કોણ છે લિંગાયતો ? હિન્દુ લિંગાયતો હવે અહિન્દુ? હિન્દુ સમાજ તોડનારા લોકો આ પ્રશ્ર્નોના જવાબ આપે

    ૨૯-માર્ચ-૨૦૧૮

 
કર્ણાટકમાં લિંગાયત પંથના હિન્દુઓને હિન્દુઓથી અલગ કરી એક નવા ધર્મનું સ્ટેટસ આપવાની ઘટનાએ ગત અઠવાડિયે રાજકીય અને સામાજિક ક્ષેત્રે ભારે ચકચાર જગાવી. ખરેખર તો આ ખેલ એ હિન્દુઓને તોડવાનો ખેલ છે, જે વરસોથી ખેલાતો આવ્યો છે. આ આખો કોણ ખેલી રહ્યું છે ? આવો સમજવાની કોશિશ કરીએ…
કર્ણાટકમાં લિંગાયત પંથના હિન્દુઓને હિન્દુઓથી અલગ કરી નાખવામાં આવ્યા. આ કોણ છે જે લિંગાયતોને અહિન્દુ જાહેર કરી હિન્દુ સમાજને વેતરવા માંગે છે ?
 
આવું પહેલીવાર નથી બન્યું. દેશને તોડવો હોય તો પહેલા હિન્દુ સમાજને તોડવો પડશે તેવી નીતિ લઈ હિન્દુ સમાજને તોડવાના લગાતાર પ્રયત્નો થયા છે... પહેલા જુવો એક ઝલક
 
#1 સૌથી પહેલો પ્રયત્ન મુસ્લિમ આક્રમણખોરોએ હિન્દુઓનું ધર્માંતર કરાવ્યું. તેના પરિણામે દેશ તૂટ્યો અને પાકિસ્તાન નામનો તદ્દન નવો દેશ બન્યો.
 
#2 તે પછી ખ્રિસ્તી પાદરીઓએ હિન્દુઓનું ધર્માંતરણ કરાવી સમાજને તોડ્યો જેના પરિણામે અલગ ક્રાઈસ્ટ લેન્ડની માંગ આ દેશમાં શરૂ થઈ.
 
#3 અંગ્રેજોના ઇશારે ટ્રમ્પ નામના પાદરીએ શીખ ધર્મ સ્વીકાર્યો અને શીખોના મનમાં ઠસાવ્યું કે શીખો હિન્દુ નથી, શીખ ધર્મ હિન્દુથી અલગ ધર્મ છે. તે પછી અલગ શીખીસ્તાનની માંગ શરૂ થઈ.
 
#4 બ્રિટીશ શાસન દરમ્યાન અંગ્રેજોએ પંજાબના શિખોને, તમિલનાડુના તમિલોને અને જંગલમાં રહેતા વનવાસીબંધુઓને ઉશ્કેરી પોતાને અહિન્દુ જાહેર કરવાની માંગ કરાવડાવી.
 
#5 કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસી સરકારે જૈનો અને બૌદ્ધોને હિન્દુમાંથી અલગ કરી અહિન્દુ બનાવ્યા.
 
#6 હવે કોંગ્રેસે કર્ણાટકમાં શીવભક્ત એવા લિંગાયતોને અહિન્દુ જાહેર કર્યા છે. શું કોંગ્રેસ સત્તા મેળવવા હિન્દુ સમાજને તોડ્યા જ કરશે ? અને આપણે જોયા જ કરીશું ?
 

