વિદેશથી આવતા સર્જકની કૃતિ એક કથા ઉપરાંતની કથા હોય છે....

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૮   

 

દરિયાપારનો શબ્દ....

દરિયાપારથી જે મિત્રો કશીક સાહિત્યિક કૃતિઓ લઈને આવે છે, તે એક વિશિષ્ટ સાંસ્કૃતિક ઘટના બનતી હોય છે. એમાંયે જો કોઈ કવિ કે લેખક સાહિત્યિક વર્તુળમાં મળે ત્યારે એક અનોખું શબ્દાનુસંધાન રચાતું હોય છે. ઘણાં વર્ષોથી આવી ઘટનાઓ બનતી રહી છે. જૂના સમયમાં અમેરિકાથી એક વ્યક્તિ આવે તો મહોલ્લા કે સોસાયટીના લોકો એમને સાંભળવા, ક્યારેક જોવા પણ ભેગા થઈ જતા અને શેમ્પૂ અને બદામ અને કેસરની નાની ડબ્બીઓની લ્હાણી થતી, પણ હવે એવું નથી. હવે, બધું બધે મળે છે. આ એકવીસમી સદી છે અને આ જગત એકદમ નજીક આવી ગયું છે. એક શબ્દ આજકાલ ભારે ફેશનમાં છે, ‘ઇંફોર્મેશન એસેમેટ્રી’ (information asymmetry). એટલે બે વ્યક્તિ અથવા વ્યક્તિસમૂહોમાં માહિતીની અસમાનતા. આપણે આશ્ર્ચર્ય સાથે બધું સાંભળતા અને એ પ્રકારે આ બધી વાતોના આપણા સ્વપ્ અને જાગૃતિ ઉપર છાંટા ઊડતા. ક્યારેક બધું પરિકથા જેવું લાગતું. આજે જગત બદલાઈ ગયું છે. ઇન્ટરનેટ નામની સરસ્વતી શિષ્યા (પટ્ટશિષ્યા ??)એ જગતને ખોલી આપ્યું છે, યુટ્યૂબ ઉપર આખી દુનિયા જોઈ શકાય છે, વ્હોટસ-એપે વિશ્ર્વને સાચે જ ‘દુનિયા મુઠ્ઠી’માં કરી આપી છે. વિડીયો કોલ જેવી સગવડોથી વિરહ જેવો શબ્દ આપણા શબ્દકોષમાં વણવપરાશના ખાનામાં મુકાઈ ગયો છે. ત્યારે કોઈ એન.આર.આઈ. આવે તે ઘટના એક જુદા લેવલ પર, જુદી અર્થછાયાઓ સાથે ઘટતી હોય છે. હવે સ્થૂળ માહિતીને બદલે સૂક્ષ્મ સંવેદનોની આપલે વધી છે, હવે વિસ્મિત જિજ્ઞાસા નથી, પણ ગૂગલમાં ન મળે એવી ઉષ્મા અને ઓળખની નાજુક લાગણીઓની વાત થતી હોય છે. હવે આપણી પાસે પણ પહોળા રસ્તા અને મોટાં એરપોર્ટ છે, કમ્પ્યુટરથી આંજેલી અને મોબાઈલથી માંજેલી યુવાપેઢી છે, આપણે પ્રોફેશનલીઝમનો ખાસ્સો દબદબો મેળવી લીધો છે. અંગ્રેજી ચપાચપ બોલનારથી અંજાઈ જઈએ એવી ભોળી ગ્રામ્યતા ઊડી ગઈ છે. યુવાનોએ દુનિયા જોઈ લીધી છે, ટીવી અને ઇન્ટરનેટથી હવે દુનિયામાં બનતા બધા બનાવો વિષે આપણે પૂરા માહિતગાર છીએ. એટલે આજે દરિયાપારથી કોઈ ગુજરાતી કવિ કે લેખક આવે ત્યારે એક જુદા વિસ્મયથી અને અપેક્ષાથી એને મળીએ છીએ.

