દેશની કૂલ આવક ૨૨ લાખ કરોડ, દેશના કૂલ ખેડૂતોનું દેવું ૧૪ લાખ કરોડ, શું કરવું જોઇએ.?

    ૧૯-ડિસેમ્બર-૨૦૧૮   

 
દેશની કૂલ આવક ૨૨ લાખ કરોડ, દેશના કૂલ ખેડૂતોનું દેવું ૧૪ લાખ કરોડ, શું કરવું જોઇએ.? દેવું માફ કરી વધેલા ૧૦ લાખ કરોડમાં દેશનો વિકાસ કરવાનો કે પછી?

છેલ્લા બે વર્ષથી આ દેશમાં થઈ શું રહ્યું છે. જે હોય તે દેવું માફ કરવાની વાત કરી રહ્યું છે. ત્રણ રાજ્યોની ચૂંટણી જીત્યા પછી હમણાં જ રાહુલ ગાંધીએ કહ્યું કે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વિજય મળે તો દેશભરના કિસાનોનું દેવું માફ કરવામાં આવશે.
 
આ દેશભરના ખેડૂતોનું દેવું કેટલું છે એ ખબર છે? તે જાણતા પહેલા આવો જાણી લઈએ કે અત્યાર સુધીમાં કેટલું દેવું ક્યાં ક્યાં માફ કરવામાં આવ્યું છે…
# મધ્યપ્રદેશમાં કમલનાથે અંદાજે ૩૩ લાખ ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે. જેનો ભાર રાજ્યની જનતા પર અંદાજે રૂપિયા ૫૬,૦૦૦ કરોડનો ફટકો પડશે.
 
# છત્તીસગઢમાં ભૂપેશ બધેલ સરકારે ૧૬.૬૫ લાખ ખેડૂતોનું રૂપિયા ૬૧૦૦ કરોડનું દેવું માફ કર્યું છે.
 
# આસામની ભાજપ સરકારે રૂપિયા ૨૫,૦૦૦ સુધીનું ૨૫ ટકા મહત્તમ રાહત સાથે આઠ લાખ કિસાનોને ફાયદો થાય એ રીતે રૂપિયા ૬૦૦ કરોડના દેવાં માફીની જાહેરાત કરી છે.
 
# ગુજરાતમાં જસદણ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર-પડઘમ શાંત થાય એ પહેલાં રૂપિયા ૬૩૫ કરોડની રાહત વીજચોરો અને લેણદાર ખાતેદારોને આપવામાં આવી છે.
 
# આ સમાચાર લોકો સુધી પહોંચે ત્યાં સુધીમાં ઓરિસ્સાથી પણ એક સમાચાર આવ્યા કે જો સરકાર ૨૦૧૯માં જીતે તો અહિંના ખેડૂતોનું દેવું પણ માફ કરવામાં આવશે.
 
# આપને જણાવી દઈએ કે 2014થી અત્યાર સુધીમાં 7 રાજ્યોએ અંદાજે 1 લાખ 82 હજાર 802 કરોડ સુધીની રકમનું દેવું માફ કર્યું છે.
 
# આ સાત રાજ્યો એટલે આંધ્રપ્રદેશે ૪૩૦૦૦ કરોડ, ઉત્તરપ્રદેશે ૩૬,૦૦૦ કરોડ, મહારાષ્ટ્રએ ૩૪,૦૨૨ કરોડ, કર્ણાટકે ૩૪૦૦૦ કરોડ, રાજસ્થાને ૨૦,૦૦૦ કરોડ, પંજાબે ૧૦,૦૦૦ કરોડ અને તામિલનાડુએ ૫,૭૮૦ કરોડ….આમ છેલ્લા પાંચ વર્ષમાં ૧,૮૨,૮૦૨ કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું છે.

જો કે આવું પહેલી વાર થયું નથી….

# વર્ષ ૧૯૯૦માં દેશના કિસાનોનું રૂપિયા ૧૦,૦૦૦ કરોડનું દેવું માફ કરવામાં આવ્યું હતું.
# ૨૦૦૮માં મનમોહનસિંઘે દેશના કિસાનોનું રૂપિયા ૫૨,૦૦૦ કરોડનું દેવું માફ કરી દીધું હતું.

આ ચિંતન-મનનનો વિષય છે…..

આ દેશમાં દેવું માફ કરવાની હોડ કેમ જામી છે? જે પક્ષ હોય તે દેવું માફ કરવાની જ વાત કેમ કરે છે? કારણ તમને મળી જાય, જો તમે દેશમાં યોજાયેલ છેલ્લા સાત રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર અને જીતનારી પાર્ટીના વચન પર નજર ફેરવો તો! છેલ્લા બે વર્ષમાં કર્ણાટક, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, તેલંગણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ….આ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ અને આ બધા રાજ્યોમાં એ પક્ષની જ જીત થઈ છે જેણે ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યુ હોય. હવે રાહુલ ગાંધીનું હમણાં જ આવેલું એક બયાન યાદ કરો. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વિજય મળે તો દેશભરના કિસાનોનું દેવું માફ કરવામાં આવશે. હવે સમજાયું કે રાહુલ ગાંધી આ દેશના ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કેમ કરે છે?
 

