અયોધ્યામાં શ્રીરામ મંદિર તો ૧૯૯૨માં જ બની ગયું હતું, હવે મુદ્દો માત્ર ભવ્ય મંદિરનિર્માણનો જ છે

    ૧૯-ઓક્ટોબર-૨૦૧૮   

 
 
 

વિશ્ર્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રી શ્રી મિલિન્દ પરાન્દેજી સાથે સાક્ષાત્કાર

વિશ્ર્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રી શ્રી મિલિંદ પરાન્દેજી તેમના ગુજરાતના પ્રવાસ દરમિયાન ‘સાધના’ સાપ્તાહિક કાર્યાલયની મુલાકાતે પધાર્યા હતા. શ્રી મિલિંદજી મૂલત: નાગપુરના છે. તેઓશ્રીએ મુંબઈ યુનિ.માંથી રસાયણ શાસ્ત્રમાં એમ.એસસી.નો અભ્યાસ કર્યો છે. ૧૯૯૦થી રા.સ્વ.સંઘના પૂર્ણકાલીન કાર્યકર્તા છે અને વર્ષ ૨૦૦૬થી તેઓ સંઘના પ્રચારક છે. અગાઉ તેઓ બજરંગ દળના રાષ્ટ્રીય સહસંયોજક, મહારાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી, વિશ્ર્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહામંત્રીની જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે. તેઓશ્રીએ વિદેશ વિભાગના કેન્દ્રીય મંત્રીની જવાબદારી પણ નિભાવી છે.
મુલાકાત દરમિયાન ‘સાધના’ સાપ્તાહિકના ટ્રસ્ટી તથા તંત્રી શ્રી મુકેશભાઈ શાહ સાથે વિ.હિ.પ.ની ભાવિ યોજનાઓ, શ્રીરામ મંદિર સહિતના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી હતી. પ્રસ્તુત છે તે મુલાકાતના સંક્ષિપ્ત અંશો...

મિલિંદજી, આપની સંગઠનમાં નવી જવાબદારી સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદની જે યોજનાઓ ચાલી રહી છે, તેમાં નવું શું સાંકળશો ?

જે ધ્યેય અને ઉદ્દેશ્ય સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદનું નિર્માણ થયું છે તે તેમાં પરિપૂર્ણ છે જ અને તે કાર્યો અવિરત ચાલતાં જ રહે છે. કેટલીક પરિસ્થિતવશ નવા વિષયો તત્કાળ જોડાઈ જતા હોય છે અને તેને અમે સાંકળતા રહીશું. પરંતુ મૂળભૂત ‚પથી વિશ્ર્વ હિન્દુ પરિષદનું જે કાર્ય છે કે હિન્દુ નૈતિક આધ્યાત્મિક મૂલ્યોની પ્રતિ સ્થાપના અને તેને સમાજમાં પ્રસ્થાપિત કરવાની વ્યવસ્થાઓ, આ બન્ને બાબતોને ભારતમાં અને ભારતની બહાર પ્રતિષ્ઠિત કરવી એ અમારો મુખ્ય ધ્યેય છે. સાથે-સાથે હિન્દુત્વની રક્ષા ખાતર સંગઠન ‚પે હંમેશાં ઊભા રહેવું. હિન્દુ સમાજમાં કાલાંતરે જે દોષો આવી ગયા છે, ત્યારે હિન્દુ સમાજને નિર્દોષ બની બાહ્ય પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવવો એ પણ અમારું એક ધ્યેય છે. આજે અનેક કારણવશ વ્યવસાય, શિક્ષણ, રોજગારી માટે જે હિન્દુઓ વિશ્ર્વના અલગ-અલગ વિસ્તારોમાં ગયા છે અને આ તમામ હિન્દુઓ ત્યાં જે પરિસ્થિતિઓમાં રહે છે, તેમાં આપણાં હિન્દુ મૂલ્યોની રક્ષા તથા ભારત સાથે તેમનું ભાવનાત્મક જોડાણ ટકાવી રાખવું એ મોટું કામ છે. આ કામોને વધુ સારી રીતે કરવાં એ પણ અમારા મુખ્ય ઉદ્દેશ્યોમાં છે.