‘વિયોગ’ આમ તો ડોક્યુનોવેલની કક્ષામાં આવે તેવી કૃતિ છે

હમણાં અમેરિકાના ખ્યાતિપ્રાપ્ત ઉદ્યોગપતિ રાહુલ શુકલ ગુજરાતમાં છે, એમની પિતૃતર્પણ જેવી સ્મરણકથા ‘વિયોગ’ આમ તો ડોક્યુનોવેલની કક્ષામાં આવે તેવી કૃતિ છે. પિતા ભાનુભાઈ શુક્લ પત્રકાર સુરેન્દ્રનગરના જાહેરજીવનની અગત્યની વ્યક્તિ અવસાન પામે છે એની આસપાસની વેદનાભીની વાતો, સ્મરણો રાહુલભાઈ આ ‘વિયોગ’માં પ્રયોજે છે. પિતા ‘સમય’ (સાપ્તાહિક) ચલાવતા. એટલે લેખકના મનમાં સકારાત્મક પત્રકારિતાની ઊંડી અસર પડી છે. આજે લેખક એસ.એસ.વ્હાઈટ નામની અમેરિકાની ખૂબ જ જાણીતી કંપની ચલાવે છે, અને દુનિયાનાં તમામ વિમાનોમાં (રશિયન મીગને બાદ કરતાં) તેમના સ્પેરપાર્ટ્સ હોય છે અને એમની શુક્લા મેડિસિન્સ જેવી કંપની થકી ઇમ્પ્લાન્ટેડ અંગોને લગતાં યંત્રોથી મેડિકલ ઇક્વીપમેન્ટસ જગતમાં પ્રસરેલો એમનો શબ્દ જ્યારે પોતાના પિતા વિશે લખે છે ત્યારે અશ્રુભીનો લાગે છે. અહીં વતનઝુરાપો કે વિરહવેદના નથી, પણ એક પ્રકારના ખાલીપાનો દર્દ-દસ્તાવેજ છે, એક પ્રકારની વેદના છે જે થોડી સૂક્ષ્મ પ્રકારની છે. વળી, માતા-પિતા સાથેના સંબંધો અને સંવેદનોને શબ્દ સુધી લાવવા મુશ્કેલ હોય છે તેની અભિવ્યક્તિ રાહુલ શુક્લ સરળ ભાષાથી કરે છે. અહીં શૈલીની વિશેષતા એમાં વપરાતી વીઝ્યુલાઈઝેશન ટેક્નીક છે. એ સ્વપ્માં પિતા સાથે વાત કરે છે, અને એમાં જીવંત પાત્રો આવે છે, મૃત્યુ પામેલા પિતા વાત કરે છે. આ રીતે રજૂ થતી ખૂબ જ નાજુક ક્ષણોનું કથન વાચકને પકડી રાખે છે તે તો ખરું પણ મરણોત્તર આ સંવાદો લેખકની અધૂરી રહેલી ઇચ્છા અભિવ્યક્તિ પામે છે. કદાચ એ દરિયાપારથી આ કથા લખવા ના બેઠા હોત અને અહીં જ કો’ક કોર્પોરેટ-મુખિયા બન્યા હોત તો આવું આકલન કરી શક્યા હોત તે એક પ્રશ્ર્ન છે. અહીં વતનઝુરાપાની એક જુદા જ પ્રકારની લાગણી શબ્દ પામે છે.

દરિયાપારના લેખકો ત્યાંની સંઘર્ષભરી જિંદગીમાં સફળતા પામે છે

લેખક અમેરિકન પારદર્શકતામાં જીવે છે એટલે આ પુસ્તક પોતે કેવી રીતે અને શા માટે લખ્યું એ દર્શાવે છે. એમની કેફિયત જે વાંચી છે અને સાંભળી છે એમાં એમની લાગણીશીલતા છલકાયા કરે છે. દરિયાપારના લેખકો ત્યાંની સંઘર્ષભરી જિંદગીમાં સફળતા પામે છે. પછીથી આ પ્રકારના ઊર્મિલ દસ્તાવેજમાં અમેરિકાની કાર્યસંસ્કૃતિ અને એમના મનમાં પડેલા ગાંધી-પ્રભાવિત સંસ્કારોને કેવી રીતે જીવનમાં ઉતારે છે તે રાહુલકથામાંથી જોવા-સાંભળવા મળે છે. એક વૈજ્ઞાનિક અને કોર્પોરેટ જગતના વ્યક્તિ સાહિત્યિક કૃતિ રચે એ બનાવ અગત્યનો છે. આવી કૃતિથી દરિયાપારના આપણા સર્જકોની મનોભૂમિનો પરિચય થાય છે, સચવાયેલી ભાષા અને અસ્મિતાની સુગંધ પણ સાંભળી શકાય છે. લાગે છે, ભાનુ અહીં આથમી ત્યાં ઊગે છે, ત્યાં લખાઈ અહીં પૂગે છે. નીતિન વડગામાની વિખ્યાત પંક્તિ દરિયાની લહેરોની છાલકમાં સંભળાય છે, ‘પોથીને પ્રતાપે ક્યાં ક્યાં પૂગિયાં?’