ક્રોધ તો હીરો છે એને સંભાળીને રાખવો, પ્રેમ પરચૂરણ છે એને છૂટથી વાપરો

    ૧૯-ઓક્ટોબર-૨૦૧૮   

 
 
 

ગુરુ સાધ્ય છે. સાધન નહીં

ક્રોધ તો હીરો છે, એને સંભાળીને રાખવો. પ્રેમ પરચૂરણ છે, એને છૂટથી વાપરો. ગુસ્સો રંગભૂમિને પણ રણભૂમિ બનાવી દે છે. જેનો ક્રોધ ગયો, એને બોધ થયો.
રામાયણની દરેક ચોપાઈ કલ્પતરુ જેવી છે. એની છાંય નીચે બેસીએ તો ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. રામાયણની ચોપાઈમાંથી જીવનનો બોધપાઠ મળે છે. એ રીતે ચોપાઈ પણ ગુરુસ્થાને છે. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ચરણોમાં બેસવું પડે. પાણી પીવું હોય તો ખોબો નીચે જ રાખવો પડે. પછી તો હું તો ખોબો માગું ને દઈ દે દરિયો જેવી અનુભૂતિ ગુરુ કરાવે છે. સઘળું છોડો તો જ પરમતત્વની પ્રાપ્તિ થાય છે. આ છોડવું સહજ હોવું ઘટે. અન્યથા એ આગળ ઉપર સ્પ્રિંગ બનીને ઊછળશે. હાથમાંથી છૂટે એ ત્યાગ અને હૈયામાંથી છૂટે એ વૈરાગ.
 
વિભીષણ માત્ર રાવણનો ભાઈ નથી. એની એક સ્વતંત્ર ઓળખ છે. પહેલીવાર રામને મળવા આવ્યો તો આકાશમાં ઊભો હતો. પછી ચરણોમાં વસ્યો હતો. મેઘનાદ વિભીષણને બહુ ગાળો આપે છે પણ ઓમ ઇગ્નોરાય નમ: મંત્ર મનમાં ભણી લે છે. દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરે ત્યારે સિંહે એ તરફ લક્ષ આપવાનું ન હોય. જો એમ ન કરે તો સિંહની આબ‚ ઘટે અને દેડકાને પ્રતિષ્ઠા મળે. ઘર કા ભેદી લંકા જાયે કહેવત વિભીષણના સંદર્ભે ખોટી પ્રયોજાય છે. સોનાની લંકા ત્યજીને આવવું એનાથી મોટો કોઈ ત્યાગ નથી. વિભીષણ રામ પાસે કલંક લઈને ગયો હતો અને લંક લઈને પાછો આવ્યો હતો. બુદ્ધિ લઈને ગયો હતો અને પ્રેમભર્યું હૃદય લઈને પાછો આવ્યો હતો. ઘણાને ધર્મમાં રુચિ હોય છે અને ઘણા રુચિ પ્રમાણે ધર્મને લે છે. દેવ બનવામાં કશું કરવું નથી પડતું, માનવ બનવામાં બહુ મહેનત કરવી પડે છે.
 
દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય તે જોયા કરો.
લ્યો હવે કૈલાસ ખુદને કાંધ પર,
રાહ સૌની ક્યાં સુધી જોયા કરો ?
 
કૈલાસ પંડિતની આ ગઝલ પુરુષોત્તમ ઉપાધ્યાયે માલકૌસ રાગમાં કમ્પોઝ કરી છે. આ રાગમાં નારાયણ સ્વામીએ ગયેલી રચનાઓ કેમ ભૂલી શકાય ? આ રાગ શંકરનો પ્રિય છે. સંગીતથી અનેક રોગ દૂર થાય છે. દોષપૂર્ણ વ્યક્તિને પણ ગુરુ સહર્ષ સ્વીકારે છે. ડૉક્ટર પાસે બીમાર માણસ જાય છે. રામાયણ અને ભાગવતમાં બધા પ્રશ્ર્નોના હલ છે. હું ગમે ત્યાં જાઉં, મારી સાથે હંમેશા આ બે ગ્રંથો હોય છે. બંને મારા બાવડાં છે. વૈશાખ મહિનામાં વાલ્મીકિ રામાયણ અને ચૈત્ર મહિનામાં તુલસી રામાયણનો પાઠ કરવાથી જુદી જ અનુભૂતિ થશે. વ્યક્તિત્વ અને અસ્તિત્વ તદ્રુપ થઈ જશે. આસ્થા અને અવસ્થા બંને ભીતરી સમ્પદા સમૃદ્ધ થાય છે.
 
જે દીવાને ગુરુનું રક્ષણ હોય એને કોઈ હવા બુઝાવી ન શકે. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गम्य, मृत्योर्मा अमृतं गमय ॥ સ્વામી રામસુખ મહારાજે કહ્યું છે કે ગુરુમાં મનુષ્યપણુ જોવું એ અપરાધ છે. ગુરુએ આપેલો મંત્ર છોડી દેવો એ પણ અપરાધ છે, મંત્ર સાર્વભૌમ છે. બ્રહ્મલીન પૂજ્યપાદ ડોંગરે મહારાજ કહ્યા કરતા કે મંત્ર, મૂર્તિ અને માળાને બદનામ કરવાં નહીં. ગુરુને ભૌતિક પદાર્થોથી તોલવા નહીં. ગુરુને અંધારામાં રાખવાથી આપણું ભવિષ્ય પણ અંધકારમય થાય છે. નેતિ નેતિના પ્રદેશમાં ઈશ્ર્વર વસે છે. ગંગાસતી કહે છે, ‘કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, ને સમજીને રહીએ ચૂપ રે, મરને આવીને દ્રવ્યનો ઢગલો કરે ને, ભલે હોય મોટો ભૂપ રે.’ અપાત્રની આગળ શાસ્ત્રદાન એ અપરાધ છે. ભેંસ આગળ ભાગવત અને રીંછ આગળ રામાયણ જેવું થાય... અહાલેક જગાવીને, લીરા લીરા, તાર તાર, જીવનની દિશા બદલીને, અલખ જગાવીને જે નીકળી જાય છે એ ગુરુ છે. ગુરુ સાથે અદ્વૈત સંબંધ રાખવો એ અપરાધ છે. ગુરુને નામે પ્રાઇવેટ પ્રેક્ટિસ ન કરવી જોઈએ. ગુરુગંગામાં જે નહાશે સમજો એ ન્યાલ થયો..
 
- આલેખન - હરદ્વાર ગૌસ્વામી