આપનો હાલના ગુજરાતના પ્રવાસનો ઉદ્દેશ્ય ?

હાલ સંગઠન રૂપે વિશ્ર્વ હિન્દુ પરિષદ દેશના અંદાજીત ૭૦ હજાર ગામો સુધી પહોંચી ગયું છે. પરંતુ આપણા દેશમાં પાંચ લાખ એંસી હજાર (૫,૮૦,૦૦૦)થી પણ વધુ ગામડાં છે. ત્યારે વિશ્ર્વ હિન્દુ પરિષદનો યોજનાબદ્ધ વિસ્તાર એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. હાલ અમારા બે વિષયો ચાલી રહ્યા છે. ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિશ્ર્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ દળ દ્વારા યુવકોને સંગઠનમાં જોડવા માટે ભરતી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આજે લગભગ ૩૨ લાખથી પણ વધુ યુવકો વિહિપ સાથે જોડાઈ ચૂક્યા છે. આના અનુસંધાનમાં અમે રાષ્ટ્રીય સ્તરે યુવા સંસ્કાર સપ્તાહ નામનું અભિયાન ચલાવી રહ્યા છીએ. આપણા દેશમાં સડક દુર્ઘટનાઓમાં અનેક યુવાઓ મોતને ભેટે છે. એક અનુમાન મુજબ આ રીતે ૧.૫૦ લાખ લોકોના દર વર્ષે આપણા દેશમાં મૃત્યુ થાય છે. જે આપણા સમાજ માટે મોટું નુકસાન છે. અને ઘાયલ થનારનો આંકડો તો આનાથી અનેકગણો વધારે છે. અકસ્માતો માટે મુખ્યત્વે બે કારણો જવાબદાર છે. એક નશાની લત અને બીજું સામાજિક અનુશાસનનો અભાવ. આ બે વિષયને લઈ અમે ૨૫ સપ્ટેમ્બરથી ૨ ઑક્ટોબર દરમિયાન મોટું અભિયાન જેમાં દેશના તમામ જિલ્લાઓ અને મોટાભાગના પ્રખંડોમાં યુવાઓનો સંપર્ક કર્યો. પ્રશાસનના સહયોગથી ટ્રાફિક નિયમ અને અનુશાસનને લઈ જાગૃતિ ફેલાવી હતી. મહાવિદ્યાલયો, પ્રશિક્ષણ અને રોજગારીનાં સ્થળોએ જઈ યુવાઓ વચ્ચે નશામુક્તિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. યુવકોની જેમ યુવતી (બહેનો)નું મોટાપાયે ભરતી અભિયાન ચલાવવા અંગે પણ વિચારણા ચાલી રહી છે, જેમાં અમારું લક્ષ્ય દુર્ગાવાહીની થકી ૨૦ લાખથી વધુ મહિલાઓને સંગઠનમાં જોડવાનું છે. આ પ્રકારના વિષયને લઈને હાલનો મારો ગુજરાતપ્રવાસ છે.


આપે જે યુવાઓની વાત કરી, તે વિષયમાં જમીનીસ્તરે કોઈ પ્રવૃતિ જોવા મળી છે ખરી ?

