બાળપણ અને યુવાનીની ગેમ ઓવર કરી રહી છે પબજી ગેમ

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૮   

 
પબજી ગેમ માનસિક બિમારી છે ! ક્યાંક તમે તો આ બિમારીમાં ફસાયા નથી ને? 

પબજી ગેમનો યુવાનોને એવો ચસ્કો લાગ્યો છે ત્યારે પબજી ગેમની ચોંકાવનારી ઘટનાઓ રોજ સામે આવી રહી છે. એવું પણ જાણકારો કહી રહ્યા છે કે આ ગેમ દારૂ અને ડ્રગ્સ કરતાં પણ વધુ ખતરનાક હોવાનું બહાર આવ્યું છે. તે ઉપરાંત આ ગેમ હત્યા કરવા સુધી મજબૂર કરી શકે છે.
 
મધ્યમ કક્ષામાં પણ માંડ ગણી શકાય એવા શહેર ખેડાની એક સ્થાનિક સોસાયટીની બહાર બાંકડા પર ૪-૫ લબરમૂછિયા યુવાઓ બેઠા છે.. એ તમામ મોબાઈલમાં વ્યસ્ત છે. એમાંનો એક યુવા અચાનક જ બોલે છે એપ જલદી મને કવર કર. ત્યાં ગન પડી છે. જલદી લઈ લે. અલ્યા, બધા સાથે રહેજો. આ બાંકડાની બરોબર બાજુમાંથી પસાર થતા રોડ પર રાત્રે ટહેલવા નીકળેલ કેટલાક યુવાઓ વિચારમાં પડી ગયા કે આ લોકો શું બબડી રહ્યા છે. તરત જ એક જણ બોલી ઊઠે છે. તને ખબર નથી ? એ તો પબજી રમી રહ્યા છે. આખી દુનિયા હાલ આ ગેમ પાછળ ગાંડી બની છે. મેટ્રો શહેર હોય કે પછી મધ્યમ કે નાના અરે છેક ગામડાં સુધી હાલ આ દૃશ્યો સામાન્ય બની ગયાં છે. પબજી એટલે કે ‘પ્લેયર અનનોન્સ બેટલ ગ્રાઉન્ડ’. નામ પરથી જ અંદાજ આવી જાય છે કે આ ગેમ હિંસા અને મારફાડથી ભરપૂર છે. ભારતના કરોડો યુવાઓને આ ગેમનું જાણે કે વળગણ વળગ્યું છે. કોલેજિયન્સથી માંડી શાળામાં ભણતા ટીનએજર્સને પણ આ મોબાઈલ ગેમની રીતસરની નશા જેવી લત લાગી છે. આ ગેમ રમનારા એમાં એવા તો ખોવાઈ જાય છે કે, તેઓને ન તો સમયનું કે, ન તો આસપાસનું ભાન રહે છે. છેલ્લા થોડાક સમયમાં આ ગેમની આડઅસરોના કેટલાક કિસ્સાઓ પર નજર કરીએ.


પબજી રમવાની ના પાડતાં ઘર છોડ્યું

ગુજરાતના વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારનો કિસ્સો છે. જ્યાં મોબાઈલ પર સતત પબજી ગેમ રમવાની લતે ચડેલા એક ૨૦ વર્ષીય યુવાનને પિતાએ આ બાબતે ઠપકો આપતાં તેણે ઘર છોડી દીધું હતું. આ યુવાન કાંઈ સામાન્ય યુવાન ન હતો. તે અહીંની એમ. એસ. યુનિવર્સિટીમાં સાયન્સ વિભાગમાં બીસીએનો અભ્યાસ કરતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ તે છેલ્લા કેટલાક સમયથી સાવ બદલાઈ ગયો હતો. આખી રાત પોતાના મિત્રો સાથે ઓનલાઇન પબજી ગેમ રમ્યા કરતો હતો. પરિણામે તે ભણવામાં પણ પછડાઈ રહ્યો હતો. પરીક્ષાને કારણે તેનાં માતા-પિતાએ તેનો મોબાઈલ લઈ લેતાં તે ૨૯ નવેમ્બરના રોજ ઘર છોડી ક્યાંક ચાલ્યો ગયો.
 

