પ્રગતિના નામે પર્યાવરણની વૈશ્ર્વિક અધોગતિ

    ૧૪-ડિસેમ્બર-૨૦૧૮   

  


ગ્લોબલ કાર્બન પ્રોજેકટ દર વર્ષે વૈશ્ર્વિક પર્યાવરણ અંગે રીપોર્ટ રજૂ કરે છે.

કાર્બન ઉત્સર્જિત કરનારા પ્રમુખ ચાર દેશોમાં ચીન ૨૭ ટકા સાથે પ્રથમ, અમેરિકા ૧૫ ટકા સાથે દ્વિતીય, યુરોપીય સંઘ ૧૦ ટકા સાથે તૃતીય અને ભારત ૭ ટકા સાથે ચોથા ક્રમે છે. ભારત બાદ આ સૂચીમાં ક્રમશ: રશિયા, જાપાન, જર્મની, ઈરાન, સાઉદી અરબ અને દક્ષિણ કોરિયા છે. નોંધપાત્ર સુધારો યુરોપમાં આગલા વર્ષ કરતાં ઓછું પ્રદુષણ. કાર્બન ઉત્સર્જનમાં શેષ વિશ્ર્વના દેશોની કુલ ભાગીદારી, યોગદાન ૪૧ ટકા.વર્ષ ૨૦૧૮માં ભારતમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ૬.૩ ટકાના દરે વધે તેવી શકયતાઓ ય જતાવાઈ. ભારતમાં ૨૦૧૭માં માત્ર ૨ ટકાના દરે કાર્બન ડાયોક્સાઇડ ફેલાતો હતો. કોલસાના કારણે ૭.૧, ઓઈલના કારણે ૨.૯ અને ગેસના કારણે ૬ ટકા કાર્બન ડાયોક્સાઇડ ફેલાતો હતો.

અનેક દેશોની કાર્બન ઉત્સર્જન ઘટાડવાની તૈયારી

પેરિસમાં આયોજિત ક્લાઇમેટ ચેન્જ સમિટમાં ભારતની આગેવાનીમાં અનેક દેશોએ કાર્બન ઉત્સર્જન ઘટાડવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ હજુ પરિણામ જોઈએ તેવું સારું પ્રાપ્ત થયું નથી. ભારત અને ચીન બંનેના કાર્બન ડાયોક્સાઇડનું સૌથી મોટું પરિબળ કોલસો છે. ચીને વિકલ્પ તરીકે સૌર્ય અને પવન ઊર્જાનો ઉપયોગ મજબૂત કરવાની નીતિઓ બનાવી છે. કોલસાનો ઉપયોગ બંને દેશોમાં વધી જ રહ્યો છે. વિશ્ર્વમાં પણ કોલસાનો ઉપયોગ ઐતિહાસિક રીતે ત્રણ ટકાના દરે વધ્યો છે, જે પર્યાવરણ માટે ખતરા સમાન. અમેરિકા આમાંથી બચી ગયું. બહાના અનેક છતાં ત્યાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધતું જાય છે. હવે ૨૦૧૯માં યુએન સમિટમાં આ અંગે નક્કર નીતિ નિર્ધાર થાય તેવી આશા.

ભારતવાસીઓ માટે ચિંતા અને ચિંતનનો વિષય 

ભારત ચોથા ક્રમે હોય એ સ્વાભાવિક જ ભારતવાસીઓ માટે ચિંતા અને ચિંતનનો વિષય. માનવીની પ્રાથમિક જ‚રિયાત હવા, પાણી અને ખોરાક સુધ્ધાં અત્યંત પ્રદૂષિત બન્યાં. ભીની માટીમાં બીજ રોપાય ત્યારથી જ રાસાયણિક ખાતરોનો ઉપયોગ, વધુ પાક મેળવવા અવનવી દવાઓને કારણે ખોરાક પ્રદૂષિત થયા, વાહનોનો ધુમાડો, એસીનો વધતો ઉપયોગ અને વીજળીનો બેફામ ઉપયોગ જેવાં કારણોને લીધે વાતાવરણ ઝેરીલું બન્યું, દરેક રાજ્યમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છતાં ઔદ્યોગિકરણ અને વધુ પડતાં શહેરીકરણમાં દુષિત પાણીનો જથ્થો વધતો જાય છે. તાજેતરમાં આવેલી શંકરની ફિલ્મ ૨.૦માં મોબાઈલના અતિ ઉપયોગથી જીવસૃષ્ટિ અને પર્યાવરણ પર થનારી વિપરીત અસરોને આબેહૂબ વર્ણવી છે. હવે મોબાઈલ પણ પ્રદૂષણ ફેલાવતું મહત્ત્વનું અંગ બની રહ્યો છે.