 
હિન્દુ સમાજ તોડનારા લોકો આ પ્રશ્ર્નોના જવાબ આપે
 
આ મુદ્દાઓ પર એકવાર નજર નાંખશો તો કોંગ્રેસની આખી ચાલ સમજાઈ જશે
 
# ૧૯૭૮માં ભુટ્ટોને અહમદિયા મુસલમાનોને કાયદા દ્વારા નોન-મુસ્લિમ જાહેર કરી દીધેલા. તો શું આ દેશમાં પાકિસ્તાનનું ઉદાહરણ લઈને કોઈ ભારતીય નાગરિક સરકારમાં અરજી કરે કે, અહમદિયાઓને નોન મુસ્લિમ જાહેર કરવા જોઈએ, તો શું કોંગ્રેસ સરકાર કર્ણાટક જેવો જ નિર્ણય કરશે ? આ દેશમાં રહેતા અહમદિયા મુસ્લિમોને બિન-મુસ્લિમ જાહેર કરી શકશે ?
 
# શીરડીના સાંઈબાબાના મુસ્લિમ કનેક્શનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હવે પછી સાંઈબાબાના ભક્તોને પણ અહિન્દુ જાહેર કરે તો ?
 
# તે જ રીતે સંત કબીરના મુસ્લિમ કનેક્શનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ કબીરપંથીઓને પણ અહિન્દુ જાહેર કરે તો ?
 
# આજે શિવ ભક્તોનો વારો તો શું આવતીકાલે રામભક્તો અને કૃષ્ણ ભક્તોને પણ અહિન્દુ ઘોષિત કરવાની બદતમીજી કોંગ્રેસ કરશે ? 
# હિન્દુત્વ વિશે સુપ્રીમ કોર્ટ
 
તામિલનાડુમાં પરંપરાગત રૂપે બ્રાહ્મણો જ પૂજારી બને છે, પરંતુ તમિલ સરકારે કાયદો બનાવી ગેરબ્રાહ્મણોને પૂજારી બનાવવાનો માર્ગ પ્રશસ્ત કર્યો. આ નિર્ણયને મીનાક્ષી મંદિરના પૂજારીઓએ કોર્ટમાં પડકારેલો. આના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે તા. ૧૬/૧૨/૧૫ના રોજ જસ્ટીસ રંજન ગોગોઈ અને એન.ડી. રમન્નાની ખંડપીઠે કહ્યું કે, "એક ધર્મના રૂપે કોઈ એક વિચારને હાંસિયામાં ધકેલ્યા કે ચૂંટ્યા વગર તમામ પ્રકારના વિચારોને હિન્દુત્વ પોતાનામાં સ્થાન આપે છે. આ એક એવો ધર્મ છે કે જેનો કોઈ આદ્યસ્થાપક નથી. તેનો કોઈ ધર્મગ્રંથ નથી તેને સનાતન ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. તે સદીઓની નિષ્પત્તિ છે અને હિન્દુત્વ તેનો જ પ્રચાર પ્રસાર કરે છે.
 
# સિદ્ધારમૈયાએ પોતાના વિશે શું કહ્યું હતું ?
 
કર્ણાટકના કોંગી સીએમ સિદ્ધારામૈયાએ મૈસુરમાં તા. ૧૬ જુલાઈ, ૨૦૧૭ના રોજ કહ્યું હતું કે, ‘ભાજપ કર્ણાટકમાં ધ્રુવિકરણનો પ્રયાસ કરે છે, પણ હું પણ હિન્દુ છું. મારું નામ શું છે ? મારું નામ સિદ્ધારમૈયા છે. (મારા નામમાં રામ છે) હું ૧૦૦% હિન્દુ છું.
# મુસ્લિમોના પહેલા પયગંબર શંકર ભગવાન છે : મુફતી મોહંમદ ઇલિયાસ
 
જમિયત ઉલેમાએ હિંદના મુફતી મોહંમદ ઇલિયાસે તા. ૧૯-૨-૧૫ના રોજ નિવેદન કર્યું હતું કે આપણા બધાનો મુળ પુરુષ આદમ છે. મુસ્લિમો તેને આદમ કહે છે અને હિન્દુ તેને શંકર કહે છે. માટે મુસ્લિમોના પહેલા પયગંબર શંકર ભગવાન છે. ઇલિયાસે કહ્યું કે હિન્દુસ્થાનમાં રહે તે બધા હિન્દુ કહેવાય. અમે મુસ્લિમો પણ એ રીતે હિન્દુ જ કહેવાઈએ. એક મુસ્લિમ ધર્મગુરુ ભગવાન શંકરને પયંગબર માનતા હોય તો શંકરને ભગવાન માનવાવાળાને અહિન્દુ કેવી રીતે ઘોષિત કરી શકાય ?
 
