૬૪ વર્ષ પહેલા “ભારતરત્ન”ની શરૂઆત આ રીતે થઈ હતી…

    ૦૨-જાન્યુઆરી-૨૦૧૮

 
 
“ભારતરત્ન” દેશનું સર્વોચ્ચ સન્માન છે. કોઈ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારનાર વ્યક્તિને આ સન્માનથી નવાજવામાં આવે છે. કલા, સાહિત્ય, વિજ્ઞાન, રાજકારણ, વિચારકો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિ, લેખકો તથા સમાજસેવા જેવા ક્ષેત્રોમાં અસાધારણ સેવા આપવા બદલ ભારત સરકાર તરફથી “ભારતરત્ન” નું આ સન્માન અપાય છે. ઉલ્લેખનીય છે કે “ભારતરત્ન” પદ્મશ્રી, પદ્મભૂષણ તથા પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી પણ ઉચ્ચ દરજ્જાનું અને સર્વશ્રેષ્ઠ છે. વ્યક્તિના વ્યક્તિત્વ અને દેશ માટેની તેની સમર્પણ ભાવનાના આધારે આ સન્માન માટે મહાનુભાવોની પસંદગી થતી હોય છે.
 
સૌથી પહેલો ભારતરત્ન આ મહાનુભાવને અપાયો
 
“ભારતરત્ન” પુરસ્કાર એનાયત કરવાની શરુઆત ૨, જાન્યુઆરી, 1954ના રોજ થઈ હતી. સૌ પ્રથમ “ભારતરત્ન” આપવાની શરુઆત દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. સૌ પ્રથમ વખત આ પુરસ્કાર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને આપવામાં આવ્યો હતો. એ પછી લગભગ દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિના હાથે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. શરુઆતમાં આ સન્માન મરણોપરાંત આપવામાં આવતું ન હતું, પરંતુ ઈ.સ. 1955 બાદ મરણોપરાંત સન્માન આપવાની જાહેરાત પણ કરવામાં આવી. અત્યાર સુધીમાં દસ વ્યક્તિને મરણોપરાંત “ભારતરત્ન”થી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રથમ વખત મરણોપરાંત “ભારતરત્ન” લાલબહાદુર શાસ્ત્રીને એનાયત કરવામાં આવ્યો હતો.
 
આ રીતે તૈયાર થઈ ડીઝાઈન
 
“ભારતરત્ન”ના સ્વરુપની વાત કરીએ તો શરુઆતમાં જે “ભારતરત્ન” એનાયત થતા હતા એની ડિઝાઈન ૩૫ મીલિમીટર એક ગોળાકાર “સુવર્ણ પદક”ની હતી. ગોળાકારની વચ્ચે સૂર્યનું ચિહ્ન હતું, ઉપર હિન્દી ભાષામાં “ભારતરત્ન” લખેલું હતું અને નીચે ફુલોની હાર હતી. જ્યારે એની પાછળના ભાગે રાષ્ટ્રીય ચિહ્ન અને ધ્યેય લખેલો રહેતો હતો.
આ પ્રકારની ડિઝાઈન થોડો સમય અપાઈ ત્યારબાદ એને બદલવામાં આવી. નવી ડિઝાઈનમાં તાંબાના બનેલા પીપળાના પાંદડા પર પ્લેટીનમનો સૂર્ય ઉપસાવેલો છે. તેની નીચે ચાંદીથી અક્ષરો ઉપસાવીને હિન્દીમાં “ભારતરત્ન” લખેલું છે. જ્યારે એની પાછળના ભાગે ચાર સિંહોની મુખાકૃતિ અંકિત થયેલી છે.
 
અને ભારતરત્ન “ભારતરત્ન” એવોર્ડ બંધ કરી દેવામાં આવ્યો.
 
ઉલ્લેખનીય છે કે જનતા પક્ષના શાસનમાં “ભારતરત્ન” એવોર્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા. ૧૩ જુલાઈ, 1977થી 26 જાન્યુઆરી, 1980 સુધી તેને અટકાવી દેવામાં આવ્યા હતા અને એ સમયગાળા દરમિયાન આ પુરસ્કાર કોઈને એનાયત થયો નહોતો. ઈ.સ. 1980માં જ્યારે ફરિવાર આ સન્માન આપવાની શરુઆત થઈ ત્યારે મધર ટેરેસાને આ સન્માન પ્રાપ્ત થયું હતું.
 
આમનો ભારતરત્ન પાછો લેવાયો
 
“ભારતરત્ન” જેવું મોટું સન્માન અવાર-નવાર વિવાદોમાં પણ સપડાયેલું છે. સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝને ઇ.સ. 1992માં મરણોપરાંત “ભારતરત્ન”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પરંતુ તેના મૃત્યુ બાબતે પહેલેથી જ વિવાદ ચાલતો આવતો હોવાથી અનેક પ્રશ્ર્નો ઊભા થયા હતા. છેવટે ભારત સરકારે આ પુરસ્કાર પાછો લીધો હતો. પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા બાદ તે પાછુ લેવામાં આવ્યું હોય તેવું આ એક માત્ર ઉદાહરણ છે.
 

 
 
આ મહાનુભાવે ભારતરત્ન ન સ્વીકાર્યો. કેમ ખબર છે?
 
સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદને પણ “ભારતરત્ન”થી સન્માનિત કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારે તેઓ “ભારતરત્ન”ની જ પસંદગી સમિતિમાં હતા. માટે તેમણે એમ કહી તેનો વિરોધ કર્યો હતો કે, “પસંદગી સમિતિમાં રહેલી વ્યક્તિને આ સન્માન આપવું જોઈએ નહીં.” આમ એમણે એ વખતે એ સન્માન નહોતું સ્વીકાર્યું. ત્યારબાદ ઇ.સ. 1992માં તેઓનું અવસાન થયું ત્યારે તેમને મરણોપરાંત “ભારતરત્ન” આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
 
વિદેશી વ્યકિઓને પણ અપાયા છે ભારતરત્ન
 
આમ તો “ભારતરત્ન” ભારતીય મૂળની વ્યક્તિઓને જ આપવામાં આવતા હતા, પણ અત્યાર સુધી ત્રણ વાર સન્માન વિદેશી મૂળની વ્યક્તિઓને પણ આપવામાં આવ્યું છે. ઈ.સ. 1980માં મધર ટેરેસાને, ઇ.સ. 1987માં અબુલ ગફાર ખાનને અને ઇ.સ. 1990માં નેલસન મંડેલા જેવા વિદેશી મૂળના મહાનુભાવોએ ભારતરત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
 

 
 
47 મહાનુભાવોઓ “ભારતરત્ન” સન્માનથી સન્માનિત 
 
આજ દિન સુધીમાં એટલે કે જાન્યુઆરી, 2015માં સુધીમાં 47 મહાનુભાવોઓ “ભારતરત્ન” સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. “ભારતરત્ન” સન્માન મેળવનાર સૌ પ્રથમ મહાનુભાવ હતા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન. જેમને ઈ.સ. 1954માં આ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને છેલ્લે મદન મોહન મલવીયા અને અટલ બિહારી વાજપાઈને ૨૦૧૫માં આ પુરસ્કાર એનાયત થયો છે.
 
લેખક - રાજ ભાસ્કર