વિભીષણ એટલે બત્રીસ દાંત વચ્ચેની જીભ

    ૦૫-ઓક્ટોબર-૨૦૧૮   

 

 જે ધર્મ વિચારવાની છૂટ નથી આપતો એનું મૂલ્ય અવાવરું વાવથી વધુ કંઈ નથી.

મારી સૌપ્રથમ વિદેશકથા ૧૯૭૬માં આફ્રિકામાં હતી અને ૨૦૧૮માં પણ આફ્રિકામાં કથા હતી. વ્યાસપીઠનું વર્તુળ અહીં પૂરું થાય છે. કેન્યાની ધરતી પર પગ મૂકતાં જ મેં કથા યજમાન કૌશિકભાઈને પૂછ્યું કે અહીં બે ટંકનું જમવાનું ન મળતું હોય એવો કોઈ વિસ્તાર ખરો ?’ એમણે કહ્યું કે ‘હા.’ તો મેં કહ્યું કે ‘આ કથામાં એ વંચિતો માટે ટહેલ નાખવી છે.’ અને મારી આ અરજને લોકોએ વધાવી. નિ:સ્વાર્થ પ્રાર્થના ઈશ્ર્વર તુરંત સાંભળતો હોય છે. વિશ્ર્વકલ્યાણ અર્થે તલગાજરડી વ્યાસપીઠે જે જે કામના કરી છે એ બધી પૂર્ણ થઈ છે. અહીંના લોકો ભોળા છે. કેન્યાનો એક અર્થ નિર્દોષતા પણ થાય છે. વિભીષણમાં પણ ભારોભાર ભોળપણ ભરેલું હતું. એટલે જ આ કથાનું નામ માનસ વિભીષણ રાખ્યું છે. કેટલાક લોકો હાલમસ્ત હોય છે અને કેટલાક લોકો ચાલમસ્ત હોય છે. શિલિંગ ઓછા થાય એટલે શિલિંગ તૂટી હોય એવા ભયભીત થાય છે. આવા લોકો માલમસ્ત હોય છે. દરેક પરિસ્થિતિમાં સમ પર રહે એ લોકો કમાલમસ્ત હોય છે.

ત્યારે વિભીષણની વણખૂલેલી વિશેષતાઓ સમજાશે. 

રામાયણમાં ગોસ્વામીજીએ લખ્યું છે કે ‘નામ વિભીષન જેહી જગ જાના I બીશનુ ભગત બિગ્યાન નિધાના ॥ આપણામાં નિખાલસતા પ્રવેશશે ત્યારે વિભીષણની વણખૂલેલી વિશેષતાઓ સમજાશે. સૌને પોતપોતાનો વિભીષણ છે. કેટલાક એને ચૂપ કરી દે છે અને કેટલાક જીવંત રાખે છે. જેનામાં જરા પણ કઠોરતા નથી એ વિભીષણ છે. એના ઘરમાં રામ નામ લખ્યું હોવા છતાં રાવણે વિરોધ નહોતો કર્યો. આ તંદુરસ્ત વાતાવરણ દરેક પરિવારમાં હોવું જોઈએ. દરેકની પસંદ-નાપસંદનું સન્માન હોવું જોઈએ. કદાચ રાવણે પૂછ્યું હોત તો કહેત કે ‘રામનો અર્થ થાય છે રા એટલે રાવણ અને મ એટલે મંદોદરી.’ વિભીષણ એટલે બત્રીસ દાંત વચ્ચેની જીભ. વિભીષણની ભૂમિ પણ કેન્યા માફક ફળદ્રુપ હતી. કેન્યામાં તુલસીના ઘેઘૂર વન છે. એના પર બાળકને બેસાડી દો તો પડે નહીં. મોરેશિયસમાં દરેક હિંદુસ્તાનીના આંગણે તુલસી શોભે છે. જે આંગણામાં તુલસીક્યારો હોય ત્યાં પવિત્રતા આપોઆપ જ ઊગી નીકળે છે. તુલસીના પાનને માથા પર, છાતી પર અને જીભ પર મૂકો તો ત્રિવેણીસ્નાન થઈ જાય છે. આયુર્વેદના અજવાળામાં જોશો તો તુલસીનું તેજ દેખાશે. મારાં ભાઈ-બહેનોને વિનંતી છે કે આંગણામાં તુલસી રાખો તો આયખું ચોખ્ખું રાખજો. શરાબમાં તુલસીનું પાન નાખવાથી એ પવિત્ર નથી થઈ જતો. માણસ જાતે નક્કી કરી લે કે સૌને સુખી કરવા છે તો ભગવાનને હેરાન કરવાની જરૂર જ ન પડે. સહજતાના સરનામે નિવાસ કરો એટલે ભયો ભયો. ઈર્ષા જીભથી થાય અને નિંદા જીવથી થાય છે. આ બંનેને માણસ છોડી દે તો જીવન ઉત્સવમય બની જાય છે. આજના આ મોટીવેશનના માર્કેટમાં ‘સૂનો સબકી, કરો મનકી’નું સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે. માળા કરતાં કરતાં કોઈના માળા વીંખી નાખવાનો વિચાર આવે એનાથી પુણ્યને બદલે પાપ થાય છે. એકવીસમી સદીમાં ધર્મનું નવું અર્થઘટન જરૂરી છે. થોડું દિલનું ડાયવર્ઝન લેવું પડશે. હરિના હસ્તાક્ષર લઈ જડ નિયમ તોડે એ જ સાચો ભક્ત. વરસો પહેલાં નરસિંહ મહેતાએ જાગૃતિની મશાલ પ્રગટાવી હતી.

ત્યારે વિભીષણનું વરદાન મળશે... 

‘ઘર ફૂટે ઘર જાય’ એ કહેવત વિભીષણ માટે ખોટી પ્રયોજાય છે. એમની ટીકા કરતા પહેલાં એકવાર એમના ચરિત્રને સમજી લેવું જોઈએ. સોક્રેટિસનો વિરોધ કરનાર જ્યારે એમની સમ્મુખ થાય ત્યારે ચાહક થઈ જતો હોય છે. વિભીષણ સત્યના ગાયક હતા. એને રાવણને અનેકવાર સમજાવ્યો હતો. ઘર છોડવાનું પગલું અંતિમ હતું. હનુમાનજી જ્યારે લંકામાં જાય છે ત્યારે વિભિષણના ઘર નજીકથી પસાર થાય છે તો સાત્વિકતાની સુગંધ આવે છે. હંસને મેં જોયા નથી અને પરમહંસને બહુ જોયા છે. આપણા સૌમાં પણ જ્યારે તાટસ્થ્યનું પલ્લું નમશે ત્યારે વિભીષણનું વરદાન મળશે...
 
- આલેખન : હરદ્વાર ગોસ્વામી