 

ગેમ રમવાની ના પાડતાં વિદ્યાર્થીનો આપઘાત

ગુજરાતના જ રાજકોટ શહેરનો એક આઘાતજનક પ્રસંગ છે. અહીંના સામાકાઠા વિસ્તારમાં ફોનમાં ગેમ રમવાની ના પાડતાં ધો. ૯માં અભ્યાસ કરતા ૧૫ વર્ષના એક કિશોરે આત્મહત્યા કરી લીધી હતી. આ કિશોરે આવું પગલું શા માટે ભર્યું ? તેના પિતા કહે છે કે, તેમનો પુત્ર ભણવામાં ઘણો જ હોશિયાર હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે મોબાઈલ ફોનમાં ગેમ રમવાને રવાડે ચડી ગયો હતો. તે દિવસે સતત મોબાઈલમાં રચ્યોપચ્યો રહેતો અને મોડી રાત્રે પણ નેટ ચાલુ કરી ઓનલાઈન ગેમ રમ્યા કરતો હતો. તેની આ આદતે હદ વટાવી ત્યારે મેં તેને મોબાઈલના બદલે ભણવામાં ધ્યાન આપવાનું કહી ઠપકો આપતાં તેણે આ પગલું ભર્યું હતું.

પબજીની લતે યુવકે માતા-પિતા અને બહેનની હત્યા કરી

માત્ર ગુજરાતમાં જ નહીં, ગુજરાત બહાર પણ પબજી ગેમ કેવો હાહાકાર મચાવી રહી છે તેનો દાખલો તાજેતરમાં દિલ્હીમાં જોવા મળ્યો. અહીંના વસંતકુંજના કિશનગઢમાં ૧૯ વર્ષના સૂરજ નામના એક યુવકે પોતાનાં માતા-પિતા અને બહેનની હત્યા કરી દીધી. પોલીસની પૂછતાછમાં જે બાબત સામે આવી તે સાંભળી પોલીસ પણ ચોંકી ઊઠી હતી કે કોઈ ગેમની લત કોઈ યુવાનને આટલી હદે ક્રૂર કેવી રીતે બનાવી શકે ? આ યુવાએ કબૂલ્યું હતું કે, તેને ઓનલાઈન પબજી ગેમ રમવાની લત હતી અને આ માટે તેણે મહરૌલી વિસ્તારમાં ભાડે રૂમ પણ રાખ્યો હતો, જ્યાં તે અને તેના મિત્રો શાળામાં ગેરહાજર રહી આખો દિવસ પબજી ગેમ રમતા હતા. પિતાને આ વાતની જાણ થતાં તેઓએ તેને ધમકાવ્યો હતો, પરિણામે ગુસ્સામાં તેણે આખા પરિવારની હત્યા કરી દીધી હતી.

બેંગ્લોરના યુવાઓ પણ આ લતની ચપેટમાં

ભારતના આઈટી હબ ગણાતા બેંગ્લુરુમાં યુવાઓ પર પણ પબજી ગેમનો નશો હાવી થવા લાગ્યો છે. આ આદત તેમના શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરી રહી છે. પ્રાપ્ત જાણકારી મુજબ આ ગેમની લતને કારણે મેન્ટલ હેલ્થ કંડિશનના અત્યાર સુધી ૧૨૦ જેટલા કેસો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સના ધ્યાનમાં આવ્યા છે. આવા જ એક કેસની વાત કરતાં અહીંના તબીબ મનોજભાઈ જણાવે છે કે હાલમાં જ ૧૯ વર્ષના એક યુવકને તેનાં માત-પિતા મારી પાસે લાવ્યા હતા. એ યુવક રાતના ૪ વાગ્યા બાદ આ ગેમ રમવાનું શરૂ કરતો હતો. જેથી તે યુરોપના પ્લેયર્સ સાથે આ ગેમ રમી શકે, જેને કારણે તેની ઊંઘવાની પેટર્ન (રીતભાત) જ બદલાઈ ગઈ. તે બપોરે ૧૨ વાગે ઊઠતો, ત્યાર બાદ પણ સતત ગેમ જ રમ્યા કરતો, જેનું પરિણામ એ આવ્યું કે, તે કૉલેજમાં સતત ગેરહાજર રહેવા લાગ્યો. તેના માર્ક્સ પણ ઓછા આવવા લાગ્યા. જ્યારે તેનાં માતા-પિતા તેને ગેમ છોડવાનો ઠપકો આપતાં ત્યારે તે ખૂબ જ એગ્રેસિવ થઈ જતો.
 
