સેવા દ્વારા સમાજને સમર્થ બનાવીએ

    ૧૮-જાન્યુઆરી-૨૦૧૮
 
 
આપણે સેવા શા માટે કરીએ છીએ ? સેવાકાર્યનો ઉદ્દેશ હંમેશા ધ્યાનમાં રહેવો જોઈએ. ઉદ્દેશ્યથી ભટકી યશ પાછળ દોડીએ છીએ ત્યારે આધારભૂત વાતો ભુલાઈ જાય છે.
આજનું વિશ્ર્વ કૃત્રિમતા તરફ જઈ રહ્યું છે. આના કારણે આખું વિશ્ર્વ સમસ્યાગ્રસ્ત છે. આવી પરિસ્થિતિમાં માત્ર ભારતીય ચિંતન જ માર્ગદર્શક બની શકે તેમ છે, એવું આપણે અને વિશ્ર્વના ઘણા બધા માને છે. પરંતુ આપણી સ્થિતિ પણ કેવી છે ? આપણા દેશમાં બહારથી આવેલો વ્યક્તિ એ સમસ્યારૂપ છે, અને બહારથી આવેલી વસ્તુ પણ સમસ્યારૂપ છે. બહારથી આવેલી વ્યક્તિ મોટેભાગે ઘૂસણખોર હોય છે, જે આપણા રાષ્ટ્રને માટે ખતરો હોય છે, તેવી જ રીતે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા આવેલ વસ્તુઓ પણ ખતરારૂપ છે, જેને કારણે આખો દેશ અનેક સમસ્યાઓથી લિપ્ત છે. જેમ શરીર બહારથી આવેલ કોઈપણ વસ્તુથી અસ્વસ્થ થતું હોય તો તે શરીર દુર્બળ છે અને રોગો સામે લડવા માટે શક્તિમાન નથી, તેવી જ રીતે આપણું રાષ્ટ્ર અને તેમાં વસતો સમાજ સમસ્યાઓ સામે લડવા સક્ષમ નથી. કોઈ વ્યક્તિ રાષ્ટ્ર કે સમાજ માટે સમર્પિત થવાની વાત કરીએ તો તે ગરીબી, ભૂખ અને લાચારીથી પીડાય છે. તેવું ધ્યાનમાં આવે છે. તેની આગળ રાષ્ટ્રીયતા એ પ્રથમ છે તેવું કહીએ છીએ, તો ધ્યાનમાં આવે છે કે વ્યક્તિ જ્ઞાતિ, પરિવાર જેવાં અનેક બંધનોથી બંધાયેલી દેખાય છે કે તે તેમાંથી બહાર નીકળવું શક્ય જ દેખાતું નથી. આવી પરિસ્થિતિમાં સમાજને સમર્થ બનાવવા સિવાય કોઈ ઉપાય જ ધ્યાનમાં આવતો નથી.