બિલકુલ. સોશિયલ મીડિયા પર તમે જુઓ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ, આસામ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત રાજ્યોમાં આયોજિત સામાજિક જાગૃતિનાં અભિયાનો સહિતના અહેવાલ વીડિયો સાથે જોવા મળશે. કોઈ કારણવશ બજરંગ દળની છાપ એક સંઘર્ષ કરનાર સંગઠન તરીકેની પ્રચારિત કરવામાં આવે છે. પરંતુ આ જ બજરંગ દળ સંસ્કારોનું જાગરણ અને સેવાનાં કાર્યો પણ કરે જ છે. અમારા યુવાઓ દ્વારા તેનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે, જેનાં હકારાત્મક પરિણામો પણ દેખાઈ રહ્યાં છે. લોકો સામે આવીને બજરંગદળના કાર્યકર્તાઓને મળે છે. તેમના સેવા-સંસ્કાર જાગરણનાં કાર્યોને બિરદાવી રહ્યાં છે.


સુપ્રીમ કોર્ટે મસ્જિદમાં નમાજ અંગે જે ચુકાદો આપ્યો છે તે અંગે આપની પ્રતિક્રિયા શી છે ?

આ એક રીતે એક ઈન્ટ્રીમ ચુકાદો છે. કારણ વાત હતી કે જ્યાં બાબરી માળખું હતું ત્યાં અગાઉ રામમંદિર હતું કે નહીં. તેમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, મસ્જિદ એ ઇસ્લામનું અનિવાર્ય અંગ નથી. જેનો કેટલાક મુસ્લિમ પક્ષકારોએ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, આ ટિપ્પણીને કારણે રામમંદિરને લઈ જે ચુકાદો આવ્યો છે તે પ્રભાવિત થયો છે માટે સુપ્રીમ કોર્ટ આ ટિપ્પણી બાબતે પહેલાં કોઈ નિર્ણય કરે. આમ માત્ર ને માત્ર રામજન્મભૂમિના ચુકાદાને લાંબો ટાળવા માટે જ આ વાંધા અરજી કરવામાં આવી હતી. તેઓનો પ્રયાસ હતો કે અંગે કોર્ટ દ્વારા એક લાર્જરબેન્ચ ગઠિત કરવામાં આવે અને જો આમ થાય તો આપોઆપ આ કેસ લાંબો ખેંચાઈ જાત ત્યારે સુપ્રીમ કોર્ટે એમની એ માંગણીને ફગાવી દઈ રામજન્મ ભૂમિ અંગે સુનવણીનો માર્ગ મોકળો કર્યો છે. કોર્ટે ૨૯ ઑક્ટોબરથી આ અંગે સુનવણી શરૂ કરવાના પણ નિર્દેશ આપ્યા છે. તે જોતાં આશા ચોક્સ બંધાઈ છે અને હિન્દુ પક્ષે મંદિરને લઈ જે સાબિતીઓ આપી છે તે જોતાં નિર્ણય હિન્દુઓ તરફે જ આવશે એનો અમને વિશ્ર્વાસ છે. આ મુદ્દે વિશ્ર્વ હિન્દુ પરિષદ ત્રણ પ્રકારના આગ્રહ રાખે છે. એક ન્યાયતંત્ર, બીજું સરકારની એક્ઝીક્યુટીવ બ્રાન્ચ અને ત્રીજી લેજિસ્લેટીવ બ્રાન્ચ. આ ત્રણેય બંધારણીય બાબતો છે અને અમારો આગ્રહ રામમંદિરના નિરાકરણનો છે. આ મુદ્દાનું નિરાકારણ ખૂબ જ જલદી આવવું જોઈએ. લાંબા સમયથી આ મામલો ખેંચાતો રહ્યો છે. માટે હિન્દુ સમાજની ધીરજ હવે ખૂટી રહી છે. ૬ ડિસેમ્બર, ૧૯૯૨ની જે ઘટના બની તેના મૂળમાં પણ આ જ બાબત છે.


તમારા અનુમાન મુજબ કેટલા સમયમાં આ ચુકાદો આવી શકે તેમ છે ?