આ કેસ અમારા માટે ખૂબ જ ક્રિટિકલ હતો. જો અચાનક તેના પર ગેમ છોડવાનું દબાણ કરવામાં આવે તો કદાચ તેની અવળી અસર પણ પડી શકે માટે અમે તેને એકદમ ગેમ છોડી દેવાની સલાહ આપવાને બદલે તેને માત્ર સાંજે-સાંજે જ ગેમ રમવાની સલાહ આપી. આમ ધીરે ધીરે તેની સ્લીપીંગ પેટર્ન સામાન્ય થવા લાગી. તેનાં માતા-પિતાને તેની સાથે વધુમાં વધુ વાત કરવાની અને સમય પસાર કરવાની સલાહ આપી. યુવકને ગેમ રમ્યા બાદ લગભગ ૧૦ વખત આંખો પટપટાવવા અને હાથ અને કાંડા ફેરવવા જેવો વ્યાયામ કરવાની સલાહ આપી, પરિણામે તેનું એગ્રેસન ઓછું થવા લાગ્યું.
ડૉ. મનોજ કહે છે કે, ગેમ રમવાની લતે ચડેલા યુવા મેન્ટલ હેલ્થ કંડિશનથી પીડિત બને છે. તેનો કોઈ જ ઇલાજ નથી. આ સમસ્યાને દૂર કરવા માટે લાંબા ધૈર્યની જરૂર પડે છે.
 

 

ટોઇલેટમાં કલાકો સુધી મોબાઈલ પર ગેમ રમવાનું પડ્યું ભારે...

મોબાઈલ પર ગેમ રમવાની લત કેટલી હદે નુકસાનપ્રદ થઈ શકે છે. તેનો એક ભયાનક પ્રસંગ ચીનના બિજિંગ શહેરમાં બન્યો છે. આ કિસ્સો સમગ્ર વિશ્ર્વમાં હાલ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બિજિંગમાં રહેતો એક વ્યક્તિ ટોઇલેટમાં ઓનલાઈન ગેમ રમવામાં એટલો તો મશગૂલ થઈ ગયો કે તેને સમયનું ભાન જ ન રહ્યું અને કલાકો સુધી ટોઈલેટમાં જ પુરાઈ રહ્યો. આ વ્યક્તિને રેક્ટલ પ્રોસેસનો સામનો કરવો પડ્યો. રેક્ટલ પ્રોલોટસ એવી અવસ્થા હોય છે જેમાં મોટા આંતરડાના છેડ જોડાયેલ મળાશય પોતાની પક્કડ ગુમાવી (છોડી) દે છે અને તે મળદ્વારથી બહાર આવી જાય છે. ઘટના બાદ પીડિતને હૉસ્પિટલમાં સર્જરી કરવી પડી હતી.

શું છે આ પબજી ગેમ

અત્યારે પોકેમોન ગો પછી પબજીની બોલબાલા છે. છેલ્લા આંકડા મુજબ દરરોજ ૨૦ મિલિયન એટલે કે ૨ કરોડ લોકો આ ગેમમાં એક્ટિવ હોય છે. આ આંકડામાં ચીન, જાપાન અને કોરિયાના પબજીપ્રેમીઓનો સમાવેશ થતો નથી. એન્ડ્રોઇડના પ્લેટફોર્મ એટલે કે ગૂગલ પ્લે સ્ટોર પર અને એપલના ઍપ સ્ટોર પર આ ગેમ હજુ માર્ચ, ૨૦૧૮માં રિલીઝ થઈ છે. માત્ર છ મહિનામાં આ બંને પ્લેટફોર્મ પરથી ૧૦૦ મિલિયન એટલે કે ૧૦ કરોડ લોકોએ આ ગેમ ડાઉનલોડ કરી છે. આ આંકડો રોજેરોજ વધી રહ્યો છે. એવું નથી કે પબજી મોબાઇલ પર સૌથી ડાઉનલોડ થયેલી ગેમ છે, પણ માત્ર થોડા મહિનામાં તેનો જે ક્રેઝ છે તે અભૂતપૂર્વ છે. પબજીના ચાહકો પબજીને ટક્કર આપે તેવી ફોર્ટનાઇટ ગેમની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પણ એવું તો શું છે પબજીમાં કે તેને એકવાર રમનારા પણ ઍડિક્ટ થઈ જાય છે ?
 