સમાજને સમર્થ બનાવવા આપણે તેની પાસે જવું પડશે. તેનાં દુ:ખ, દર્દ સમજવાં પડશે. આપણે આ વાતનો ખાસ ખ્યાલ રાખવો પડશે કે આપણે યશ, પુણ્ય કમાવવા કે મતાંતરણ જેવા કામ માટે સેવાકાર્ય કરતા નથી. આપણે એટલા માટે પણ સેવાકાર્ય કરતા નથી કે જેથી સેવિત સમાજ હંમેશા સેવિત જ રહે. એક ક્ષેત્રના મંત્રી મહોદયને તેમના એક અધિકારીએ કહ્યું કે જો આટલા પ્રશ્ર્નોનું નિરાકરણ કરવામાં આવશે તો આ ક્ષેત્રની પ્રગતિ કોઈ રોકી નહીં શકે. મંત્રી મહોદયે તેમને રોકતાં કહ્યું કે આ સમસ્યા જ તો અમારી સત્તા ટકાવી રહી છે, તેનું નિરાકરણ ક્યારેય ન આવવું જોઈએ. આપણે આ પ્રકારની માનસિકતા ન કેળવાય અને સેવિત સમર્થ બને તે માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
એક ઉક્તિ પ્રસિદ્ધ છે. લેનેવાલા લેતા જાય, દેનેવાલા દેતા જાય, લેનેવાલા લેતે લેતે ખુદ દાતા બન જાય. એક વનવાસી બાળક છાત્રાવાસમાં ભણવા માટે આવ્યો, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ. ઘરે પૈસા મોકલાવવા માટે ભણવાની સાથે મજૂરી પણ કરી. છાત્રાવાસમાં એક સંઘ પ્રચારક આવ્યા, તેમના જીવનમાંથી પ્રેરણા લઈ પોતે વનવાસી કલ્યાણ આશ્રમના પૂર્ણકાલીન કાર્યકર્તા બન્યા. ઘરની દરિદ્ર સ્થિતિ હોવા છતાં પણ મારે રાષ્ટ્ર માટે કાંઈક કરવું જોઈએ આ પ્રેરણા માત્ર આત્મીય વ્યવહારથી જ આવી. સમાજને રાષ્ટ્રકાર્યમાં જોડવા માટે આ જ પ્રમાણે આત્મીય વ્યવહાર કરવો પડશે. પૂનાની સ્વ‚પવર્ધિનીમાં પણ આ જ પ્રમાણે સેવિતો સેવાકાર્યમાં જોડાયા હોય તેવાં અનેક ઉદાહરણો છે. સેવા કરતાં કરતાં આપણામાંથી અહંકારભાવ અને ઉપકારનો ભાવ નાશ પામવો જોઈએ. જે કામ ૧૫૦૦ વર્ષ પહેલાં નહોતું કર્યું તે હવે ચાલુ કર્યું. સમાજના દુ:ખ-દર્દ પહેલાં ન સમજ્યા તેનો પશ્ર્ચાત્તાપ જ પર્યાપ્ત છે, પણ આ જે કામ કરીએ છીએ તે મહત્ત્વનું છે. દેર આયે દુરસ્ત આયે. આ ભાવનાને કારણે સંઘના કાર્યકર્તાઓએ સેવાક્ષેત્રમાં અનેક નેત્રદીપક કાર્યો કર્યાં છે. આજે શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન વગેરે બાબતોમાં અનેક પ્રેરણાદાયી સેવાકાર્યો કરતાં કરતાં સમાજમાં રાષ્ટ્રબોધ જગાવવાનું કાર્ય પણ કર્યું છે. સેવિત વર્ગ પણ સેવા ગ્રહણ કરતાં કરતાં સ્વયં સેવાકાર્યમાં જોડાઈ રહ્યો છે. એક રીતે એમ કહીએ તો ચાલે કે સ્વત્વનું જાગરણ થઈ રહ્યું છે. આ સ્વત્વ એટલે આ મારો પરિવાર છે ત્યાંથી માંડી આ મારું રાષ્ટ્ર છે તે ભાવનું જાગરણ. તેનાથી જ રાષ્ટ્રની સર્વાંગી ઉન્નતિ શક્ય છે.
સંઘ સ્થાપક ડૉ. હેડગેવારજીના જીવનમાંથી સંઘસ્થાપનાની પૂર્વે અને પછી અનેક આ પ્રકારનાં ઉદાહરણો મળે છે. આથી જ સંઘે સેવાને સંઘકાર્ય પદ્ધતિના એક મહત્ત્વના ભાગ તરીકે સ્વીકારી સેવા વિભાગનો પ્રારંભ કર્યો છે. સંઘ, માતૃસંસ્થાઓ અને ટ્રસ્ટોના પ્રયત્નોથી આજે દેશભરમાં ૧ લાખ ૫૦ હજારથી વધુ સેવાકાર્યો ચાલે છે.
સમાજમાં ચાલતાં આ બધાં સેવાકાર્યોને શ્રેય આપી, તેમને પૂરક થવા માટેનો આ નમ્ર પ્રયાસ એ જ આપણું કર્તવ્ય.