IWT પ્રશ્ર્ને વિશ્ર્વબેન્કમાં ભારતનો વિજય : પાકિસ્તાનને લપડાક

    ૦૮-સપ્ટેમ્બર-૨૦૧૭


‘હિન્દુ’ શબ્દની જનની સિંધુ હવે હિન્દુસ્થાનને વધુ સુજલામ્ સુફલામ કરશે

ભારતના ૭૧મા સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે જ મોદી સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને વિજયી બનાવીને દેશને અમૂલ્ય ઉપહાર આપ્યો છે. સર્વ માનવીય મૂલ્યોને અવગણીને રાત-દિવસ આસુરી પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રહેતા આતંકી પાકિસ્તાનને મોદી સરકારની સર્જિકલ સ્ટ્રાઈક પછી બીજી ધોબી પછાડ વિશ્ર્વ બેન્કે આપી છે. હિન્દુ શબ્દ જેના કારણે અસ્તિત્વમાં આવ્યો છે તે સિન્ધુ નદીના જળના ઉપયોગ અંગે અવળચંડાઈ કરી રહેલા પાકિસ્તાનને વિશ્ર્વ બેન્કે તસતસતો તમાચો મારીને ભારતના દાવાઓનો સ્વીકાર કર્યો છે. વિશ્ર્વ બેન્કનો આ નિર્ણય પાક.ને સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા ધૂળ ચાટતું કરનારી મોદી સરકારની આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. ઉલ્લેખનીય છે કે સર્વ સામાન્ય ભારતીયોએ વિશ્ર્વ બેન્કના નિર્ણયને આવકાર્યો છે ત્યારે આતંક અને પાકિસ્તાન સમર્થક ભારતની સેક્યુલર ગેંગ મોદી સરકારની આ સિદ્ધિથી હત્પ્રભ છે !
‘ચોર કોટવાળને દંડે’ એ નીતિનું અક્ષરશ: પાલન કરતું પાકિસ્તાન, સિન્ધુ સહિતની ભારતમાંથી પાકિસ્તાનમાં વહેતી નદીઓ અંગેની ૧૯૬૦માં થયેલી ઇન્ડસ વોટર ટ્રીટી (ટૂંકમાં IWT)ના પ્રશ્ર્ને ભારતની વિરુદ્ધમાં વિશ્ર્વ બેન્કમાં પહોંચ્યું હતું. જો કે આજે પાકિસ્તાન તેની આ અવળચંડાઈ માટે આજે વિશ્ર્વભરમાં ભારોભાર અપમાનિત થયાનું અનુભવી રહ્યું છે.
ઑગસ્ટના પ્રથમ સપ્તાહમાં પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે પછડાટ આપનારા ભારતના વિશ્ર્વ બેન્કમાં આ રાજદ્વારી વિજયની પાર્શ્ર્વભૂમિકામાં ગત વર્ષે પાકિસ્તાનનું એક આતંકી કૃત્ય છે. આપણે જાણીએ છીએ કે સપ્ટેમ્બર ૨૦૧૬માં પાકિસ્તાને ઉરીમાં સૈન્ય વિસ્તારમાં આતંકી હુમલો કરીને ભારતના ૧૯ સૈનિકોની ક્રૂર હત્યા કરી હતી. આ ઘટના પછી તરત જ એક મહત્ત્વપૂર્ણ નિવેદનમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ ઘોષણા કરી હતી કે હવે રક્ત અને જળ એ બંને એક સાથે નહીં વહે અને IWTની સમીક્ષા કરીને ભારત તેને ભાગે આવતી જળરાશિનો મહત્તમ ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે આ સંપૂર્ણપણે ન્યાયિક ઘોષણાથી પાકિસ્તાનની સાથોસાથ ભારતની કોંગ્રેસ-સામ્યવાદીઓની સેક્યુલર ગેંગ પણ ભડકી ઊઠી હતી. ભૂતકાળની ટેવ પ્રમાણે ભારતને હળવાશથી લેનારા પાકિસ્તાને IWT વિશે ભારતની ન્યાયિક ઘોષણાની વિરુદ્ધમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિશ્ર્વ બેન્કમાં કેસ કર્યો હતો.
નિર્ણયોના ત્વરિત ક્રિયાન્વયન માટે જાણીતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ IWT અંતર્ગત મૃત:પ્રાય થઈ ગયેલી સર્વ બંધ-જળ વિદ્યુત પરિયોજનાઓને ત્વરિત પૂર્ણ કરવાના આદેશો કર્યા હતા. આ પરિયોજનાઓમાં ત્રાલ સિંચાઈ પરિયોજના, પ્રાકચિક કેનાલ પરિયોજના, રાવિ કેનાલ પરિયોજના અને કથુઆ પરિયોજના તો હવે પૂર્ણતાના સારે છે. જ્યારે રાજપુરા લિફ્ટ ઈરિગેશન પરિયોજના વર્ષ ૨૦૧૯માં પૂર્ણ થશે. ‘સૌનો સાથ-સૌનો વિકાસ’ એ મોદી મંત્રના ચમત્કારને કારણે જ વર્ષોથી અટવાઈ પડેલી આ વિકાસ યોજનાઓ પૂર્ણત: થવામાં આવી છે. આ ચારેય પરિયોજનાઓને કારણે જમ્મુ-કાશ્મીરની બે લાખ એકરથી પણ વધુ ભૂમિને સિંચાઈ / વીજળીનો લાભ મળશે અને સિન્ધુ નદી ભારતને વધુ સુજલામ્-સુફલામ્ સશ્ય શ્યામલા બનાવશે.
રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામવિકાસ બેન્ક - NABARDના સહયોગથી પૂર્ણતાને આરે પહોંચેલી આ પરિયોજનાઓ પાછળ ‚રૂ. ૧૧૭ કરોડ ખર્ચ થવાનો છે. આ પરિયોજનાઓ ઉપર પ્રતિબંધ મૂકવાની પાકિસ્તાનની માંગણી વિશ્ર્વ બેન્કે ફગાવી દીધી છે.
જે પવિત્ર નદીને કારણે ‘હિન્દુ’ શબ્દ સર્જાયો છે તે સિંધુ નદી અને રાવિ, ચેનાબ વગેરે નદીઓની અફાટ જળરાશિનો ઉપયોગ કરવાનું અગાઉની સરકારોને સૂઝ્યું ન હતું. તેથી છેલ્લાં ૫૮ વર્ષો સુધી ભારતની નદીઓના પાણી વિષભૂમિ પાકિસ્તાનમાં વહી ગયાં. વિષભૂમિમાં ઊગી નીકળેલી આતંકી વિષવેલે હજારો નિર્દોષ ભારતીયોનો ભોગ લીધો હતો. હવે પ્રધાનમંત્રી શ્રી મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે હવે લોહી અને પાણી સાથે વહેશે નહીંની સિંહગર્જના કરીને એક બાજુએ વર્ષ ૨૦૧૭માં ૧૨૫થી પણ વધુ આતંકીઓને નર્કમાં પહોંચાડ્યા છે. તો બીજી બાજુએ સિન્ધુ સહિતની અન્ય નદીઓની જળરાશિનો ભારતમાતાને વધુ શ્યામલા બનાવવા માટે વાપરવાનો આરંભ કર્યો છે.
એક પતંગ માટે બે દાવેદાર હોય ત્યારે દ્વેષી દાવેદાર પતંગને ફાડી નાખે તેમ વિશ્ર્વ બેન્કમાં પોતાની સંભવિત ધોબી પછાડને પામી ગયેલા પાકિસ્તાને લવાદ - કોર્ટ ઑફ આર્બિટ્રેશનને આ વિવાદ સોંપવાની માંગણી કરી હતી, પરંતુ પાકિસ્તાનની અન્ય માંગણીઓની જેમ આ માંગણીને પણ વિશ્ર્વ બેન્કે ફગાવી દીધી હતી. (સાભાર : ઓર્ગેનાઈઝર ૧૩-૦૮-૨૦૧૭)

