ટ્રાફિક જામનો એક પવિત્ર પિતરાઈ ભાઈ છે ટ્રાફિક સિગ્નલ...

    ૧૯-ઓક્ટોબર-૨૦૧૮   
 
 

 
ત્રિનેત્રેશ્ર્વર દેવ ટ્રાફિક સિગ્નલ અને ચક્ષુસંહિતા

આ શહેર કોના કહ્યામાં રહે છે ? આવો તોફાની વિચાર કરવા જેવો છે. વ્યક્તિની જેમ શહેરનું વ્યક્તિત્વ પણ બદલાતું રહે છે. મોટા શહેરને એનાં પોતાનાં દર્દો હોય છે. અત્યારે હું એક ટ્રાફિક જામમાં ફસાયેલા લોકો સાથે શહેરના આકાશને વાંચવા મથું છું, ગગનચુંબી મકાનો બની રહ્યાં છે, એના બારમા કે ચૌદમા માળે કામ કરતા મજૂરોનો અવાજ પણ સંભળાતો નથી. પણ આ ટ્રાફિક જામમાં શાંત કોલાહલ છે. બધા પોતપોતાના લોખંડી ‚મમાં જાણે ગોઠવાયેલા હોય અને એક મોટો સ્કાયસ્ક્રેપર એપાર્ટમેન્ટ જાણે આડો પડ્યો હોય તેવું દૃશ્ય લાગતું હશે. ક્યારેક તો સમયના ટાયરમાં પંક્ચર પડ્યું હોય એવું લાગે છે. પણ આ ટ્રાફિક જામનો એક પવિત્ર પિતરાઈ ભાઈ છે તે ટ્રાફિક સિગ્નલ. અહીં પણ બધા ઊભા રહે, પણ ટ્રાફિક જામ જેવી અને જેટલી અનિશ્ર્ચિતતા ના હોય, એક પ્રકારની આજ્ઞાંકિતતા જણાય, નાગરિકશાસ્ત્રનું જીવંત ઉદાહરણ શ્ર્વસતું હોય તેવું લાગે. અહીં જેનો હુકમ ચાલે છે એ છે નગરદેવતા ત્રિનેત્રેશ્ર્વર દેવ, ટ્રાફિક સિગ્નલ. આ એક જગાએ શહેર ઊભું રહે છે, થાકેલા હરણની અદાથી. અહીં સામાજિકતા વિનાનો સમૂહ હોય છે, દરેકને પોતાના અવાજો અને એકાંતોમાં ડૂબકી લગાવવાની હોય છે.

