ભારત તો દુનિયાનો છટ્ઠા ક્રમનો સૌથી સંપત્તિવાન દેશ છે…

    ૩૧-જાન્યુઆરી-૨૦૧૮

 
ભારત ૮,૨૩૦ અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે દુનિયાનો છટ્ઠા ક્રમનો સૌથી સંપત્તિવાન દેશ બની ગયો છે. આ યાદીમાં અમેરિકા સૌથી ટોચ પર છે તેમ ન્યૂ વર્લ્ડ વેલ્થના એક રિપોર્ટમાં જણાવાયું છે. ૨૦૧૭માં અમેરિકા વિશ્વનો સૌથી સંપત્તિવાન દેશ રહ્યો છે અને તેની કુલ સંપત્તિ ૬૪,૫૮૪ અબજ ડોલર હતી, એ પછીના ક્રમે ૨૪,૮૦૩ અબજ ડોલર સાથે ચીન બીજા સ્થાને છે અને ૧૯,૫૨૨ અબજ ડોલર સાથે જાપાન ત્રીજા ક્રમે રહ્યું છે..
 
દરેક દેશ કે શહેરમાં રહેતી તમામ વ્યક્તિઓ પાસેની ખાનગી સંપત્તિને કુલ સંપત્તિ ગણવામાં આવે છે. તેમાં તેમની અસ્કયામતો (મિલકત, રોકડ, ઇક્વિટીઝ, બિઝનેસ હિતો)માંથી જવાબદારી ઘટાડીને જે સંપત્તિ મળે છે તેનો સમાવેશ થાય છે. જોકે, આ રિપોર્ટમાં સરકારી ભંડોળની બાદબાકી કરાઇ છે. આ યાદીમાં સામેલ અન્ય દેશોમાં બ્રિટન (૯,૯૧૯ અબજ ડોલર, ચોથા ક્રમે), જર્મની (૯,૬૬૦ અબજ ડોલર, પાંચમા ક્રમે), ફ્રાન્સ (૬,૬૪૯ અબજ ડોલર, સાતમા ક્રમે), કેનેડા (૬,૩૯૩ અબજ ડોલર, આઠમા ક્રમે), ઓસ્ટ્રેલિયા (૬,૧૪૨ અબજ ડોલર, નવમા ક્રમે) અને ઇટાલી (૪,૨૭૬ અબજ ડોલર, દસમા ક્રમે)નો સમાવેશ થાય છે. રિપોર્ટમાં ઉમેરાયું છે કે ૨૦૧૭માં વૈશ્વિક સંપત્તિ બજારમાં ભારતની કામગારી સારી રહી હતી. તેની કુલ સંપત્તિ ૨૦૧૬ના ૬,૫૮૪ અબજ ડોલરથી વધીને ૨૦૧૭માં ૮,૨૩૦ અબજ ડોલર થઇ હતી. જે ૨૫ ટકાનો જંગી વધારો દર્શાવે છે..
 
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં એક દાયકા (૨૦૦૭-૧૭)માં ભારતની કુલ સંપત્તિ ૩,૧૬૫ અબજ ડોલરથી વધીને ૮,૨૩૦ અબજ ડોલરે પહોંચી ગઇ છે..