પબજી એક બેટલ ગ્રાઉન્ડ અથવા તો સર્વાઇવલ ગેમ છે જેમાં તમારે કમાન્ડોની જેમ દુશ્મન સામે લડવાનું છે અથવા ખપી જવાનું છે. ગેમની શ‚આતમાં તમને અન્ય ૯૯ લોકો સાથે એક પ્લેનમાં મોકલવામાં આવે છે. એક રશિયન આઇલેન્ડ પર તમારે ખાલી હાથે લેન્ડ કરવાનું છે. જો તમે એકલા રમતા હો તો બાકીના ૯૯ અને ચારની સ્ક્વોડ બનાવીને રમતા હોવ તો ૯૬ તમારા દુશ્મન છે. સ્ક્વોડમાં રમતા પ્લેયર્સ એકબીજા સાથે લાઇવ ચેટ કરી સ્ટ્રેટેજી બનાવી શકે છે. રેન્ગલ મેપ ગેમનો હિસ્સો છે અને તેની પાછળ એક સ્ટોરી પણ છે, વર્લ્ડ વોર ૨ દરમિયાન સોવિયત સેના દ્વારા આ આઇલેન્ડ ઉપર કબજો કરવામાં આવ્યો હતો. રશિયનો ત્યાં જૈવિક અને રાસાયણિક શસ્ત્રોનું પરીક્ષણ કરતા હતા, અહીંના લોકોએ સોવિયેત સેના ઉપર હુમલો કર્યો અને એટલે જ ગેમમાં ખંડેર જેવાં ઘર, ભંગારમાં ફેરવાયેલાં વાહનો, ફેક્ટરીઓ, મિલિટરી બેઝ, તૂટેલાં વિમાનનો કાટમાળ વગેરે જોવા મળે છે. જંગલ, સરોવર, ડુંગરાળ પ્રદેશો છે. લેન્ડ કર્યા બાદ તમારે નજીકમાં જે ઘર હોય તેમાં ઘૂસીને વિવિધ પ્રકારની ગન, પિસ્તોલ, કારતૂસ, ગ્રેનેડ, બેન્જેજ, પેઇન કિલર, એનર્જી ડ્રિન્ક, હેલ્મેટ, જેકેટ વગેરે લડવા માટે જરૂરી શસ્ત્રસરંજામ લેતા જવાનું છે.
 
બસ, પછી સામે જે આવે તેને મારતા જવાનું છે અને ભાગતા રહેવાનું છે. કોઈને મારો તો તેની પાસેની ગન સહિતની ચીજો તમને બોનસમાં મળે છે. ભાગવા માટે બાઇક, કાર, વાન જેવાં વાહનો પણ પડ્યાં હોય છે. નજર સતત ચારેબાજુ દોડાવતા રહીને તમારે ગેમ પૂરી ના થાય ત્યાં સુધી જીવતા રહેવાનું છે. ગેમમાં બ્લુ ઝોનથી બચવાનું હોય છે. આ ઝોનમાં ચારે બાજુ શક્તિશાળી ઇલેક્ટ્રિક કરન્ટ વહેતો રહે છે. ત્યાંથી ભાગવા માટે તમારે કોઈ પણ વાહન મેળવવું પડે છે. બ્લુ ઝોનમાં સપડાયેલો પ્લેયર ધીમે-ધીમે મોતને ભેટે છે, ત્યારે છેલ્લે સુધી જીવિત રહેનારને ઇનામમાં ચિકન ડિનર મળે છે. પબજી ઓનલાઇન ગેમ છે જે દક્ષિણ કોરિયાની બ્લુહોલ કંપનીએ બનાવી છે. જોકે તેના જનક છે વેબ ડિઝાઇનર બ્રેન્ડન ગ્રીન. તેમણે પીસી માટે ૨૦૧૩માં ડે ઝેડ : બેટલ રોયાલ ગેમ બનાવી હતી. ગેમની પ્રેરણા બ્રેન્ડનને જાપાનીઝ ફિલ્મ બેટલ રોયાલ પરથી મળી હતી. ફોટોગ્રાફર તથા ગ્રાફિક ડિઝાઇનર એવા ગ્રીન આયર્લેન્ડના છે અને બ્રાઝિલમાં રહેતા હતા ત્યારે ડેલ્ટા ફોર્સ : બ્લેક હોક ડાઉન તથા અમેરિકાસ આર્મી ગેમ રમતા હતા. તેના પરથી ગ્રીનને વધુ સારી ગેમ બનાવવાનો વિચાર આવ્યો. ગ્રીને છેવટે આર્મી અને ડે-ઝેડ જેવી ગેમ બનાવી. તેને અપડેટ કરી અને સોની કંપનીએ તેને ગેમ બનાવવાની ઑફર કરી. જોકે વાત જોઈએ એવી જામી નહીં અને ગ્રીન દક્ષિણ કોરિયા જતો રહ્યો. દરમિયાન તેની મુલાકાત ગેમિંગની દુનિયાની જાણીતી કંપની બ્લુહોલના ચેંગ હાંગ સાથે થઈ. બંનેએ ભેગા થઈને પબજી ગેમ બનાવી. આ ગેમનું પીસી વર્ઝન અને તે પછી એક્સ બોક્સ તેમજ પ્લે સ્ટેશન વર્ઝન રિલીઝ થતાં ગેમિંગના ચાહકો રીતસર ઝૂમી ઊઠ્યા.
 