હિન્દુ સમાજ તોડવાની રાજનીતિ
 
કર્ણાટકમાં લિંગાયત પંથના હિન્દુઓને હિન્દુઓથી અલગ કરી એક નવા ધર્મનું સ્ટેટસ આપવાની ઘટનાએ ગત અઠવાડિયે રાજકીય અને સામાજિક ક્ષેત્રે ભારે ચકચાર જગાવી. ખરેખર તો આ ખેલ એ હિન્દુઓને તોડવાનો ખેલ છે, જે વરસોથી ખેલાતો આવ્યો છે. આ આખો ખેલ કોંગ્રેસ ખેલી રહી છે એ સર્વવિદિત છે.
 
આ મેલી રમતના આરંભથી વાત કરીએ તો આ દેશમાં અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ સૌથી પહેલાં અપનાવી હતી. બ્રિટીશ ઈતિહાસકારો દ્વારા ‘વૈદિક ધર્મ’નો ઉલ્લેખ ‘હિન્દુ ધર્મ’ તરીકે કરવાનું શરૂ થયું ત્યારથી જ ભારતીય ભોળી પ્રજાઓના ભાગલા પડવાનું શરૂ થઈ ગયું હતું. એના કારણે જ તેઓ આટલાં વર્ષો સુધી રાજ કરી શકયા. ક્રૂર અંગ્રેજોની એ નીતિ કોંગ્રેસે પણ અપનાવી છે. રાજકીય ક્ષેત્રે જન્મથી જ કોંગ્રેસ સમાજને તોડીને રાજ કરવાનો ખેલ ખેલી રહી છે. દેશની જનતાને જાતિ-જ્ઞાતિમાં વહેંચી, ધર્મના વાડામાં કેદ કરીને, તેમને ક્ષણિક અને ક્ષુલ્લક લાભના લોલીપોપ આપીને કોંગ્રેસે આ ખેલ આઝાદી કાળથી જ ખેલ્યો છે. શાસન મળ્યા બાદ પણ આ રમત કોંગ્રેસે ચાલુ જ રાખી હતી. એ પછી શીખો હિન્દુ નથી તેવા ખેલ શરૂ થયા. મિ. ટ્રમ્પ અને બીજા એક પાદરી દ્વારા શીખ ધર્મોનો અભ્યાસ કરવામાં આવ્યો. તેમાં તેમને કંઈ ગતાગમ ના પડી એટલે શીખ નિષ્ણાતોની સલાહ લેવામાં આવી. બદ્નસીબે એ કહેવાતા નિષ્ણાતોને પણ એ ગ્રંથોના અર્થઘટન ખબર નહોતી. આથી ધર્મપરિવર્તનકારીઓને ફાવતું જડી ગયું. તેમણે એ શીખસંપ્રદાયના ધર્મગંથોનું એવું અર્થઘટન કર્યું કે લોકોને ભરમાવી દીધા. કહ્યું કે, ‘શીખ તો શીખ છે, એ હિન્દુ નથી.’ તેથી શીખોએ લઘુમતી ધર્મ તરીકેની માન્યતાની માંગણી કરી. આ રીતે શીખોને હિન્દુઓથી અલગ કરવામાં આવ્યા. એ પછી આ દેશમાં આ પ્રકારની કૂટનીતિઓ ચાલતી જ રહી. દ્રવિડોને ભરમાવવામાં આવ્યા કે તમે લોકો હિન્દુ નથી, માત્ર દ્રવિડ છો, ભોળા આદિવાસીઓને ભડકાવવામાં આવ્યા કે તમે હિન્દુ નથી, તમે પ્રકૃતિપૂજક છો. એ પછી બૌદ્ધો અને પછી જૈનોનો વારો આવ્યો. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના લોકો વેદોમાં માનતા ના હોવાથી બિનવૈદિક ધર્મો છે તેમ કહીને તેમને હિન્દુઓથી જુદા પાડી લઘુમતીનો દરજ્જો આપવાનો પેંતરો થયો. દલિતોમાં પણ મહાદલિતની પરંપરા ઘુસાડવા પેંતરા થયા. એક પછી એક અનેક ધર્મ, સંપ્રદાયના લોકોને આ રીતે તોડવામાં આવ્યા.
 
