પરિશ્રમ કરો, આયોજન કરો પણ પરીક્ષાનો ભય મનમાંથી કાઢી નાખો.

    ૨૧-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
તમારામાંના મોટા ભાગના પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હશો. ખરુંને? મને-કમને વાંચવામાં ડૂબેલા હશો. ધો-10 અને 12ની પરીક્ષા શરૂ થનાર છે અને તેના થોડા દિવસો પછી યુનિ. પરીક્ષાઓ અને પછી શાળાઓની પરીક્ષાઓ... ટૂંકમાં પરીક્ષાની મોસમ શરૂ થઈ રહી છે.
 
મિત્રો, પરીક્ષા-ખંડમાં તમારી જે પરીક્ષા થવાની છે તે તો તદ્દન સામાન્ય અને નગણ્ય છે, પરંતુ સાચી પરીક્ષા તો વર્ગખંડ પરીક્ષા પહેલાની પરીક્ષા છે.
 
પરીક્ષા આપતાં પહેલાં તમારી માનસિકતા કેવી છે, મૂડ કેવો છે, અભિગમ કેવો છે, સ્વાસ્થ્ય કેવું છે તે વધુ મહત્ત્વના પ્રશ્ર્નો છે.
 
મિત્રો પરીક્ષાનો તમને ડર છે ખરો? જો તમારો ઉત્તર ‘હા’માં હોય તો તે ખતરનાક બાબત કહેવાય. તમને તમારું શિક્ષણ અથવા તમારી કેળવણી જો ડરતા શીખવતી હોય તો તે કેળવણી શા કામની? તમારી કેળવણીએ તમને નીડર બનાવવા જોઈએ. પરીક્ષારૂપી પ્રયોગશાળામાં જો તમે ડરતા શીખ્યા હો તો માન જો કે ‘જો ડર ગયા, વહ મર ગયા!’
 
પરીક્ષા જો તમને ડરતા શીખવશે તો તમે જીવનમાં નાની-મોટી દરેક વાતમાં ડરતા થઈ જશો. ‘પડી જવાશે તો?’, ‘એક્સિડન્ટ થશે તો?’, ‘નોકરી નહીં મળે તો?’, ‘અમેરિકા જવા નહીં મળે તો?’ ‘મને વેપારમાં નુકસાન જશે તો?’, ‘મને પાર્ટનર દગો દેશે તો?’..... ડરનાર માણસ જોખમ ઉઠાવી શકતો નથી, સાહસ કરી શકતો નથી અને જે સાહસ કરતો નથી તે સફળ બની શકતો નથી. તેથી મિત્રો, પરીક્ષાના ડરને સામાન્ય માનીને અવગણશો નહીં, તે આગળ જતાં તમારા જીવનમાં અવરોધ બની શકે છે.
 
પરીક્ષાનો ‘ડર રાખવો’ એ આજકાલ એક ફેશન બની ગઈ છે અને મોટા ભાગે સંતાનના મસ્તિષ્કમાં આ ડરનાં બીજ માતા-પિતા જ રોપતાં હોય છે, તેઓ જેને પ્રેમ સમજે છે તે સંતાન માટે મુસીબત બની જાય છે. આધુનિક યુગની પરીક્ષા સંતાન કરતાં માતા-પિતાની વધુ હોય છે. ‘આ વર્ષે તો બાબો દસમામાં અને બેબી બારમા ધોરણમાં છે, તેથી અમારાથી કશે ફરવા નહીં જવાય!’ આ આપણા જીવનમાં સંભળાતું જાણીતું વાક્ય છે. તેઓ સંતાનની દરેક હિલચાલ પર નજર રાખતા હોય છે. બિચારાને સતત ભયના ઓથાર નીચે રાખે છે. આજથી સો વર્ષો પહેલાં વિદ્યાર્થીઓ માટે ‘ટેન્શન’ નામનો શબ્દ અસ્તિત્વમાં ન હતો, આજે તે સાર્વત્રિક બની ગયો છે.
 