ભગવાન શ્રી રામજન્મભૂમિ માટેનું આ આંદોલન ખૂબ જ જૂનું છે. લગભગ ૪૦૦-૪૫૦ વર્ષોથી આ આંદોલન ચાલી રહ્યું છે.
પૂ. સંતોના નિર્ણયથી વિશ્ર્વ હિન્દુ પરિષદ પણ ૧૯૮૪થી આ આંદોલનમાં જોડાયું. આજે પણ આ આંદોલન પૂ. સંતોના માર્ગદર્શનથી જ ચાલી રહ્યું છે. સંતો જે કહે છે. તે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજે કર્યું છે. કોઈ માને કે ન માને પરંતુ ૪૫૦ વર્ષોમાં યશ સૌપ્રથમ વાર બાબરી ધ્વંસ તરીકે મળ્યો. ૬ ડિસેમ્બરે અપમાન-કલંકનું એ માળખું ત્યાંથી હટ્યું. રહી વાત મંદિરની તો ત્યાં ભગવાનનું મંદિર તો બની જ ગયું છે. એટલે મંદિરનિર્માણનો વિષય ક્યારનોય પતી ગયો છે. વાત માત્ર ત્યાં ભવ્ય મંદિરનિર્માણની છે અને આની તૈયારીઓ પણ ચાલુ જ છે. અમારી કલ્પના મુજબ ત્યાં ૨૫૦ ફૂટ લાંબુ, ૧૩૦ ફૂટ પહોળું અને ૧૨૫ ફૂટ ઊંચું મંદિર બનાવવાનું છે. તેના માટે પથ્થર કોતરણીનું કામ પણ અવિરત ચાલુ છે. ગર્ભગૃહ અને પ્રથમ માળના પથ્થરો બનીને તૈયાર થઈ ચૂક્યા છે. આગળ પણ સંતોની બેઠકમાં જે નિર્ણય લેવાશે તેને વિહિપ અનુસરશે.

તો શું આ આંદોલનને લઈ અત્યાર લગી જે પણ ઘટનાઓ બની છે તે સંતોના કારણે બની છે એમ માની લેવું? આ આંદોલનને આગળ વધારવામાં આવશે કે લોકોમાં આ અંગે જાગૃતિ વધે તેવું કરવામાં આવશે ?

૬ ડિસેમ્બરની ઘટના રામજન્મભૂમિને લઈ સમયસર નિર્ણય ન લેવાને કારણે બની હતી. પૂરતા સાક્ષીઓ હોવા છતાં નિર્ણય લેવામાં સતત નિષ્ક્રિયતા દાખવાતાં હિન્દુ સમાજની ધીરજ ખૂટી ગઈ હતી અને ૬ ડિસેમ્બરની ઘટના બની. આના પરથી તમામે શીખ લેવાની જરૂર છે અને રહી વાત સંતોના માર્ગદર્શનની તો જે સંતો કહેશે તે વિહિપ કરશે. સંતો જાગરણનું કહેશે તો જાગરણ અને આંદોલનનું કહેશે તો અમે આંદોલન કરીશું.

હાલ હિન્દુહિતની વાત કરનારા લોકો પોતાની વાત ચોક્સાઈપૂર્વક મૂકે છે. પરંતુ હિન્દુહિતૈષી નથી એવા હિન્દુઓ એટલે કે કથિત સેક્યુલરોને અંગે તમારું વલણ કેવું છે ?

શ્રીરામજન્મભૂમિને રાજનૈતિક દૃષ્ટિકોણથી જોવી એ વાત જ ખોટી છે. દેશમાં એવો સમય ખૂબ જ જલદીથી આવશે જ્યાં તમામે માનવું પડશે કે હિન્દુહિત જ રાષ્ટ્રહિત છે. રાજનૈતિક લાભાલાભમાં રાચતા લોકો આ વાતને હાલ જાણીને પણ માની રહ્યા નથી. પરંતુ ખૂબ જ જલદી એવી પરિસ્થિતિ આવી જશે અને આ હું એટલા માટે કહી રહ્યો છું કે શ્રીરામજન્મભૂમિ આંદોલનને કારણે જ આપણા દેશમાં કેન્દ્રમાં હિન્દુત્વ આવી ગયું છે. આજે હિન્દુત્વને અવગણવાની હિંમત દેશના કોઈપણ રાજકીય પક્ષોમાં નથી.

