એક અંતરિયાળ ગામ સાઈબર ક્રાઈમનું પાટનગર બન્યું

    ૦૮-સપ્ટેમ્બર-૨૦૧૭


કર્માતરના કેન્દ્રમાં આવેલા શાંત રેલવે સ્ટેશનને એનું નામ દેશના મહાન સમાજસુધારક પાસેથી મળ્યું છે, પણ આ સ્થળનું જોડાણ ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર સાથે હોવાની જાણ ભાગ્યે જ કોઈને હશે એમ જણાય છે. વિદ્યાસાગર રેલવે સ્ટેશનથી અમુક સો મીટર પર એક સ્થળ છે જ્યાં તેઓ ૧૮ વર્ષ વસ્યા હતા અને ઘાસ-પરાળની બનેલી સ્કૂલમાં છોકરીઓને ભણાવતા હતા અને ઘરેથી દવાઓ આપતા હતા. તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલી કેટલીક જણસો હજી અહીં છે. ખરેખર તો આ સ્થળ પર્યટકો માટેનું આકર્ષણ-સ્થાન બનવું જોઈએ, પણ આજકાલ અહીં એક પણ મુલાકાતી આવતો નથી.
પર્યટન સ્થળ બનવાને બદલે ઝારખંડના જામતાડા જિલ્લાના ઢંગધડા વિનાના આ નગરમાં જુદાં જુદાં રાજ્યોની પોલીસની વારંવાર આવજા ચાલતી હોય છે. આ નગર દેશમાં સાઈબર ગુનાઓનું સૌથી મોટું મથક બની ગયું છે. કર્માતર પોલીસ સ્ટેશનના રેકોર્ડમાં જણાવાયા અનુસાર એપ્રિલ ૨૦૧૫થી માર્ચ, ૨૦૧૭ સુધીના સમયગાળામાં ૧૨ જુદાં જુદાં રાજ્યોની પોલીસ ટુકડીઓએ આ સ્ટેશનની ૨૩ વાર મુલાકાત કરી હતી અને લગભગ ૨૩ આરોપીની ધરપકડ કરી હતી. જુલાઈ, ૨૦૧૪થી જુલાઈ, ૨૦૧૭ના સમયગાળા દરમિયાન જામતાડા જિલ્લા પોલીસ દ્વારા વિસ્તારના ૩૩૦ રહેવાસીઓની વિરુદ્ધ આપમેળે ૮૦થી વધુ કેસ નોંધવામાં આવ્યા હતા. ફક્ત કર્માતર પોલીસ સ્ટેશન દ્વારા ૨૦૧૭માં કરવામાં આવેલી ધરપકડનો આંક ૧૦૦ની સંખ્યાને પાર કરી ગયો હતો.
કેસ અને જપ્તી
જિલ્લાના મુખ્યાલયથી કર્માતર સુધીના ૧૭ કિલોમીટરના રસ્તા પર વિકાસનાં કોઈ નિશાન કે એંધાણ જોવા મળતાં નથી. રેલવે લાઈનને સમાંતર જતા રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય છે. ગામડું પણ નહીં અને શહેર પણ નહીં એવા, માત્ર બે લાખની વસતિ ધરાવતા આ અર્ધશહેરી નગરમાં સૌથી વધુ ધ્યાન ખેંચતી કોઈ બાબત હોય તો તે છે, રસ્તાની બેઉ બાજુ પરનાં ખેતરોમાં ઊભા કરવામાં આવેલા મોબાઈલ ફોન માટેનાં ડઝનબંધ ટાવરો... અને આ ટાવરો જ જામતાડાની અપકીર્તિની ચાવી ધરાવે છે. કર્માતરનું નવું બંધાયેલું પોલીસ સ્ટેશન અડધો ડઝન એલઈડી ટીવીના મોનિટરો અને ધૂળ ખાધેલાં સોફાની સાથે બીજા પોલીસ થાણાંઓ કરતાં નોખું દેખાય છે. આ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં નવાંનક્કોર વાહનો, બધાં જ એસયુવી (સ્પોર્ટ યુટિલિટી વેહિકલ) અને બે ડઝનથી વધારે મોટરબાઈકો પાર્ક કરાયેલી છે. આ બધી જણસો જપ્ત કરાયેલી છે. ઝાંખા પ્રકાશવાળા એક ઓરડામાં એક અધિકારી કેટલીક હસ્તલિખિત નોંધના કાગળો ચાળી રહ્યો હતો, જે જપ્ત કરાયેલી જણસો સંબંધી છે, ત્યારે એક બાતમીદાર એકનો ગેરકાયદે દારૂ બીજે ક્યાંક વેચવામાં આવી રહ્યાની બાતમી જણાવવા માટે વારંવાર અધિકારીનું ધ્યાન ખેંચવા પ્રયત્નશીલ હતો. અધિકારી જે કાગળો તપાસતો હતો એ કાગળોમાં સાઈબર ગુનાના કેસમાં પકડાયેલા એક જણાની પિટિશન પણ હતી, જેમાં માનવ અધિકારના ભંગનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અધિકારી અકળાયેલા હતા.
