ખોટું નિદાન

    ૨૬-ઓક્ટોબર-૨૦૧૮


 

એક દર્દીએ ડૉક્ટરને કહ્યું, ‘શરીરમાં અનેક જગ્યાએ દુખાવો થાય છે.’

જણાવો, કયાં કયાં થાય છે ?’ ડૉક્ટર તરફથી સવાલ કરાયો.

દર્દીએ પગે, ખભે, પેટે એમ અલગ અલગ જગ્યાએ હાથ મૂકી કીધું બધી જગ્યાએ.’ ડૉક્ટરે દર્દીને વધુ જાણવા પૂછ્યું : ‘આપને અગાઉ ક્યારેય આવું થયું છે ? કોઈની દવા લીધી છે ?’

પહેલી વાર થયું છે આવું !’ એવા વિધાન સાથે ટેબલ પર દવાનો ઢગલો કરતાં દર્દીએ ઉમેર્યું, ‘કેટલાયને બતાવ્યું ફેર પડતો નથી.’

ડૉક્ટર ચમક્યા, ‘આટલી બધી દવા ?’

દર્દીએ ભોળાભાવે કહ્યું, ‘જેને બતાવીએ નવી દવા આપે અને જેટલી ફરિયાદ કરીએ એટલી દવા વધારે આપે.’

ડૉક્ટર વિમાસણમાં પડ્યા. નાડ તપાસવા દર્દીનો હાથ પોતાના હાથમાં લીધો ને નજર પડી સૂજી ગયેલી આંગળી પર. બોલી ઊઠ્યા : દુખવાવાળી આંગળી જ્યાં પણ મૂકો, દર્દ તો થાય કારણ કે, દર્દ બીજે ક્યાંય નહોતું માત્ર સૂજેલી આંગળીમાં દર્દ હતું. હકીકતે દર્દનું સ્થાન ઓળખવામાં તમારી ભૂલ થાય છે. નિદાન ખોટું તો તેના આધારે કરાતો ઇલાજ પણ બીજી બીમારીનું કારણ બને.

મિત્રો, સામાજિક અજંપાનું કારણ શોધવામાં અને તેના ઉપચાર શોધવામાં નિષ્ણાંતથી પણ ભૂલ થાય છે એવું નથી લાગતું?

દ્વેષ અને ધિક્કારના આધાર પર અને ખંડનાત્મક પદ્ધતિ પર, વિદ્રોહી તેવર સાથે સંગઠનોનું નિર્માણ થાય ખરું ? હા, સંવેદનહીન સ્વાર્થી ટોળકીઓ રચી શકાય.

જડતા, કામચોરી, વ્યસનો, વહેમો, કોમ કે જાતિ-જ્ઞાતિનું મિથ્યાભિમાન, ઉચ્ચ અભ્યાસ અને ટેક્નોલોજીનો તથા સમાજના સમજુ લોકોનો અનાદર અને ઇન્ટરનેટના જમાનામાં જગતની તમામ સુવિધાની જાણકારી થકી બહુ મોટા વર્ગમાં તે ભોગવવાની ઇચ્છાનું જાગરણ પરંતુ તે પ્રાપ્ત કરવા માટે અનુસરવી પડતી શિસ્ત કે કેળવવી પડતી એકાગ્રતાની અવહેલના છે આપણી આંગળીનો દુખાવો.