કેટલાક લોકો રામમંદિરનો મુદ્દો અને સંત સમ્મેલન ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપાને લાભ માટે
હોવાના આરોપ લગાવી રહ્યા છે તેમાં કેટલો સત્યાંશ છે ?

રામજન્મભૂમિ આંદોલન આ દેશમાં ચૂંટણી ન હતી ત્યારનું ચાલે છે. આ આંદોલન કોઈ પક્ષને લાભ પહોંચાડવા માટે નથી. તમામ રાજનૈતિક પક્ષો રાજન્મભૂમિ મુદ્દે એક થઈ મંદિરનિર્માણમાં સહકાર આપે તો કોઈ એક પક્ષને આનો લાભ નહીં મળે.
બીજી વાત કે રામજન્મભૂમિ આંદોલન રાજનૈતિક પ્રશ્ર્ન નથી. તે રાષ્ટ્રીય સ્વભિમાનનો પ્રશ્ર્ન છે. અપમાનનાં પ્રતીકોને દૂર કરી સ્વાભિમાનનાં પ્રતીકોની પુન: સ્થાપના કરવી એ સ્વતંત્રતાની નિશાની છે. ગુજરાતમાં સોમનાથ મંદિરની પુન: પ્રતિષ્ઠા સમયે મહાત્મા ગાંધીએ હરિજન બંધુમાં એક લેખ લખ્યો હતો, જેમાં તેઓએ લખ્યું હતું કે દેશના કોઈ મુસલમાને તેનો વિરોધ ન કરવો જોઈએ કારણ કે તે રાષ્ટ્રીય સ્વાભિમાનનો મુદ્દો છે. સરદાર વલ્લભભાઈ પટેલે પણ આ જ વાત કરી હતી. કપિલ સિબ્બલ કોર્ટમાં કહે છે કે, રામમંદિર મુદ્દે સુનવણી સામાન્ય ચૂંટણીઓ બાદ થવી જોઈએ. એના પરથી સ્પષ્ટ થઈ જાય છે કે, આ મુદ્દે તેમના મનમાં માત્ર રાજનીતિ છે, રાષ્ટ્રહિત નથી. તેઓએ તેમની આ માનસિકતાને બદલવી પડશે. જો નહીં બદલે તો તે ખતમ થઈ જશે.

 
 

જે યુવાઓ વિ.હિ.પ.માં જોડાયા છે તેમની કન્ટિન્યૂટી (સતતતા) જાળવતા તમે કેવા કાર્યક્રમો ચલાવશો ?

જમીની સ્તરે જ્યાં જ્યાં અમારા એકમો છે તે પોતપોતાના કાર્યક્રમોમાં તેમને સતત પોતાની સાથે જોડતા રહે છે. અમે એક કાર્યક્રમ ચલાવીએ છીએ અખંડ ભારત. અમારું માનવું છે કે ભારતનું જે સાર્મથ્ય છે તે હજુ પ્રગટ થવાનું બાકી છે અને તેના પ્રગટીકરણ માટે ભારતનું અખંડ હોવું જ‚રી છે અને આ આકાંક્ષા અહીંના યુવાઓના મનમાં પણ જગાવવી જ‚રી છે. શિક્ષા-સંસ્કાર, ધર્મજાગરણ અને વિશેષ કરીને ગૌરક્ષાના સંદર્ભે વિહિપ બજરંગ દળ એક માત્ર સંગઠન છે, જે કસાઈઓ સામે સીધું ટકરાય છે. જેમનો સંઘર્ષનો સ્વભાવ છે તે આ પ્રકારનાં કામ કરે છે. જેમનો સ્વભાવ સામાજિક સેવાનો છે, તેમના માટે અલગ કાર્યો છે. આવું જ સંસ્કાર જાગરણની બાબતે પણ છે. હાલ વિહિપ ૭૮,૦૦૦ જેટલા સેવાપ્રકલ્પો દૈનિક ચલાવે છે. (શિક્ષા-સ્વાસ્થ્ય-આર્થિક સ્વાવલંબન-મહિલા સશક્તિકરણ - પર્યાવરણ, ધાર્મિક, સામાજિક.)