સમાજે પ્રદૂષણ દૂર કરવા આગળ આવવું પડશે 

આ પ્રદૂષણમાંથી બહાર આવવા માત્ર સરકારે નહીં સમાજે પણ કમર કસવાની છે. રસ્તાઓ અનેક છે. હરિત યોદ્ધા તરીકે ખ્યાત વંદના શિવા પ્રદૂષણ સુધારવા તપ આદરીને બેઠાં છે. પર્યાવરણ પર ગૂઢ અભ્યાસ કરીને ઠેર ઠેર જાગૃતિ ફેલાવતાં વંદનાજીએ રિસર્ચ ફાઉન્ડેશન ફોર સાયન્સ ટેકનોલોજી એન્ડ ઈકોલોજીની સ્થાપના કરી છે. તેઓ જૈવિક ખેતી પર વધારે જોર આપી ખેડૂતોને જાગ્રત કરી રહ્યાં છે. ૧૯૭૦માં ચીપકો આંદોલનમાં જોડાયા પછી વંદના શિવા અને પર્યાવરણ સંરક્ષણ એકબીજાના પર્યાય બની રહ્યાં.

વંદના શિવા આપણને સમજાવે છે 

આપણા સૌમાં એક એક વંદના શિવા મોજૂદ છે. આપણે સૌ પર્યાવરણના પ્રહરી બનીએ. જૈવિક ભોજન મારફત જે રીતે આપણે આપણા ભોજનને સ્વસ્થ રાખી શકીએ છીએ તેમ જૈવિક ખેતી દ્વારા કૃષિપેદાશો સ્વસ્થ રાખી પર્યાવરણ સુધારી શકીએ. વંદનાજી કહે છે, પ્રકૃતિ ખુદ પોતાના દ્વારા નિર્મિત કચરાને ઠેકાણે લગાવી દે છે અને તેને ઉપયોગી બનાવે છે. પશુઓનાં મળ-મૂત્ર, વૃક્ષોમાંથી ખરેલાં પાંદડાંઓ વગેરે સડી જાય પછી ખાતર બની વનસ્પતિ ઉત્પાદનમાં ઉપયોગી થાય છે. મનુષ્યનાં મળ, મૂત્ર તથા ઘન કચરો પ્રોસેસ કરી વાપરી શકાય છે. એ પણ એટલા જ ઉપયોગી છે, પણ આપણે એને નદી-નાળામાં વહાવીને જળને પ્રદૂષિત કરી રહ્યાં છીએ. સરકારી અને સ્વૈચ્છિક અન્ય સંગઠનો દ્વારા સ્વચ્છતા માટે અનેક અભિયાનો છતાં કચરાના ઢગલા વધતા જાય છે. લીલા અને સૂકા કચરાને જુદા તારવવાની તસ્દી સુધ્ધાં ઘણા નાગરિકો ના લે ત્યારે પરિણામ માઠાં જ આવે.

એક એક નાગરિક ગંભીરપણે વિચારીને પગલાં ભરે 

‘પિંડે તે બ્રહ્માંડે’ની ભારતીય સંસ્કૃતિ, ‘સર્વમ્ ખલ્વિદમ્ બ્રહ્મ’ - જડ ચેતન સર્વેમાં બ્રહ્મ જુએ છે, પ્રકૃતિની આપણે પૂજા કરીએ છીએ. કૃષિપ્રધાન દેશમાં નદીને અને ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. પર્વતને પિતા રૂપે અને પંખીઓને ય પ્રેમ કરનારા આપણે પ્રકૃતિદ્રોહ કરીને પર્યાવરણની અવદશા કરી જ ના શકીશે. ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે પ્રકૃતિના મહત્ત્વને સ્વીકારતાં વન્ય જીવ-જંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો ઘડ્યાં, જે આજે ય શિલાલેખમાં જોઈ શકાય છે. એ શિલાલેખોના અક્ષરો આપણા હૃદયમાં કોતરીએ. વનરાજી લીલીછમ્મ, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરના નિયંત્રણ માટેનાં પગલાં, ગ્રીન હાઉસ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્ય્ઓના નિયંત્રણ માટે એક એક નાગરિક ગંભીરપણે વિચારીને પગલાં ભરે અને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી જીવનનો તંદુરસ્તી ઈન્ડેક્ષ ઊંચો આણે...