લગભગ દરેક પ્રદેશમાંથી જાકારો પામતી કોંગ્રેસ હવે હત્પ્રભ થઈ ગઈ છે અને ૨૦૧૯માં "કોંગ્રેસમુક્ત ભારત થઈ જવાના ડરથી ફરીવાર સત્તાલાલસામાં કોંગ્રેસ એ જ ખેલ ખેલી રહી છે. કર્ણાટકમાં લિંગાયતને હિન્દુમાંથી અલગ કરી, હિન્દુઓ વચ્ચે ફાંટા પાડી રાજ કરવાની જ એક કૂટનૈતિક ચાલ છે.
 
તાજેતરમાં કર્ણાટકની કોંગ્રેસી સરકારે લિંગાયત પંથના હિન્દુઓને હિંદુઓથી એક અલગ ધર્મમાં સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. તે નિર્ણયની પાછળ રાજકીય સાઠમારી છે. કર્ણાટકમાં કુલ લિંગાયત પંથની આબાદી ૧૭ ટકા છે. લિંગાયતો મહારાષ્ટ્રમાં પણ ફેલાયેલા છે, ત્યાં તેમનું પ્રમાણ વસતીના છથી સાત ટકા જેટલું છે. આ પંથના કેટલાક ફિરકાઓ લિંગાયતોને લઘુમતીનો દરજ્જો આપવાની વર્ષોથી માગણી કરી રહ્યા હતા. કર્ણાટકના કોંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધરામૈયા ચૂંટણી જીતવા માટે તરેહ તરેહનાં છળકપટ અને પેંતરા અજમાવી રહ્યા છે. લોકોની જૂની ભાવનાઓને ભડકાવી રહ્યા છે. કર્ણાટક ગૌરવને જાગ્રત કરવા એમણે કર્ણાટકનો અલગ રાજ્યધ્વજ તૈયાર કરાવીને કેન્દ્રની ભાજપ સરકારની મંજૂરી માટે મોકલ્યો છે.
 

 
કોંગ્રેસે કઈ રીતે પાર પાડ્યો ખેલ ?
 