 
 
લાગે છે કે ચૂંટણી જીતવાનો સક્સેસ મંત્ર આ પક્ષોને મળી ગયો છે અને એ મંત્ર છે “દેવું માફ કરો અને રાજ કરો”
હવે જરા વિચાર કરો કે આ દેશના ખેડૂતો પર દેવું કેટલું છે?
 
હવે જરા વિચાર કરો કે આ દેશના ખેડૂતો પર દેવું કેટલું છે? એક અંદાજ પ્રમાણે આ દેશના ખેડૂતો પર ૧૪ લાખ કરોડનું દેવું છે. જાણીને નવાઈ લાગશે પણ એક રીપોર્ટ પ્રમાણે આ દેશની એટલે કે કેન્દ્રની વર્ષ ૨૦૧૮/૧૯ની કુલ આવક ૨૨.૫૦ લાખ કરોડની હશે.
 
હવે સરવાળો-બદબાકી કરી જુવો. ૨૨.૫૦ લાખ કરોડમાંથી દેવાની રકમ ૧૪ લાખ કરોડ રૂપિયા બાદ કરાવામાં આવે તો કેન્દ્ર પાસે માત્ર ૮.૫૦ લાખ કરોડ રૂપિયા જ વધે. જે આ દેશના વિકાસ પાછળ ખર્ચાશે. બોલો ચાલશે?

મધ્યમવર્ગનું શું?

બીજી વાત એ કે આ દેશમાં જે સૌથી વધારે મહેનત કરી રહ્યો છે અને સૌથી વધારે સરકારને ટેક્સ ભરી રહ્યો છે એ મધ્યમવર્ગનું શું? તેનો વિચાર કોણ કરશે? એક અંદાજ પ્રમાણે આ દેશના મધ્યમવર્ગ પર પણ ૨૦ લાખ કરોડનું દેવું છે. કોઇના પર મકાન માટેની તો કોઇના પર ગાડીની લોન છે. શું આ લોકોનું દેવું માફ ન થવું જોઇએ? શું આ લોકોમાં હવે દેવું માફ થવાની આશા નહિ જાગી હોય? કાલે કોઇ નેતા આવીને આ મધ્યમવર્ગની લોન માફ કરવાનુ વચન આપશે તો? આ મધ્યમવર્ગ એક થઈને રેલી કાઢી પોતાનું દેવું માફ કરવાની માગ કરશે તો? જો આમને આમ ચાલશે તો આ દેશમાં દેવું માફ કરવાની ચળવળો ચાલવા લાગશે. આજે ખેડૂતોનું દેવું માફ થઈ રહ્યું છે કાલે આ મધ્યમવર્ગનું દેવું માફ કરવાની વાત કરનારો કોઇ નેતા આવશે જ. અને આ આખી શ્રેણી શરૂ થશે. બધા જ વર્ગ પોતાનું દેવું માફ કરવાની વાત કરશે અને આપણા નેતાઓ કદાચ સત્તા મેળવવા આવું કરશે પણ ખરા…!!
 

 

નવો મુદ્દો આવશે અને એ હશે કર્જદાર લોકોનું દેવું માફ કરવું….

એવું કહી શકાય કે ભારતમાં આવનારો સમય દેવાદાર માટેનો હશે. ચૂંટણી પણ જાત-પાત-ઊંચે-નીચના મૂદ્દા નહિ રહે અને એક નવો મુદ્દો આવશે અને એ હશે કર્જદાર લોકોનું દેવું માફ કરવું….
 
આ સમય એવો આવશે જેમાં બધાને દેવું કરવું કે લોન લેવાનું મન તો થશે પણ હપ્તા ભરવાનું મન નહિ થાય. હાલ જે રીતે ખેડૂતોનું દેવું માફ થઈ રહ્યું છે તે પરથી લાગે છે કે કોઈ ખેડૂતને લોનના હપ્તા ભરવાનું મન નહિ થાય. થોડો સમય પછી એક અભ્યાસ કરવાની જરૂર છે કે આ દેવું માફ કરવાના ટ્રેન્ડ પછી ખેડૂતોના લોનના હપ્તા ભરવાનો ગ્રાફ કેટલો નીચે આવ્યો. કેમ કે હવે બધા ખેડૂતોને ખબર પડી ગઈ કે લોન લો પછી રાજ્યની ચૂંટણીની રાહ જુવો, કોઇ એક નેતા તો આવશે જ જે લોન માફ કરવાનું વચન આપશે. તેને વોટ આપો અને દેવું માફ કરાવો….
 
