આ આંગણે ખીલે છે, નાનકડાં જીવન

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮


 
 

ચારેય બાજુ રંગ રંગ વિખેરાયેલા હતા - લાલ, લીલા, પીળા, વાદળી. રંગોથી રસાબોળ હાથોમાં નાની પિચકારી લઈ બાલગોપાલ, યશોદાઓ સાથે હોળીનો આનંદ ઉઠાવી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે આખી દુનિયાની ખુશીઓ આજે માતૃછાયાના આંગણે આવી ગઈ હતી. ત્યારે બાળકોની સાથે હોળી મનાવવા આવેલ સેવા ભારતી માતૃમંડળની બહેનોની નજર દરવાજા પાસે રાખેલ એક લાવારિસ બેગ ઉપર પડી. કદાચ એમાં કોઈ બોમ્બ તો નહીં હોય એવી શંકાનો સામનો થતાં એમનામાંથી એકે પોતાના જીવની પરવા કર્યા વગર બેગને મેદાનમાંથી દૂર ફેંકવાના ઉદ્દેશ્યથી દોડ લગાવી હતી, ત્યાં બેગની અંદરથી એક માસૂમના રોવાનો અવાજ સાંભળી સૌના પગ ત્યાંના ત્યાં ચોટી ગયા. શું ? શંકાસ્પદ બેગમાં તો કોઈ લાચાર માની નાની બાળકી હતી. બે દિવસની નાની પરી પાસે દૂધની બોટલ રાખેલ હતી. હોળીની ખુશી હવે બધા માટે બેવડી થઈ ગઈ હતી. માતૃછાયાના અનોખા પરિવારમાં એક નવા સભ્યનું આગમન થયું હતું. ભોપાલમાં સેવા ભારતી દ્વારા નિરવાંચ્છિત બાળકો માટે ચલાવવામાં આવી રહેલા શિશુગૃહમાં આવેલી બાળકી હવે ત્યાં હતી. જ્યાંથી તેને નવું જીવન મળવાનું હતું. સંઘના પ્રચારક અને સેવા ભારતીના જનક સ્વ. વિષ્ણુજીની પ્રેરણાથી ૧૯૯૭માં શરૂ થયેલ પ્રકલ્પ મધ્યપ્રદેશનું પહેલું માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય એડોપ્શન સેન્ટર છે. આંકડામાં હિસાબે સેન્ટરમાં આવનારા ૪૦૦ બાળકોમાંથી ૩૫૦ બાળકો હવે દેશના વિવિધ ભાગોમાં પોતપોતાનાં ઘરોમાં સુખી અને સંપન્ન જીવન જીવી રહ્યાં છે.

