ચાવાળાની દીકરીને અમેરિકા અભ્યાસ માટે બે કરોડ આપશે !

    ૦૫-ઓક્ટોબર-૨૦૧૮   


 
જો તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મોટાં સપનાં જુઓ છો, ને આકરી મહેનત કરો છો, તો કાંઈ પણ અસંભવ નથી. આ વાત ઉત્તર પ્રદેશનાં બુલંદ શહેરના એક નાનકડા ગામમાં રહેતી ૧૭ વર્ષીય સુદિક્ષા ભાટી માટે સાચી સાબિત થઈ, જ્યારે તેને અમેરિકાની એક કૉલેજમાં અભ્યાસ માટે ૧.૯૨ કરોડની શિષ્યવૃત્તિ મળવાનું સુનિશ્ર્ચિત થયું, તમને જણાવી દઈએ કે, સુદીક્ષાના પિતા એક ચાવાળા છે. તેઓ ચા બનાવીને બધાને પીવરાવે છે.
 
સુદીક્ષા ભાટી જેના પિતા બુલંદ શહેરના ધુમ મણિકપુર ગામમાં એક નાનકડી ચાની દુકાન ચલાવે છે, તે સુદિક્ષાને નાણાંકીય સમસ્યાને કારણે ૨૦૦૯માં પોતાની સ્કૂલ છોડવા મજબૂર થવું પડ્યું હતું. પરંતુ તેણે આકરી મહેનત ચાલુ રાખી, તેની આકરી મહેનત અને સમર્પણ ભાવને લીધે તે ૪ વર્ષની ઇન્ટરશીપ કરવા માટે મેસેચુસેટ્સની પ્રતિષ્ઠિત બાવ્સન કૉલેજમાં ગઈ છે.
આ કૉલેજ અમેરિકાની પ્રસિદ્ધ કૉલેજોમાંની એક છે. સુદીક્ષા સીબીએસઈ ધોરણ-૧૨માં ૯૮ ટકા સાથે બુલંદ શહેરની ટોપર પણ છે. તે અન્ય ૨૪ ભારતીય વિદ્યાર્થીઓ સાથે સામેલ થઈ છે, જે આ વર્ષે બાવ્સન કૉલેજમાં ગયાં છે.
 
જો કે બુલંદ શહેરથી બાવ્સન શહેર સુધીની સુદીક્ષાની યાત્રા સરળ રહી નથી. ૨૦૦૯માં વેપારમાં ભારે નુકસાનને લીધે તેના પિતા સ્કૂલની ફી નહીં ભરી શકતાં તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી હતી.
 
સુદીક્ષાએ પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ પોતાના ગામ ધૂમ મણિકપુરની સરકારી પ્રાથમિક વિદ્યાલયમાં કર્યો. તેના પિતાની જાગૃતતાને લીધે સુદીક્ષાએ જવાહર નવોદય વિદ્યાલય અને વિદ્યાજ્ઞાન લીડરશીપ એકેડમીમાં અભ્યાસ માટે એન્ટ્રન્સ એક્ઝામ આપી. પરિણામે ૨૦૧૧માં તેને વિદ્યાજ્ઞાન લીડરશીપ એકેડમીમાં ૧૨મા ધોરણ સુધી વિનામૂલ્યે અભ્યાસ કરવાની તક મળી.
તમને જણાવી દઈએ કે, વિદ્યાજ્ઞાન લીડરશીપ એકાદમીએ બિઝનેસમેન શિવ નાડર દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં અભ્યાસમાં રુચિ રાખનારા આર્થિક ‚પે નબળા ઉત્તરપ્રદેશના ગ્રામીણ વિસ્તારોનાં બાળકોને ફ્રીમાં અભ્યાસ કરવાનો મોકો મળે છે.
 
સુદીક્ષાની સાથે જ સ્કૂલનાં અન્ય ત્રણ બાળકોને અમેરિકાની જુદી જુદી કૉલેજોમાં શિષ્યવૃત્તિ મળશે. ૨૦૧૭માં સુદીક્ષાએ SATની પરીક્ષા પણ આપી હતી, તેમાં તે સારા માર્ક્સ સાથે પાસ થઈ હતી.