અહિં એક પ્રશ્ન થાય કે દેવું માફ કરવાના બદલામાં વોટ મળતા હોય તો આ એક પ્રકારની વોટની ખરીદી ન કહેવાય?
આમાં જે તે નેતા તો જીતી જાય છે પણ દેશ હારી જાય છે. આ વાત કોઇ સમજવા તૈયાર નથી. હમણા જ રીઝર્વ બેંકના પર્વ ગવર્નર રઘુરાજને શું કહ્યું હતુ તેના પર ધ્યાન દોરવા જેવું છે. તેમણે કહ્યું કે “કોઇ નેતા કે પક્ષે ચૂંટણીમાં દેવું માફ કરવાનું વચન આપવું જોઇએ નહિ. દેવું માફ કરવાની સીધી અસર જે તે રાજ્ય પર અને તેની અસર દેશના અર્થતંત્ર પર પડે છે. માત્ર દેવું માફ કરવું એ જ એક વિકલ્પ નથી.”

કે જેથી ખેડૂતો સક્ષમ થાય

રધુ રાજનની આ વાત પણ સાચી લાગે. ક્યાં સુધી દેવું માફ કરતા રહેશો. એના કરતા નીતિ જ એવી બનાવો કે જેથી ખેડૂતો સક્ષમ થાય. તેમને લોન લેવાની જરૂર જ ન પડે. અને લોન લેવાની જરૂર પણ પડે તો તે હપ્તો ભરી શકે તેવા સક્ષમ હોય. પણ શું આવું શક્ય છે? બિલકૂલ શક્ય છે. હા, પણ આ ટૂંકાગાળામા ન થઈ શકે. આનો લાભ ટૂંકાગાળામાં નેતાનો ન થાય માટે કોઇને તેમાં રસ નથી. બધાને ફટાફટ દેવા માફ કરી સત્તા પર બેસી જવું છે. પણ આ લાબાગાળે દેશને નૂકશાન કારક સાબિત થઈ શકે છે…. 
આ વાત ભલે હાલ ખેડૂતોને નહિ ગમે પણ આ લેખ તેમના વિરોધમાં લખાયો નથી. વાત ખેડૂતોને મજબૂત બનાવવાની છે. એવી સ્થિતિ ઉભી કરો કે ખેડૂતોને દેવું જ ન કરવું પડે. બાકી દેવું માફી વિકલ્પ નથી.
 
સાધના સાપ્તાહિકના ફેસબૂક પેજ પર હમણાં સર્વે કરવા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે “શું આ દેશના ખેડૂતોનું દેવું માફ કરી દેવું જોઇએ?” ૧૩૫ લોકોના જવાબ આવ્યા. કેટલાક સરસ જવાબ આવ્યા તમે જ વાંચો. શું કહે છે આ દેશના સામાન્ય લોકો…
 
 
 

 @Kailesh Shanishchara લખે છે કે....

 
દેવું માફ કરવું એ ખોટી પ્રથા છે, કેમકે આ દેવું માફ કરશે તેના રૂપિયા આવશે ક્યાંથી ? આ રૂપિયા ભારત ની મહેનતક્શ જનતાના છે, આ રાજકારણીઓને પ્રજાના પૈસા આ રીતે વેડફી દેવાનો કોઈ હક નથી, જો રાજકારણીઓ આમ જ કરવાના હોય તો પ્રજા એ તમામ પ્રકાર ના ટેક્સ ભરવાના બંધ કરી દેવા જોઈએ.
 
 

Dipak Sindhavad લખે છે કે....

 આ તમામ બોઝ આખરે કોઈના કોઈ રીતે જનતા (એટલે આપણી) ઉપર જ વધવાનો છે. પછી મોંઘવારી મોંઘવારીના બરાડા પડવાનો મતલબ શું? ભારતની જનતા આજ રીતે કામચોર ને માંઈકાંગલી બનતી જાય છે! ને સરકારની યોજના કે પ્રલોભનો ની રાહ જોઈ ને બેશે છે ને કામ ધંધો કરવાને બદલે સરકારી લાભો લેવા લાઈનો લગાડે છે ને ધક્કા ખાઈ છે! સરકાર ખરેખર જનતાનુ ભલુ ઈચ્છતી હોય તો સમાન નાગરીક ધારો લાગુ કરી વધુ ને વધુ રોજગાર ઉભા કરી ભારતની પ્રજાને સક્ષમ બનાવે! તેમાજ ભારત ને ભારતીય પ્રજાનું હીત છે! વંદેમાતરમ્ ...ભારત માતા કી જય ....
 

Hitendra Shelat લખે છે કે....

 
ના દેવું માફ ન કરવું જોઇએ. .ખેડુતો એ પાક સીધો પ્રજા ને વેચવો જોઇએ.તોજ ખેડુત ને અને પ્રજા બંનેને ફાયદો થાય.વેપારીઓ ખેડુત ને ઓછો ભાવ આપી લુટે છે