આઝાદી બાદ કર્ણાટકના રાજકારણમાં લિંગાયત સમુદાયનું વર્ચસ્વ રહ્યું છે. રાજ્યમાં સરકાર બનાવવામાં લિંગાયત વોટબેન્કનો ઉપયોગ કરાય છે. શરૂઆતમાં આ સમુદાય કોંગ્રેસની તરફેણમાં મતદાન કરતો હતો. જો કે ૧૯૮૯માં એક વિવાદના કારણે રાજીવ ગાંધીએ કર્ણાટકના તત્કાલીન મુખ્યમંત્રી વિરેન્દ્ર પાટીલને સત્તાથી દૂર કર્યા ત્યારે લિંગાયત સમુદાય કોંગ્રેસનો સાથ છોડીને જનતા દળના રામકૃષ્ણ હેગડેના સમર્થનમાં આવી ગયો. હેગડેના નિધન બાદ યેદિયુરપ્પા લિંગાયત સમુદાયના નેતા બન્યા. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની કોંગ્રેસી સરકારના ગૃહમંત્રીએ ૨૦૧૩માં લિંગાયતોની આ પ્રકારની માંગણી સ્વીકારી શકાય તેમ નથી એમ સ્પષ્ટ કહી લિંગાયતોની માગણી નકારી કાઢી હતી. પરંતુ આજે માત્ર ને માત્ર રાજકીય લાભ ખાંટવા માટે જ કોંગ્રેસીઓ આ કાર્ડ ખેલી રહ્યા છે. કર્ણાટકની વસતીમાં વીરાશૈવ-લિંગાયતનો હિસ્સો આશરે ૧૬ ટકા જેટલો છે. લિંગાયતો છેલ્લા ચાર દાયકાથી તેમને અલગ દરજ્જો મળે તેની માગ કરતા હતા. ૨૦૧૭માં બંને જૂથો ફરી કોંગ્રેસી મુખ્યમંત્રી પાસે તેમની માગણી લઈને ગયા ત્યારે સિદ્ધારમૈયાની દાઢ સળકી અને આ જ મુદ્દે હિન્દુઓમાં ફાંટા પાડી ફરી એક વાર રાજ કરવાનું સપનું જોવા લાગ્યા.
 
આ સપનું સાકાર કરવા સિદ્ધરમૈયાએ ડિસેમ્બરમાં નિષ્ણાતોની બનેલી નાગમોહનદાસ સમિતિ રચી. સાત સભ્યોની બનેલી આ સમિતિનું વડપણ હાઈકોર્ટના નિવૃત્ત જજ એચ. એન. નાગમોહનદાસે કર્યું હતું. આ સમિતિએ ૨ માર્ચ ૨૦૧૮ના રોજ તેનો અહેવાલ સરકારને સુપરત કર્યો હતો. હકીકતમાં તો આ સમિતિએ કોંગ્રેસીઓની બદદાનતને માફક આવે તેવો જ અહેવાલ આપવાનો હતો. તેથી સમિતિએ એવી જ ભલામણ કરી કે લિંગાયતને હિન્દુ ધર્મમાંથી અલગ કરવામાં આવે. પોતાના મનનું ધાર્યું થતાં કોંગ્રેસીઓ ગેલમાં આવી ગયા અને કર્ણાટકના કાયદાપ્રધાન ટીબી જયચન્દ્રએ નાટક કરતાં કહ્યું કે, "વિવિધ મુદ્દે કેબિનેટમાં બે દિવસ સુધી ચર્ચા કરીને અમે નક્કી કર્યું છે કે નાગમોહનદાસ સમિતિની ભલામણ સ્વીકારવી. સમિતિએ ભલામણ કરી હતી કે લિંગાયતોને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવો જોઈએ. લિંગાયતોએ તેમને અલગ દરજ્જો મળે તે માટે રજૂઆત કરી હતી જ્યારે પરંપરાગત રીતે ભાજપને ટેકો આપતાં વીરાશૈવોએ અલગ દરજ્જા માટે માગણી કરી નહોતી. કર્ણાટક - ભાજપના પૂર્વમુખ્યમંત્રી યેદુરપ્પા પોતે લિંગાયત પંથના હોવાથી કોંગ્રેસે તેમની સામે જ લિંગાયત કાર્ડ ખેલીને ભાજપને સાણસામાં લેવાનો પ્રયત્ન કર્યો છે. આમ કોંગ્રેસે લિંગાયતોના મતો મેળવવા માટે આખીયે શતરંજ ગોઠવી દીધી. કોઈ પણ રાજ્યની સરકાર કોઈ સંપ્રદાયને લઘુમતી ધર્મ તરીકે માન્યતા આપી દે એટલે તે આપોઆપ કાયદાની દૃષ્ટિએ લઘુમતી ધર્મ બની નથી જતો. તે માટે કેન્દ્ર સરકારની મંજૂરી પણ જ‚રી હોય છે. કર્ણાટક સરકારે લિંગાયતને ધર્મ તરીકે માન્યતા આપીને પોતાનો દાવ ખેલી દીધો છે. મુદ્દો હવે કેન્દ્રમાં સરકારના હાથમાં છે. જો ભાજપ તેની નીતિ મુજબ હિન્દુ પ્રજામાં ભાગલા પાડવાનો ઇનકાર કરીને લિંગાયતને ધર્મ તરીકે માન્યતા આપવાનો ઇનકાર કરે તો લિંગાયત નારાજ થાય અને જો ભાજપ લિંગાયતને ધર્મ તરીકે માન્યતા આપી દે તો સિદ્ધારમૈયાને જશ મળી જાય તેમ છે. શું થશે તે સમય જ બતાવશે પણ કોંગ્રેસની મેલી મુરાદ છે એ નક્કી છે.
કોણ છે લિંગાયતો ?
 