કૃષ્ણ દત્ત ઝા છેલ્લા આઠ મહિનાથી આ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છે, પણ જપ્ત કરાયેલી જણસોની ગણતરી રાખવાનું એમને માટે મુશ્કેલ બની ગયું છે. તેઓ હાથ નીચેના એક અધિકારીને પૂછે છે, ‘આ વર્ષે આપણે કેટલા સોફા જપ્ત કર્યા છે?’ સામેથી પ્રત્યુત્તર મળ્યો, ‘સર, બે એરકન્ડિશનર અને ૧૨ રેફ્રિજરેટર પણ છે.’ ઝા ફરીથી ગણતરી આરંભે છે. ૭૦ એલઈડી ટીવી, ત્રણ વોશિંગ મશીન, ૪૦ એટીએમ કાર્ડ, બેન્કોની લગભગ ૮૦ પાસબુકો, ૨૦૦ મોબાઈલ ફોન અને ૯.૨૮ લાખ રોકડ ! ઝાએ છેલ્લામાં છેલ્લી ધરપકડ વિશે વાત ઉપાડી. ઓરિસ્સાના સંબલપુરની એક વ્યક્તિ પાસેથી ૯૯,૫૦૦ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મામલે જિલ્લા પોલીસ અને ઓરિસ્સાની પોલીસ ટુકડીએ કરેલી સહિયારી કાર્યવાહી કરીને આ વર્ષની ૧૫ જુલાઈના કર્માતર વિસ્તારમાંથી બે ભાઈઓ, પ્રદીપ મોન્ડલ અને પ્રદ્યુમ્ન મોન્ડલની ધરપકડ કરી હતી. પાંચમી ઑગસ્ટે ત્રીજા આરોપી અને આ બે જણની ટ્રક ડ્રાઈવર ભત્રીજાની ધરપકડ કરાઈ હતી. કથિતપણે બે ભાઈઓએ ઓરિસ્સાના બેન્ક ખાતામાંથી નાણાં સેરવી લઈ ભત્રીજાના મોબાઈલ ઈ-વોલેટમાં જમા રાખ્યા હતા અને એનો ઉપયોગ પેટ્રોલ પમ્પો પરથી ડીઝલ ખરીદવામાં કરાતો હતો. કર્માતર પોલીસ સ્ટેશનથી ૧૨ કિલોમીટરના અંતરે નારાયણપુર પોલીસ સ્ટેશન છે. આ બીજો એક એવો વિસ્તાર છે જ્યાં તાજેતરના ભૂતકાળમાં ઘણા બધા સાઈબર ગુના સંબંધી કેસો નોંધવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનના રજિસ્ટરમાં અજાણ્યા નંબરોનું જાણે જાળું જ રચાયું છે, સીમ કાર્ડ ઈ-વૉલેટનો ઉપયોગ કરીને આચરવામાં આવેલા ગુનાઓનો ઉલ્લેખ કરે છે. કર્માતરમાં કરાયું એમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે સુઓમોટો-આપમેળે જ ગુનાઓની નોંધણી કરી હતી. લગભગ દરેકમાં આરોપો સરખા હતા, ઇન્ડિયન પીનલ કોડની કલમો ૪૧૯ અને ૪૨૦ (અન્ય વ્યક્તિના રૂપે કે નામે છેતરપિંડી તથા છેતરપિંડી), કોલમો ૪૬૮ અને ૪૭૧ (છેતરપિંડી