આગામી થોડાંક જ વર્ષોમાં ભારત સૌથી મોટું યુવા રાષ્ટ્ર બની જશે. ત્યારે સોશિયલની સાથે આર્થિક ક્ષેત્રે યુવાઓ માટે હિન્દુ ઇકોનોમીને લઈને તમારી યોજનામાં કોઈ કાર્યો ?

વિશ્ર્વ હિન્દુ પરિષદના માધ્યમથી ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ અંગે કાર્ય ચાલી રહ્યાં છે. જો કે આર્થિક પ્રવૃત્તિએ અમારા કાર્યોનો મુખ્ય ભાગ નથી. આ માટે હિન્દુ વિચાર આધારે કાર્ય કરવાવાળા અન્ય અનેક સંગઠનો છે. છતાં પણ યુવાઓને કૌશલ્ય વિકાસ જેવાં કામો થકી તૈયાર કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
હાલ વિશ્ર્વના ૨૩ દેશોમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ રજીસ્ટર્ડ છે. હિન્દુ કોમ્યુનિટીએ મલ્ટીનેશનલ કોમ્યુનિટી બની ગઈ હોવાનું ચિત્ર ઊપસી રહ્યું છે. ભારત બહાર વિશ્ર્વમાં લાખો હિન્દુઓ છે. જે ભારતીય મૂળના નથી, પરંતુ તે હિન્દુ છે. અનેક નવહિન્દુઓ પણ ત્યાં બની રહ્યા છે. અમેરિકામાં લગભગ દસ લાખ લોકો દૈનિક યોગાભ્યાસ કરે છે. તાજેતરમાં જ શિકાગોમાં વર્લ્ડ હિન્દુ કોન્ફરન્સનું આયોજન થયું. તેમાં વિશ્ર્વભરમાં વિવિધ ક્ષેત્રે કામ કરતાં હિન્દુ સંગઠનોએ ભાગ લીધો હતો. તેમાં વિહિપની ભૂમિકા મોટી હતી.


વિદેશોમાં વિશ્ર્વ હિન્દુ પરિષદની અસરકારકતા અંગે જણાવશો ?

ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટ્રીમાં ગત વર્ષે ઓસ્ટ્રેલિયન સમાજના ઉત્થાન માટે કામ કરવા માટે વિહિપના કાર્યકરોને સન્માનિત કર્યા હતા, ૫૦ હજાર ડોલરનું અનુદાન આપ્યું હતું. ત્યાં જે હિન્દુશાળા નથી તેમાં પણ વૈદિક શિક્ષણ આપવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ બાબતે ત્યાંની સરકાર વિહિપ સાથે ચર્ચા પણ કરે છે. આ વિહિપ માટે એક મોટી સ્વીકૃતિ છે. ઇંગ્લેન્ડમાં પણ પાઠ્યક્રમોમાં હિન્દુ ધર્મ અંગે કોઈ બાબત કે માહિતી દાખલ કરવું હોય તો વિહિપની અધિકૃત ઓથોરિટી તરીકે સલાહ માંગવામાં આવે છે. કેલિફોર્નિયામાં હિન્દુ ધર્મની લોકપ્રિયતાને કારણે હિન્દુ ધર્મને લઈ ગેરસમજ ફેલાવતી કેટલીક બાબતો તેમના અભ્યાસક્રમમાં દાખલ કરી તેને હટાવવા માટે ત્યાં ખૂબ મોટું આંદોલન ચાલ્યું, જેમાં વિહિપની ભૂમિકા અગ્રેસર હતી. ઘાનામાં હજારો બ્લેક આફ્રિકનો હિન્દુ છે. તેમાના કેટલાક તાજેતરની વર્લ્ડહિન્દુ કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે માત્ર ઘાના અને તેની આજુબાજુના દેશોમાં હજ્જારો આફ્રિકન હિન્દુ બની જીવન જીવી રહ્યા છે. એવા જ અહીં ચીની, હોન્ડુરાઝ, બ્રાઝીલ, મેક્સિકન સહિતના દેશોના હિન્દુઓએ ભાગ લીધો હતો. ત્યાં જે પ્રચાર કરે છે તેઓ હિન્દુ મૂળના નથી.

