ઈર્ષ્યા - પોતાની નિષ્ફળતામાં સફળતા જોઈ શકે છે અને??

    ૧૯-ઓક્ટોબર-૨૦૧૮   
 
 
 

ઈર્ષ્યા

એક ભવ્ય મંદિરના સુંદર પરિસરમાં ભગવાન ગણેશજીની વિશાળ મૂર્તિ સ્થાપિત કરાઈ હતી. ભક્તજનો વિઘ્નહર્તા વિનાયકના દર્શનથી ધન્યતા અનુભવતા.
 
એક અવળચંડા પ્રવાસીને મૂર્તિના મોટા પેટમાં ઊંડી ડૂટી નજરે ચડી, તેણે પોતાની આંગળી એ ડૂંટીમાં ખોસી. જેવી નાખી કે તરત જ ઝાટકા સાથે પાછી ખેંચી મોંમાં મૂકી દીધી. જે લોકો થોડી નારાજગી સાથે તેને જોઈ રહ્યા હતા તેઓની સામે જોઈને કહેવા લાગ્યો, ‘આંગળી ભારે મીઠી થઈ ગઈ.’
 
હવે, બીજા યાત્રિકોના મનમાં પણ એ મીઠાશ ચાખવાની ઇચ્છા થઈ. સૌ વારાફરતી ડૂંટીમાં આંગળી ખોસતા ગયા. ઝટપટ મોઢામાં મૂકતા ગયા અને ‘જોરદાર મીઠાશ !’ એવું કહેતા ગયા.
 
ત્યાં હાજર સૌએ મીઠાશનો સ્વાદ ચાખી લીધો એટલે સમૂહરુદન આરંભાયું. બધા જ રડવા લાગ્યા, કારણ કે તે બધાને વીછીંએ ડંખ માર્યો હતો.
 
મિત્રો, એ પ્રવાસીઓએ જ્યાં જે નથી કરવાનું એ કર્યું. કુદરતી ન્યાયે સજા મળે જ અને મળી, તો પણ બીજા એ પીડા કેમ પામે એનું પ્લાનીંગ ?
 
વિદ્યાર્થી એક વિષયમાં નાપાસ થયો, મા-બાપે પૂછ્યું, બેટા, કેમ આમ થયું ? વિદ્યાર્થીનો જવાબ હતો : મારો ફલાણો ક્લાસમેટ તો બે વિષયમાં નાપાસ થયો છે ! ઈર્ષ્યા - પોતાની નિષ્ફળતામાં સફળતા જોઈ શકે છે અને પારકાની સફળતામાં નિષ્ફળતા. ઈર્ષ્યાની નકારાત્મક તાકાત તો જુઓ !
 
પારિવારિક, સંસ્થાકીય કે સામાજિક અને રાષ્ટ્રીય સ્તરે ઈર્ષ્યા માત્રને કારણે અસંખ્ય પ્રશ્ર્નો ઊભા થતા હોય છે. દોસ્ત ને દુશ્મન, પોતાનાંને પારકાં બનાવી દે છે, માનવને દાનવ બનાવી દે છે. ઈર્ષ્યા મનનું કેન્સર છે.
 
ઈર્ષ્યાને જીતવાનો ઉપાય છે પ્રેમ. આપણે આપણી જાતને, કુટુંબને, સમાજને અને દેશને ચાહીએ. જ્યાં રોશનીનું કિરણ પ્રવેશે ત્યાં અંધકારને ભાગવું જ પડે !
- નરેન્દ્ર ત્રિવેદી (પાલિતાણા)