લંડનના લૂસી કાશીમાં વેદોના પાઠ ભણાવે છે

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૧૮
 

કાશીના કેદારઘાટ પર વહેલી સવારે કોઈ જાય ત્યારે તેમને બાળકોનું એક જૂથ મધુર સ્વરોમાં વેદોનું પઠન કરતું જોવા-સાંભળવા મળે છે. તેમનાં ઉચ્ચારણોને યોગ્ય કરાવતી એક શ્ર્વેત યુરોપીય મહિલા પણ વહેલી સવારના પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કર્યા વગર રહેતી નથી. સફેદ વસ્ત્રો અને ભાલે ચંદન કરેલ આ મહિલા કોઈ દેવદૂત સમાન લાગે છે. આ મહિલા છે લંડનના એચ. લૂસી. તેઓ ભારત આવી પોતાના ગુરુ પાસેથી દીક્ષા લઈ દિવ્યપ્રભા બની ગયાં છે.
સાધ્વી દિવ્યપ્રભાએ લંડનની જગવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરીંગની પદવી મેળવી અને એક અમેરિકન બેન્કમાં ઊંચા પગારની નોકરી મેળવી હતી. પરિવાર પહેલેથી જ સમૃદ્ધ હતો. તેમાં લૂસીની સમૃદ્ધિ જોડાઈ ગઈ, પરંતુ આ સમૃદ્ધિ છતાં પણ લૂસીના મનને શાંતિ મળી રહી ન હતી. મારા જીવવાનો ઉદ્દેશ્ય શો ? આ પ્રશ્ર્ન સતત તેમના મનમાં રમતો હતો. તે દિવસોમાં તેમની મુલાકાત વિશ્ર્વાત્મા બાવરા મહારાજ સાથે થઈ. તેમની સાથે થયેલા સત્સંગથી લૂસી સ્વામીજીના આશ્રમમાં આવવા લાગી. ૨૦ વર્ષ પહેલાં સ્વામીજીએ તેમને દીક્ષા આપી અને લૂસી દિવ્યપ્રભા બની ગયાં. હરિદ્વારમાં સ્વામીજીના આશ્રમમાં સંસ્કૃત શીખ્યા બાદ તે ૨૦૦૩માં સંસ્કૃતના વિશેષ અધ્યયન માટે કાશી પહોંચ્યાં.
સ્વામીજીનો આદેશ હતો કે, દિવ્યપ્રભાએ કાશીમાં રહીને બાળકોને સંસ્કૃતનું શિક્ષણ આપવું. ત્યાર બાદ ચન્દ્રપ્રભાએ ઇન્ટરનેશનલ ચન્દ્રમૌલી ટ્રસ્ટની સ્થાપના કરી અને બાબા વિશ્ર્વનાથ પાસે લાહોરી ટોલામાં બાળકોને સંસ્કૃતનું શિક્ષણ આપવાનું કામ શરૂ કર્યું. હાલ અહીં ૪૦ બાળકો પ્રાચીન ગુરુકુળ પદ્ધતિથી વેદોનું અધ્યયન કરી રહ્યા છે. આ ઉપરાંત ૨૫૦ જેટલાં અન્ય બાળકો પણ અહીં દરરોજ અંગ્રેજી, કોમ્પ્યુટર અને વેદોનું શિક્ષણ લેવા આવે છે. તમામ બાળકોને યોગ અને પ્રાણાયામ પણ શીખવવામાં આવે છે. સાધ્વી ચન્દ્રપ્રભા સહિત ૨૦ શિક્ષકો બાળકોને વેદોના પાઠ ભણાવે છે. સાધ્વી સંસ્કૃત વ્યાકરણ ભણાવે છે.