માટે બનાવટી દસ્તાવેજો અને બનાવટી દસ્તાવેજને ખરા કે સાચા પેટે દેખાડવા), કલમ ૧૨૦બી (ગુનાહિત કારસો) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમો ૬૬બી, ૬૬સી અને ૬૬ડી હેઠળના આ ગુના હતા. સિનિયર પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે પ્રથમ કેસો ૨૦૧૨માં મોબાઈલ રિચાર્જ સંબંધી હતા. કેટલાક છોકરાઓ જિલ્લાની બહાર નોકરી કરવા ગયા હતા તેઓ ચુકવણી કર્યા વિના મોબાઈલ રિચાર્જ કરવાની અને થોડાં ઝડપી નાણાં બનાવી લેવાની તરકીબ શીખી આવ્યા હતા. થોડાં વર્ષો પછી વ્યક્તિની નાણાકીય વિગતો મોળવીને એમના બેન્ક એકાઉન્ટમાંથી નાણાં સેરવી લેવાના-ચોરી લેવાના કેસો પ્રકાશમાં આવ્યા હતા. સામાન્યપણે કોઈ કંપનીના નામે ઈ-મેલ પાઠવીને વ્યક્તિને ખાનગી નાણાકીય વિગતો મેળવવાની તરકીબને પોલીસ અધિકારીઓ ‘ફિશિંગ’ કહેતા હોય છે, પણ જામતાડાનાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ જયા રોય (એસપી) કહે છે કે, ખરેખર તો એ વિશિંગ છે. એમાં બેન્ક અથવા નાણાંકીય સંસ્થાનો માણસ હોવાનો દાવો કરી અથવા એ સ્વરૂપે વ્યક્તિને ટેલિફોન કરી તેની ખાનગી નાણાંસંબંધી માહિતી-વિગતો મેળવી લેવામાં આવે છે. એસપી કહે છે કે આ કામમાં સ્થાનિક યુવાનો, ખાસ કરીને સ્કૂલ કે કૉલેજમાંથી ભણતર પડતું મૂકનારા છોકરાઓને કામે લગાડવામાં આવે છે અને લોકોને છેતરવાનું કામ જટિલ કે મુશ્કેલ નથી. ‘આ બદમાશો લોકોને બેન્કના અધિકારી તરીકે કોઈ પણ બહાને, કહોને કે આધાર કાર્ડનો નંબર બેન્ક એકાઉન્ટ સાથે જોડવાને બહાને ફોન કરી તેમના કાર્ડની વિગતો માગે છે. ક્યારેક તો એ લુચ્ચાઓ એટીએમનો પીન કોડ બીજાને નહીં આપવાની ચેતવણી આપતાં કહે છે કે, ‘અમે તમને બેન્કમાંથી એક ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) મોકલીએ છીએ, તમારે એ ઓટીપી નંબરને પુષ્ટિ આપવાની-કન્ફર્મ કરવાનો રહેશે.’ દુર્ભાગ્યે ભણેલાગણેલા લોકો સુધ્ધાંને ગળે આ વાત ઊતરી જાય છે અને છેવટે ખરાબ રીતે છેતરાઈ જાય છે.