પબજીને રાતોરાત સફળતા મળી અને તેની લાખો કોપી વેચાઈ. પબજી તે વખતની હોટ ગેમ જેવી કે લીગ ઓફ લિજેન્ડ, ડોટા-૨, કાઉન્ટર સ્ટ્રાઇક, કોલ ઓફ ડ્યૂટીને પછાડીને નંબર વન બની ગઈ. મજાની વાત એ છે કે મોબાઇલ પર સૌથી વધુ ડાઉનલોડ થયેલી ગેમ્સમાં પબજી નંબર વન નથી, પણ તે દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. ઓનલાઇન મોબાઇલ ગેમ્સમાં એકસાથે સૌથી વધુ ૧૩ લાખથી વધુ પ્લેયર એકસાથે રમ્યા હોય તેવો પબજીનો રેકોર્ડ છે. ગૂગલ પ્લે સ્ટોરની ઓલટાઇમ હોટ ફેવરિટ લુડો, સબવે સર્ફ, ટેમ્પલ રન, કેન્ડી ક્રશ સાગા, હિલ ક્લાઇમ્બ, ક્લેશ ઓફ ક્લેઇન્સ, ક્લેશ રોયલ, તીન પત્તી, મિલી મિલીશિયા સહિત ઢગલાબંધ ગેમ્સ છે. જોકે પોકેમોન ગો પછી પબજી એવી ગેમ છે જેનો હાલ જબરદસ્ત જુવાળ છે. આમ તો પબજીની કેટેગરીની ગણાય તેવી બેટલ ગ્રાઉન્ડ કે સર્વાઇવલ ગેમ્સનો ગૂગલ અને એપલના ઍપ સ્ટોર પર તોટો નથી અને લાખો ગેમ્સના શોખીન તેના પણ દીવાના છે. હજુ આપણે આગળ જેની વાત કરી તે ફોર્ટનાઇટ ગેમ હજુ મોબાઇલના પ્લેટફોર્મ પર આવી નથી. અત્યારે આ વીડિયો ગેમ પીસી પર જ રમી શકાય છે.
 

 
 

ખેલાડીઓના પાંચ કુટિલ નુસખાઓ

PUBG એક સર્વાઇવલ ગેમ છે, જ્યાં તમારી સાથે ૯૯ ખેલાડીઓને પ્લેનમાં રાખવામાં આવે છે. બાદમાં તેમને બાકીના ખેલાડીઓ સાથે કોઈ આઈલેન્ડ પર ઉતારવામાં આવે છે. જે ખેલાડી છેલ્લી ઘડી સુધી ગેમમાં ટકી રહે તે જીતે છે. આ ગેમને રમવાના ત્રણ પ્રકાર છે. સોલો (એક ખેલાડી), ડ્યુઓ (બે ખેલાડી) અને સ્ક્વોડ (ચાર ખેલાડી). આ ગેમમાં સફળ થવાના પાંચ કુટિલ નુસખાઓ જોઈએ.

સલામત લેન્ડિંગ

આ ગેમમાં સાથી ખેલાડીઓ સાથે ઊડતા સૌથી પહેલાં સલામત ઉતરાણ ક્યાં કરવું તેનો નિર્ણય કરવાનો હોય છે. ખેલાડીઓ જોર્ગોપુલ કે ક્વેરી જેવી જગ્યાએ ઊતરવાનું પસંદ કરે છે, જેથી આરામથી શ્રેષ્ઠ વસ્તુઓ શોધી શકાય.

