રાષ્ટ્રીય મુસ્લિમ મંચે બકરી ઈદ પર કુર્બાનીનો વિરોધ કર્યો

    ૦૮-સપ્ટેમ્બર-૨૦૧૭


રાષ્ટ્રીય મુસ્લિમ મંચે બકરી ઈદ પર જાનવરોની કુર્બાનીનો સખત વિરોધ નોંધાવ્યો છે. મંચના સહ-સંયોજક એડ્વોકેટ ખુરશીદ આગાએ જણાવ્યું હતું કે, કુર્બાનીને લઈને સમાજમાં અંધવિશ્ર્વાસ ફેલાયેલો છે. પોતાને ઈમાનવાળા મુસ્લિમો ગણાવતા મુસલમાનો અલ્લાહની રાહ પરથી ભ્રમિત થઈ ગયા છે. કુર્બાની જાયજ નથી, તો પછી જાનવરોની કુર્બાની શું કામ ?
રાષ્ટ્રીય મુસ્લિમ મંચ ઉત્તરપ્રદેશના સંયોજક ઠાકુર રાજા રઈસે કહ્યું હતું કે ‘ઇસ્લામમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, હજરત ઇબ્રાહિમને સ્વપ્ન આવ્યું કે અલ્લાહ તેની પાસે કુર્બાની માગે છે. તેઓએ ઊંટની કુર્બાની આપી, પરંતુ તે કબૂલ ન થઈ. તેઓને પછી સ્વપ્ન આવ્યું કે, ઇબ્રાહિમ, તું તારી સૌથી પ્રિય ચીજની કુર્બાની આપ. હજરત ઇબ્રાહિમને વિશ્ર્વમાં સૌથી પ્રિય તેનો પુત્ર હતો. તે તેના પુત્રની કુર્બાની આપવા તૈયાર થઈ ગયો. કુરાનમાં લખેલું છે કે, પોતાના પુત્રની કુર્બાની આપતા પહેલાં તેણે પોતાની આંખો પર પટ્ટી બાંધી લીધી, ત્યાર બાદ તેના પુત્રની ગરદન પર છરી ચલાવી. કુર્બાની બાદ તેને અવાજ સંભળાય છે કે ઇબ્રાહિમ, તારી કુર્બાની કબૂલ થઈ. તેણે પોતાની આંખો પરની પટ્ટી ખોલી તો તેમની આંખો સામે મરેલ ઘેટું પડ્યું છે અને તેમનો પુત્ર જીવિત છે. ત્યાર બાદ હજરત ઇબ્રાહિમે ક્યારેય કુર્બાની આપી નથી, જ્યારે હજરત ઇબ્રાહિમ દ્વારા ક્યારેય કોઈ જાનવરની કુર્બાની અપાઈ નથી. તો પછી મુસ્લિમ સમાજ બકરી ઈદના દિવસે જાનવરોની કુર્બાની કેમ આપે છે. રસૂલે કહ્યું છે કે, વૃક્ષ-છોડ, પશુ-પક્ષી અલ્લાહની રહેમત છે. તેના પર તમે રહેમ કરશો તો તમારા પર અલ્લાહની રહેમત વરસશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય મુસ્લિમ મંચે ત્રણ તલ્લાક વિરુદ્ધ પણ જોરદાર અભિયાન ચલાવ્યું હતું. તે દેશમાં સમાન નાગરિક સંહિતા ધારો લાવવા માટે પણ જાગરુકતા અભિયાન ચલાવી રહ્યું છે અને અયોધ્યામાં વિવાદિત બાબરી મસ્જિદના સ્થાને રામ મંદિર બનાવવાનું પણ જોરદાર સમર્થન કરે છે.’