ભારતને એક બહેતર દેશ આપણે જ બનાવી શકીએ : એપીજે અબ્દુલ કલામ

    ૦૫-ઓક્ટોબર-૨૦૧૮   

 
 

 
પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક સ્વ. એપીજે અબ્દુલ કલામ

એક વખત હૈદરાબાદમાં ૧૪ વર્ષની એક કિશોરી પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક સ્વ. એપીજે અબ્દુલ કલામને મળી તેણે કહ્યું, તે વિકસિત ભારતમાં રહેવા ઇચ્છે છે. આ પ્રસંગને ટાંકીને અબ્દુલ કલામ અનેક વખત પોતાના ભાષણમાં કહી ચૂક્યા છે કે, એ કિશોરી જેવી દેશની આગામી પેઢીના સ્વપ્નના ભારત માટે આપણે ભેગા મળી આ દેશને વિકસિત કરી શકીએ છીએ. બસ જરૂર છે, સ્વ-અનુશાસનની આપણે ઘણીવાર કહીએ છીએ કે, સરકાર સાવ બેકાર છે. કાયદા જૂના-પુરાણા છે. ચારેય તરફ ગંદકી છે. આપણને આ બધી ફરિયાદો છે, પરંતુ આપણે તેના ઉકેલ માટે શું કર્યું?

આપણે વિદેશમાં જવાબદાર નાગરિક બની શકીએ  

આપણે સિંગાપોર જઈએ છીએ. ત્યા રસ્તા પર ગંદકી નહીં જ ફેલાવીએ, ત્યાંની સ્વચ્છતા અને ટ્રાફિક પાલનનાં ગુણગાન ગાઈશું. લંડનમાં કોઈ કામ કઢાવવા લાંચ આપવાની હિમ્મત ક્યારેય નહીં કરીએ, ત્યાં તમે ટ્રાફિક પોલીસને ક્યારેય નહીં કહો કે, મારી ઓળખ છેક ઊંચે સુધી છે કે હું ફલાણા નેતાનો, અધિકારીનો સંબંધી છું.. આમ બીજા દેશોની વ્યવસ્થામાં આપણે સરળતાથી જોડાઈ જઈએ છીએ ત્યાંના નિયમોનું ચુસ્તપણે પાલન કરીએ છીએ, પરંતુ આપણા દેશમાં હોઈએ ત્યારે ? રસ્તા પર ગંદકી ફેલાવીએ છીએ. નિયમોની ઐસી-તૈસી કરવા લાગીએ છીએ, આપણે વિદેશમાં જવાબદાર નાગરિક બની શકીએ છીએ તો ખુદના દેશમાં કેમ નથી બની શકતા ? આપણા દેશની વ્યવસ્થા સુધારવી હશે તો શરૂઆત ખુદથી કરવી પડશે. એક બહેતર દેશમાં જીવવા માટે આપણે બહેતર નાગરિક બનવું પડશે.