ચિઠ્ઠી ના કોઈ સંદેશના ગાયકનો આજે જન્મદિવસ છે…તેમને સાંભળ્યા હશે હવે તેમને વાંચો…

    ૦૮-ફેબ્રુઆરી-૨૦૧૮

 
આજે ભારતના ગઝલ કિંગ જગજીતનો જન્મદિવસ છે. લગભગ 4 દશક સુધી પોતાની ગાયકીથી ગઝલની દુનિયામાં લોકોનું મનોરંજન કરનાર જગજીત સિંહનું જીવન ખૂબ ઉતારચઢાવવાળું રહ્યું હતું. 8 ફેબ્રુઆરી 1941ના રોજ રાજસ્થાનના બિકાનેરમાં જન્મ અને ૧૦ ઓક્ટોબર ૨૦૧૧માં તેમણે વિદાઈ લીધી પણ આ સમયમાં તેમણે આ દુનિયાને એક અમૂલ્ય ભેટ આપી છે અને છે તેમનો અવાજ અને ગઝલ. આવો જગજીત વિશે થોડી વાતો જાણીએ
દુશ્મન ફિલ્મના ગીત ‘ચિઠ્ઠી, ના કોઈ સંદેશ’ના ગાયક જગજીત સિંહ ભલે આજે આપણી વચ્ચે ન હોય પણ આજે તેમનો જન્મ દિવસ છે. ‘ચિઠ્ઠી, ના કોઈ સંદેશ’ અને ‘તુમ ઇતના જો મુસ્કરા રહે હો’ની પંક્તિઓથી શ્રોતાઓનાં હૈયાં તરબતર કરનાર; અને અટલબિહારી વાજપેયીની ‘મૈં ગીત નયા ગાતા હૂઁ’ જેવાં કાવ્યોને સંવેદનાનો સૂર આપ્નાર ગઝલ ગાયક જગજીત સિંઘ ગઝલ સંગીતને લોકોના હ્યદયમાં હંમેશાં ધબકતું રાખ્યું હતુ.
 
8 ફેબ્રુઆરી, 1941ના દિવસે રાજસ્થાનના ગંગાનગરમાં જન્મ. સરકારી કર્મચારી પિતા અમરસિંહ ધીમન, માતા બચ્ચનકૌરના પુત્રને બાળપણથી સંગીતનું આકર્ષણ હતું. પિતા એની લગનને સમજ્યા. પ્રજ્ઞાચક્ષુ પં. છગનલાલ વર્મા અને પછી સૈનિયા ઘરાનાના ઉસ્તાદ જમાલખાન પાસે તાલીમ અપાવી. ખયાલ, ઠુમરી અને ધ્રુપદ ગાયકીમાં હથોટી કેળવી. 1965માં કામની શોધમાં મુંબઈ આવ્યા, પેઇંગ ગેસ્ટ બનીને રહ્યા. પણ આ તો માયાનગરી, પેટિયું રળવા રેડિયો ઉપર જાહેરખબરોનાં જિંગલ ગાયાં, લગ્ન સમારંભોમાં પણ ગાયું, એ દરમિયાન ઘરભંગ થયેલાં ચિત્રા દત્ત સાથે જિંગલ ગાતાં જ પરિચય થયો, પ્રણય થયો અને ચિત્રા દત્ત 1969માં ચિત્રા સિંહ બન્યાં. ગરીબી તો સતાવતી જ હતી, એક ‚મના મકાનમાં વિવેકનો, 1971માં જન્મ થયો ત્યારે હાલત એવી કે વીસ દિવસના દીકરાને તેડીને ચિત્રાએ, પેટ ખાતર, જિંગલ ગાવું પડેલું.
મલ્લિકા પુખરાજ, મહેંદી હસન, નૂરજહાં, બેગમ અખ્તર અને તલત મહેમૂદના ગઝલ ગાયકીમાં સિક્કા પડતા એ 1970ના દશકમાં જ દૂર ક્ષિતિજેથી હવા પર ચઢીને હૈયાં ઝણઝણાવતો એક સૂર સર્વત્ર વ્યાપી ગયો. 1976માં એચએમવીએ પહેલું આલ્બમ ‘અનફર્ગેટેબલ’માં તક આપી અને એ હીટ થઈ ગયું. ત્યારે લોંગપ્લે (એલપી) ડિસ્ક ઉપર સ્થાન મેળવવું કપરું હતું. એ પછી એમણે પાછું વળીને જોયું નથી. એમનાં 80 જેટલાં આલ્બમ પ્રસિદ્ધ થયાં છે, અને તેમાં એક ‘હસ્તાક્ષર’ નામનું ગુજરાતી ગીતોનું આલ્બમ પણ છે.
 