સાઈબર ક્રાઈમથી બચવા આટલી સાવધાની રાખો
હાલના ટેક્નોલોજીના સમયમાં દરેક વસ્તુ આસાન બની ગઈ છે, જેને કારણે દરેક ક્ષેત્રમાં સાઈબર ક્રાઈમ વધ્યો છે. કમ્પ્યુટરથી માંડી મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડથી લઈ બેન્ક એકાઉન્ટ સુધી સાઈબર ક્રિમિનલ્સની પહોંચમાં છે. હાલત એ છે કે દેશમાં સાઈબર ક્રાઈમનું બજાર લગભગ ૨૦૦ કરોડને આંબી ગયું છે. આમાંથી ૯૯ ટકા કેસ આર્થિક એટલે કે ફાઈનાન્સિયલ ફ્રોડના હોય છે. આનાથી બચવા માટે સાઈબર વિશેષજ્ઞો કેટલાંક સૂચનો આપ્યાં છે, જે નીચે મુજબ છે :
- સાઈબર ક્રાઈમ પોલીસના નામે મોબાઈલ સિમ ખોવાઈ ગયું હોવાની નકલી અરજી લખાવી પોલીસ સ્ટેશનની નકલી છાપ પણ લગાવી દેવામાં આવે છે. આમ કરી મોબાઈલ કંપનીઓ પાસેથી નવું સીમ મેળવી લેવામાં આવે છે. ત્યાર બાદ સંબંધિત વ્યક્તિના એકાઉન્ટ અને એટીએમની ડિટેઈલ મેળવી લઈ પૈસા અહીંનાં તહીં કરી લેવામાં આવે છે. આવા સંજોગોમાં જો તમારો મોબાઈલ ચાર-પાંચ કલાક સુધી બંધ રહે તો તરત જ ધ્યાન આપી સાવધાન થઈ જવું જોઈએ અને તત્કાળ મોબાઈલ કંપનીઓનો સંપર્ક કરવો જોઈએ. આ સિવાય ઓછા વ્યાજે લોન આપવાના બહાને પણ છેતરપિંડી થઈ રહી છે.
- બેન્ક, કોલ સેન્ટરમાંથી તમને મોકલવામાં આવેલું યૂજર આઈડી અને પાસવર્ડ ખોટો છે. સાચા પાસવર્ડ મેળવવા માટે કેટલીક જાણકારી માંગવામાં આવશે તે ક્યારેય ન આપશો, કારણ કે બેન્ક ક્યારેય આવા ફોન કરતી જ નથી.
- ડિટેલ ન આપતાં ખાતું બંધ થઈ જશેની ધમકી પણ આપશે. તેનાથી ડરવાની બિલકુલ જરૂર નથી. આવા સંજોગોમાં સીધા જ પોલીસ સ્ટેશને પહોંચી જઈ ફરિયાદ કરો.
- કહ્યા વગર મોબાઈલ ફોન બંધ કરવામાં આવી રહ્યો છે એવો ફોન આવે તો તેના પર ધ્યાન ન આપશો. ગુનેગારો આ બહાને તમારો ઓટીપી નંબર અને અન્ય ખાનગી માહિતી કઢાવી લેતા હોય છે.
- સમયે-સમયે એટીએમ અને ક્રેડિટ કાર્ડના પાસવર્ડ બદલતા રહો. એટીએમ પીઓએસ મશીનનો ઉપયોગ કરતા સમયે કીપેડ ઢાંકેલું રાખો.
- એટીએમની ડીટેઈલ અને પાસવર્ડની જાણકારી કોઈને પણ આપશો નહીં. કેબિનમાં તો કોઈને પણ નહીં.
- સાઈબર કેફે, કિવોસ્કમાં ઓન લાઈન-લેણદેણથી બચો.
આ ડોસો એટીએમ માસ્ટર છે
સાઈબર ગુનાખોરી ભયજનક પ્રમાણે પહોંચી હોવાનો સમજને કારણે જિલ્લા અદાલત આરોપીને જામીન આપતી નથી, એમ બચાવ પક્ષના વકીલોનું કહેવું છે. વિસ્તારના સાઈબર ગુનાઓ સંબંધે નિષ્ણાત અને જાણીતા વકીલ એસ. એન. મોન્ડલની કચેરી વહેલી સવારથી મોડી સાંજ સુધી સાઈબર ગુના સાથે સંકળાયેલા લોકોથી ધમધમે છે. એક આરોપી જનાર્દન મોન્ડલ આવીને વકીલને પોતાની વાત જણાવે છે, દરમિયાન એક પ્રૌઢ વયનો માણસ આવીને એના સાઈબર-ગુનેગાર ભાઈના જામીન વિશે વાત કરે છે ત્યારે એક તબક્કે વકીલ ‘તુમ લોગ બદમાશ તો હો હી’ કહીને ચિઢાઈ જાય છે અને હળવે રહીને એક ઓળખીતાને કહે છે, ‘આ ડોસો એટીએમ માસ્ટર છે.’ (સાઈબર ગુનામાં સંડોવાયેલાઓ માટે આ વ્યાખ્યા વાપરવામાં આવે છે.)