લિંગાયતોની અલગ ઓળખની માંગણી કરનાર નિવૃત્ત આઈએએસ અધિકારી એસ. એમ. જામદારે જણાવ્યું હતું કે લિંગાયતનો ઉલ્લેખ ૧૮૭૧માં કરવામાં આવેલી વસતી ગણતરીમાં પણ જોવા મળે છે, પરંતુ બાદમાં ૧૮૮૧ની વસતી ગણતરીમાં તેમને હિન્દુઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. ૨૦૦૪ અને ૨૦૧૩માં પણ લિંગાયત માટે અલગ કોડની માગણી કરવામાં આવી હતી, પરંતુ તેમની વીરાશૈવા-લિંગાયત સંપ્રદાયને માન્યતા આપવાની માગણીને નકારી કાઢવામાં આવી હતી. બસવન્નાએ સ્થાપેલા સંપ્રદાયને લિંગાયત ગણવામાં આવે છે જ્યારે વીરાશૈવા તો એક જૂથ છે જે ૧૭મી સદીમાં અમારી સાથે જોડાયું હતું. લિંગ એટલે શિવના તેઓ ઉપાસક છે તેથી આ પંથના લોકો લિંગાયત કહેવાય છે. લિંગાયતમાં પણ ઘણા પેટાપંથ છે. તેમાંનો એક વીરશૈવ ફાંટો છે. બારમી સદીમાં બસવન્ના નામના સમાજસુધારક સંત થઈ ગયા. એ બ્રાહ્મણકુળમાં જન્મ્યા હતા પણ જ્ઞાતિ અને જાતિપ્રથાના વિરોધી હતા એમણે પરંપરાગત પૂજા અને વિધિ પણ માન્ય રાખી નહોતી. એમણે ઘણાં વચનો (કાવ્યો)ની રચના કરી છે, જેમાં જ્ઞાતિપ્રથાની નાબૂદી અને સ્ત્રીશક્તિને સન્માન આપવાની હિમાયત કરવામાં આવી છે. તેમના અનુયાયીઓના ઘણા ફિરકાઓમાંનો વીરશૈવ ફિરકો ઘણી બધી હિન્દુ વિધિઓનું અનુસરણ કરે છે જેને બસવન્નાએ માન્ય રાખી નહોતી. આ વીરશૈવ ફિરકો લાંબા સમયથી લઘુમતી તરીકેના દરજ્જા માટે માગણી કરતો હતો. ૨૦૧૩માં મનમોહન સરકાર અને તે અગાઉ કર્ણાટકની હાઈકોર્ટે એમને હિન્દુઓથી અલગ ગણવાનો ઇનકાર કર્યો હતો. તેઓની પૂજાવિધિ બીજા હિન્દુઓથી અલગ છે પરંતુ તેઓનાં પંથની સાથે શૈવ અથવા શિવ નામ જોડાયેલું છે તેથી તેઓને લઘુમતીનો દરજ્જો અપાતો નથી તેવી કેટલાક લિંગાયતોની દલીલ છે. ખરેખર તો લિંગાયત અને શૈવાવીરાઓ હિન્દુઓ જ છે. લિંગાયતોને બસવન્નાએ પણ હિન્દુ ધર્મનાં શીર્ષક હેઠળ સમાવ્યા માત્ર તેઓ અમુક વિધિઓ, પરંપરાનો વિરોધ કરતા હતા, પણ અલગ કરવાની વાત તેમણે કરી નહોતી. હવે તેમને તોડવાનું કામ કોંગ્રેસ કરી રહી છે.


