હિન્દુ સમાજને તોડવાનું ષડયંત્ર !

    ૦૮-સપ્ટેમ્બર-૨૦૧૭


કર્ણાટકમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે કોંગ્રેસે હવે અહીંના હિન્દુ સમાજમાં ભાગલા પડાવી સત્તા ટકાવી રાખવાની રાજનીતિ પર કામ શરૂ કરી દીધું છે. કોંગ્રેસના નિશાન પર અહીંનો સૌથી શક્તિશાળી હિન્દુ સમાજ લિંગાયત છે. કોંગ્રેસ હવે આ સમુદાયને જ હિન્દુ ધર્મમાંથી અલગ કરી સ્વતંત્ર ધાર્મિક ઓળખ અપાવવા માટે મથી રહી છે.
કોંગ્રેસ પર હંમેશા હિન્દુ વિરોધી હોવાના આરોપ લાગે છે અને આમ થવું સ્વાભાવિક જ છે, કારણ કોંગ્રેસ પક્ષે જ શાંતિ અને સહિષ્ણુતા માટે સર્વમાન્ય હિન્દુ સમાજના માથે ‘હિન્દુ આતંકવાદ’નો ધબ્બો લગાવી દીધો અને હિન્દુ સમાજને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું, પરંતુ હવે તો કોંગ્રેસીઓ ચૂંટણી જીતવા માટે તમામ હદો વટાવી રહ્યા છે અને ગમે તેમ કરી સંગઠિત થઈ રહેલા હિન્દુ સમાજને વેરવિખેર કરવાનાં ષડયંત્રો રચી રહ્યા છે.
તાજો દાખલો કર્ણાટકનો છે. અહીં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને રાજ્યના કોંગ્રેસી મુખ્યમંત્રીએ આ ચૂંટણીઓને પોતાના નાકનો સવાલ બનાવી દીધો છે. કોઈપણ ભોગે ચૂંટણી જીતવા મથતા સિદ્ધારમૈયા રાજ્યમાં ક્ષેત્રવાદ અને ભાષાવાદ ભડકાવવાની સાથે સાથે હિન્દુ સમાજને તોડવાનું પાપ કરી રહ્યા છે. ચૂંટણીઓ જીતવા તેઓ અહીંના પ્રભાવી હિન્દુ લિંગાયત સમુદાયને હિન્દુ સમાજમાંથી અલગ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે.
કર્ણાટકના સરહદી જિલ્લા બીદરમાં તાજેતરમાં મોટી સંખ્યામાં લિંગાયત સમુદાયના લોકો એકઠા થયા હતા. ઉલ્લેખનીય છે કે બીદરની એક સરહદ મહારાષ્ટ્રને મળે છે. આ સ્થળે લગભગ ૭૫,૦૦૦ લિંગાયત લોકો પોતાના સમાજ માટે અલગ ધાર્મિક ઓળખ આપવાની માંગ સાથે રેલી‚પે એકત્રિત થયા હતા. લિંગાયત સમાજ કર્ણાટકમાં ઉચ્ચ જાતિ ગણાય છે અને રાજ્યની કુલ આબાદીમાં તેમનો ભાગ ૧૮ ટકા જેટલો છે. કર્ણાટકના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ આ સમુદાયની સારી એવી વસ્તી છે. પરિણામે સિદ્ધારમૈયા લિંગાયતોની આ માંગણીનું ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યા છે. સિદ્ધારમૈયા અને સરકારના પાંચ મંત્રીઓ આ બાબતે લિંગાયતોના પૂજ્ય સંત સ્વામીજીને મળી તેમની સલાહ લેવાનું પણ વિચારી રહ્યા છે અને આ મુલાકાત બાદ કથાવસ્તુ (સ્ક્રીપ્ટ) મુજબ મંત્રીઓ સિદ્ધારમૈયાને એક અહેવાલ આપશે અને ત્યાર બાદ કર્ણાટક સરકાર લિંગાયતોને અલગ ધાર્મિક ઓળખ આપવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખશે.