મિત્રો, તમે કહેશો - ‘ડર ન રાખીએ તો શું કરીએ? બીજો કોઈ વિકલ્પ છે ખરો?’ - ઉત્તર છે - વિકલ્પ છે અને સારો વિકલ્પ છે. પરીક્ષાને જીવનનો એક અવસર માનો. પરીક્ષાનો આનંદથી સ્વીકાર કરો, તેને તમારી જીવનયાત્રાનું એક સ્ટેશન માનો. ડરો તો પણ પરીક્ષા આપવાની છે. ડરશો તો મૂંઝાઈ જશો, મૂંઝાઈ જશો તો આવડતું હશે તો પણ નહીં આવડે. ઘણા મિત્રોની એક સામાન્ય ફરિયાદ હોય છે કે ‘બધું આવડતું હતું પણ પરીક્ષામાં જ ભૂલી ગયો/ગઈ.’ અને ડર વગર હળવા અને પ્રસન્ન હશો તો આવડતું હોય તે યાદ રહેશે અને લખી શકાશે. મહેનત કરો, પરિશ્રમ કરો, ચીવટ રાખો. તેની સામે ક્યાં વાંધો છે? પણ ડરવું નહીં. ડર આત્મવિશ્ર્વાસને શોષી લે છે. પરીક્ષા વખતે પણ થોડું ઘણું રમી શકાય, ગીતો સાંભળી શકાય... જેથી મન પ્રફુલ્લ રહે. મા-બાપ પણ પ્રેમ કરે, સંતાનની થોડી ઘણી ચિંતા કરે, તેમને સહાયભૂત થાય તેમાં ક્યાં વાંધો જ છે? પરંતુ તેને પોતાના પર આધાર રાખતો કરીને, તેને પોતાના વિશ્ર્વાસ પર જીવવા પરતંત્ર બનાવીને તેના પર જીવનભરનો અન્યાય કરવાનું છોડી દે. મિત્રો, યાદ રાખજો કે પરીક્ષા કોઈ રાક્ષસ નથી તે એક અવસર છે, જીવનમાં અગ્રેસર થવાનો એક તબક્કો છે જેનું પ્રસન્નતાપૂર્વક સ્વાગત કરવાનું હોય.
 
પરીક્ષાના સ્પર્ધાના તત્ત્વથી પણ બચવા જેવું છે. સ્પર્ધાનો વિષય નકારાત્મક છે. આજે ચારે તરફ ગળાકાપ સ્પર્ધામાં, દેખાદેખીમાં માણસ ભીંસાઈ રહ્યો છે અને તેની તાલીમ શાળામાં મળે છે. મા-બાપ્ની ઈચ્છા પણ સંતાન તેજસ્વી બને તેવી હોવાને બદલે બીજા કરતાં આગળ નીકળી જાય તેવી હોય છે. બાળકના મનમાં સ્પર્ધાનો વિચાર નાખીને મોટેરાઓ તેમને બહુ નુકસાન કરી રહ્યા છે.
 
પરીક્ષા પરિશ્રમને ગૌણ બનાવીને, લક્ષને મહત્ત્વનું બનાવી દે છે; પરીક્ષા સાધન કરતાં સાધ્યને, પ્રયત્ન કરતાં પરિણામને વધુ મહત્ત્વ આપે છે. તે યેનકેનપ્રકારેણ પાસ થવાના, સફળ થવાના short cut તરફ અને કેટલીકવાર તો ગેરરિતી તરફ પણ લઈ જાય છે. પરીક્ષા બાળકના નિર્દોષ મનને દૂષિત કરે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે.
 
તેથી આ પત્ર દ્વારા યુવાન મિત્રોને સલાહ તો નથી આપતો પણ પરીક્ષા તરફ સ્વસ્થ અભિગમ અપનાવવા અપીલ કરું છું. પરિશ્રમ જરૂર કરો, આયોજન પણ કરો પણ પરીક્ષાનો ભય મનમાંથી કાઢી નાખો. પરિશ્રમ કરો પરંતુ પ્રસન્ન રહો. બાકી પ્રભુ પર છોડી દો. સાચી મહેનત કદી નિષ્ફળ જતી નથી તેવો વિશ્ર્વાસ રાખો.
 
ચલતે ચલતે...
શાળા-કાલેજમાં શીખ્યા પછી પરીક્ષા હોય છે; અનુભવની સ્કૂલમાં પહેલાં પરીક્ષા અને પછી શીખવાનું હોય છે.