આંખો આમ તો માણસના અસ્તિત્વનું પ્રવેશદ્વાર  

આ શહેરના ‘ત્રિનેત્રેશ્ર્વર દેવ’ની ત્રણે આંખો તગતગે છે. આંખો આમ તો માણસના અસ્તિત્વનું પ્રવેશદ્વાર કહેવાયું છે. અહીં ‘આંખનો અફીણી’ ગીત આખું ગાઈ શકે એવા જનસમૂહોને અનેકવાર સુગમ સંગીતના સમારોહોમાં જોયા છે. આ કઈ આંખોની વાત છે ? કાલિદાસ તો નાટકને ‘ચાક્ષુષ યજ્ઞ’ કહે છે. વ્યક્તિની આંખોથી નગરની આંખો અને છેલ્લે બ્રહ્માંડની આંખો એટલે સૂર્ય અને ચંદ્ર. માણસની નજર અને દૃશ્યની એક રેંજ છે, એક વિસ્તાર છે. વહેલી સવારે ઊગેલા મોગરાની આંખોમાં સ્વપ્ન વાંચવાનો તો સમય નથી પરંતુ મોડી સવારે ઝૂકેલી ડાળ પર કિલકિલાટ કરતી ખિસકોલીની આંખોમાંથી વેરાતો વૈભવ સામાન્ય નથી હોતો. જ્યારે ઉપનિષદકાર એમ કહે છે, ‘મિત્રસ્ય ચક્ષુસા પશ્યામહે...’ ત્યારે કયા મિત્રની આંખથી આ જગત જોવાનું સૂચન છે ? મિત્ર એટલે સૂર્યની આંખોથી શ‚ કરો, સૂર્યાવલોકન, પછી સિંહાવલોકન અને છેલ્લે વિહંગાવલોકન. સૂર્ય શું જોતો હશે ? ચંદ્ર કેવી રીતે ઊંઘતા મનુષ્યોના સ્વપ્ાંઓના નિ:શ્ર્વસિત ટુકડાઓને અર્થાવતો હશે ? જગત આમ જોઈએ તો આંખોનો મેળો છે, પંખીની આંખમાંથી નીતરતું આકાશ, ભેંસની આંખમાં તળાવ-સ્નાનના ભીનાશ ભર્યાં શાંતિનાં કુંડાળાં, કૂતરાની હાંફતી આંખોમાં થાકી ગયેલું વફાદારીના વાદળનું એક પૂમડું, આંગણે રમતા બાળકની આંખમાંથી છલકાઇ ઊઠેલું વિસ્મય, નવોઢાની આંખમાં મેંદી મૂકેલો સ્વપ્નાંઓની સંતાકૂકડી, મંદિરના મહારાજની અગરબત્તીનો ધુમાડો ચાવતી આંખો, દુર ઓટલે બેઠેલા માજીની આંખોમાં ડોકિયું કરીને માથું ઓળાવતી ઘડિયાળ. અમદાવાદની પોળ-ગોળ આંખો, મુંબઈની દોડતી આંખો, ભાવનાગરની ભાવસભર આંખો, ગામડાની ગાયોને બોલાવતી ડચકારાના પડઘા જેવી આંખો, યુરોપના કો’ક ઘરડા માણસની ઐતિહાસિક આંખો. આ તો આંખોને વાંચવાનો જ વ્યાયામ છે, જે આંખો આપણને જગત વાંચી આપે છે એમને વાંચીએ તો કશોક નવો જ અનુભવ થાય છે. ક્યારેક આંસુ એ આંખનું ઝાંઝર લાગે એવી ક્ષણોનું સ્મરણ થઈ આવે છે.

 લવ એટ ફર્સ્ટ સાઈટ

હું આંખોને વાંચવા માટે દૃગ-દૃશ્ય વિવેક નામની નાની પુસ્તિકા વાંચું છું, અદ્વૈતવેદાંતીઓએ કેવું અદ્ભુત દર્શન કરાવ્યું છે આ દર્શન કરાવતી આંખો વિશે.. આંખ અને દૃશ્યથી મનુષ્યનું જગત રચાયેલું છે, સમજાયેલું છે. પણ આંખ પોતે પણ એક દૃશ્ય છે, એ તો મન દ્વારા જોવાય છે, મન તો બુદ્ધિ દ્વારા જોવાય છે, બુદ્ધિ પણ જ્ઞાન-અજ્ઞાન એવા વિભાગોથી એક રીતે દેખાય જ છે, એટલે જેને જોનારા ગણીએ છીએ એ બધાને પણ કો’ક જુએ છે. ખરેખર તો અંતિમ ચક્ષુ તો અંત:ચક્ષુ એટલે કે ચૈતન્ય જ છે. આ ચક્ષુસંહિતાનો અંતિમ પડાવ છે. આંખ બંધ કરીને જોઈએ છીએ એમાં જ પ્રકાશિત વસ્તુઓનાં રહસ્યોનો ભેદ ખૂલે છે, સમજાય છે. કદાચ ભ્રૂમધ્ય અને બ્રહ્મરંધ્રની ઉપાસના. અનાહત નાદ અહીં જ ક્યાંક સાંભળી શકાય છે. કદાચ એટલે જ કવિઓએ અનેક યુગોથી આંખો વિશે લખેલું વાંચવાની ઇચ્છા થઈ આવે છે. ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’થી માંડીને ‘બધો આધાર છે એના જતી વેળાના જોવા પર’ સુધીની કવિતાઓએ આપણા ચિત્તનું ચક્ષુરંજન કર્યું છે પણ સાચી વાત તો ગીતાએ કરી છે જ્યારે ભગવાન કૃષ્ણએ એમ કહ્યું કે ‘ય: પશ્યતિ સ: પશ્યતિ’એ જ જુએ છે જે આ રીતે જગતને જુએ છે. એટલે જ અર્જુન જે ‘જો’ અને ‘તો’માં અટવાયેલો હતો એ જોતો થઈ ગયેલો.
 
(અમદાવાદ ખાતે પાર્થિવીના પુસ્તક ‘નજરાણું’ના વિમોચન પ્રસંગે વ્યાખ્યાનના ગૃહકાર્યના અંશો)