નદીકિનારાની સંસ્કૃતિ, નદીઓની લીંક દ્વારા ઉજાગર થશે

    ૦૮-સપ્ટેમ્બર-૨૦૧૭


ભારતીય સંસ્કૃતિ નદીને કિનારે વિકસી અને ફળી-ફૂલી. નદીઓનો વિકાસ અને વિસ્તાર એટલે સંસ્કૃતિનો વિકાસ. ભારત દેશમાં નદીઓને જોડવાનો સર્વ પ્રથમ વિચાર ૧૫૦ વર્ષ પહેલાં ૧૮૫૮માં સર આર્થર કોટોને આપ્યો. આઝાદી બાદ તેમાં અનેક સરકારો દ્વારા વિચારણા થઈ.
દેશની કેટલીક નદીઓમાં દર વર્ષે પૂર આવે અને ભારે નુકસાન થાય છે. આવી નદીઓને આંતરિક જળમાર્ગ સાથે જોડી દઈને આ આફતોનો ઉપાય કરવાની યોજના વર્ષ ૨૦૦૨માં એન.ડી.એની સરકાર વખતે આકાર પામી અને હવે તેને સાકાર સ્વરૂપ આપવાનું કાર્ય વર્તમાન સરકાર દ્વારા થઈ રહ્યું છે. ગંગા, યમુના અને ગોદાવરી જેવી મહાનદીઓ સહિત દેશની ૬૦ જેટલી નદીઓને જોડવાના રૂપિયા ૫૫૦૦ અબજનાં પ્રોજેક્ટનો પ્રારંભ મધ્યપ્રદેશ-ઉત્તરપ્રદેશમાંથી પસાર થનારી કેન અને બેતવા નદીના જોડાણથી થશે. દક્ષિણની નદીઓમાં કેન-બેતવા, મહા-ગોદાવરી, ગોદાવરી-કૃષ્ણા, કુષ્ણા-પેન્નાર, કાવેરી-વાઈગઈ, પાર્વતી-કાલીસિન્ધ, દમણગંગા-પિંજલ મુખ્ય છે અને હિમાલયીન નદીઓમાં બ્રહ્મપુત્રા-ગંગા, ગંગા-દામોદર, સુવર્ણરેખા-મહાનદી, કોસી-મેચી અને શારદા-યમુના નદીઓનું જોડાણ થશે. આવી ત્રીસ લીંકના કારણે ૫૮ જળાશય દક્ષિણ ભારતીય વિસ્તારમાં અને ૧૬ જળાશયો હિમાલયીન વિસ્તારોમાં નિર્માણ પામશે.
સૌથી પહેલાં આકાર ધારણ કરનારા કેન-બેતવા નદીના પ્રોજેક્ટથી દુષ્કાળગ્રસ્ત બુંદેલખંડની ૧ લાખ ૨૭ હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. દસ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની સંભાવના છે તેના થકી વીજળીની સમસ્યાઓનું પણ નિવારણ અને આર્થિક પ્રગતિનો માર્ગ પણ મોકળો. સૌથી મોટો ફાયદો નદીઓમાં પૂરની સમસ્યાથી છુટકારો મળશે અને જ્યાં દુષ્કાળ પડે તેવા વિસ્તારોમાં ફરી ખેતરો હરિયાળાં થાય. ઉત્તરના વિસ્તારોમાં ગંગા અને બ્રહ્મપુત્રામાં દર વર્ષે આવનારા પૂરથી લાખોના જાન-માલનું નુકસાન થાય છે. રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારો પાણી વિના ટળવળે છે. ૩૦ લિંક બન્યા બાદ દેશની કુલ ૧૫ કરોડ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. ૩૪ હજાર મેગાવોટ વીજળીના ઉત્પાદનથી દેશનાં ગામડાંઓ પણ ઝળહળતાં બનશે અને આ વીજળી પણ સસ્તી. ૧૫ હજાર કિલોમીટર નહેરોનો વિકાસ અને ૧૦ હજાર કિલોમીટર નૌકાવહનનો પણ વિકાસ થશે, જળમાર્ગની મુસાફરી સસ્તી, રેલમાર્ગ પર ઓછો બોજ અને માલ-પરિવહન ઝડપી. ૩ હજાર જેટલાં ટૂરિસ્ટ સ્પોટનો વિકાસ થાય. જ્યાં લોકોને નવી રોજગારી, ગ્રામક્ષેત્રમાંથી કૃષિ મજૂરો માટે નવી તકો.