લૂંટની ટિપ્સ

ખેલાડીઓ વધારે વિચારવાનું નથી, પહેલાં જે ગન મળે તે ઉઠાવી લે છે. શ‚આતમાં પિસ્તોલ અને શોટ ગન્સ મળે, ત્રણ પ્રકારના બેગપેક મળે, સ્ટન ગ્રેનેડ, મિલિટરી વેસ્ટ અને હેલ્મેટ મળે. જાતના બચાવ માટે બેન્ડેજ, પેઇનકિલર્સ, એનર્જી ડ્રિન્ક્સ અને મેડિકિટ્સ બેગપેકમાં ભરી લે છે. ગોળી પસંદ કરતાં ધ્યાન રાખે છે અને જેની જ‚ર હોય તે ગોળીઓ જ લે છે.

યોગ્ય કોમ્બિનેશન

ઙઞઇૠ ગેમમાં ફરજિયાત બે પ્રકારની ગન લેવાની હોય છે. ખેલાડીઓ એક સ્નાઇપર ગન અને એક શોર્ટ ડિસ્ટન્સ ગન લે છે. ગેમમાં ૨X, ૪X અને ૮X એમ ત્રણ પ્રકારના સ્કોપ્સ મળે છે. ૪X અને ૮X સ્કોપની મદદથી સો મીટર દૂર રહેલી વસ્તુને તાકે છે.

વાહનની પસંદગી

ગેમમાં મોટરબાઈક, સ્પોર્ટ્સ કાર અને જીપ એમ ત્રણ પ્રકારનાં વાહન મળે છે. જીપ ખેલાડીઓની ફેવરિટ છે. કેમ કે તેમાં તેમને વધુ સુરક્ષા મળે અને તે ચલાવવી પણ ઘણી આસાન છે. એક મેચ સામાન્ય રીતે ૩૦ મિનિટ સુધી ચાલે છે અને ઘણી વખત બહુ લાંબું અંતર કાપવામાં પણ જીપ શ્રેષ્ઠ સાથી બની રહે છે.
 

નકશો

સ્ક્રીનની બાજુમાં રહેલા મેપમાં કોઈ સ્થળને માર્ક કરતાં એક રેખા અંકાઈ જાય છે, જેને ફોલો કરીને એ સ્થળે પહોંચી શકાશે. સેફ ઝોનમાંથી બહાર નીકળી ગયા પછી પણ એ રેખાને સહારે સેફ ઝોનમાં પરત ફરી શકાશે. ખેલાડીઓની નજર હંમેશાં મેપ પર રહે છે. તેઓ મેપને ઝૂમ કરીને જોતા રહે છે. કોઈ નજીકમાં હોય તો લાલ રંગના ફૂટપ્રિન્ટ દેખાતાં તેને ફૂંકી મારે છે.

પબજી ગેમ કેમ ખતરનાક

જે જીવે એ જ સિકંદરના હિંસાત્મક નિયમ પર ખેલાતી પબજી ગેમ રમનાર વ્યક્તિ કોઈપણ મુદ્દે જતું કરવા માંગતો નથી. તેને લડી લેવાનું, સામેવાળાને મારી નાખવાનો હોય છે. ક્યારેક ક્યારેક આવો વ્યક્તિ વિચાર્યું ન હોય તેવી વસ્તુઓથી હુમલો કરી દે છે. પબજી રમનાર વ્યક્તિ ખૂબ જ ઓછી ઊંઘ લેતો હોવાથી તેના માનસિક સંતુલન પર પણ ગંભીર અસરો થાય છે. રમત-રમતમાં આ ગેમ રમવા પ્રેરતા લોકો થોડાક જ સમયમાં એવા તો આ ગેમની લતે ચડી જાય છે કે રાત્રે પણ તેઓને આ ગેમનાં જ સ્વપ્નાં આવે છે.