હાલની પરિસ્થિતિને જોતાં આગામી બે-ત્રણ વર્ષમાં તમે વિહિપનું કેવું ચિત્ર જોઈ રહ્યા છો?

તેના ત્રણ બિન્દુ હોઈ શકે છે. પ્રથમ હિન્દુ સંસ્કારોનું જાગરણ કેટલી દૃઢતાથી અમે કરી કરીશું. હિન્દુ સમાજમાં ગુલામીકાળથી જે કુરીતિઓ આવી ગઈ છે તેને લઈ પ્રબોધન કરી હિન્દુ હિન્દુ એક હોવાની ભાવના અને હિન્દુતત્ત્વજ્ઞાનથી પ્રમાણિત જીવન જીવતો હિન્દુ સમાજ ઊભો કરવો. એ વિહિપના કાર્યનો ખૂબ મોટો પક્ષ રહેવાનો છે. હાલ લગભગ ૪૦ કરોડ લોકો ગરીબી રેખાથી નીચે જીવી રહ્યા છે. અને ૬૦ ટકા લોકો આજે પણ નિરક્ષર છે. ત્યારે આ સમાજના ઉત્થાન માટે સહાય કરી સમાજને પોતાના પગ પર ઊભો કરવો એ અમારો બીજો ધ્યેય છે. હિન્દુ આસ્થા અને સંસ્કૃતિ પર આક્રમણો સામે દીવાલ બનીને ઊભા થવું એ અમારી ત્રીજી અગત્યતા. આ ઉપરાંત ધર્માંતરણને રોકવું અને જે મતાંતરિત થયેલા હિન્દુઓને સ્વધર્મ વાપસીના પ્રયાસો પણ મોટો પક્ષ છે. ગોરક્ષા, હિન્દુ તસ્કરી, મંદિરોની વ્યવસ્થા કેવી રીતે સમાજાભિમુખ બને એ પણ એક મોટો આગ્રહનો વિષય વિહિપનો રહેવાનો છે.

ફેમિલી વેલ્યુઝની વાત કરીએ તો તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા ૪૯૭ (લગ્નેત્તર સંબંધો)ને લઈને જે ચુકાદો આવ્યો છે તેને લઈ વિહિપ કાંઈ આંદોલતનાત્મક કાર્યક્રમ આપવાનું વિચારી રહ્યું છે ?

આંદોલનનો વિષય સૌની સાથે ચર્ચા કર્યા બાદ નક્કી થશે પરંતુ જ્યાં સુધી સુપ્રીમ કોર્ટના ચુકાદાની વાત છે તો તો આ મુદ્દાને પ્રોત્સાહન આપવું એ હિન્દુ ચિંતનનું મૂલ્ય નથી. પરિવાર વ્યવસ્થા માત્ર શારીરિક આકર્ષણનો મુદ્દો બની ન રહે. એ આપણા સંસ્કાર છે. આપણી સંસ્કૃતિમાં વિવાહને સંસ્કાર ગણવામાં આવ્યો છે. આ દૃષ્ટિકોણ તરફ સમાજને લઈ જવો પડશે. આ જ અમારી દિશા રહેવાની છે.