અહીં દરેક બાળકની દેખરેખ માટે યશોદાઓ (આયા) છે, જે સમર્પિત ભાવથી એમની તમામ જરૂરિયાતોને પૂરી કરે છે. સેન્ટરમાં રહેનારા તમામ લોકો હોય કે પછી સેવા ભારતી માતૃમંડળની બહેનો, બધા બાળકો સાથે સંબંધોના તાતણે બંધાયેલા છે. કોઈ એમની કાકી છે. તો કોઈ ફોઈ. તો કોઈ માસી, પોતાનાં જીવનનાં પંદર વર્ષ માતૃછાયાને આપનારા પાંચખેડે દંપતી જ્યાં સુધી અહીં રહ્યાં, બાળકોનાં માતા-પિતા બનીને રહ્યાં. સુધાતાઈ પાંચખેડેનું કહેવું છે કે તેઓ બંને બાળકોના મોહમાં બંધાઈને રહી ગયા હતાં. જ્યારે પણ કોઈ બાળકને દત્તક લેવા કોઈ પરિવાર આવતો હતો પળ તેમના માટે ઘણી કપરી રહેતી હતી. જ્યાં એક બાજુ બાળકોના સોનેરી ભવિષ્યની કલ્પના ખુશી આપતી હતી, ત્યાં બીજી બાજુ તેમનાથી વિખૂટા પડ્યાનો ગમ આંખો ભીની કરી દેતી હતી. સુધાતાઈ પોતાની યાદોને વાગોળતાં કહે છે કે, ત્રણ વર્ષનો અવિનાશ જ્યારે પોતાનાં માતા-પિતા સાથે ઓસ્ટ્રેલિયા જવાનો હતો ત્યારે તેમની ખુશીનો કોઈ પાર હતો. તેઓ દરેક બાળકને પોતાનાં ઓરડાના ફોટો બતાવતાં હતાં. જે તેના માટે પહેલેથી સજાવીને રાખવામાં આવ્યા હતા. હવે વાત કરીએ કાવેરીની. એણે તો પોતાનાં માતા-પિતાને સ્પેનિશ ભાષામાં નમસ્કાર કરીને આશ્ર્ચયચકિત કરી દીધાં. કાવેરી સ્પેનમાં સામાન્ય રીતે હળીમળી શકે માટે એડોપ્શન (દત્તક)ની પ્રક્રિયા શરૂ થવા સુધી પાંચ વર્ષની બાળકીને બે મહિનાથી સ્પેનિશ ભાષા શીખવવામાં આવી રહી હતી. ભૂતકાળનાં પાનાં પલટાવીએ તો માતૃછાયા પ્રબંધનને આજે પણ રાત યાદ છે, જે હમીદિયા હોસ્પિટલની કચરા પેટીમાંથી બે દિવસના અવિનાશને અહીં લાવવામાં આવ્યો હતો. અનેક જતન (સારવાર) પછી તો અશક્ત બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો.

મધ્યપ્રદેશનું પહેલું કાયદેસર દત્તક સેન્ટર માતૃછાયા એક શિશુગૃહ નહીં તે પરિવાર છે જ્યાં હિન્દુ સંસ્કૃતિ મુજબ બાળકના તમામ સંસ્કાર પૂરા કરવામાં આવે છે. બાળકોના અન્નગ્રહણથી લઈને કર્ણછેદન અને નામકરણ સંસ્કાર વિધિ અહીં ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. સુરક્ષાના મુદ્દે શિશુગૃહ પરિસરમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા છે. માતૃછાયા સમિતિનાં ઉપાધ્યક્ષ તથા સેવા ભારતીનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિતા જૈન જણાવે છે કે અહીં બાળકોની તમામ પ્રકારની જરૂરિયાતોનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. નાનાં બાળકોની નિયમિત રીતે બન્ને સમય માલિશ કરવામાં આવે છે તથા તેમને યોગ્ય પોષક આહાર આપવામાં આવે છે. બીજી બાજુ મોટાં બાળકોને સ્કૂલ બાદ ભણાવવા માટે શિક્ષિકા રાખવામાં આવી છે. સાંજના સમયે તેમને ચિત્રકામ, કાર્ડ મેકિંગ અને ક્યારેક ક્યારેક સંગીત પણ શીખવવામાં આવે છે. અહીં આવનાર, અસક્ષમ બાળકોની પણ તમામ ‚રિયાતોને પૂરી કરવામાં આવે છે. બાળકો સાથે દરેક તહેવાર ઊજવવા સેવા ભારતી પરિવાર માતૃછાયાના આંગણે પહોંચે છે. મહિનામાં એક વાર બાળકોને શહેરમાં ક્યારેક પ્રાણી સંગ્રહાલય, તો ક્યારેક મ્યુઝિયમ, તો ક્યારેક શોપિંગ મોલ જેવી જગ્યાઓ પર ફરવા લઈ જવામાં આવે છે. અહીં બહાર લાગેલા પારણામાં દરેક શિશુનું સ્વાગત છે, છતાં પણ કેટલાક લોકો કેમ બાળકોને પરિસરમાં, ઝાડીઓમાં તો ક્યારેક-ક્યારેક બેગમાં નાખીને બાળકોને મૂકી જતાં હોય છે ? તેમ કરવાથી ક્યારેક-ક્યારેક બાળકોનો જીવ બચાવવો પણ મુશ્કેલ થઈ જાય છે. માતૃછાયા પરિવારનો પ્રશ્ર્ન સમાજની ખૂબ મોટી વિસંગતિ છે.