ઉપસંહાર

એક તારણ મુજબ પબજી ગેમ યુવાનોનું જીવન બરબાદ કરી નાંખે છે ગેમના વળગણે યુવાનોને રીતસર ગાંડા કરી મૂક્યા છે. બાળકો-યુવાનો કલાકો સુધી ગ્રુપમાં રચ્યા-પચ્યા રહે છે. આ ગેમથી યુવાનો માયકાંગલાપણા તરફ ધસી રહ્યા છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ તાજેતરમાં જ પોતાના રિપોર્ટમાં જાહેર કર્યું હતું કે મોબાઈલ ગેમનું એડિક્શન એક માનસિક બીમારી છે. બહુ જ ટૂંકા ગાળામાં પબજી ગેમનું પ્રમાણ ચારે તરફ ફેલાઈ ગયું છે. પબજી ગેમનું પ્રમાણ વધવાને કારણે રમનારના શારીરિક વિકાસને અસર થઈ રહી છે. ચોંકાવનારું તારણ તો એ બહાર આવ્યું છે કે પબજી ગેમ રમનાર લોકો પોતાની એક અલગ દુનિયામાં જીવતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. તે ઉપરાંત તબીબોના જણાવ્યા અનુસાર પબજી ગેમ રમનાર વ્યક્તિનો સ્વભાવ ચીડિયો અને વાત-વાતમાં ગુસ્સે થઈ જાય છે એટલે જ હવે આ ગેમ ઉપર પ્રતિબંધ મૂકવા સરકારને ગંભીરતાથી વિચાર કરવાની જ‚ર છે.
આપણે આપણા યુવાસમાજને વધુ માનસિક રીતે સ્વસ્થ અને સ્થિર બનાવવા સ્ક્રીન આશ્રિત પેઢીની જગ્યાએ સ્વતંત્ર પેઢી તૈયાર કરવા સંકલ્પ કરીએ અને પોતાનાં તથા અન્યોના બાળકોને મોબાઈલ મેનિયામાંથી બહાર કાઢીએ.
 

 

પબજી જેવી ગેઈમ બાળકોને વિકૃત બનાવે છે : ડૉ. મનીષ સનારિયા

મોરબીના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. મનીષ સનારિયા કહે છે કે, ૨૧મી સદીમાં આપણા બાળકોને માત્ર બેક્ટેરિયા અને વાયરસ જેવા ચેપી જીવાણુઓના ખતરા ઉપરાંત સૌથી મોટો ખતરો મોબાઈલ, ટીવી, વીડિયો ગેમ્સ, આઈપેડ બની રહ્યો છે. તબીબી જગત બાળકોના મોબાઈલ મેનિયાથી ચિંતિત બન્યું છે. સ્ક્રિન ડિપેન્ડન્સી ડિસઓર્ડરના નામથી ઓળખાતી બીમારીએ આપણે ત્યાં અસર વર્તાવવાની શ‚આત કરી દેતાં મોરબીના બાળરોગ નિષ્ણાત ડૉ. મનીષ સનારિયાએ ખતરાની ઘંટી વગાડી પબજી જેવી ગેમ બાળકનું માનસ વિકૃત કરી નાખતી હોવાની ટકોર કરી છે.
સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટના આજના સમયમાં સ્માર્ટ અતિરેકને કારણે નાનાં બાળકોમાં સ્ક્રિન ડિપેન્ડન્સી ડિસઓર્ડર નામનો નવો જોવા મળી રહ્યો છે. જે રોગ બાળકોના ચેતાકોષીય વિકાસ તેમજ મગજના વિકાસ માટે ખૂબ જ હાનિકારક હોવાનું સ્પર્શ હૉસ્પિટલના તબીબ ડૉ. મનીષ સનારિયા જણાવી રહ્યા છે.
 
ડૉ. સનારિયાના જણાવ્યા મુજબ હાલમાં આવા અનેક કિસ્સાઓ વારંવાર જોવા મળી રહ્યા છે. સ્ક્રીન નિર્ભરતા એ એક એવો રોગ છે જે ધીમે ધીમે પરંતુ ચોક્કસપણે મગજને હંમેશા નુકસાન પહોંચાડે છે. કેટલાક કિસ્સાઓમાં બાળકો પણ સમાજથી દૂર થઈ જવાનું વલણ જોવા મળે છે. સ્ક્રીનમાંથી નીકળતો વાદળી પ્રકાશ બાળકને ઊંઘી જવાની સમસ્યાઓનું કારણ બને છે અથવા તો બાળક અનિદ્રાના રોગનો ભોગ બને છે અને સ્થૂળતાને પ્રોત્સાહન આપે છે. તેવી જ રીતે પબજી જેવી હિંસક ગેમ દ્વારા બાળકો અને યુવાનોમાં સોશિયોપેથિક (ભારે વ્યક્તિત્વ વર્તન અને વલણ તરીકે વ્યક્તિત્વ વિકૃતિ), વારંવાર ઉશ્કેરાઈ જવું જેવાં લક્ષણો જોવા મળે છે. આ સમસ્યા ખૂબ જ જોખમી છે અને તેની શ‚આતમાં જ સુધારણા અને નિવારણની જરૂર છે.
વધુમાં ડૉ. સનારિયા ઉમેરે છે કે, માતા-પિતા માટે આવા કેક્ટસની કળીઓને નિસ્તેજ કરવા માટે