હવે સ્થાનિક પોલીસ સ્ટેશનોએ સાઈબર ગુનામાં સંડોવાયેલાઓને સરકારી નોકરીઓ માટે અત્યાવશ્યક એવું રહેણાક પ્રૂફનું સર્ટિફિકેટ આપવાનું બંધ કરી દીધું છે. સાઈબર પોલીસ સ્ટેશન સાઈબર ગુનાઓ અને ગુના કરનારાઓ પર ઝીણવટભરી નજર રાખે છે. પોલીસનું કહેવું છે કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈની પણ સાઈબર ગુનાઓની યોજનાબદ્ધતાને હાથ ધરવામાં અપૂર્ણ છે.
લોગ સાઈબર ઠગી કર કે અમીર બન ગયે
સાંથાલ પરગણાના વિસ્તારમાં આવેલા જામતાડાને એપ્રિલ, ૨૦૦૧માં જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો હતો, પણ જામતાડા ભૂતકાળમાં પણ ગુનાખોરીમાં સંડોવાયેલું હતું. એસ. પી. જયા રાયનું કહેવું છે કે, ‘ત્યારે ચોરો વેગનો લૂંટતા હતા, પછી રેલવેના પેસેન્જરોને ઘેનનું ઔષધ આપી દઈ તેમને લૂંટી લેતા હતા. આમ અહીં ગુનાના પ્રકારો હળવે હળવે બદલાતા-વિકસતા રહ્યા છે.’ ૭.૯૧ લાખની વસતિમાં સાક્ષરતાનો દર ૬૪.૫૯ ટકાનો છે, પણ એનો કોઈ ફાયદો નથી. જિલ્લાનું અર્થતંત્ર મહ્દઅંશે કૃષિ પર આધારિત છે. પરિસ્થિતિ કંગાલિયતની જણાતી હોવા છતાં વિસ્તારમાં સેલફોન ટાવરોની સંખ્યા, મોટા ભાગની મોટી અને જાણીતી જાહેર અને ખાનગી બેન્કોની શાખાઓ અને વિસ્તારમાં મશ‚મની જેમ ફૂટી નીકળેલા ટુ-વ્હીલરના શો‚મો જોતાં સહેલાઈથી મળી રહેનારાં નાણાંની હાજરી સતત વર્તાય છે. થોડાં વર્ષો અગાઉ કર્માતરમાં ઝૂંપડાં હતાં ત્યાં આજે પાકાં મકાનો બંધાઈ રહ્યાં છે. જે જિલ્લાના મુખ્યાલયની સરખામણીમાં ખાસ્સાં વધારે છે. એસ.પી. જયા રોય સવાલ પૂછે છે, ‘જેમની પાસે કમાણીનો બીજો કોઈ વિકલ્પ નથી એમને કેવી રીતે સમજાવવા ? બીજો કયો વ્યવસાય તેમને આટલી અને આવી કમાણી આપી શકે ?’
વળી, ગુનાખોરી ચેપી પણ છે. સાઈબર ગુના માટે ૧૧ માર્ચ, ૨૦૧૭ના પકડાયેલા ૨૨ વર્ષના દિવાકર મોન્ડલે કબૂલાત-નિવેદનમાં કહ્યું હતું કે, એના ભત્રીજા મિથુન મોન્ડલની સાથે મળીને નકલી સિમ કાર્ડો એકત્ર કર્યા હતા અને સાઈબર ગુનાઓમાં સંડોવાયા હતા. દિવાકરે કબૂલાતમાં કહ્યું હતું કે ખોટી ઓળખ-પરિચયને આધારે મોબાઈલના નકલી સિમ કાર્ડોની અને જુદા જુદા નામે બેંક ખાતાંઓની વ્યવસ્થા કરી હતી. એણે પોલીસને કહ્યું હતું કે, ‘આસપાસ કે લોગ સાઈબર ઠગી કર કે અમીર બન ગયે.’