 
 
લિંગાયત બાબતે હિન્દુ શું માને છે ?
 
હિન્દુસ્તાનમાં વૈદિક ધર્મના પ્રાદુર્ભાવ પહેલાં પણ સનાતન ધર્મ અનાદિ કાળથી અસ્તિત્વમાં હતો. હિન્દુ કોઈ ધર્મનું નામ નથી પણ પ્રજાનું નામ છે. સંસ્કૃતિનું નામ છે. ભારતમાં વસતી મહાપ્રજામાં વૈદિક ધર્મ ઉપરાંત જૈન, બૌદ્ધ અને શીખ ધર્મોનો પણ સમાવેશ થતો હતો. હિન્દુત્વની બાબતમાં સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે પોતાના ચુકાદામાં ‘હિન્દુ ધર્મ નથી, પણ જીવન જીવવાની પદ્ધતિ છે.’
 
હિન્દુ ધર્મ દરેક વિચારસરણી, પ્રાર્થનાપદ્ધતિ અને નાસ્તિકોને પણ પોતાનામાં સમાવે છે. એવાં અનેક ઉદાહરણો છે જેમાં લોકો ભિન્ન ભિન્ન રીતે પૂજા-અર્ચના કરે છે. મૂર્તિપૂજકો પણ છે અને તેના વિરોધીઓ પણ હિન્દુમાં છે. દુનિયાના ચિંતકો હિન્દુ વિચારધારાની આ ખૂબીઓની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. હિન્દુઓમાં હજી એવા સેંકડો પંથો છે જેમની અર્ચનાવિધિ ભિન્ન છે, તો શું કોંગ્રેસ તેઓને લઘુમતી જાહેર કરીને, હિન્દુઓનું ગળું ઘોંટી દેશે ? હિન્દુસ્થાનનું પતન નોતરશે ? કોઈ ધર્મને અલગ ધર્મ તરીકે મંજૂર રખાય ત્યારે પછાત તરીકે મળતા લાભો ન મળે પણ કર્ણાટક સરકારે જાહેર કરી દીધું કે, લિંગાયતોને લઘુમતી સંપ્રદાય તરીકે પછાતવર્ગ માટેના બધા લાભો મળશે. આ હકીકત જ બતાવે છે કે, સંપ્રદાયનાં લોકો કરતાં કોંગ્રેસની રાજ્ય સરકારને અલગ દરજ્જો આપવામાં ખાસ રસ છે. આ નિર્ણયથી કર્ણાટકમાં બંને સમુદાયો વચ્ચે સંઘર્ષ પણ થયો છે અને અનેક લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. હવે મહારાષ્ટ્રમાં પણ લિંગાયતો આંદોલન કરવાના છે. તેવા એંધાણ છે.
આ લોકશાહી દેશ કોંગ્રેસી નેતાઓને ભરોસે છોડી શકાય તેમ નથી. સમાજ આ બાબતે જાગૃત થાય તે જરૂરી છે. હિન્દુ સમાજના ભાગલા પાડતાં આવાં તત્ત્વોથી સંપૂર્ણ ભારત મુક્ત થાય એ જ તેનો જવાબ.
 
લેખક - રાજ ભાસ્કર 
સહ-સંપાદક સાધાના સાપ્તાહિક