વિદેશોમાં આ રીતે નદીઓ જોડાઈ તેમાં મિશ્ર પ્રતિસાદો મળ્યા છે. ક્યાંક ખૂબ મોટો ફાયદો રહ્યો છે, તો ક્યાંક આર્થિક નુકસાન ચીને તેની યાંગત્સે અને પીલી નદીને જોડીને આ પ્રયોગ કર્યો. પરંતુ વિસ્થાપિતો અને ખર્ચના પ્રમાણમાં આર્થિક ફાયદો થયો નહીં. અમેરિકામાં કોલેરાડોથી લઈને મિસીસિપી નદીની ઘાટી સુધી મોટી સંખ્યામાં આવી પરિયોજનાઓ આકાર પામી હતી. તેમાંની કેટલીક યોજનાઓથી વીજ-ઉત્પાદન સારું મળ્યું, પણ કેટલીક નદીની જમીનમાં રેતીનો દળ પેદા થવાથી નિષ્ફળ ગઈ. સાઈબેરિયાઈ નદીઓને નહેરોથી કજાકિસ્તાન અને મધ્ય એશિયાની નદીઓ સાથે જોડવાના પ્રોજેક્ટો પણ પડી ભાંગ્યા. પ્રારંભના એકાદ બે વર્ષને બાદ કરતાં વીજ ઉત્પાદન પણ ઘટ્યું અને પૂરની આફતોય વધી. છેવટે બંધો તોડવા પડ્યા અને લાખ્ખો ડૉલરોનો ખર્ચ માથે પડ્યો.
સામાજિક કાર્યકર્તાઓ આ યોજના બાબતે સાવચેતી રાખવાનું સૂચવે છે તે નજરઅંદાજ ન કરી શકાય. ઉત્તર પ્રદેશના ૧૬ જિલ્લામાંથી પસાર થનારી શારદા સહાયક નહેરના પ્રોજેક્ટથી ૧૬.૭૭ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળનાર હતો, તે ૪૮ ટકા જ મળ્યો. નવી યોજનાઓમાં એ ફાયદો સો ટકાથી પણ વધે તેવું આયોજન જ આવકાર્ય. નદીઓનો વિકાસ અને વહાવ લાખો વર્ષની પ્રાકૃતિક પ્રક્રિયાઓથી ઘડાતો હોય છે. બે નદીઓના પ્રવાહને બદલવાથી, તેને નહેરમાં ‚પાંતરિત કરવાથી ભવિષ્યમાં તે નદી જ નાશ પામે અને તેમાં દલદલ અને ખાર પેદા થાય, શક્યતાઓ ચકાસવી રહી. જંગલોનો નાશ અને જળ-વાયુ પરિવર્તનની ખરાબ અસરો પણ થાય જ છે. માત્ર માનવીઓ જ નહીં જંગલનાં પશુઓના વસવાટની પણ સમસ્યાઓ ઊભી થાય છે. નિષ્ણાતોની માન્યતાએ આ લીંક અપ દ્વારા આશરે ૪.૫ લાખ લોકો વિસ્થાપિત થશે અને ૭૯ હજાર કિલોમીટરથી વધુ જંગલવિસ્તાર પાણીમાં ડૂબી જશે. વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી તથા વન્ય જીવોના અસ્તિત્વના પ્રશ્ર્નો પણ થશે. બે રાજ્યોની સરહદોમાંથી વહેતી નદીઓના મામલે બંને વચ્ચે વિવાદોની સમસ્યાઓના સમાધાન એ પણ પૂર્વ શરત જ. સતલજ-યમુના, કાવેરી મામલે કર્ણાટક અને તામિલનાડુના વરસો જૂના વિવાદો છે. દેશમાં ગંગા સ્વચ્છતા પ્રોજેક્ટ ઘણા વર્ષોથી ચાલે છે. તેની સામે આ વિરાટ પ્રોજેક્ટ પરિણામદાયક સ્વરૂપ પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે તેની વિચારણાય જરૂરી. શુભ આશયથી શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં આ બધી સમસ્યાઓનું નિરાકરણ તજ્જ્ઞોએ વિચાર્યું જ હશે તેમ છતાં સાવચેતી જરૂરી.
દેશની ૬૦ નદીઓને જોડીને ૩૦ લીંક દ્વારા દેશની કાયાપલટ કરવાની ક્ષમતા ધરાવતા આ પ્રોજેક્ટમાં ખૂબ જ સાવધાની, નિષ્ઠા, સાવચેતી અને નિષ્ણાતો દ્વારા કાર્ય થાય તો ચોક્કસપણે આ પ્રોજેક્ટ સમગ્ર દુનિયા માટે આદર્શરૂપ બની શકે. પાણીના પૂરની સમસ્યા ઉકેલાઈ જાય અને વિકાસનું પૂર આવે, અભાવનું અંધારું દૂર થાય અને અજવાળું પથરાય, દુષ્કાળની આફત દૂર થાય અને હરિયાળાં ખેતરો લહેરાઈ ઊઠે. નદીકિનારે જ વિકસેલી અને વિસ્તરેલી ભારતીય સંસ્કૃતિ ફરી એકવાર નદીકિનારાની અભૂતપૂર્વ સમૃદ્ધિ વચ્ચે ઊજળી બની રહે.