અને વિશ્ર્વ બેન્કે એક જ ઝાટકે આતંકી દેશની માંગણીઓ ફગાવી દીધી...

જેમ કજિયાખોર બાળક છાશવારે ધમકી આપ્યા કરે છે તેમ પાકિસ્તાન પણ વારંવાર વિશ્ર્વ બેન્ક, યુએન તથા અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વિરુદ્ધ કેસ કરવાની ધમકી આપતું રહે છે. બધે જ પાકિસ્તાનીઓ જ રહે છે તેવી ભ્રાંતિમાં રાચતું પાકિસ્તાન બધે જ ઢોરમાર ખાતું આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ગયા વર્ષે સિન્ધુ સહિત ભારતમાંથી પાકિસ્તાનમાં વહી જતી નદીઓનાં જળવપરાશ સંધિની સમીક્ષા કરી તેનાથી અકળાયેલા પાકિસ્તાને વિશ્ર્વ બેન્કમાં જવાની ધમકી આપી હતી. પરંતુ મોદી સરકારે પાકિસ્તાનની દુખતી નસ દબાવી એટલે કજિયાખોર પાકિસ્તાને નીચેની માંગણીઓ લઈને વિશ્ર્વ બેન્કમાં ભારત વિરુદ્ધ મોરચો માંડ્યો, પરંતુ વિશ્ર્વ બેન્કે પાકિસ્તાનની બધી જ માંગણીઓને વાહિયાત ગણાવીને ફગાવી દીધી. ભારતને યેનકેન પ્રકારેણ અન્યાય કરનારી કેટલીક માંગણીઓ નીચે પ્રમાણે હતી.
- IWT પ્રશ્ર્ને સર્જાયેલી સમસ્યા લવાદ દ્વારા ઉકેલવામાં આવે.
- સિન્ધુ સહિતની સર્વ જળ પરિયોજનાઓની જળસંગ્રહણ ક્ષમતા ૨૪ મિલિયન ક્યુબિક મીટર (MCM)થી ઘટાડીને ૮ MCM કરવામાં આવે.
- ૩૩૦ મેગાવોટની કિશનગંગા તથા ૮૫૦ મેગા વોટની રાતલે જળવિદ્યુત પરિયોજનાઓ પડતી મૂકવામાં આવે.
- ૧૦૦૦ મેગાવોટની ક્ષમતા સાથેની પાકુલડુલ બંધ યોજના, ૧૨૦ મેગા વોટની ક્ષમતા સાથેની મિયર બંધ યોજના તથા ૪૩ મેગાવોટની ક્ષમતા સાથેની કલનાઈ બંધ યોજનાને અનુમતિ આપવામાં ન આવે.
- ભારત સરકારની આ પરિયોજનાઓને કારણે પાકને મળતી જળરાશિ ઘટી જશે તેથી અત્યાર સુધી ચાલતી આવતી નીતિ ચાલુ રાખવામાં આવે. સપ્ટેમ્બર, ૨૦૧૬માં ઉરીમાં અટકચાળો કરનારા આતંકી પાકિસ્તાનને વિશ્ર્વ બેન્કે માત્ર ૧૧ માસમાં જ તેના કુકર્મનું ફળ આપી દીધું.