એમને ફિલ્મોમાં પહેલો બ્રેક અજીત મર્ચન્ટે ગુજરાતી ફિલ્મ ‘બહુ‚પી’માં આપ્યો અને પછી પ્રોડ્યુસર સુરેશ અમીને ‘ધરતીનાં છોરુ’માં તક આપી. એ બંનેના ઋણનો એ જાહેરમાં સ્વીકાર કરતા રહ્યા છે. 2001માં ‘માય લાઇફ, માય સ્ટોરી’ ફંક્શનમાં મર્ચન્ટની જ સ્વરરચના ‘રાત ખામોશ હૈ’થી શ‚આત કરીને નવાજ્યા અને સુરેશ અમીનના મૃત્યુ પછી વડોદરામાં કોન્સર્ટ યોજીને શ્રદ્ધાંજલિ આપી. વડોદરામાં જ, મહદંશે ડા. ભરત ગોસ્વામી આયોજિત એક કાર્યક્રમ વખતે, ડિસેમ્બર મહિનામાં વાદળ જોઈને બોલી ઊઠ્યા : ‘બારિશ હોગી’ અને ખરેખર વરસાદ પડ્યો. એમનું પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય અહીં છતું થયું. ડા. ભરત ગોસ્વામીના ભત્રીજાની એક ફિલ્મમાં એક ગીત માટે કહેતાં જ - ‘અરે! ભરત, દોસ્તી ભી કોઈ ચીજ હોતી હૈ’ કહીને એક પૈસો લીધા વિના ગીત ગાયું હતું. કવિ-એન્કર શોભિત દેસાઈ એમનો ગઝલપ્રેમ વ્યક્ત કરતાં યાદ કરે છે કે એન્કરિંગના કારણે કાવ્યરચના ભુલાઈ ગઈ એ જાણીને બોલ્યા: ગાલિબ એન્કર નહીં થે, સિર્ફ શાયર થે, પર દોસોં સાલ બાદ ભી જીવિત હૈં, એન્કર સબ ચલે ગયે...’ રાજપથ ક્લબ (અમદાવાદ)માં ગઝલ સિમ્ફનીનો પહેલો પ્રયોગ ર્ક્યો. અમદાવાદ જ કેમ? કારણ કે ગુજરાતે હજી લોકસંગીત ધબકતું રાખ્યું છે.
 
જગજીત પ્રયોગશીલ હતા. ‘ઇન્સાઇટ’ આલ્બમમાં નિદા ફાજલીના દોહા ગાયા, તો ‘સજદા’ અને ‘ફેસ ટુ ફેસ’માં ગઝલમાં કોરસનો પ્રયોગ કર્યો. ‘સજદા’ લતા મંગેશકર સાથે કરેલું. ગુલઝાર સાથે તો મિરઝા ગાલિબ સહિત ઘણાં આલ્બમ કર્યાં છે. એમણે પરંપરાગત વાદ્યો ઉપરાંત ગઝલ ગાયકીમાં ડબલ બાસ, ગિટાર, પીયાનોનો પ્રયોગ કર્યો. તબલા સાથે આક્ટોપેડ, સારંગીને બદલે વાયોલિન, હાર્મોનિયમને બદલે કી-બાર્ડ પણ એમની જ દેન છે. ક્લાસિકલ ગઝલો ગાઈ, પણ લોકમાનસને હલબલાવતી હળવી નજમો પણ બનાવી અને ગાઈ. ગઝલને ફિલ્મી ઢબમાં પણ ઢાળી બતાવી. ચિત્રા સાથે લંડનમાં પહેલું ડિજીટલ રેકોર્ડિંગ દ્વારા ‘બિયોન્ડ ટાઇમ’ આલ્બમ બનાવ્યું.
 
ભરચક ભીડ વચ્ચે પણ એકાંતિક શાંતિનો અનુભવ કરાવતી એમની ગાયકીમાં સંવેદનાના સૂર રેલાતા હતા. એમનાં ગીતોમાં સામાન્ય માનવીના જીવનનો પડઘો હતો. ગાયકી શાસ્ત્રીય અને લોકગીત બંને સાથે જોડાઈને આત્મા સાથે અનુસંધાન સાધતી હોવાનું ગુલઝાર કહે છે.
 

 
 
તેમના વિષે થોડી વાતો…
 
# જગજીત સિંહનું નામ જગજીવન સિંહ હતું.
# પિતા ઇચ્છતા હતા કે તે એન્જિનિયર બને.
# જગજીત સિંઘે ઓલ ઇન્ડિયા રેડિયો જલંધરમાં એક સિંગર અને મ્યુઝિક ડિરેક્ટરના રૂપમાં કામ શરૂ કરી દીધું.
# પછી તેમણે કુરુક્ષેત્ર યુનિવર્સિટી હરિયાણાથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.
# પંડિત છગનલાલ મિશ્રા અને ઉસ્તાદ જમાલ ખાન પાસેથી ક્લાસિકલ સંગીતની તાલીમ લીધી હતી.
# બંગાળી યુવતી ચિત્રા દત્તા સાથે થઈ અને બંનેએ 1969માં લગ્ન કરી લીધાં.
# 1976માં 'The Unforgettable' રિલીઝ થયો,આ આલબમની ગીત બાત નીકલેગી ખૂબ જ પસંદ કરવામાં આવ્યું
# 1980માં રિલીઝ થયેલું 'વો કાગઝ કી કશ્તી' તે તેમનું બેસ્ટ સેલિંગ ગઝલ આલબમ બની ગયું હતું.
# પ્રેમ ગીત, અર્થ, જિસ્મ, તુમ બીન, જોગર્સ પાર્ક જેવી હીટ ફિલ્મોમાં પણ કામ કર્યુ.
# તેમના દીકરા વિવેકનું માત્ર 18 વર્ષની ઉંમરે જ એક માર્ગ અકસ્માતમાં નિધન થઈ ગયું,
# વર્ષ 2003માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
# 23 સપ્ટેમ્બર 2011ના રોજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ખૂબ જ બગડી ગઈ હતી અને જગજીત સિંહ કોમામાં ચાલ્યા ગયા હતા. 10 ઓક્ટોબર 2011ના રોજ જગજીત સિંઘે છેલ્લા શ્વાસ લીધા હતા.