કવિ એટલે દ્રષ્ટા અને ઋષિ, કવિતા એટલે અનુભૂતિનો અક્ષર

    ૦૮-સપ્ટેમ્બર-૨૦૧૭


મને કવિતા ગમે છે કારણ કે મને મારી ભાષા ગમે છે, મને મારી ભાષા ગમે છે કારણ કે મને મારી મા ગમે છે. મને મારી મા એટલા માટે ગમે છે કે એ મને અઢળક પ્રેમ કરતાં કરતાં ઘણાં ગીતો સંભળાવતી હતી અને આ બધાં ગીતો ગુજરાતી કે સંસ્કૃત કવિતાઓ હતી.
આ એક કવિતાથી કવિતા સુધીનું ચક્ર મારા જીવનનું સંગીત છે, ધૂન છે, અર્ક અને તર્ક છે. કવિતા મારી હોબી નહીં, વિસામો છે, ઓળખકાર્ડ નહીં, ઓળખ છે.
મને કવિતા શું કામ ગમે છે એના વિશે બોલવું છે. એટલે મોગરાની સુગંધની ઝેરોક્ષ વહેંચવા જેવું છે, દાળઢોકળીનો સ્વાદ ડાઉનલોડ નથી કરી શકાતો. એના માટે તો માથાકૂટવાળા અઠવાડિયા પછીના રવિવારે પત્નીના મૂડમાં બોળી બોળી રવિવારની આવૃત્તિઓ વાંચી હોય, અને પાપડ શેકાયાની જાણ જઠરના નાકને થઈ હોય ત્યારે માત્ર ગુજરાતીમાં જ સમજી શકાય તેવું સ્વાદના વર્ણન જેવું કઠિન કાર્ય લઈને આવ્યો છું.
કવિતાની ભાષા એ આપણી રોજેરોજની ભાષા હોવા છતાં કવિના હૃદયમાં બોળેલી ભાષા હોય છે. એટલે રસાયેલી ભાષા હોય છે.
એમાં ધબકાર હોય છે. હું કવિતા વિશે બોલું છું એનો અર્થ એવો નથી કે હું કવિતાશાસ્ત્રી છું, મને એવો વહેમ પણ નથી કે હું કવિતાશાસ્ત્રી છું, મને એવો વહેમ પણ નથી કે હું મોટો સાહિત્યકાર કે વિવેચક છું. પણ હું ભાવક જરૂર છું, હું શબ્દનો સાધક જરૂર છું, હું જીવનનો અને અસ્તિત્વનો આરાધક જરૂર છું. એટલે કોઈ પણ પ્રકારની કાંચળી કે કામળી રાખ્યા સિવાય, માત્ર શબ્દસોબતની, શબ્દસખ્યની સાહેદી રજૂ કરવાની ઇચ્છા થઈ આવે છે.
મારે મારી વાત ત્રણ આયામોના પ્રભાવ અથવા પ્રમાણ દ્વારા કહેવી છે. આપણે એને ૩T ફોર્મ્યુલા ગણી શકીએ...
પહેલો T છે, એક વિધેયાત્મક ટેન્શનનો, બ્રહ્માંડના રહસ્યનો... આ જગતનું ચાલકતત્ત્વ આત્મા છે, અને આ આત્માનું વર્ણન થઈ શકતું નથી, તે જોઈ શકાતો નથી, તેને ભીંજવી શકાતો નથી. આવી ઉદ્ઘોષણાને કારણે જગતમાં અનુભવાતા અને દેખાતા વિસ્મયના પ્રાણભૂત તત્ત્વને પારખવા અને વર્ણવવા મથતા કવિમનને એક સરસ ટેન્શન થાય છે, કવિનું મુગ્ધ મન જગતને એક નવીન દૃષ્ટિએ ગાવા માટે થનગની ઊઠે છે, ત્યારે પે’લા આત્માની અવર્ણનીયતા અને રહસ્યની પાતળી દીવાલને હલાવતું કવિનું આંદોલિત થયેલું ભાવજગત... આવી ક્ષણમાં જે સરી પડે છે તે કવિતા છે. કવિની મુગ્ધાવસ્થાની માધુરી હોય છે તેની કવિતા...
શબ્દ થકી શબ્દાતીતને પકડવાની મનુષ્યચેતનાની મથામણમાં છલકતી હોય છે કવિતા. હું જ્યારે કવિતા લખતો કે વાંચતો હોઉં ત્યારે અજાણપણે જ આ રહસ્યરગમાં વહેતી હોય છે મારા હોવાપણાની જાગરુકતા...
બીજો T છે, મારા અસ્તિત્વની આસપાસ વીંટળાઈ વળેલી tendernessનો, કોમળતાનો, નિસર્ગની કોમળતા, મનુષ્ય સ્વભાવની કોમળતાનો... transparencyનો, અભિવ્યક્તિથી મનુષ્યની ચેતનાની ચમત્કૃત થતી પ્રજ્ઞાનો. એક કળી ખૂલે છે ત્યારે મારી ભાષાને પણ પાંખડી ફૂટે છે. હેમેન શાહ કહે છે તેમ,
લો, ત્વચા રાતી થઈ ગુલમ્હોરની,
ફૂલ વચમાં ડાળ પર એવાં લચે,
પંક્તિ જાણે તરવરે ટાગોરની...
કવિ જ્યારે નિસર્ગ સાથે જોડાઈ જાય છે ત્યારે એક અદ્વૈત રચાતું હોય છે, ક્યારેક અદ્વૈતની સીમામાં પ્રવેશ કરે ત્યારે ભાષા જે કંપન અનુભવે છે ત્યાં જ છંદ અને ગાનની એક નાનકડી નદી વહેતી હોય છે, કવિ આવા કોમળ પ્રવાહમાં વહી જાય છે.
ત્રીજો T છે કાવ્યની transformational શક્તિનો, કાલાતીત થવાની શક્યતાનો... કાવ્યનો કવિ અને ભાવક સાથેનો શાશ્ર્વત સંબંધનો... આમ તો આપણા વ્યવહારમાં બે શબ્દો છે, અનુભવ અને અનુભૂતિ. અનુભૂતિ એના અંતસ્તલની ઘટના છે, એક કવિતાની પ્રસૂતિ કવિને અંદર-બહારથી હલાવે છે, ઝંઝોળે છે. ક્યારેક ભીંજવી દે છે, ક્યારેક ડુબાડે છે. પ્રત્યેક કવિતા કવિને પરિવર્તે છે, એના ચેતાતંત્ર પર ઝીણી જાળી દોરે છે, કવિ શબ્દસ્પર્શથી સ્નાનનો અનુભવ કરે છે, શબ્દસાધનાથી સ્નાતકતા કે બારણું ખૂલવાની અજવાશ ઘટનાને અનુભવે છે. કવિતા લખનાર કે વાંચનાર એક ચમત્કૃતિ કે ચચરાટ અનુભવે છે. એક કવિતા લખ્યા પછી કવિ વધારે હળવો, ઊર્ધ્વગામી અને નિખાલસ બને છે. સમજણનું અંજન એની આંખને વધુ ચોખ્ખી અને હૃદય વધુ પારદર્શક બનાવે છે, રાગદ્વેષ કે કટુતા જેવા આવેગોનું બાષ્પીભવન થાય છે, એટલે જ કવિને દ્રષ્ટા અને ઋષિ કહ્યો છે.