડ ઑફિસ રેજીમેન્ટના યુનિટ નંબર ૬૧૩૯૮ના મેજર યૂ જેહાંગ યૂ ને સોંપવામાં આવી છે. આ તમામ લોકો ચીની જાસૂસી સાઈબરની સૂચનાઓ હેક કરવા અને પરમાણુ બોમ્બ અને મિસાઈલ ટેક્નોલોજીના વિશેષજ્ઞ છે અને આ લોકો ભારતમાં ડીઆરડીઓ અને રાજસ્થાનના ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડની રાવનતભાટા સાઈટના નાભિકીય પ્રશિક્ષણ કેન્દ્રની ખાનગી માહિતી મેળવવાના મિશનમાં છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય મિશન પર મોકલવામાં આવેલા આ પાંચેય જાસૂસો ભૂતકાળમાં અમેરિકા અને રુસની પરમાણુ સૂચનાઓ ચોરી કરવામાં સફળ રહ્યા હતા.