કેટલીક બાબતોની કાળજી જરૂરી છે, જેમાં -

 
૧. મોબાઈલ અથવા લેપટોપ અથવા આઈપેડ્સમાંથી બધી રમતોને કાઢી નાખો. બાળકો દ્વારા ફક્ત અને ફક્ત શૈક્ષણિક કામ માટે ચલાવવાની મંજૂરી આપવી જોઈએ. તે પણ વડીલની હાજરીમાં.
૨. બે વર્ષનાં બાળકો માટે સ્ક્રીન સમય નક્કી કરવો જોઈએ. ૨૪ મહિનાથી ઓછી ઉંમરના બાળક માટે કોઈ સ્ક્રીન સમય નહીં, ૫ વર્ષના બાળક માટે માતા-પિતા સામે માત્ર ૧ કલાક, ૫ વર્ષથી મોટા બાળકો માટે માતા-પિતા સામે ૨ કલાક.
૩. માતા-પિતાએ પોતાનાં બાળકોની સામે જરૂર પડે ત્યારે જ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ. બાળકો સામે ફેસબૂક-વોટ્સએપ-ઇન્સ્ટાનો ઉપયોગ ન કરવો. બાળકો તેમનાં માતા-પિતાનું વધુ અનુકરણ કરે છે તેથી માતા-પિતા તરફથી થતું વર્તન બાળકોને મોબાઈલનો ઉપયોગ ન કરવા પ્રોત્સાહિત કરશે.
૪. માતા-પિતાએ બાળકોને બહાર જવા અને આઉટડોર રમતો રમવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. સાઈકલિંગ, સ્વિમિંગ અને અન્ય રમતો માટે પ્રોત્સાહિત કરો, ઓનલાઈન અને મોબાઈલ રમતોને બદલે ઇન્ડોર બોર્ડ રમતોની ભલામણ કરવી જોઈએ.

અમારા ગ્રુપની લગભગ ૧૦ ટકા છોકરીઓ આ ગેમ રમે છે

નડિયાદ શહેરની સાયન્સ કૉલેજમાં અભ્યાસ કરતી નંદની ગોસ્વામી નામની વિદ્યાર્થિની કહે છે કે મારા પિતરાઈ મારા ઘરે આવે છે ત્યારે હું માત્ર ઉત્સુકતા ખાતર આ ગેમ રમતી હતી, પણ ધીરે ધીરે મને તેની આદત પડવા લાગી છે. જો કે હાલ હું આ ગેમ રાત્રે અડધો કે કલાક જ રમું છું. તારા ગ્રુપની અન્ય છોકરીઓ આ ગેમ રમે છે? તેના જવાબમાં તે કહે છે કે, બધી જ નહીં પણ ૧૦ ટકા જેટલી છોકરીઓ આ ગેમ રમે છે. મારે દરરોજ બસમાં અપડાઉન કરવાનું હોય છે. હું જોઉં છું કે કૉલેજમાં અને બસમાં ૯૦ ટકા જેટલા છોકરાઓ આ ગેમ રમવામાં લાગેલા હોય છે.

અમારું ૧૦ લોકોનું ગ્રુપ છે

અમદાવાદની આઈટીઆઈમાં અભ્યાસ કરતો હિરેન નામનો વિદ્યાર્થી કહે છે કે અમારું ૧૦ લોકોનું એક ગ્રુપ છે. કેટલાક અમારા મિત્ર છે તો કેટલાક તેમના સંબંધીઓ અમે લોકો લગભગ દરરોજ આ ગેમ રમીએ છીએ, ક્યારેક ક્યારેક તો ગેમ રમતાં સવારના ૪ ક્યારે વાગી જાય છે તેની ખબર પણ પડતી નથી.