વીરશૈવ સંપ્રદાય એટલે કે, લિંગાયત સમાજ દક્ષિણ ભારતમાં હિન્દુ ધર્મનો એક પ્રચલિત સંપ્રદાય છે. આ મતના ઉપાસકો લિંગાયત તરીકે ઓળખાય છે. આ શબ્દ ક્ધનડ લિંગવત પરથી ઊતરી આવ્યો છે. આ લોકો મુખ્ય રૂપે પંચાચાર્યગણા અને ગુરુ બસવના અનુગામીઓ છે.
વીરશૈવનો શાબ્દિક અર્થ શિવનો પરમ ભક્ત થાય છે. સમયની સાથે સાથે વીરશૈવનું તત્ત્વજ્ઞાન દર્શન, સાધના, કર્મકાંડ સામાજિક સંગઠન, આચાર નિયમ વગેરે અન્ય સમાજોથી ભિન્ન થતા ગયા. જો કે વીરશૈવ દેશનાં અન્ય રાજ્યો જેવાં કે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં પણ જોવા મળે છે, પરંતુ તેઓની સૌથી વધુ આબાદી કર્ણાટકમાં છે. શૈવપંથી લોકો પોતાના ધાર્મિક વિશ્ર્વાસો અને દર્શનનું ઉદ્ગમ વેદો અને ૨૮ શૈવાગમોમાંથી થયું હોવાનો મત ધરાવે છે. જો કે વીરશૈવ લોકો વેદોમાં વિશ્ર્વાસ રાખતા નથી, પરંતુ તેમનાં દર્શન, કર્મકાંડ અને સમાજસુધારમાં જે વિશિષ્ટતાઓ વિકસિત થઈ તેની વ્યુત્પત્તિ મુખ્ય રૂપથી શૈવાગમમાં અંતર્દૃષ્ટા યોગીઓ થકી થઈ છે, જેમને તેઓ ‘વચનકાર’ કહે છે. ૧૨મીથી ૧૬મી સદી વચ્ચે આવા ૩૦૦ વચનકારો થઈ ગયા, જેમાં ૩૦ મહિલાઓ પણ હતી. આ તમામમાં મુખ્ય ‘ગુરુ બસવ’ છે. તેઓ કલ્યાણ (કર્ણાટક)ના જૈન રાજા વિજ્જલના પ્રધાન હતા. તેઓ યોગી મહાત્મા સાથે સાથે કર્મઠ સંગઠનકર્તા પણ હતા. તેઓએ જ વીરશૈવ સંપ્રદાયની સ્થાપના કરી. તેઓ એક એવો સમાજ બનાવવા માંગતા હતા, જેમાં જાતિ-ધર્મ, સ્ત્રી-પુરુષનો ભેદભાવ ન હોય. તેઓ કર્મકાંડના સખત વિરોધી હતા અને એકેશ્ર્વરવાદી હતા. તેઓ પૂજા અને ધ્યાન પદ્ધતિમાં સરળતાનાં હિમાયતી હતી. જાતિભેદની સમાપ્તિ અને સ્ત્રીઓના ઉત્થાનને કારણે ટૂંકા જ સમયગાળામાં આ સમાજમાં અદ્ભુત ક્રાંતિ આવી ગઈ. વીર શૈવ વચનકારોએ વચનકારોનો જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ માન્ય રાખ્યો છે, પરંતુ તેઓએ સૌથી વધુ જોર ભક્તિયોગ પર જ આપ્યું છે. બસવના અનુયાયીઓમાં મોટા પ્રમાણમાં હરિજનો પણ હતા. તેઓએ અનેક આંતરજાતિય લગ્નો પણ કરાવ્યાં હતાં.
હવે જ્યારે આગામી ૧૦ મહિના બાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા બી.એસ. યેદુરપ્પાની મતબેન્ક કમજોર કરવા માટે જ રાજ્ય કોંગ્રેસ દ્વારા આ આંદોલનને ભડકાવવાનું મહાપાપ કરવામાં આવી રહ્યું છે, કારણ કે યેદુરપ્પા પણ આ જ સમુદાયના છે અને આ સમુદાય યેદુરપ્પાને પોતાના નેતા માને છે. તેમના સમર્થનથી જ ૨૦૦૮માં યેદુરપ્પાએ રાજ્યમાં સરકાર બનાવી હતી. જ્યારે તેમને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા, તેની નારાજગીને પરિણામે ૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણીઓમાં આ સમુદાયે ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું, તેવું કેટલાકનું માનવું છે, પરિણામે ભાજપની હાર થઈ હતી. હવે જ્યારે આગામી વિધાનસભામાં યેદુરપ્પા ફરી એક વખત ભાજપના મુખ્યમંત્રીપદના દાવેદાર હોવાની ચર્ચા ચાલી છે ત્યારે કોંગ્રેસે યેદુરપ્પાની સૌથી કટ્ટર સમર્થક એવી લિંગાયત મતબેન્કના મૂળિયામાં ઘા કર્યો છે.
વિધાન પરિષદમાં વિપક્ષી નેતા ભાજપના કેએસ ઈશ્ર્વરપ્પાએ આરોપ લગાવ્યો છે કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા મતો માટે જાતિઓમાં ફૂટ પડાવી તેમની વચ્ચે સંઘર્ષ ભડકાવવા મથી રહ્યા છે. તેઓ ચૂંટણીઓના વર્ષ ટાણે રાજ્યમાં ન માત્ર કોમી, જાતિય સંઘર્ષ પણ ભડકાવવા માંગે છે. કર્ણાટક સરકારના શિક્ષામંત્રી બસવ રાજ રાયરેડ્ડી વીરશૈવ લિંગાયતોને હિન્દુ સમાજમાંથી અલગ કરવાના હરસંભવ પ્રયાસો કરી રહ્યા છે. તેઓ ખુલ્લેઆમ કહે છે કે વીરશૈવ લિંગાયતોને હિન્દુ સમાજની પક્કડમાંથી મુક્ત કરાવવો જરૂરી છે, જેથી તેઓ પોતાના લઘુમતી લાભો મેળવી શકે. તેઓ કહે છે કે હિન્દુ ધર્મ એક સંસ્કૃતિ છે, જે સિંધુ સભ્યતામાંથી વિકસિત થઈ છે. જ્યારે વીરશૈવોના રીત-રિવાજ સિંધુ ઘાટીના સામંતવાદી રીત-રિવાજોથી તદ્દન અલગ છે.
સરકારે લિંગાયત સંપ્રદાયના પ્રવર્તક બસવણાનું ચિત્ર દરેક ઑફિસમાં લગાવવાના આદેશ આપ્યા છે અને વીરશૈવ મહાસત્તાએ પણ તેમને આવેદન આપી વીરશૈવ લિંગાયતોને અલગ ધાર્મિક ઓળખ આપવાની માંગણી કરી છે. સિદ્ધારમૈયાને પોતાની સરકાર બચાવવાનો અવસર દેખાઈ રહ્યો છે, જેનો ભરપૂર ફાયદો રાજ્યની કોંગ્રેસ સરકાર ઉઠાવવા પ્રયત્નો કરી રહી છે.