ભારતમાં ૬ લાખથી વધુ ગામો અને ૩૦ લાખથી વધુ મંદિરો છે અને આ મંદિરોએ હિન્દુ આસ્થાને ટકાવી રાખી છે. એક અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશન હોવાને નાતે વિશ્ર્વ હિન્દુ પરિષદ આમાં શું યોગદાન આપશે, જેથી તમામનું યુનિફિકેશન થઈ શકે ?

હાલ ૪-૫ પ્રકારનાં મંદિરો છે. એક સરકારી કબજા હેઠળનાં મંદિરો બીજા કોઈ સંતપરંપરા અનુસાર ચાલતાં મંદિર છે. ત્રીજા કોઈ વ્યક્તિના મંદિર છે અને ચોથા કોઈ પરિવારનાં મંદિર છે. હાલ નવી પદ્ધતિમાં મંદિરો બની રહ્યાં છે. જે કોઈ ન્યાસ કે ટ્રસ્ટને આધીન હોય છે.
વિહિપ સખતપણે માને છે કે સરકારનું આધિપત્ય કોઈ જ મંદિર પર ન હોવું જોઈએ. દક્ષિણ ભારતમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. અહીંના એક એક રાજ્યમાં ૩૦-૪૦ હજાર મંદિરો પર સરકારનો કબજો છે. આ મંદિરો સમાજ હસ્તગત કરવાની વ્યવસ્થાનું નિર્માણ કરવામાં વિહિપ કાર્ય કરી રહ્યું છે. મંદિર આપણા ધાર્મિક સંસ્કારોનું કેન્દ્ર કેવી રીતે બને, સેવાનાં કેન્દ્ર કેવી રીતે બની શકે તે દિશામાં પણ વિહિપ કાર્ય કરી રહ્યું છે. ગુજરાતના એક મંદિરે ૯ હજાર ચેકડેમ બનાવ્યા છે. કેટલાંક મંદિરો ચિકિત્સા સેવામાં પણ અમૂલ્ય યોગદાન આપી રહ્યાં છે. તેના દાખલાં થકી તમામ મંદિરો તેમાંથી પ્રેરણા લે તે દિશામાં પણ કાર્ય ચાલી રહ્યું છે.

હિન્દુત્વનું સૌથી વધુ કામ થયું હોય તો તે ગુજરાતમાં છે આવું કહેવાય છે, ત્યારે આપનો ‘સાધના’ના માધ્યમથી વિહિપના કાર્યકર્તાઓને અને ‘સાધના’ના વાચકોને કોઈ સંદેશ...

હિન્દુ ધર્મના અનુયાયીઓ સામે હાલ જે પડકારો છે તે જોતાં માત્ર એક સંગઠન આ કાર્યને નજીકના સમયમાં પૂર્ણ કરી શકશે તે શક્ય નથી. માટે આ પડકારોને પડકારવાનું કામ એ સંપૂર્ણ હિન્દુ સમાજનું છે. ચાણક્ય કહે છે કે દુષ્ટોની દુર્જનતાથી ભય ન રાખવો. સજ્જનોની નિષ્ક્રિયતાથી ભય રાખો. ગુજરાતી સમાજ સંસ્કારોથી સજ્જ છે. ધર્મપ્રેમી છે, સમાજસેવી છે ત્યારે અહીંનો હિન્દુ સમાજ ખુદના ગામ - મહોલ્લામાં પોતપોતાના રસ મુજબ હિન્દુ સમાજની સેવા અને ધર્મના જાગરણનો વ્યક્તિગત પ્રકલ્પ ઊભો કરશે તો પણ ખૂબ મોટું કાર્ય થશે.